રહસ્યમય અપરાધ - 4 Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય અપરાધ - 4

(ભાગ-૪)

"સાંભળ, હું તને એનું એડ્રેસ મોકલું છું. તું એના વિશે બધી તપાસ કર અને હાથમાં આવે તો અત્યારે જ અહિયાં લેતો આવજે." કહીને સૂર્યાએ રઘુને બીજી પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

ઇન્સ્પેક્ટર સૂર્યા ઘટના બનેલી એ રૂમ નં.૧૬નાં લીધેલા ફોટા કોમ્પ્યુટરમાં ધ્યાનથી જોઈ રહ્યો હતો, ત્યાં જ ફોરેન્સિક લેબ.માંથી ઓફિસર કાર્તિકનો ફોન આવ્યો હતો કે, "સર, ઝેરની શીશીમાં બે અલગ-અલગ વ્યક્તિઓનાં ફિંગરપ્રિન્ટ મળેલાં છે. એક છે મૃતક રોશનીનાં અને બીજા કોઈ અજાણ્યા વ્યક્તિનાં જ છે."

"એમાં રાજેશનાં ફિંગરપ્રિન્ટ નથી..!?" સૂર્યાએ આશ્ચર્યવશ પૂછતાં કહ્યું.

"ના."

"અહિયાંથી એક ગ્લાસ મોકલાવેલો, એમાંથી લીધેલા ફિંગરપ્રિન્ટ મેચ કરીને જુઓ અને મને તાત્કાલિક એનો રિપોર્ટ જાણ કરો." સૂર્યા હવે ફિંગરપ્રિન્ટ જાણવા માટે અધિરો થયો હતો.

"ભલે!" સામેથી જવાબ આવ્યો અને ફોન કપાઈ ગયો હતો. 

થોડીકવાર પછી ફોરેન્સિક લેબ.માંથી ફરી પાછો કાર્તિકનો ફોન આવતા સૂર્યાએ ફોન ઉપાડીને તરત જ પૂછ્યું હતું કે, "એ ગ્લાસનાં અને ઝેરની શીશીમાં રહેલાં બીજા ફિંગરપ્રિન્ટ મેચ થાય છે?"

"ના, શીશી પરનાં ફિંગરપ્રિન્ટ તમે મોકલેલાં ગ્લાસની સાથે નહીં, પરંતુ રૂમનાં દરવાજા પર મળેલાં અલગ અલગ ચાર-પાંચ ફિંગરપ્રિન્ટમાંથી એક સાથે મેચ થાય છે." 

"સારું. બીજી કોઈ અપડેટ મળે તો ફોન કરજો." કહીને સૂર્યાએ ફોન મુકીને આખી ઘટનાને પોતાની રીતે મનમાં ગોઠવવા લાગ્યો હતો.

સાંજના સમયે કોન્સ્ટેબલ રઘુ બંને મૃતકનાં મોબાઈલની ડિટેઈલ લઈને આવ્યો અને સૂર્યાને બીજી અપડેટ આપતાં કહ્યું કે, "રોશનીનો પ્રેમી કમલેશ ઘર પર મળ્યો નથી અને એનો ફોન પણ સ્વીચઓફ જ આવે છે. કમલેશનાં ઘરની નજીક મેં વોચ પણ ગોઠવી દીધી છે."

"સરસ, ચાલ બંને માટે કડક ચા મંગાવ." રઘુની કામગીરીથી સંતુષ્ટ થતાં સૂર્યાએ કહ્યું હતું. થોડીવાર પછી ચા પીતા પીતા સૂર્યા કોમ્પ્યુટરમાં બધા ફોટા ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને એની કેબીનની બહાર રઘુ બંને મૃતકની મોબાઈલ ડિટેઈલનો અભ્યાસ કરી રહ્યો હતો. 

એ દરમ્યાન રઘુએ નોંધ્યું કે રોશનીનાં ફોનમાંથી કમલેશને નિયમિતરૂપે ઘણાં ફોન થયા હતા તો કમલેશ તરફથી ઘણાં ફોન આવ્યા પણ હતા. આ બાજુ રાજેશનાં ફોનમાં પણ બે-ત્રણ અજાણ્યાં નંબર વારંવાર નજરે ચડ્યા હતા. રઘુએ એ ત્રણેય નંબર પર ફોન કરતાં જે માહિતી મળી એ સાંભળીને રઘુને ફરી પાછો વિશ્વાસ બેસી ગયો હતો કે રાજેશે આપઘાત જ કર્યો છે.

