Rahashymay Apradh - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય અપરાધ - 2

(ભાગ-૨)

"મને એની પૂરી ડિટેઈલ આપો." સૂર્યાનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું હતું.

"જી, હમણાં જ આપું છું." કહીને પ્રદીપે રિસેપ્શન પરથી તરત જ માહિતી મંગાવી લીધી હતી. રાજેશને જેની સાથે ઝઘડો થયો એ વ્યક્તિનું નામ મુકેશ શર્મા હતું. મુકેશ પોતાનાં પરિવાર સાથે આઠમી તારીખે જ આવી ગયો હતો. સૂર્યાએ તરત જ એના આધારકાર્ડ અને ફોનનંબરની ડિટેઈલ બીજા એક કોન્સ્ટેબલને આપીને મુકેશની બધી માહિતી મેળવવા માટે મોકલી દીધો હતો.

"મને એ કહો કે રાજેશ અને એની પત્નીને છેલ્લે કોણે અને ક્યારે જોયા હતા? કોઈને ખ્યાલ છે?" સૂર્યાએ હાજર રહેલાં તમામ સ્ટાફને ઉદ્દેશીને પૂછ્યું હતું.

સૂર્યાના પ્રશ્નનો જવાબ આપતાં રૂમસર્વિસનું કામ સંભાળતાં કનુએ કહ્યું કે, "એ બંને ગઈકાલે વહેલી સવારે રિસોર્ટનાં જીમમાં ગયા હતા. જીમમાં જતા પહેલાં પોતાના રૂમમાં જ હતા, ત્યારે મારી પાસે પાણીની બોટલ મંગાવી હતી. મેં પાણીની બોટલ આપી ત્યારે બોટલમાંથી થોડુંક પાણી પીને રૂમમાં અંદર મૂકીને એ બંને તરત જ દરવાજાને લોક કરીને જીમ બાજુ જવા નીકળી ગયા હતા."

"એ લોકો બહાર નીકળ્યા ત્યારે સમય કેટલો થયો હતો એ ખ્યાલ છે?" સૂર્યાએ કનુને પૂછ્યું હતું.

"લગભગ સવારનાં છ વાગ્યા જેવું થયું હતું." માથું ખંજવાળતા કનુએ યાદ કરીને જવાબ આપ્યો હતો.

"એ લોબીમાં સીસીટીવી કેમેરા ચાલુ છે?" સૂર્યાએ પ્રદીપને પૂછતાં કહ્યું.

"હા, રિસોર્ટની દરેક લોબીમાં બંને છેડે સીસીટીવી કેમેરા લાગેલા છે. ચાલો જોવા હોય તો રિસોર્ટનાં કંટ્રોલરૂમમાં જ જઈએ." કહીને પ્રદીપ સૂર્યા અને એની ટીમને રિસોર્ટનાં કંટ્રોલરૂમ તરફ લઈ ગયો હતો.

કંટ્રોલરૂમમાં જઈને સૂર્યાએ ત્યાં હાજર રહેલાં ઓપરેટરને દસમી તારીખનાં વહેલી સવારનાં છ વાગ્યા પહેલાંથી ફૂટેજ ચેક કરવાનું કહેતાં પેલાએ તરત જ કોમ્પ્યુટરમાં ગઈકાલનાં વહેલી સવારનાં છ વાગ્યા પહેલાનાં ફૂટેજ કાઢીને સૂર્યાને બતાવ્યા હતા. 

સીસીટીવી કેમેરો લોબીના છેડે હોવાથી આખી લોબી કવર તો થઈ જતી હતી, પરંતુ કોઈનાં ચેહરા સ્પષ્ટ દેખાતા નહતા. સવારે છ વાગ્યે જ રૂમસર્વિસ બોયના કહ્યા અનુસાર જ એ પાણીની બોટલ લઈને જતો દેખાણો હતો. પાણીની બોટલ લઈને અંદર મૂકીને રાજેશ અને રોશની રૂમને લોક કરીને, હાથમાં ફોન લઈને, લોબીમાં આગળ જીમ બાજુ જતા દેખાણા હતા. 

