Featured Books
શ્રેણી
શેયર કરો

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 3-4

3

બ્રહ્મા બ્રહ્મલોકમાં, વિષ્ણુ વૈંકુંઠમાં, શિવ કૈલાશ પર રહે છે.

જીવતે જીવ મનુષ્ય ન બ્રહ્મલોક, ન વૈકુંઠ જઈ શકે. માત્ર કૈલાશ જઈ શકે.

કૈલાશ જવું એટલે એક દેવ-કથામાં જવું...એક દેવ-પર્વત પર જવું.....કૈલાશ જવું એટલે આપણી આદિમ સ્મૃતિમાં જવું.....

મહભારત-રામાયણ આપણાં પુરાતન ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. અર્જુને અહીં તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી પાશુપત અસ્ત્ર વરદાનમાં મેળવ્યું હતું. યુધિષ્ઠિર આ સ્વર્ગમાં સશરીર ગયા હતા. રાવણે અહીં જ શિવની આરાધના કરી હતી. પછી એની આસુરી શક્તિઓની જાણ થવાથી એની પાસેથી વરદાન પાછું લેવાનો ઉપક્રમ પાર્વતી-ગણેશે કરવો પડ્યો. ભસ્માસુરનો કાંડ અહીં જ થયો હતો. સ્પર્શીને ભસ્મ કરી દેવાનું વરદાન લઈ અસુર શિવ પર જ એનો પ્રયોગ કરવા માગતો હતો! આ જ પર્વત શૃંખલાઓમાં ભોળા શંકર જીવ બચાવવા ભાગતા ફરતા હતા. મનસરોવરની પાસેના તળાવને આજે પણ રાક્ષસતાલ કહે છે.

એક પર્વતને, તળાવને ભારતવર્ષના લોકો હજારો-હજારો વર્ષોથી પ્રણામ કરતાં આવી રહ્યાં છે. પ્રાચીન ‘ભારતવર્ષ’ – જે વર્તમાન ભારતથી ક્યાંય વિશાળ હતું. .....

સદીઓથી એની પરિક્રમા કરવામાં આવી રહી છે. એની આસપાસના પર્વતો પર ચડતાં-ઉતરતાં. કૈલાશ પર કદી પગ મૂકવામાં આવ્યો નથી. આ વર્ષે એક દુસ્સાહસી સ્વિસ પર્વતારોહી ટીમે ચીન સરકાર પાસે કૈલાશ પર જવા માટે વિશેષ અનુમતિ લીધી હતી, પછીથી લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીએ અનુમતિ પાછી લઈ લીધી.

આપણાં પૂર્વજોને કેવી રીતે ખબર પડી હશે કે આ પર્વત પૂજનીય છે, એના પર કદી પગ નહીં મૂકવામાં આવે? કૈલાશે પોતે તો નહીં કહ્યું હોય કે હું દેવ છું, વંદનીય છું !!

ઓછામાં ઓછા પાંચ હજાર વરસ જૂનો આપણો સંબંધ તો ગ્રંથો જ બતાવે છે. ભારતીયોને તિબેટ જવા માટે કદી અનુમતિ લેવી નહોતી પડી. જેમ નેપાળ ગયા એમ તિબેટ. રાહુલ સાંકૃત્યાયનની 1920-30ના દશકની યાત્રાઓ એ સમયમાં જ થઈ. આ એક બીજી વાત છે કે આજે આ ક્ષેત્ર ચીનના અધિકારમાં છે. તમે જો સમૂહમાં યાત્રા ન કરી રહ્યા હો તો વિઝા મળવાની સંભાવના નથી.

-તમે ખરેખર જઈ રહ્યાં છો ?

મિત્ર કવિ કૈલાશ વાજપેયીનો ફોન છે.

-ઘણાં વર્ષો પહેલાં મારા એક પરમ મિત્ર પ્રોફેસર યુધિષ્ઠિરને મેં કૈલાશયાત્રામાં ગુમાવ્યા છે....હવે તમે જઈ રહ્યાં છો, સવારથી જ વિચારી-વિચારીને ચિંતાતુર છું.....

-જેમનું નામ જ યુધિષ્ઠિર હતું, એ જો કૈલાશયાત્રાથી પાછા ન આવ્યા તો એમાં આશ્ચર્યની શું વાત છે ?