રઘુએ સૂર્યાની કેબિનમાં આવીને હસતાં હસતાં આત્મિશ્વાસપૂર્વક કહ્યું કે, "સર, હું તમને કહેતો હતોને કે એ બંનેએ આપઘાત જ કર્યો છે. જુઓ આ અજાણ્યા નંબર પરથી રાજેશને ઘણાં ફોન આવેલાં છે. મેં એ ત્રણેય નંબર પર ફોન કરીને વાત કરતાં જાણવા મળ્યું છે કે રાજેશને ધંધામાં ઘણું મોટું દેણું થઈ ગયું છે. આ ત્રણેય નંબર ઉઘરાણીવાળાઓનાં જ હતા અને ત્રણેય પાછા માથાભારે શખ્સો પણ છે. એટલે એમનાં દબાણને વશ થઈને રાજેશે પોતાની સાથે રોશનીને પણ ઝેર આપી દીધું હશે!"

રઘુની વાત સાંભળતાં સાંભળતાં સૂર્યા હજુ પણ ધ્યાનપૂર્વક રૂમમાં લેવાયેલાં ફોટાં જ જોઈ રહ્યો હતો. એવામાં એક ફોટાં ઉપર ધ્યાન ખેંચાતા એણે ઝૂમ કરીને જોયું હતું. "રઘુ, તારો ઉઘરાણીવાળાઓની ધમકીવાળો તર્ક માની પણ લઈએ તો આ જો!" કહીને સૂર્યાએ પોતે ઝૂમ કરેલો ફોટો રઘુને બતાવતાં કહ્યું કે, "પલંગ પાસેનાં સ્વીચબોર્ડમાં બંનેનાં ફોન ચાર્જિંગમાં ભરાવેલાં છે. આપઘાત કરતી વખતે કોઈ વ્યક્તિ પોતાનાં ફોન ચાર્જ શા માટે કરે?"

એ ફોટો જોઈને તથા સૂર્યાનો મજબૂત તર્ક સાંભળીને રઘુ ફરી પાછો વિચારોનાં ચકરાવે ચડ્યો હતો.

"નક્કી આ હત્યા જ છે. પણ બંનેની હત્યાનો ઉદ્દેશ્ય શું હશે એ જ સમજમાં નથી આવતું? એક વખત એ હત્યાનો ઉદ્દેશ્ય ધ્યાનમાં આવી જાય તો કેસની ગૂંચ ઉકેલવામાં સરળતા પડે. રઘુ, આપણે દરેક દિશાએ તપાસ કરી લેવી જોઈએ. કમ સે કમ આપણને ક્યાંક તો ગુનાનો ઉદ્દેશ્ય દેખાય જ આવશે અને તેનાથી જ આપણે સાચા ગુનેગાર તરફ દોરવાઈશું. અત્યારે તો થોડી વાર આરામ કરીએ. જલ્દીથી રોશનીનાં પ્રેમી કમલેશનો પતો મેળવવો પડશે. મને એવું લાગે છે કે એ જ કદાચ બંનેની મોત માટે જવાબદાર હશે!" સૂર્યાએ રઘુને પોતાની વાત સમજાવતાં કહ્યું હતું.

* * * * * * * * * * * * *

તા.૧૨/૦૫/૨૦૨૧

બીજા દિવસે વહેલી સવારે જ કમલેશ લપાતો છુપાતો પોતાના ઘરમાં અંદર જઈ રહ્યો હતો ત્યારે જ રઘુએ વોચમાં ગોઠવેલા બંને માણસોએ કમલેશને દબોચી લીધો હતો અને સીધા પોલીસ સ્ટેશને જ લાવ્યા હતા.