સૂર્યાએ પેલાંને જીમ બાજુનાં કેમેરાનું ફૂટેજ દેખાડવાનું કહ્યું. એકાદ મિનિટ પછીનાં જીમનાં કેમેરાનાં ફુટેજમાં રાજેશ અને રોશની તરત જ જીમમાં અંદર જતા દેખાયા અને અર્ધા કલાક પછી જીમની બહાર નીકળીને ફોનમાં સેલ્ફી ફોટો લેતા પણ દેખાયા હતા, ત્યાંથી પોતાનાં રૂમ તરફ જતા દેખાયા હતા. ફરી પાછો રૂમની લોબીવાળો કેમેરો ચેક કરતાં બંને રૂમની અંદર જતા પણ દેખાયા હતા.

સૂર્યાએ સ્ક્રીન પર ટાઈમ જોયો તો ૬:૩૪ વાગ્યા હતા. સૂર્યાએ તરત જ ડાયરીમાં એ બધી નોંધ ટપકાવી લીધી હતી. સૂર્યાએ પેલાને લોબીવાળા કેમેરાને ફાસ્ટફોરવડમાં ભગાવવાનું કહ્યું, કે જેથી એ બંને ક્યારે પાછા રૂમની બહાર નીકળે છે એ જોઈ શકાય. સૂર્યા હજુ તો એ ફૂટેજ જોતો જ હતો કે એના ફોનમાં રિંગ વાગી હતી.

સ્ક્રીન ઉપર કોન્સ્ટેબલ રઘુનું નામ વાંચીને સૂર્યાએ તરત જ ફોન ઉપાડીને વાત કરતાં કહ્યું કે, "બોલ રઘુ, શું અપડેટ છે?"

રઘુ પણ સૂર્યાની જેમ અસરકારક કામગીરી કરનારો બાહોશ અધિકારી હતો.

રઘુએ પોતે મેળવેલી માહિતી આપતા કહ્યું કે, "સર, મેં મૃતકના ઘરનાઓને આ ઘટનાની જાણ કરી દીધી છે. એ લોકો સીધા હોસ્પિટલે જ ગયા છે. મૃતક રાજેશ ચાંદીનાં ધંધામાં ખૂબ મોટું નામ ધરાવે છે. ટૂંક સમયમાં જ એ ઘણો માલામાલ બની ગયો હતો. એનાં વૃદ્ધ મા-બાપનાં સંતાનમાં એ એકનો એક જ દીકરો હતો. એના સસરાં એટલે કે રોશનીનાં પપ્પા પણ મોટા બિઝનેસમેન છે. રાજેશ એનાં મા-બાપ સાથે જ મોટાં બંગલામાં રહે છે. પૈસેટકે સારી એવી માલામાલ પાર્ટી હતો. મને સમજાતું નથી કે સારી પરિસ્થિતિ હોવા છતાંય એ બંનેએ આપઘાત કેમ કર્યો?"

"રઘુ, સામાન્ય લાગતી ઘટનામાં પણ ક્યારેક ભયાનક ઊંડા મૂળિયાં છુપાયેલાં હોય છે. રાજેશને કોઈ સાથે દુશ્મની કે એવું કાંઈ હતું?" સૂર્યાએ રઘુને વધુ માહિતી માટે પૂછ્યું હતું.

"હા સર, એક વાત જાણવા મળી એ મુજબ બે વર્ષ પહેલાં જ રાજેશને એનાં પાર્ટનર સાથે ધંધાની બાબતે સારો એવો ઝઘડો થયો હતો." રઘુએ માહિતી આપતાં કહ્યું.

"એનાં પાર્ટનરનું નામ અને એના વિશેની બીજી માહિતી વિશે પૂરી તપાસ કરીને મને ઝડપથી કહેજે."

"એનાં પાર્ટનરનું નામ પણ મને જાણવા મળી ગયું છે!"

"વાહ... શું નામ છે એનું?" સૂર્યાએ તરત જ રઘુને નામ પૂછી લીધું હતું.

"રાજેશનાં જુનાં પાર્ટનરનું નામ મુકેશ શર્મા હતું." રઘુએ માહિતી આપતાં કહ્યું.