હું એમની સાથે હસું છું પરંતુ એમનો વર્ષો જૂનો શોક જતો નથી.

વારેવારે કહે છે, સંભાળીને જજો.

 ખૂબ મક્કમ મનથી તૈયારી કરી છે. ઘર બંધ કરી રહી છું ને વિચાર આવી જાય છે.    

જો ખરેખર પાછી ન આવી તો ?

રોકાઈને વસિયત લખું છું. એની એક કોપી માને મોકલીને, બીજી મેજ પર મૂકીને મુક્તમન થાઉં છું.

યાત્રા અને આત્મહત્યા પહેલાં, બને ત્યાં સુધી બધું સ્પષ્ટ હોવું જોઈએ....

4

એક વર્ષ પહેલાંથી જ મારી ઇચ્છા હતી, કૈલાશ જઈશું તો સાગા દાવાના ઉત્સવ પર જ જઈશું. સાગા એટલે શાક્ય. દાવા એટલે ચંદ્ર. શાકયમુનિનો ચંદ્ર ! બુધ્ધપુર્ણિમા.

આપણાં અને તિબેટના કેલેંડરમાં એક માહિનાનું અંતર હોવાને કારણે ભારતમાં બુદ્ધપુર્ણિમાનો ઉત્સવ ઉજવાય, તે પછી એક મહિને સાગા દાવા ઉજવવામાં આવે છે. એક દિવસ નહીં, આખા એક મહિનાનો કૃતજ્ઞતા-ઉત્સવ ! આખો મહિનો પવિત્ર છે. પ્રાર્થનાઓ અને પરિક્રમાઓ થાય છે, ખાસ કરીને કૈલાશ પર્વતની. હિન્દુઓ-બૌધ્ધો માટે કૈલાશના દર્શન પુણ્યકારી છે, આ માહિનામાં થઈ જાય તો એનો લાભ અલગ.

એક વરસથી ટ્રાવેલ એજન્સીને સાગા દાવા ઉત્સવની તારીખોમાં યાત્રા કરવાની પૂર્વસૂચના આપી દીધી હતી. જવાનો સમય આવ્યો તો ખબર પડી, પરમિટ નથી મળી.  સાગા દાવા ઉત્સવને કારણે ત્યાં બહુ વધારે તીર્થયાત્રી, વિદેશી સહેલાણીઓ પહોંચી ગયાં હતાં. હવામાન ખરાબ થઈ ગયું. હવે જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળે નહીં, વધારે પરમિટ આપવામાં નહીં આવે. આમ પણ ચીન સરકારને નેપાલને રસ્તે આવનારા ભારતીય સમૂહો માટે વિશેષ ઉત્સાહ હોતો નથી.

દુનિયા જાણે છે, ચીન સાથેના આપણાં સંબંધ કૂટનીતિક ઓછા, કટુ વધારે છે.

આગળના દસ દિવસ ટ્રાવેલ એજન્સીને કેટલીય વિનંતિઓ અને કેટલાય ચક્કર કાપ્યા પછી જે બપોરે અમે આશા છોડીને પાછા ફરી રહ્યાં હતાં ત્યાં હેમંતજીનો ફોન આવ્યો.

-તમે લોકો કાલે સવારે જવા તૈયાર છો ?

નિમંત્રણ આવી જાય પછી કોણ રોકાઈ શકે ?

ઉન્માદ અને અડધી-પડધી તૈયારી વચ્ચે જ રિનપોછેને ફોન કરું છું. ક્યાંક એક વિશ્વાસ છે. એમની સાથે વાત થઈ જશે તો બધું બરાબર થઈ જશે.

-કાલે કૈલાશ – માનસરોવર જઈ રહી છું.

-અચ્છા ?

અવાજ એકદમ કોમળ થઈ ગયો..તિબેટ...એમનો દેશ...

વીસ વર્ષની વયમાં છોડવો પડ્યો હતો. આટલા બધાં લોકો તિબેટ જાય છે, એ જઈ શકતા નથી. ચીન સરકાર સામે સત્યાગ્રહ કરી રહ્યા છે. જે દિવસે જશે, બધાં તિબેટી દલાઇ લામાની આગેવાનીમાં તિબેટ પાછા જશે.

શું આ શક્ય બનશે ?

