Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય અપરાધ - 5 - છેલ્લો ભાગ

(ભાગ-૫)

"રઘુ, હવે તો પાકી ખાતરી થઈ ગઈ છે કે આ હત્યાનો જ મામલો છે અને ખૂનીને પકડવા આપણે ઘણાં નજીક પણ છીએ. મારા ખ્યાલ મુજબ ખૂની હજુ પણ આ રિસોર્ટમાં જ છે." સૂર્યાએ ઉત્સાહવશ સૌને કહ્યું હતું.

એ સાંભળીને ત્યાં હાજર રહેલાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રિસોર્ટનાં મેનેજર પ્રદીપને સાથે લઈને ઇન્સ્પેક્ટર સૂર્યા તરત જ કેમેરાનાં કંટ્રોલરૂમ તરફ ગયો હતો અને ત્યાંના ઓપરેટરને દસમી તારીખનાં વહેલી સવારનાં છ વાગ્યાથી ફૂટેજ દેખાડવાનું કહ્યું હતું. પહેલાં તો રૂમ નં.૧૬ની લોબીવાળા સામસામા છેડાનાં બંને કેમેરાનું પોણી કલાકનું ફૂટેજ જોઈને સૂર્યાએ મનોમન કોઈની હિલચાલ નોંધી હતી અને પછી જીમનાં દરવાજા બાજુનાં કેમેરાનાં ફૂટેજ જોયા હતા.

એ ફૂટેજ જોયા પછી પાછળનાં બગીચાને કવર કરતાં કેમેરાનાં ફૂટેજ જોયા હતા અને એ ફુટેજમાં સૂર્યાએ એક શકમંદની હિલચાલ નોંધીને રધુ તથા પ્રદીપને પણ બતાવતાં કહ્યું કે, "રાજેશ અને રોશનીની હત્યાનો કાતિલ આ જ વ્યક્તિ છે!"

રૂમમાં હાજર રહેલાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગાર્ડનનાં એ કેમેરામાં ઝડપાયેલાં ફુટેજમાં દેખાતું હતું કે, 'એક વ્યક્તિ પાછળનાં બગીચામાં ઝડપથી આવે છે અને આજુબાજુ કોઈ નથી એમ જોઈને, સીધા રૂમ નં.૧૬ની બારી પાસે જઈને ટેબલ ગોઠવી બારીની અંદર કશુંક કરે છે. એકાદી મિનિટ પછી સ્લાઈડિંગ વિન્ડો હોવાથી બહારથી જ બારીને સરકાવીને બંધ કરીને, એ વ્યક્તિ ટેબલ સાઈડમાં મૂકીને ઝડપથી પાછો જતો પણ રહે છે.'

કેમેરો થોડે દૂર હોવાથી એ વ્યક્તિનો ચેહેરો તો સ્પષ્ટ નથી દેખાતો હોતો, પરંતુ સૂર્યા થોડીવાર પહેલાંના લોબીનાં કેમેરાનાં ફુટેજમાં એ વ્યક્તિની હાજરી પ્રદીપને બતાવે છે અને એ લોબીનાં ફુટેજમાં જ પ્રદીપ પોતાનાં સ્ટાફનાં માણસને તરત જ ઓળખી જાય છે.

પ્રદિપ તરત જ બોલી ઉઠે છે કે, "આ તો અમારાં સ્ટાફનો ક્લિનરબોય કેયુર છે અને એણે તો હજુ ગઈકાલે જ આ રિસોર્ટની નોકરી છોડી દીધી છે."

એ સાંભળીને સૂર્યાએ તરત જ પ્રદીપને પૂછ્યું કે, "તમે એને નોકરીએ રાખ્યો ત્યારે એનું કોઈ આધારપ્રુફ કે એવું કશુંય લીધું હતું?'

"હા સર, અમે અહીં કામ કરતાં દરેકનાં ડોક્યુમેન્ટ પહેલેથી જ માંગી લઈએ છીએ. હું હમણાં જ તપાસ કરીને તમને જણાવું છું."

થોડીવારમાં પ્રદીપે એક ફાઇલમાંથી કેયુરે જમા કરાવેલાં ડોક્યુમેન્ટમાંથી એના ઘરનું સરનામું કાઢીને સૂર્યાને આપતા જ, સૂર્યાએ તરત જ કોન્સ્ટેબલ રઘુને કેયુરની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને હાજર કરવાનું ફરમાન કરી દીધું હતું.