કમલેશ પકડાઈ જવાની જાણ રઘુને થતાં એ પણ તરત જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ઇન્સ્પેક્ટર સૂર્યાને પણ જાણ કરી દીધી હતી. રઘુનો મેસેજ મળતાં જ સૂર્યા પણ સવારનું રૂટિન ઝડપથી પતાવીને સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સૂર્યાએ આવતાવેંત જ કમલેશની પૂછપરછ શરું કરી દીધી હતી, "હા તો ભાઈ કમલેશ, જેટલું પણ પૂછું એનો સાચે સાચો જવાબ આપજે, નહીંતર આ રઘુનો ભારે હાથ અને ડંડો હજુ સુધી તો કોઈનો સગો થયો નથી!"

"સર, પણ મેં કર્યું છે શું? આમ સવાર સવારમાં તમે મને વગર ગુનાએ ઉપાડી લાવ્યા છો?" કમલેશે થોડોક તોર બતાવતાં કહ્યું હતું, પરંતુ કમલેશની વાતને અવગણીને સૂર્યાએ સીધું જ પૂછ્યું કે, "તારો અને રોશનીનો પ્રેમસંબંધ ક્યારથી ચાલુ છે? છુપાવવાની કશીય જરૂર નથી, તમારાં બંનેની બધી ફોન ડીટેઈલ અહીંયા સામે જ છે. ચાલ, ફટાફટ બધું બોલવા લાગ!"

સૂર્યાના ચહેરાનાં ગંભીર હાવભાવ તથા ફોનડીટેઈલનાં કાગળ સામે જોઈને કમલેશ થોડોક ગભરાઈ ગયો હતો અને તરત જ બોલવાનું શરું કરી દીધું હતું. "સર, હું અને રોશની કોલેજ સમયથી જ એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતા. કોલેજ પૂરી થયા પછી એના ઘરમાં લગ્નની વાતો ચાલતી હતી ત્યારે હું એનાં પરિવારને મળવા માટે ગયો હતો, પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ ઠીક-ઠીક જેવી હોવાથી રોશનીનાં પિતાએ મને નામંજૂર કર્યો હતો. મેં પણ વાસ્તવિકતા સ્વીકારીને રોશનીને ભૂલી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રોશનીને ઘણી મનાઈ કરવા છતાંય એ મારી સાથે નિયમિત સંપર્ક રાખવાનો પ્રયત્ન કરતી જ રહેતી હતી.

       એવામાં રોશનીનાં પિતાએ એની મરજી વિરુદ્ધ રોશનીનાં લગ્ન રાજેશ સાથે નક્કી કરી નાખ્યાં હતા. લગ્ન થઈ જતાં એ પણ મને ભૂલીને આગળ વધી જવા માંગતી હતી એટલે શરૂઆતમાં તો રોશનીએ મારો સંપર્ક સાવ નહીંવત જેવો જ કરી નાખ્યો હતો. પરંતુ, રાજેશનાં અન્ય લફરાં સામે આવતા અને રંગીલા સ્વભાવથી કંટાળીને રોશનીએ ફરી પાછો મારો સંપર્ક સાધ્યો હતો. ત્યારથી અમે બંને એકબીજાનાં સંપર્કમાં હતા અને ગળાડૂબ પ્રેમમાં પણ હતા!"

"એ લોકોની સાથે રિસોર્ટમાં તારું જવાનું કારણ હું પૂછી શકું?" સૂર્યાએ વધુ માહિતી કઢાવવા આગળ પ્રશ્ન પૂછતાં કહ્યું.

"મારે તો રિસોર્ટમાં જવું જ નહતું, પરંતુ રોશનીની ઘણી ઈચ્છા હતી કે હું પણ રિસોર્ટમાં રૂમ બુક કરાવું; કે જેથી રજાના દિવસોમાં પણ અમે એકબીજાને જોઈ શકીએ અને તક મળે ત્યારે મળી પણ શકીએ." કમલેશે જવાબ આપતાં કહ્યું.

કમલેશની વાત પૂરી થતાં જ સૂર્યાએ કટાક્ષભર્યા સ્વરે કહ્યું કે, "એકબીજાને જોઈ શકીએ કે પછી તમારાં ગાઢપ્રેમની વચ્ચે કાંટો બની રહેલાં રાજેશની ઝેર આપીને હત્યા કરી શકીએ? રાજેશની સાથે તે રોશનીની પણ શા માટે હત્યા કરી?"

