રહસ્યમય અપરાધ - 3 Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય અપરાધ - 3

(ભાગ-૩)

"આક્ષેપ સાચો હોય કે ખોટો, પણ બધા સબૂત અને સાક્ષીઓ તો તારા તરફ જ ઈશારો કરે છે." સૂર્યાએ શાંતિથી કહ્યું હતું.

"સબૂત! કેવા સબૂત?" સૂર્યાના ચહેરાની ઠંડક જોઈને હવે મુકેશ થોડોક ગભરાવા લાગ્યો હતો.

"રિસોર્ટનાં રેસ્ટોરન્ટમાં તારે અને રાજેશને ઉગ્ર ઝઘડો થયો એ ઘટનાનાં ઘણાં સાક્ષીઓ છે. એ ઝઘડામાં તે રાજેશને મારી નાખવાની ધમકી પણ આપેલી, એની સાક્ષી પૂરાવવાવાળા પણ છે."

"સાહેબ, માનું છું કે એ રિસોર્ટમાં મારી અને રાજેશની આકસ્મિક મુલાકાત થઈ હતી, એને જોઈને હું અચાનક જ મારા મગજ પરનો કાબુ ખોઈ બેઠો હતો અને અમારે સારી એવી બોલાચાલી તથા ઝપાઝપી પણ થઈ ગઈ હતી. ગુસ્સામાંને ગુસ્સામાં કદાચ મેં એને મારવાનું એવું કહી પણ દીધું હશે, પરંતુ મેં એ બંનેને નથી માર્યા. મારાથી એવી હિંમત પણ ના થઈ શકે!" મુકેશે ગળગળા થતાં કહ્યું હતું.

ખૂનના આક્ષેપથી ડરનો માર્યો મુકેશ આખેઆખો કંપવા લાગ્યો હતો. મુકેશની હાલત જોઈને સૂર્યાએ એને પાણીનો ગ્લાસ આપીને થોડીવાર શાંત થવા દીધો હતો.

પાણી પીને મુકેશનાં સામાન્ય થતાં જ સૂર્યાએ બીજા પ્રશ્નો પૂછતાં કહ્યું કે, "તો પછી રિસોર્ટમાં ત્રણ દિવસનું બુકીંગ હોવા છતાંય તમે બે દિવસ પછી તરત જ સવારે કેમ ચાલ્યા ગયા હતા? તમે ગયા એ જ દિવસે રાજેશ અને રોશનીનું મૃત્યુ થયું હતું!"

"સાહેબ અમારે તો પૂરેપૂરા દિવસો રોકાવું હતું, પરંતુ રાત્રે રાજેશ સાથે થયેલી ધમાલને લીધે અમારો રજા માણવાનો મૂડ જ સાવ જતો રહ્યો હતો. એટલે પછીના દિવસે અમે સવારે જ નીકળી ગયા હતા." મુકેશે ચોખવટ કરતાં કહ્યું.

"સવારે રાજેશનાં રૂમમાં જઈને પાણીમાં ઝેર ભેળવીને તરત જ ત્યાંથી ભાગી જવાનું કારણ પૂછી શકું?" સૂર્યા હજુય મુકેશનો પીછો છોડવાનાં મૂડમાં નહતો.

"એ તો હું...ખાલી..." મુકેશ હવે તતફફ કરવા લાગ્યો હતો.

"સાચે સાચું બોલી દે, સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સવારે સવા સાતની આસપાસ તું રાજેશનાં રૂમમાં જતો દેખાય છે અને ત્યાંથી ઉતાવળે પાછો ફરતો પણ દેખાય છે. બધા સબૂતો તને જ દોષિત ઠેરવે છે."

"સાહેબ, ભગવાન કસમ હું સાચું જ કહું છું, કે મેં કોઈને માર્યા નથી..!" મુકેશ હવે તો સાવ રડવા જેવો થવા લાગ્યો હતો.

એટલામાં સૂર્યાને કોઈનો ફોન આવ્યો હતો. સૂર્યાએ બહાર જઈને ફોનમાં વાત કરીને થોડીવાર પછી અંદર આવીને ધારદાર અવાજે પૂછ્યું હતું કે, "તો પછી સવારે રાજેશનાં રૂમમાં જવાનું કારણ શું હતું?"