અપરાધી તરીકે કેયુર નીકળતાં રઘુએ પોતાનો અભીપ્રાય આપતાં કહ્યું કે, "સર, આની ઉપર તો આપણને જરાપણ શંકા નહતી!"

"રઘુ, એક વાત યાદ રાખજે કે શંકા ના હોય એ જ સાપ નીકળતાં હોય છે!" સૂર્યાએ કોઈ ફિલસૂફની અદામાં રઘુને કહ્યું હતું. કેસ ઉકેલી શક્યો હોવાનો આત્મવિશ્વાસ સૂર્યાના ચહેરાં પર સ્પષ્ટ દેખાય આવતો હતો. 

"યાદ રાખીશ સર." કહીને રઘુ ત્યારેને ત્યારે જ કેયુરની ધરપકડ કરવા પ્રદીપે આપેલા સરનામે નીકળી ગયો હતો.


* * * * * * * * * * *


પોલીસસ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સૂર્યાની કેબિનમાં રઘુએ કેયુરને હાજર કરતાં જ સૂર્યાએ તરત જ એને પ્રશ્નો પૂછવાનું શરું કરી દીધું હતું.

"જો ભાઈ કેયુર, પહેલેથી છેલ્લે સુધીની આખી વાત માંડીને કર, ક્યાંય વાતોને ફેરવી તોળવીને કરતો નહીં કે કશુંય છુપાવતો પણ નહીં. તારી અસલિયત ખુલ્લી પડી જ ચુકી છે અને હા, સાચે સાચું બોલજે. નહીંતર, આ રઘુ અને એનો ડંડો કોઈનો સગો થતો નથી. તે એ બે નિર્દોષની હત્યા શા માટે કરી?"

કેયુરે તરત જ કટાક્ષનાં ભાવમાં કહ્યું કે, "રાજેશ અને નિર્દોષ..!? ખૂની હતો સર એ ખૂની..! મારા પિતા અને મારા મોટાભાઈનો ખૂની!"

"ખૂની..!?" સૂર્યાએ આશ્ચર્યવશ પૂછતાં કહ્યું.

"હા સર, રાજેશને ત્યાં મારા પિતા અને મારો મોટોભાઈ બંને સાથે કામ કરતાં હતા. આર્થિક રીતે અમે સાવ સામાન્ય પરિસ્થિતિનાં હતા. રાજેશને ચાંદીનો મોટો ધંધો હતો અને એ ધંધા માટે રાજેશ હંમેશા ગામમાંથી વ્યાજે રૂપિયા શોધતો રહેતો હતો. થોડા સમય પછી રાજેશે ત્યાં કામ કરતાં દરેક કારીગરને ઉચ્ચું વ્યાજ આપવાની લાલચ અને નફામાં પણ હિસ્સો આપવાની લાલચ બતાવીને સૌની પાસેથી થોડાંક પૈસા માંગ્યા હતા. ત્યાં કામ કરતાં લગભગ સૌને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે ઘણાંને એ લાલચ સ્પર્શી ગઈ હતી, જેમાં મારાં પિતા અને મોટોભાઈ પણ હતા. વધુ પૈસા કમાવવાની લાલચમાં મારા પિતા અને મોટાભાઈએ આખા જીવનની મરણમૂડી રાજેશને વિશ્વાસ ઉપર એમ જ કોઈ લખાણ વીના આપી દીધી હતી.

      ત્રણ-ચાર મહીનાં સુધી રાજેશે સૌને નિયમિત વ્યાજ ચુકવ્યું પણ હતું એટલે વધુ વિશ્વાસ આવતાં મારા પિતાએ અમારાં સગાંવ્હાલાંઓ પાસેથી પણ થોડાંક ઉછીનાં પૈસા લઈને વધુ પૈસા રાજેશને ધીર્યા હતા. મારા પિતા અને મોટાભાઈની એવી ગણતરી હતી કે જેમ જેમ રાજેશ પાસેથી વ્યાજ આવતું જશે એમ એમ સગાવ્હાલાંઓને પૈસા ચુકવતા જઈશું. પરંતુ, થોડાં સમયમાં જ રાજેશે પોતાનું અસલી પોત પ્રકાશ્યું હતું. મારા પિતા અને ભાઈ પાસેથી લીધેલાં પૈસા ધંધામાં ડૂબી ગયા છે, એવું કહીને પાછા આપવા બાબતે એણે અચાનક જ હાથ ઊંચા કરી નાખ્યા હતા. એ પૈસા અમે રાજેશને આપેલાં એનું કોઈ કાયદેસર લખાણ પણ અમારી પાસે નહતું એટલે અમે કાયદાકીય રીતે એની વિરુદ્ધ બીજું કશુંય કરી શકીએ એમ નહતા.