કેવું છે હૃદય આ નિર્વાસિતોનું. જે વાતની સાવ ધુંધળી આશા છે એને માટે પ્રાર્થનાઓ કરે છે, અનશન, પ્રદર્શન, ક્યારેક ક્યારેક આત્મદાહ પણ.

-નિર્મલજી માટે.

-‘જરૂર જાવ’....એમને ખબર છે, હું શું સાંભળવા માગું છું.

-તમારી યાત્રા સફળ થાય, મારા આશીર્વાદ છે, તમને મહાદેવજીના, ઉમાજીના દર્શન થાય !

મારા ધબકારા વધી જાય છે.

-શું એ શક્ય છે ?

હા, હા કેમ નહીં? એ તો તમારા ઉપર છે કે તમે એમને ઓળખી શકો છો કે નહીં.

-     તો મારા માટે એ જ પ્રાર્થના કરજો કે હું એમને ઓળખી શકું.....

-     જરૂર.

થોડા અટકીને કહે છે, નિર્મલજીએ ઉપયોગમાં લીધેલી કોઈ વસ્તુ સાથે લઈ લેજો.....

-જી !

બીજું કશું કહેતાં નથી. થોડો અંદાજ એમને છે. જઈ રહી છે તો તૈયારી કરીને જ જતી હશે......

આ સૌથી મુશ્કેલ ઘડી છે.   

નિર્મલે પહેરેલું છેલ્લું વસ્ત્ર કાઢવું....ડોક્ટરે કતારથી કાપીને એના શરીરથી અલગ કર્યું હતું....

નિર્મલ...

રાતે બે વાગે વસ્ત્ર હાથમાં લઈને એકલી બેઠી છું, જાણે અત્યાર સુધી પૂરી વિદાય આપી નહોતી. હવે ખરેખર વિખૂટા પડવાની ઘડી આવી ગઈ છે......

એમને જવાદો, પ્લીઝ....એમનું જવાનું અઘરું ન કરો.
ડોક્ટરે કહ્યું હતું, દોઢ વરસ પહેલાં, તે રાતે.....  
હું વારંવાર મારો હાથ એમના હૃદય પર મૂકી દેતી હતી, પ્રાર્થના કરતી અને એમનું ડૂબતું હૃદય થોડુક ઉપર આવવા લાગતું હતું. મોનિટરની બધી લાઈનો શૂન્ય થઈ ગઈ હતી..જરાક જેવું બ્લડપ્રેશર બચ્યું હતું.
-આવું ન કરો ....તમને ખબર છે, તમે શું કરી રહ્યાં છો ?
તમે એને જવા નથી દઈ રહ્યાં, અને એમનું શરીર એમને આવવા નથી દેતું.....
નિર્મલ....
એક પેકેટમાં બધાથી અલગ મૂકી દીધું છે, નિર્મલનું અંતિમ વસ્ત્ર, દારજીની દસ્તાર (પાઘડી). હજી સુધી એમની ગંધ એમાં છે ! માની ઓઢણી, કનુની નોટનું એક પાનું...માઈ નેઇમ ઇઝ તનુપ્રીત કૌર....એણે લખ્યું હતું. સોળ વરસ વીતી ગયાં...છોકરીના હસ્તાક્ષર એવાં ને એવાં છે.
એમની રક્ષા કરજે મા.
અને રિનપોછે ?
તિબેટીઓની સૌથી મોટી તીર્થયાત્રા...કેટકેટલી પરિક્રમાઓ કરે છે આ લોકો.
એ તો કોઈને કહેશે નહીં. 
કેવી રીતે નીકળ્યા હતા પોતાના દેશમાંથી. કયારેક પગપાળા, ક્યારેક ઘોડા પર. આખો મહિનો પહાડોમાં સંતાતા સંતાતા. ત્યારે માંડ ભારતની સરહદ દેખાઈ હતી. ત્યારે પણ આશંકા એ જ કે ચીની આવી જશે, પકડી લેશે, મારી નાખશે....
છે તો ! ઘણાં વર્ષો પહેલાં એમના નખનો એક ટુકડો માગી લીધો હતો...ઘરેણાંની જેમ સંભાળીને રાખ્યો છે.
ગુલાબી કાગળમાં મારા બટવામાં મૂકી દઉં છું.
પ્રભુ, મારી યાત્રાનો સ્વીકાર કરજે....
·         -