મુકેશ શર્મા નામ સાંભળીને સૂર્યા તરત જ ચોંક્યો હતો અને વિચારવા લાગ્યો હતો કે, એક જ રિસોર્ટમાં બંનેનું રોકાવું અને અહીંયા પણ ઝઘડવું, રાજેશનાં આપઘાતનાં દિવસે જ મુકેશનું ચેક આઉટ કરીને એક દિવસ વહેલાં નીકળી જવું, કદાચ એ બધું જોગાનુજોગ તો નથી જ! 

સૂર્યાએ તરત જ રઘુને મુકેશ શર્મા વિશે બધી માહિતી મેળવવાનું અને એને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે હાજર કરવાનું કહી દીધું હતું. 

રઘુને સૂચના આપીને સૂર્યાએ તરત જ ફોરેન્સિક લેબ.માં ફોન કરીને જરૂરી માહિતી આપીને, ત્યાંના સ્ટાફને રિસોર્ટમાં બોલાવી લીધો હતો. રિસોર્ટનાં માલિક ચંદ્રકાન્ત પટેલ થોડાં વધુ ટેંશનમાં આવી ગયા હતા. એક તો પહેલાં આપઘાતનું લાગતું હતું અને હવે ઇન્સ્પેક્ટર સૂર્યા ખૂનની શક્યતા દર્શાવતો હતો.

ચંદ્રકાન્તને ચિંતા હતી કે 'ઘણા સમય પછી માંડ માંડ લોકો રિસોર્ટમાં રજા માણવા આવ્યા હતા, આ હત્યા કે આપઘાતને લીધે લોકો ક્યાંક પાછા ના જતાં રહે!'

સૂર્યાએ જેવો ફોન મુક્યો કે એનું ધ્યાન અચાનક જ સીસીટીવીનાં ફૂટેજ દર્શાવતી સ્ક્રીન તરફ ગયું અને ઓપરેટરને તરત જ સ્ટોપ કરીને થોડું બેક કરવાનું કહ્યું હતું. ઓપરેટરે ફૂટેજ થોડુંક બેક કરીને ફરીથી પ્લે કરતાં એક માણસ રૂમ નં.૧૬માં અંદર જતો અને થોડી જ વારમાં ઝડપથી બહાર જતો દેખાયો હતો.

કેમેરા લોબીનાં ખૂણે હોવાથી એ વ્યક્તિનો ચહેરો તો સ્પષ્ટ ના દેખાણો, પરંતુ એનું સફેદ ટીશર્ટ, કાળું પેન્ટ તથા માથાની અર્ધી ટાલ દેખાય ગઈ હતી. રૂમ નં.૧૬માંથી બહાર નીકળીને એ તરત જ પગથિયાં બાજુ જતો દેખાયો, ત્યારે સૂર્યાએ સ્ક્રીનમાં સમય જોતાં ૭:૨૩ થઈ હતી.

સૂર્યાએ ઓપરેટરને ઉપરનાં માળનાં ફૂટેજ દેખાડવાનું કહ્યું. ઉપરનાં માળે પણ આવી જ રીતે લોબીનાં ખૂણે કેમેરો હોવાથી એ માણસનો પાછળનો ભાગ અને માથાની અર્ધી ટાલ દેખાણી હતી પરંતુ, એ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહતો. લોબીમાં લાઈનબંધ રહેલા રૂમમાંથી એક રૂમમાં એ ઝડપથી અંદર જતો રહ્યો હતો.

સૂર્યાએ પ્રદીપને સ્ક્રીનમાં એ રૂમ બતાવીને પૂછ્યું કે, "આ રૂમમાં કોણ ઉતર્યું હતું. એની માહિતી આપો."

રિસોર્ટનાં ખૂણેખૂણાંથી પરિચિત મેનેજર પ્રદીપે સ્ક્રીનમાંથી જોઈને જ કહી દીધું કે, "એ રૂમ નં.૩૨ છે."

રજીસ્ટરમાં એ રૂમની માહિતી જોતાં જ પ્રદીપ આંચકો ખાઈ ગયો હતો. પ્રદીપે નામ જોઈને કહ્યું કે, "સર, એ રૂમમાં તો મુકેશ શર્મા ઉતર્યો હતો, જેની સાથે આગલી રાત્રે જ મૃતક રાજેશને ઝઘડો થયો હતો."