      મારા પિતાએ ધીરેલાં પૈસાની વારંવાર માંગણી કરતા રાજેશે ઉલ્ટાનું મારા પિતા અને મારા ભાઈ પર ચાંદીની ચોરીનું ખોટું આળ ચડાવીને ખોટો પોલીસકેસ કરાવી નાખ્યો હતો. માંડ માંડ જામીન ઉપર મેં એ બંનેને છોડાવ્યા તો હતા, પરંતુ અમારાં સગાંવ્હાલાંઓ પોતાનાં પૈસાની મારા પિતા પાસે એકધારી માંગણી કર્યે રાખતાં હતા. ચોરીનું ખોટું આળ અને સગાંવ્હાલાંઓનાં અપમાનભર્યા ઠપકા અને દબાણ મારા પિતા અને મોટોભાઈ સહન કરી શક્યા નહતા અને એક દિવસ થાકી હારીને બંનેએ સાથે ઝેર પીને આપઘાત કરી લીધો હતો. હવે તમે જ કહો શું રાજેશ એ બંનેનો ખૂની નથી?" એટલું કહેતાં તો કેયુર ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો હતો. 

સૂર્યાએ કેયુરને સાંત્વના આપીને પાણીનો ગ્લાસ આપ્યો હતો અને શાંત થવા દીધો હતો.

પાણી પીને થોડીવાર પછી શાંત થતાં કેયુરે આગળની વાત કરતાં કહ્યું હતું કે, "પરિવારનાં બંને મોભીએ એકીસાથે જ આપઘાત કરી લેતા અમે સૌ ભાંગી પડ્યા હતા. રાજેશ ઉપર મને ત્યારે ગુસ્સો તો ઘણો આવ્યો હતો, પરંતુ લાચારવશ હું કશુંય કરી શકું એમ નહતો. હું હોલીડે-ઈન રિસોર્ટમાં નોકરી કરતો હતો કે એ દિવસે રાજેશ એની પત્ની સાથે ત્યાં આવ્યો હતો. રાજેશે મને ક્યારેય જોયેલો નહીં એટલે એ મને ઓળખી શક્યો નહતો, પરંતુ હું મારા પિતા અને ભાઈનાં કાતિલને જોતાવેંત તરત જ ઓળખી ગયો હતો. 'રાજેશ પાસેથી મારા પિતા અને ભાઈની મોતનો બદલો કઈ રીતે લેવો?' એના જ વિચારો મને સતત આવ્યે રાખતા હતા. 

      જે દિવસે એ લોકો રિસોર્ટમાં આવ્યા એ જ દિવસે મેં મારી રીતે ઝેરની વ્યવસ્થા કરી લીધી હતી અને હું મોકો મળવાની રાહમાં જ હતો. પહેલાં દિવસે તો મને કોઈ મોકો મળ્યો નહતો પરંતુ, બીજા દિવસે વહેલી સવારે હું એનાં રૂમવાળી લોબીમાં સફાઈ કરી રહ્યો હતો કે રાજેશ એની પત્ની સાથે બહાર નીકળ્યો હતો. બહાર નીકળતાં પહેલાં એણે રૂમસર્વિસ બોય કનુ પાસે પાણીની એક બોટલ પણ મંગાવી હતી. રૂમમાંથી બહાર નીકળીને જેવા એ બંને આગળ ગયા હતા કે, એ લોકો બહાર ચાલવા જાય છે કે જીમમાં જાય છે? એ જોવા હું પણ એમની પાછળ પાછળ ગયો હતો.