"એ તો હું એને મળવા ગયો હતો કે જો એનું હૃદય થોડુંક પણ પીગળે અને મને મારાં પૈસા પાછા આપી દે! પરંતુ હું અંદર ગયો ત્યારે બંને સાવ નિશ્ચેતન જ પડ્યા હતા અને બંનેનાં મોઢામાંથી ફીણ પણ નીકળી ગયા હતા. એ જોઈને ગભરાઈને હું તરત જ બહાર નીકળી ગયો હતો. મારાં રૂમમાં પાછાં આવીને ત્યારેને ત્યારે જ ચેકઆઉટ કરીને અમે સૌ નીકળી ગયા હતા." મુકેશે સઘળી પરિસ્થતિ વર્ણવતાં કહ્યું.

"એ બંનેની હાલત જોઈને ડોક્ટરને કે પોલિસને ફોન કરવાનું ના સુજયું?" સૂર્યાએ તરત જ અર્થસૂચક પ્રશ્ન પૂછતાં કહ્યું.

"એ સમયે હું એટલો ગભરાઈ ગયો હતો કે, મને એવું કશુંય મગજમાં આવ્યું જ નહતું અને એમ પણ આગલા દિવસે થયેલાં અમારા બંનેનાં ઝઘડાને લીધે બધાને મારા ઉપર જ શક જાત અને મારો જ વાંક દેખાત! એ પરિસ્થિતિમાં મને ત્યાંથી ભાગી જવાનું જ સુજયું હતું." મુકેશે થોથવાતાં અવાજે કહ્યું.

"તમે રૂમમાં ગયા ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો?"

"હા, પહેલાં મેં બેલ મારેલી. પરંતુ પછી દરવાજાને અડતાં જ એ ખુલ્લો માલુમ પડતાં જ હું અંદર ગયો હતો."

"બહાર નીકળ્યા ત્યારે દરવાજો ખુલ્લો રાખ્યો હતો કે બંધ કરી દીધો હતો?" સૂર્યા પ્રશ્ન પૂછવાની સાથે સાથે મુકેશનાં હાવભાવનું પણ નિરીક્ષણ કરી રહ્યો હતો.

"એ તો સાહેબ યાદ નથી, પણ મને લાગે છે કે બહાર નીકળીને મેં દરવાજો લોક જ કરી દીધો હશે!" મુકેશે થોડીવાર યાદ કરીને કહ્યું.

"હમમમ...ચાલો, તમારી આ બનાવેલી સ્ટોરીને માની પણ લઈએ. તો મને એ કહો કે રાજેશે અને એની પત્નીએ આપઘાત શા માટે કર્યો હશે? તમારા મતે તમને શું લાગે છે? કેમકે તમે ત્રણેક વર્ષ એની સાથે ધંધામાં પાર્ટનર તરીકે રહ્યા હતા, એટલે રાજેશ વિશે થોડીઘણી અન્ય વાતો તો તમે જાણતાં જ હશો." સૂર્યાએ અલગ જ પ્રશ્ન પૂછતાં મુકેશની સાથે કોન્સ્ટેબલ રઘુ પણ ચકરાવે ચડી ગયો હતો.

ફેરવી ફેરવીને પ્રશ્નો પૂછીને સામેવાળાની માનસિકતા માપવાની સૂર્યાની આદત હતી. સૂર્યા સારી પેઠે જાણતો હતો કે, એક ખૂબ જ ગંભીર મામલો હંમેશા નજીવી બાબતો ઉપર આધાર રાખતો હોય છે.

"સાહેબ, તમને હજુ પણ મારી વાત સ્ટોરી લાગે છે, પણ હું તમને સાચે સાચું કહું છું કે મેં એ લોકોને નથી માર્યા! એ લોકોએ શા માટે આપઘાત કર્યો એ વિશે તો હું નક્કર કશું કહી ના શકું, પણ મને એક વાત જાણવા મળી છે કે રાજેશને એની પત્ની સાથે સારા સબંધ નહતા. બંને વચ્ચે કેટલાય સમયથી અણબનાવ ચાલ્યો જ આવતો હતો. એ માટે રાજેશનાં લફરાં પણ કારણભૂત હતા, તો સામે રોશનીને પણ કોઈ પ્રેમી હતો!"