"સાહેબ, સંભાળીને બોલજો. મેં કોઈની હત્યા નથી કરી..." હજુ તો કમલેશ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો રઘુએ સટાક સટાક કરતાં બે ફડાકા જીકી દીધા હતા.

રઘુનાં ભારેખમ હાથનાં બે જ ફડાકા કમલેશ માટે કાફી હતા. થોડી વાર સુધી તો કમલેશને તમ્મર જ આવી ગયા હતા. ફડાકાની કળ વળતાં જ કમલેશે ફરીથી એ જ રાગ આલાપતાં કહ્યું હતું કે, "સર, હું કસમ ખાઈને કહું છું કે મેં કોઈની પણ હત્યા નથી કરી. રોશનીનાં જવાનું મને પણ ઘણું દુઃખ છે. હું એને ઘણો પ્રેમ કરતો હતો તો એની હત્યા શા માટે કરું?"

કમલેશની પૂછપરછ ચાલતી હતી કે સૂર્યાને ફોરેન્સિક લેબ.માંથી ફોન આવતા વાત કરતો કરતો એ બહાર જતો રહ્યો હતો. ફોનમાં ફોરેન્સિક લેબ.નાં ઓફિસર કાર્તિકે કહ્યું કે, "સર, મને ગઈકાલની ઘટનાનાં મૃતકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલજો ને!"

"શું કોઈ નવી અપડેટ છે?" સૂર્યાએ કુતુહલવશ પૂછ્યું.

"આમ તો નવી અપડેટ છે પણ ખરી અને નથી પણ એવું છે. મારે પોતાની જ થોડીક શંકાનું સમાધાન કરવું છે એટલા માટે!" સામેથી ઓફિસર કાર્તિકે કહ્યું.

"ભલે, હું એ બંનેનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલવાની વ્યવસ્થા હમણાં જ કરાવું છું. કશુંય નવું જાણવા મળે તો મને તરત જ ફોન કરજો." કહીને સૂર્યાએ ફોન રાખ્યો હતો. એક કોન્સ્ટેબલને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કાર્તિક પાસે મોકલવાની વ્યવસ્થા કરીને કેબિનમાં પાછા આવીને સૂર્યાએ કમલેશની ફરી પાછી પૂછપરછ શરું કરી દીધી હતી. 

"તું એમનાં રૂમમાં શું કરવા ગયો હતો? લોબીનાં સીસીટીવી કેમેરામાં તારી હાજરી સ્પષ્ટ વર્તાય છે." સૂર્યાએ ધારદાર અવાજે પૂછ્યું હતું.

"એ તો મને રોશનીએ મળવા માટે બોલાવ્યો હતો." કમલેશે થોથવાતાં અવાજે કહ્યું.

"રાજેશની હાજરીમાં રોશની તને મળવા બોલાવે; એ વાત મને તો ગળે ના ઉતરી. સાચું બોલ, મળવા માટે બોલાવ્યો હતો કે ભેગા મળીને રાજેશને ઝેર આપવા બોલાવ્યો હતો?" સૂર્યાએ થોડાંક ઊંચા અવાજે પૂછ્યું.

"ના ના સાહેબ, મળવા માટે જ બોલાવ્યો હતો. હું સાચું કહું છું." કમલેશે પોતાનો કક્કો ચાલુ જ રાખ્યો હતો.

કમલેશની વાત પર વિશ્વાસ ના બેસતાં સૂર્યાએ કોન્સ્ટેબલ રઘુને ઈશારો કરતાં જ રઘુએ કમલેશની થોડીક ધોલધપાટ કરી હતી. રઘુનાં મજબૂત હાથનો માર સહન ના થતાં કમલેશ પોપટની જેમ બધું બોલવા લાગ્યો હતો.