      એ બંને જીમમાં જ ગયા હતા. એ બંનેનાં જીમની અંદર જતાં જ હું તરત જ પાછળનાં ગાર્ડનમાં ગયો હતો અને મારા સદ્દનસીબે એમનાં રૂમની બારી ખુલ્લી પણ હતી. તરત જ બારીનાં કાચ બહારથી સાફ કરવા માટે વપરાતાં ટેબલ પર ચડીને મેં એમનાં રૂમમાં નજર કરતાં બારીની નજીક રહેલાં ટેબલ પર જ પાણીની બોટલ પડી હતી. બદલો લેવાનો આનાથી સુવર્ણ મોકો મને જીવનમાં પછી ક્યારેય મળવાનો નહતો. મેં તરત જ મારી પાસે રહેલી ઝેરની શીશી એમની પાણીની બોટલમાં ભેળવી દીધી હતી અને બારીનો કાચ બહારથી બંધ કરીને, નીચે ઉતરીને હું લોબીમાં જઈને પાછો મારા સફાઈનાં કામમાં લાગી ગયો હતો.

     એ દિવસે મેં જુદા જુદા સમયે ત્રણ-ચાર વખત રાજેશનાં રૂમમાં સફાઈ માટે બેલ મારતાં કોઈએ બારણું ખોલ્યું નહતું એટલે મને ખાતરી થઈ ગઈ હતી કે, મારો બદલો સંપૂર્ણપણે લેવાય ગયો છે. બીજા દિવસે જયારે સૌની હાજરીમાં એ રૂમ ખોલાયો હતો ત્યારે સૌની સાથે રાજેશની લાશને મેં પણ જોઈ હતી અને ત્યારે જ મારા જીવને નિરાંત થઈ હતી!"

કેયુરની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર સૂર્યા, કોન્સ્ટેબલ રઘુ તથા કેબિનમાં હાજર રહેલાં બીજા પોલીસ કર્મચારીઓ પણ દિગ્મૂઢ થઈ ગયા હતા.

થોડીવાર પછી સૂર્યાએ કેયુરને ગુસ્સાભર્યા સ્વરે કહ્યું કે, "તારી બદલો લેવાની આગમાં રાજેશની સાથે એની પત્નીનો પણ જીવ જતો રહ્યો, એ નિર્દોષનો શું વાંક હતો?" જો કે પોતાનાં પૂછેલાં પ્રશ્નમાં જોઈએ એવી તાકાત નથી એ સૂર્યા પણ સમજી ગયો હતો, કેમકે રોશનીએ પણ રાજેશને મારવાનો પ્લાન તો કરી જ લીધો હતો ને!

"એમ તો મારાં પિતા અને મારા ભાઈનો પણ શું વાંક હતો? એ બંનેનાં જવાથી મારાં પરિવારની શું હાલત થઈ હશે એનો તમને જરાપણ અંદાજ છે..?" કેયુરે રોષભર્યા સ્વરે સામો પ્રશ્ન કરતાં સૂર્યા પણ નરમ પડી ગયો હતો, જયારે રઘુની તો આંખો ભીની થઈ ગઈ હતી.

આખી કારકિર્દીમાં પહેલીવાર સૂર્યાને કેસ ઉકેલાઈ જવાની ખુશી થઈ નહતી. સૂર્યાની કેબિનમાં હાજર રહેલાં સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા કે, સાચો અપરાધી કોણ? આ કેયુર કે પછી પેલા બંને મૃતકો..!? 

સૂર્યા આગળની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો હતો ને એટલામાં રઘુએ મનમાં ઉઠતી શંકાનું સમાધાન કરવા સૂર્યાને પ્રશ્ન પૂછ્યો હતો કે, "સર, હજુય મને અમુક વસ્તુ નથી સમજાણી. પહેલી તો એ કે કમલેશે આપેલી ઝેરની શીશી રૂમનાં બારણાં પાસે કઈ રીતે આવી? અને બીજું સૌથી અગત્યનું કે રૂમમાં ખરેખર કઈ રીતે ઘટના ઘટી હશે?"

"એ તો હવે રાજેશ અને રોશની જ તને બતાવી શકશે અને એ જાણવા માટે તો તારે..." સૂર્યાએ ઉપર બાજુ જોયું હતું અને હજુ તો એ પોતાની વાત પૂરી કરે એ પહેલાં તો રઘુ "હું સમજી ગયો... હું સમજી ગયો..!" કહેતો આગળની કાર્યવાહીમાં પરોવાઈ ગયો હતો.

 

* * * * * * સમાપ્ત * * * * * *

(આપ સૌએ આખી વાર્તા વાંચી એ બદલ આપ સૌ વાચકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર...���������������)