મુકેશની એ વાત સાંભળીને ચોંકવાનો વારો હવે ઇન્સ્પેક્ટર સૂર્યાનો હતો. 

સૂર્યાએ સામી દલીલ કરતાં કહ્યું કે, "પણ એ બંનેને તો સારું એવું ભળતું હતું, એવું ઘણાં લોકોએ કહ્યું છે!"

"એ બધું તો દુનિયાને બતાવવા, હકીકતમાં તો રોશનીનાં લગ્ન પરાણે રાજેશ સાથે કરવામાં આવ્યા હતા. રોશનીને લગ્ન પહેલાં જ એક પ્રેમી હતો અને રોશનીને એની સાથે જ લગ્ન કરવા હતા, પરંતુ એનાં પિતાનાં દબાણને વશ થઈને રોશનીનાં લગ્ન રાજેશ સાથે થયા હતા. રાજેશનાં લફરાંવાળા તથા રંગીલા સ્વભાવથી તંગ આવીને લગ્ન પછી રોશનીએ પણ જુના પ્રેમી સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો." મુકેશે એ બંનેનો આખો ઈતિહાસ રજુ કરતાં કહ્યું.

ઇન્સ્પેક્ટર સૂર્યાએ બીજા પણ અમુક પ્રશ્નો પૂછીને મુકેશને જવા દીધો હતો અને ફરી પાછો બોલાવે ત્યારે હાજર રહેવાની સખત તાકીદ પણ કરી હતી.


* * * * * * * * * * * * * *

મુકેશનાં જતાં જ રઘુએ તરત જ પોતાની રીતે તારણ આપતાં કહ્યું કે, "સર, મને તો લાગે છે કે આ મુકેશ જ હત્યારો છે. રાજેશે ધંધામાં સારી એવી ગોલમાલ કરીને મુકેશને રસ્તા પર લાવી દીધો હશે એટલે એ જૂનો ખાર મનમાં રાખીને મોકો મળતાં જ મુકેશે ઝેર આપીને બંનેની હત્યા કરી નાખી હશે."

રઘુનો તર્ક સાંભળતાં સૂર્યાએ કહ્યું કે, "મુકેશ હત્યારો નથી. કેમકે એ રાજેશ આવ્યો એના આગલાં દિવસે રિસોર્ટમાં આવ્યો હતો. બંનેનું એક જ રિસોર્ટમાં ભેગા થવું એ કદાચ જોગાનુજોગ જ છે. હવે જો જોગાનુજોગ જ હોય તો રાજેશને મારવા માટે મુકેશ રિસોર્ટમાં તાત્કાલિક ઝેરની વ્યવસ્થા ક્યાંથી કરી શકે?"

સૂર્યાની વાત સાંભળીને રઘુ પણ વિચારમાં પડી ગયો હતો. એને વિચારતો જોઈને સૂર્યાએ કહ્યું કે, "છતાંય મુકેશ આપણા શકનાં દાયરામાં તો છે જ. તું એક કામ કર, આ ગ્લાસમાં મુકેશે પાણી પીધું છે. ફોરેન્સિક લેબ.માં આ ગ્લાસ આપીને મુકેશનાં ફિંગરપ્રિન્ટ લેવડાવી લે."

"તો સર, શું આ આપઘાત જ હશે. મને તો એવું પણ લાગે છે કે મૃતક દંપતીને લગ્નજીવનની સમસ્યા ધારણા કરતા ઘણીબધી વધી ગઈ હશે અને કંટાળીને બંનેએ સાથે આપઘાત કરી લીધો હશે." રઘુએ પોતાની બીજી શંકા રજુ કરતાં કહ્યું.

"ના રઘુ, મને અંદરથી એમ થાય છે કે આ આપઘાત તો નથી જ! કોઈએ પોતાનો સ્વાર્થ સાધવા સિફતપુર્વક પ્લાનિંગથી કરેલી હત્યા છે. આપઘાત કરવાવાળા મરવાની અંતિમ ઘડીએ કાંઈ જીમમાં કસરત કરવા ના જાય!" સૂર્યાએ સચોટ તર્ક આપતાં કહ્યું.