કમલેશે પોતાનો ગુનો કબુલ કરતાં કહ્યું કે, "રાજેશે ધંધામાં ગોલમાલ કરીને તથા વધારે વ્યાજ આપવાની લાલચ આપીને કેટલાયનાં પૈસા ચાઉં કરી ગયો હતો. નાના માણસોએ વગર લખાણે પૈસા આપેલા હોવાથી ક્યાંય ફરિયાદ પણ કરી શકે એમ નહતા. એવામાં ધીમે ધીમે એણે મોટા માથાઓ પાસેથી પણ વ્યાજે ઘણા પૈસા લીધા હતા. રાજેશની ગણતરી એવી હતી કે એ બધાને થોડા સમય પછી પૈસા ચૂકવી દઈશ, પરંતુ ધંધામાં વળતાં પાણી શરું થઈ થતાં તથા ડબ્બાનાં સટ્ટામાં પણ ઘણું હારી જતાં રાજેશ સારી એવી આર્થિક ભીંસમાં આવી ગયો હતો અને એ કોઈનાં પૈસા સમયસર ચૂકવી શક્યો નહતો.

       નાના માણસો તો કાંઈ બોલી શક્યા નહતા, પરંતુ મોટા માથાંઓ એમ થોડા પોતાના પૈસા જવા દેવાના હતા! એ લોકોએ રાજેશને ધમકી આપવાનું શરું કરી દીધું હતું. એ લોકોની ધમકીઓથી રાજેશ છેલ્લાં કેટલાયે સમયથી માનસિક તણાવમાં જ રહેતો હતો."

"આ બધી વાતની તને કેમ ખબર?" સૂર્યાએ વચ્ચે જ પ્રશ્ન પૂછતાં કહ્યું.

"એ બધી વાત રોશનીએ મને કરેલી હતી. એ તણાવ ઘટાડવાં જ રોશનીનાં કહેવાથી એ બંને રિસોર્ટમાં થોડા દિવસો રિલેક્સ થવા માટે આવ્યા હતા. રોશનીનો પ્લાન એવો હતો કે રિસોર્ટમાં જ ઝેર આપીને એવી રીતે રાજેશને ખતમ કરી નાખવો કે લોકોને એ આપઘાત જ લાગે. આમ પણ રાજેશ આર્થિક દેણામાં તો હતો જ, આ માટે એણે મારી મદદ માંગી હતી. રોશનીની વાત સાંભળીને પહેલાં તો હું ધ્રુજી જ ઉઠ્યો હતો, પરંતુ રોશનીનાં પ્રેમનાં ઈમોશનલ દબાણ સામે હાર માનીને મેં ઝેરની વ્યવસ્થા કરી દીધી હતી. રોશનીનાં કહેવાથી જ મેં પણ રિસોર્ટમાં બુકીંગ કરાવ્યું હતું." કમલેશે પોતાનાં ગુનાની આંશિક કબૂલાત કરતાં કહ્યું.

"તમે બંનેએ ભેગા મળીને રાજેશને ઝેર આપ્યું કઈ રીતે? તું એમનાં રૂમમાં ગયો ત્યારે રાજેશે તને જોઈને કશું કહ્યું નહીં?" સૂર્યાએ વધુ માહિતી માટે પૂછ્યું.

"એ બંને સવારે જીમમાંથી પાછા આવ્યા ત્યારે રોશનીએ મને મેસેજ કરી દીધો હતો. રૂમમાં અંદર જઈને રાજેશ બાથરૂમમાં ગયો ત્યારે રોશનીએ મારી પાસે ઝેરની શીશી લેવા માટે મને રૂમમાં બોલાવ્યો હતો. સવારે બીજા લોકોની અવરજવર ઓછી હોય એટલે આજુબાજુ કોઈ જોતું નથીને, એ જોઈને હું એમનાં રૂમમાં રોશનીને ઝેરની શીશી આપવા ગયો હતો. હું અંદર ગયો ત્યારે રાજેશ બાથરૂમમાં હતો, ઝેરની શીશી આપતી વખતે પણ મેં રોશનીને આ ખતરનાક પગલું ના ભરવાની સલાહ આપી હતી, પરંતુ એ માની જ નહતી. રોશનીએ મને કહ્યું હતું કે, કોઈને કશી ગંધ પણ નહીં આવે અને તને પણ હું કશું નહીં થવા દઉં. રોશનીને ઝેરની શીશી આપીને હું તરત જ ત્યાંથી બહાર નીકળીને મારા રૂમમાં આવી ગયો હતો."

"તારા કહેવા મુજબ રોશનીએ જ રાજેશની ઝેર આપીને હત્યા કરી છે?" સૂર્યાએ શાંત અવાજે પૂછ્યું.