સૂર્યાએ તરત જ રઘુને ફોન કરીને મુકેશ શર્મા જયાં પણ હોય ત્યાંથી ઉપાડી લઈને પોલીસ સ્ટેશને તાત્કાલિક હાજર કરવાનું ફરમાન કરી દીધું હતું. આટલો સમય ઇન્સ્પેક્ટર સૂર્યા સાથે કામ કર્યા પછી રઘુ સારી પેઠે જાણી ગયો હતો કે વધુ પૂછપરછ કર્યા વગર સરનો આદેશ માનવામાં જ ઘણી સફળતા રહેતી હોય છે.

થોડીવાર પછી ફોરેન્સિક લેબ.માંથી ટીમ આવી જતાં રૂમ નં.૧૬ ખોલાવીને સૂર્યાએ આખા રૂમમાંથી ફિંગરપ્રિન્ટ્સ અને બીજી અમુક વસ્તુઓનાં સેમ્પલ લેવડાવ્યા હતા. જો કોઈ કામની વસ્તુ હજુય ધ્યાનમાં આવી જાય તો એ ગણતરીએ સૂર્યાએ ફરી પાછું આખાય રૂમમાં બારીક નજરે નિરીક્ષણ કર્યું હતું,

લગભગ એકાદ કલાકની મહેનત પછી ફોરેન્સિક લેબ.ની ટીમે જરૂરી એવા બધા સેમ્પલ એકઠા કરી લીધા હતા અને ત્યાંથી વિદાય લીધી હતી. ઇન્સ્પેક્ટર સૂર્યાએ પણ મેનેજર પ્રદીપ અને બીજા સ્ટાફની જરૂરી પૂછપરછ કરીને, લોબીનાં કેમેરાનાં એ ફૂટેજ લઈને ત્યાંથી વિદાય લીધી હતી.


* * * * * * * * * * * * *

રિસોર્ટેથી નીકળીને પોણા કલાક પછી પોલીસ સ્ટેશને પહોંચીને સૂર્યાએ તરત જ એક કડક ચા મંગાવી હતી અને પોતાની ખુરશીમાં આરામથી લંબાવીને સવારની ઘટનાક્રમને મગજમાં ગોઠવવા લાગ્યો હતો. એટલામાં જ કોન્સ્ટેબલ રઘુ મુકેશ શર્માને લઈને હાજર થયો હતો.

"સાહેબ, આમ કારણ વગર મને અહીં લાવીને તમે સાબિત શું કરવા માંગો છો?" થોડાંક ગભરાયેલા અને સાથે સાથે ગુસ્સાભર્યા સ્વરે મુકેશે કહ્યું હતું. 

"કારણ હશે તો જ તને અહીંયા લાવ્યા હશું ને! મફત તને લાવીને મારી જાનમાં નથી લઈ જવાનો. શાંતિથી બેસ અને હું પૂછું એના સીધેસીધા જવાબ આપજે, નહીંતર આ રઘુને લોકો પાસેથી બધા જવાબ કઢાવતા સારી રીતે આવડે છે!" થોડીક કરડાકીમાં કહીને સૂર્યાએ મુકેશને તરત જ પ્રશ્નો પૂછવાના ચાલુ કરી દીધા હતા.

"હા, તો મુકેશભાઈ! તમે રાજેશ શાહને કેવી રીતે અને ક્યારથી ઓળખો?"

"રાજેશ ચાંદીનાં ધંધામાં પહેલાં મારો પાર્ટનર હતો. પાંચેક વર્ષ પહેલાં અમે બંને સાથે મળીને એ ધંધો ચાલુ કરેલો હતો." મુકેશે થોડુંક મોઢું બગાડીને જવાબ આપતા કહ્યું.

"હતો..!? તો અત્યારે તમે બંને પાર્ટનર નથી..!?" સૂર્યાએ મુકેશનાં ચહેરાનું અવલોકન કરતાં આગળ પૂછ્યું હતું.

"ના, એની સાથેની પાર્ટનરશીપ એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. બે વર્ષ પહેલાં જ અમે બંને છુટા પડી ગયા હતા."

"છૂટાં પડવાનું કારણ?"