ઇન્સ્પેક્ટર સૂર્યાનો તર્ક સાંભળીને રઘુ ફરી પાછો વિચારમાં પડી ગયો હતો. 

રઘુને વિચારતો જોઈને સૂર્યાએ કહ્યું કે, "રઘુ, એક વસ્તુ ખાસ યાદ રાખજે; જે વધારે રહસ્યમય લાગતું હોય તેનો ઉકેલ બહુ જલ્દી આવી જતો હોય છે, જયારે જે કેસ એકદમ આસાનીથી ઉકેલાઈ જશે એવું લાગતું હોય એને ઉકેલવામાં જ ઘણી મહેનતની જરૂર પડતી હોય છે. જયારે તમારા તારણો વિરુદ્ધ હકીકતો હોય ત્યારે તમારે બીજા અર્થઘટન દ્વારા પણ મામલાને વિચારવો જોઈએ!"

"વાહ સર વાહ, શું જ્ઞાન આપ્યું છે તમે!" રઘુએ સૂર્યાનાં વખાણ કરતાં કહ્યું.

"એ બધું છોડ અને તું એક કામ કર. રાજેશની સાથે રોશનીનાં પણ મોબાઈલની બધી કોલ-ડિટેઈલ મંગાવી લે અને મુકેશ ઉપર પણ ધ્યાન રાખવાની વ્યવસ્થા કરી દે. આ રોશનીનો પ્રેમી કોણ છે એની તપાસ પણ કરવી પડશે." એટલું કહીને સૂર્યા રિસોર્ટમાંથી લાવેલાં રાજેશની રૂમની લોબીનાં કેમેરાનાં ફૂટેજ ચેક કરવાની વ્યવસ્થામાં પડ્યો હતો.

રઘુ મળેલી સૂચનાનું પાલન કરવા બહાર ગયો અને સૂર્યા એ ફૂટેજ જોવા લાગ્યો હતો. સવારનાં પોણા છ વાગ્યાથી રેકોર્ડિંગ શરું કરીને સૂર્યા ધ્યાનપૂર્વક ફૂટેજ જોતો હતો. ૬:૩૪એ જીમમાંથી પાછા આવીને રાજેશ અને રોશની પોતાનાં રૂમની અંદર ગયા પછી લોબીમાં ભાગ્યે જ કોઈક નીકળતું હતું. એમાંથી મોટાભાગનાં તો રિસોર્ટનાં સ્ટાફનાં સભ્યો જ હતા.

એવામાં એક વ્યક્તિ આજુબાજુ કોઈ નથી એમ જોઈને રાજેશનાં રૂમ તરફ જતો દેખાયો હતો. સૂર્યાએ સ્ક્રીનમાં સમય જોતાં ૬:૪૨ થઈ હતી. ત્રણ-ચાર મિનિટ પછી એ વ્યક્તિ બહાર નીકળીને રાજેશનાં રૂમની સામેની બાજુનાં એક રૂમમાં તરત જ અંદર જતો રહ્યો હતો. સૂર્યાએ તરત જ ડાયરીમાં સમય નોંધી લીધો હતો અને પોતાની ભૂલનો અફસોસ પણ થયો હતો કે, 'આ જ ફૂટેજ ફાસ્ટફોરવડમાં રિસોર્ટમાં જોયું હતું, ત્યારે આ વ્યક્તિ કેમ પોતાની ધ્યાન બહાર રહી ગયો?'

સૂર્યાએ તરત જ રિસોર્ટનાં મેનેજર પ્રદીપને ફોન કરીને રૂમ નં.૧૬ની સામેની બાજુ રહેલાં બધા રૂમની વિગતો તાત્કાલિક મોકલવા કહી દીધું.

થોડીવારમાં જ પ્રદીપે ઇન્સ્પેક્ટર સૂર્યાની સૂચના અનુસાર બધી માહિતી મેઈલ કરી દીધી હતી. સામેની બાજુએ રહેલાં ત્રણ રૂમમાંથી રૂમ નં. ૨૨ અને ૨૪ બંનેમાં ફેમિલીવાળા રોકાણા હતા, જયારે રૂમ નં.૨૩માં એક વ્યક્તિ એકલો જ રોકાણો હતો. પ્રદીપે એ બધાનાં ઓળખકાર્ડ પણ મોકલી દીધા હતા.

રૂમ નં.૨૩માં ઉતરેલા વ્યક્તિનું નામ કમલેશ વર્મા હતું. સૂર્યા એના આધારકાર્ડ ઉપરથી બીજી માહિતી જોતાં જોતાં તરત જ પ્રદીપને ફરી ફોન કરીને રૂમ નં.૨૩માં ઉતરેલા કમલેશ વર્મા રિસોર્ટમાં ક્યારે આવ્યો હતો? અને હજુ પણ રિસોર્ટમાં છે કે કેમ? એ તપાસ કરવાનું કહ્યું હતું.

થોડીવારમાં પ્રદીપે સૂર્યાને ફોનમાં માહિતી આપતાં કહ્યું કે, "સર, કમલેશ પણ રાજેશ આવેલો એ દિવસે જ બપોરે નવમી તારીખે આવેલો હતો અને ગઈકાલે સવારે જ ચેકઆઉટ કરી ગયો છે."

"એ એકલો જ હતો કે કોઈ બીજું પણ હતું એની સાથે?"

"ના સર, એ એકલો જ હતો."

"ભલે, હું બીજી કશી માહિતી જોઈતી હશે તો ફરી ફોન કરીશ." કહીને સૂર્યાએ ડાયરીમાં કમલેશનાં આવવાની અને જવાની તારીખની અને સમયની નોંધ હજુ તો ટપકાવી, ત્યાં જ કોન્સ્ટેબલ રઘુનો ફોન આવ્યો હતો.

"હા બોલ રઘુ, શું અપડેટ છે?" નોંધ ટપકાવતાં ટપકાવતાં સૂર્યાએ ફોનમાં પૂછ્યું.

"સર, દર વખતે અપડેટ જ હોય? ક્યારેક હું મુસીબતમાં મુકાઈ ગયો હોય અને તમને ફોન કર્યો હોય એવું ના બને!" રઘુએ થોડીક ફરિયાદનાં સૂરમાં મસ્તી કરતાં કહ્યું.

"અરે રઘુ, તું મારી ટીમમાં છો અને મારા હાથે ટ્રેઈન થયેલો છો. મારી ટીમનાં કોઈ પણ સાથી હજુ સુધી તો કોઈ મુસીબતમાં મુકાયા હોય એવો એકપણ દાખલો બન્યો નથી! ચાલ, મસ્તી છોડ અને કહે કે શું અપડેટ છે?" સૂર્યાએ હસતાં હસતાં આત્મવિશ્વાસપૂર્વક રઘુને માહિતી વિશે પૂછતાં કહ્યું.

"સર, મુકેશની વાત સાચી છે. રોશનીને લગ્ન પહેલાં એક પ્રેમી હતો અને લગ્ન પછીય એની સાથેનો સંપર્ક ચાલુ જ હતો. રોશનીનાં મોબાઈલની ડિટેઈલમાં એનો નંબર ઘણીવાર ડાયલ પણ થયેલો છે અને એના પ્રેમીનું નામ પણ જાણવા મળી ગયું છે."

હજુ તો રઘુ રોશનીનાં પ્રેમીનું નામ બોલે એ પહેલાં જ સૂર્યાએ કહી દીધું કે, "એનાં પ્રેમીનું નામ કમલેશ વર્મા છે. આગળ બોલ!"

એ સાંભળીને રઘુ એક આંચકો જ ખાઈ ગયો હતો "સર, તમે અંતર્યામી છો કે શું? આ નામ મને પણ હજુ બે મિનિટ પહેલાં જ જાણવા મળ્યું છે, તો તમને કઈ રીતે જાણ થઈ..?"

"મને પણ બે મિનિટ પહેલાં જ જાણ થઈ છે!" સૂર્યાએ સાવ શાંતિથી કહ્યું હતું, પરંતુ રઘુ હજુય સૂર્યાના જવાબથી આશ્ચર્યચકિત જ હતો. 

"સાંભળ, હું તને એનું એડ્રેસ મોકલું છું. તું એના વિશે બધી તપાસ કર અને હાથમાં આવે તો અત્યારે જ અહિયાં લેતો આવજે." કહીને સૂર્યાએ રઘુને બીજી પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

(ક્રમશઃ...)