"હા, સર."

"તો પછી રોશનીએ આપઘાત કેમ કર્યો? તું અમને સમજે છે શું? સાચે સાચું બોલ નહીંતર તારી એવી ખરાબ હાલત કરીશ કે જીંદગીભર પસ્તાતો રહીશ!" સૂર્યાએ કડક અવાજે કહ્યું.

સૂર્યાનો અવાજ અને રઘુના ચહેરાનાં ગંભીર ભાવ જોઈને કમલેશે ગભરાતાં ગભરાતાં કહ્યું કે, "સર, હું માનું છું કે ઝેરની શીશી મેં જ રોશનીને આપી હતી, પરંતુ મેં એ બેમાંથી કોઈને માર્યા નથી. રોશનીએ ઝેર કેમ પી લીધું એની મને પણ એટલી જ મૂંજવણ છે. રોશનીને ઝેરની શીશી આપીને હું મારા રૂમમાં પાછો આવી ગયો હતો અને રોશનીનાં ફોનની રાહ જોઈ રહ્યો હતો. રિસોર્ટનાં દિવસો દરમ્યાન રોશનીએ મને સામો ફોન કરવાની સખત મનાઈ કરી હતી એટલે ઘણીવાર સુધી મેં એના ફોનનાં આવવાની રાહ જોઈ હતી. 

      સાંજ સુધી રોશનીનો કોઈ ફોન આવ્યો નહીં અને બંનેમાંથી કોઈ રૂમની બહાર પણ નીકળ્યું નહતું. મોડી રાત્રી સુધી મેં રોશનીનાં ફોનની રાહ જોઈ હતી. અંતે કંટાળીને મેં એને ફોન કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહતો. હું બીજી વાર ફોન કરું અને રાજેશને કદાચ જાણ થઈ જાય તો, એ બીકે મેં એકાદ કલાક પછી બીજો ફોન કર્યો હતો; પરંતુ આખીય રીંગ વાગીને પૂરી થવા છતાંય કોઈએ ફોન ઉપાડ્યો જ નહતો. આખા દિવસની રાહ જોઈને થાકેલો હું રાત્રે ક્યારે સુઈ ગયો એની મને પણ જાણ નહતી, છેક સવારે મારી ઊંઘ ઉડી ત્યારે મેં જોયું તો રોશનીનો ત્યારે પણ મારા પર કોઈ ફોન નહતો. મને ત્યારે જ કશુંક અમંગળ થયાની ભીતિ થઈ આવી હતી.

     ત્યાં જ થોડીવારમાં રૂમક્લિનર બોય, રિસોર્ટનાં મેનેજર અને માલિક સહીત ઘણાં રૂમ નં.૧૬ પાસે એકઠા થઈ ગયા હતા. મેં પણ મારા રૂમમાંથી બહાર નીકળીને એ બાજુ જઈને જોયું તો મારા પગ નીચેથી ધરતી જ સરકી ગઈ હતી. રાજેશની સાથે રોશનીએ પણ આપઘાત કરી લીધો હતો. હું તરત જ મારા રૂમમાં પુરાઈ ગયો હતો અને ગભરાઈ પણ એટલો જ ગયો હતો. 'રોશનીનાં ફોનમાં છેલ્લાં મારાં જ મિસ્ડકૉલ હશે, એટલે પોલીસ આવે અને મને રિસોર્ટમાં જ જુએ તો મારી ધરપકડ કરે' એ વિચાર આવતાં જ બીકના માર્યો હું ત્યારેને ત્યારે જ બપોરે ચેકઆઉટ કરીને ભાગી ગયો હતો!"

સૂર્યાને હજુ પણ કમલેશની વાત પર પૂરો ભરોસો આવતો નહતો. સૂર્યાને એમ જ લાગતું હતું કે, કમલેશ હજુ પણ કાંઈક છુપાવે છે એટલે કમલેશનાં ફિંગરપ્રિન્ટ લેવડાવીને હત્યા કરવા માટે મદદ કરવાનાં આરોપસર લોકઅપમાં ધકેલી દીધો હતો અને એ ફિંગરપ્રિન્ટ ફોરેન્સિક લેબ.માં મોકલવાની તજવીજ કરી હતી.

"સર, કમલેશની વાત આપણે સાચી પણ માની લઈએ તો એક વસ્તુ મને એ નથી સમજાતી કે રોશનીએ ઝેર શા માટે પીધું હશે?" રઘુએ પોતાની શંકા રજુ કરતાં કહ્યું.

"એ જ વાત મને પણ નથી સમજાતી. આ કમલેશ કદાચ હજુય કશુંક તો છુપાવે જ છે અથવા તો આખી તપાસમાં આપણે કશુંક ચુકી ગયા છીએ. આપણી દરેક શંકાઓને એકવાર તો ચકાસી જ લેવી જોઈએ, પછી એમાં સફળતા મળે કે નિષ્ફળતા. તેમ છતાંય આપણે દરેક દિશાએ પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ." સૂર્યાએ રઘુને સમજાવતાં કહ્યું.

"સર, મને તો લાગે છે કે રોશનીએ રાજેશને ઝેર આપીને હત્યા કરી નાખી હશે અને પછી કદાચ પસ્તાવો થયો હશે એટલે એણે પોતે પણ ઝેર પી લીધું હશે. એકની હત્યા અને બીજાની આત્મહત્યા, એવું જ થયું હશે." રઘુએ પોતાનો તર્ક ઇન્સ્પેક્ટર સૂર્યાને સમજાવતાં કહ્યું.

રઘુનાં તર્કનો સૂર્યા હજુ તો કશોય જવાબ આપે એ પહેલાં તો સૂર્યાનાં ફોનની રિંગ વાગી હતી. સ્ક્રીનમાં નામ જોતાં ફોરેન્સિક લેબ.નાં ઓફિસર કાર્તિકનો ફોન હતો. સૂર્યાએ તરત જ ફોન રિસીવ કરીને કાર્તિકને પૂછ્યું કે, "શું કોઈ નવી અપડેટ છે?"

કાર્તિકે નવો ધડાકો કરતાં કહ્યું કે, "હા સર, રાજેશ અને રોશનીનું મૃત્યુ ઝેરને લીધી નથી થયું!"

એ સાંભળીને સૂર્યાને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. સૂર્યાએ સામું પૂછ્યું કે, "પણ રૂમમાંથી ઝેરની શીશી મળેલી છે અને બંનેનાં મોઢામાંથી ફીણ પણ નીકળેલાં હતા, એ મેં ખુદ જોયેલું છે, એનું શું?"

"એમ તો એ બંનેની મોત ઝેરને લીધે જ થઈ છે, પરંતુ રૂમમાંથી જે ઝેરની શીશી મળેલી છે એનાથી નહીં; શીશીનું ઝેર અને મૃતકોનાં શરીરમાંથી મળેલું ઝેર બંને અલગ અલગ છે." કાર્તિકે પોતાની તપાસનો રિપૉર્ટ સમજાવતાં કહ્યું.

"શું..!?" કાર્તિકની વાત સાંભળીને સૂર્યાને બરોબરનો જટકો લાગ્યો હતો.

"હા, એ બંને ઝેર અલગ અલગ છે. રૂમમાંથી જે ઝેરની શીશી મળી હતી એ તો સીલપેક જ છે. એ બોટલનું ઢાંકણું એકવાર પણ નથી ખૂલ્યું! જયારે મારું એ બાબતે ધ્યાન ગયું ત્યારે હું પણ એક આંચકો ખાઈ ગયો હતો. મારી શંકાનું સમાધાન કરવા માટે જ મેં બંનેનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગાવ્યા હતા. મને લાગે છે કે તમારે તમારી તપાસનો એંગલ બદલવો પડશે." કહીને કાર્તિકે ફોન રાખી દીધો હતો.

કાર્તિકે કરેલાં ધડાકાથી સૂર્યાનું મગજ ચકરાવે ચડી ગયું હતું. ફોનમાં થયેલી આખી વાત સૂર્યાએ કોન્સ્ટેબલ રઘુને સમજાવતાં રઘુ પણ સારો એવો બોખલાઈ ગયો હતો.

સૂર્યાએ પોતાની નોંધ કરેલી ડાયરી કાઢીને ફરી પાછો બધું મનમાં ગોઠવવા લાગ્યો હતો. '૬:૪૨એ કમલેશ ઝેરની શીશી રૂમ નં.૧૬માં આપવા ગયો ત્યારે રોશની અને રાજેશ બંને જીવતા હતા, જયારે ૭:૨૩એ રાજેશનો પાર્ટનર મુકેશ રૂમ નં.૧૬માં ગયો ત્યારે અંદર બંને મૃત હતા. આ અરધા કલાકની વચ્ચે જ કોઈએ સિફતપૂર્વક પોતાનું ધાર્યું કામ પાર પાડી લીધું છે. પણ કઈ રીતે?'

થોડીવાર સુધી વિચાર કર્યા પછી સૂર્યાએ રઘુને કહ્યું કે, "મને લાગે છે કે આપણે રિસોર્ટમાં ફરી પાછું જવું પડશે અને એકવાર ફરીથી બધું નવેસરથી જ ચેક કરવું પડશે." એટલું કહીને રઘુ અને બીજા બે માણસોને લઈને સૂર્યા તરત જ રિસોર્ટ જવા નીકળી ગયો હતો.


* * * * * * * * * * * *

રિસોર્ટે પહોંચીને સૂર્યાએ મેનેજર પ્રદીપને સાથે લઈને આખાય રિસોર્ટની મુલાકાત લીધી હતી. સૂર્યાની બાજનજર દરેક વાતનું નિરીક્ષણ કરી રહી હતી. રિસોર્ટમાં કયા ક્યા ખૂણે કેમેરા લાગેલા છે એ વાતની તો એણે ખાસ નોંધ લીધી હતી.

રિસોર્ટમાં ચક્કર મારતાં મારતાં એ લોકો રૂમ નં.૧૬ની પાછળની સાઈડમાં બગીચામાં આવ્યા ત્યારે પ્રદીપે માહિતી આપતાં કહ્યું કે, "જે રૂમમાં ઘટનાં બની હતી, આ એની પાછળની બાજુ છે."

પ્રદીપની વાત સાંભળીને સૂર્યા ધ્યાનપૂર્વક બધું જોવા લાગ્યો હતો. દરેક રૂમની બારી આ બગીચામાં પડતી હતી અને ગ્રાઉન્ડફ્લોર પર રહેલાં રૂમની બારીનાં કાચને બહારની બાજુથી એક સફાઈ કર્મચારી ટેબલ પર ચડીને સાફ કરી રહ્યો હતો.

બહારનું બધું નિરીક્ષણ કરી લીધ પછી સૂર્યાએ રૂમ નં.૧૬ ખોલાવ્યો હતો અને રૂમની અંદરનું બધું પોતાની તીક્ષ્ણ નજરે ફરીથી જોઈ રહ્યો હતો. બંધ પડી રહેલાં એ રૂમમાં ભેજની વિચિત્ર વાસ આવતાં જ રઘુએ સ્લાઈડીંગ બારી ખોલી નાખી હતી.

રઘુએ બારી ખોલતાં જ સૂર્યાનાં મગજમાં અચાનક જ એક ઝબકારો થયો હતો. સૂર્યાએ તરત જ બારી પાસે જઈને બહાર જોયું હતું અને મનોમન કશીક ગણતરી કરી હતી. 

'હા, હા એમ જ થયું છે. આ વાત મને પહેલાં કેમ મગજમાં ના આવી!' એક હાથની હથેળીને બીજા હાથની હથેળી સાથે ઉંધી પછાડીને સૂર્યા સ્વગત જ બબડ્યો હતો.

"સર, કશું કહ્યું તમે?" રઘુને સૂર્યાની વાત ના સમજાતાં પૂછ્યું.

"રઘુ, હવે તો પાકી ખાતરી થઈ ગઈ છે કે આ હત્યાનો જ મામલો છે અને ખૂનીને પકડવા આપણે ઘણાં નજીક પણ છીએ. મારા ખ્યાલ મુજબ ખૂની હજુ પણ આ રિસોર્ટમાં જ છે." સૂર્યાએ ઉત્સાહવશ સૌને કહ્યું હતું.

(ક્રમશઃ...)