"એ જ જૂનું કારણ, ધંધાનાં હિસાબમાં ગોલમાલ. રાજેશને તો ધંધાનો એકડો પણ આવડતો નહતો. આખો ધંધો મેં મારી આવડત ઉપર જ ઉભો કરેલો હતો. ધંધાની શરૂઆતની મૂડી માટે એ ગામમાંથી ખબર નહીં શું કહીને પણ સારા એવા રૂપિયા સાવ ઓછા વ્યાજે લઈને આવ્યો હતો. મેં એટલે જ તો એને પાર્ટનર બનાવ્યો હતો. પહેલાં વર્ષે તો બધું સરખું ચાલ્યું હતું, પણ પછી ધીમે-ધીમે એણે પોતાની રીતે ધંધામાંથી જ નાની નાની કટકીઓ કરવાનું શરું કરી દીધું હતું. જયારે મારા ધ્યાનમાં એ વાત આવી ત્યારે અમારે બંનેને નાનકડો ઝઘડો પણ થયેલો હતો, પરંતુ પછી એણે માફી માંગી લીધી હતી અને ફરી પાછી એવી ભૂલ નહીં કરવાની ખાતરી પણ આપી હતી."

ઇન્સ્પેક્ટર સૂર્યા અને રઘુ ધ્યાનથી મુકેશની વાત સાંભળી રહ્યા હતા.

મુકેશે વાત આગળ ચલાવતાં કહ્યું કે, "પછી જયારે વ્યાજે લીધેલા પૈસા ચુકવવાની વાત આવી ત્યારે પણ રાજેશે ઘણી ગોલમાલ કરીને સૌને ઓછા જ પૈસા પાછા આપ્યા હતા અને અમુકને તો પાછા આપવાની સ્પષ્ટ ના જ પાડી દીધી હતી. આમપણ એ પૈસાનું કાયદેસર કોઈ લખાણ તો હતું નહીં, એટલે પેલા લોકો પણ કાયદાકીય રીતે કશુંય કરી શકે એમ નહતા. એમની મજબુરીનો ફાયદો ઉઠાવીને જ રાજેશે ઘણાં પૈસા ઘરભેગા કરી લીધા હતા. મને તો એમ જ હતું કે ધંધામાંથી થોડાં થોડાં કરીને રાજેશ સૌને પૈસા ચુક્વતો હતો, પણ એ તો પોતાનાં જ ઘર ભરતો હતો!

      એ આખી વાતની જાણ મને ઘણી મોડી ખબર પડી હતી અને જયારે મને જાણ થઈ ત્યારે રાજેશે સઘળો કારોબાર પોતાના એકલાને નામે કરી લીધો હતો અને ખોટી સહી કરીને પેઢીમાંથી મારું આખું નામ જ કમી કરાવી નાખ્યું હતું. એ સમયે આર્થિક રીતે મને ઘણું નુકશાન ગયું હતું અને રાજેશ સાથે સારો એવો ઝઘડો પણ થયો હતો. આમપણ રાજેશને લગ્ન પછી એના સસરાનું પીઠબળ સારું એવું હોવાથી મારાથી બીજું કશુંય થઈ શકે એમ હતું પણ નહીં. ત્યારથી હું એનું મોં જોવા માંગતો નહતો. ધીમે ધીમે મેં નવેસરથી ફરી પાછી ધંધાની શરૂઆત કરી હતી."

"એટલે એ જૂની અદાવતનો ખાર રાખીને રિસોર્ટમાં અચાનક જ રાજેશનો ભેટો થઈ જતા, તે ઝેર આપીને રાજેશની સાથે એની પત્નીની પણ હત્યા કરી નાખી!" સૂર્યાએ ધડાકો કરતાં કહ્યું.

એ સાંભળીને મુકેશ તરત જ ભડક્યો હતો, "ના ના સાહેબ, મેં કોઈની હત્યા કરી નથી. આ શું ખોટા આક્ષેપ કરો છો?"

"આક્ષેપ સાચો હોય કે ખોટો, પણ બધા સબૂત અને સાક્ષીઓ તો તારા તરફ જ ઈશારો કરે છે!" સૂર્યાએ સાવ શાંતિથી કહ્યું હતું.

"સબૂત! કેવા સબૂત?" સૂર્યાના ચહેરાની ઠંડક જોઈને હવે મુકેશ થોડોક ગભરાવા લાગ્યો હતો.

(ક્રમશઃ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED