Bhed bharam - part 29 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 29

ભેદભરમ

ભાગ-૨9

 

સુરેશ પ્રજાપતિની કબુલાત

 

હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્ને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી સીગરેટ પી રહ્યા હતાં ત્યારે મહેશભાઇ અને એમના પત્ની સીમાબેન પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતાં.

હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર પણ એમની પાછળ-પાછળ પોલીસ સ્ટેશનની અંદર  દાખલ થયા અને કેબીનમાં જઇ બેસી ગયા હતાં.

મહેશભાઇ અને એમના પત્નીને પણ હવાલદાર જોરાવરે ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં મોકલ્યા હતાં.

"આવો મહેશભાઇ, ધીરજભાઇ પાસેથી મેં આપના વિશે ઘણું સાંભળ્યું હતું. આપ બંન્ને ખુરશીમાં બેસો." વાતનો દોર હરમને હાથમાં લેતા મહેશભાઇને આવકાર આપતા કહ્યું હતું.

"મને પોલીસ સ્ટેશન શેના માટે બોલાવવામાં આવ્યો છે? ધીરજભાઇ મારા મિત્ર હતાં, પરંતુ એમના ખૂન બાબતે તમારે મને કે મારી પત્નીને શું પૂછવું છે?" મહેશભાઇને એમની પત્ની સાથે પોલીસ સ્ટેશન બોલાવ્યા એ એમને જરાય પસંદ પડ્યું ન હતું.

"અમે તમને શંકાના આધાર ઉપર પોલીસ સ્ટેશન બોલાવ્યા નથી. પરંતુ ધીરજભાઇનું ખૂન કોણે અને કેમ કર્યું હશે એના ઉપર તમે પ્રકાશ પાડી શકો એ માટે તમને અહીં બોલાવ્યા છે." હરમને મહેશભાઇને ઠંડા પાડવા માટે કહ્યું હતું.

હરમનની વાત સાંભળી મહેશભાઇએ પોતાની અકળામણ ઓછી કરી અને ઠંડા પડ્યા હતાં.

"ધીરજભાઇનું ખૂન ઘણાં બધાં લોકો કરી શકે એમ હતાં. માટે હું કોઇ એક વ્યક્તિ સામે આંગળી કરી શકું એ શક્ય નથી. હું અને ધીરજભાઇ મિત્ર હતાં પરંતુ ધીરજભાઇ એમના જીવનની ઘણીબધી બાબતો મને કહેતા ન હતાં અને એટલે પણ તમારા સવાલનો મારી પાસે કોઇ જવાબ નથી." મહેશભાઇએ વાતને ટૂંકી કરતા કહ્યું હતું.

"તમારા આ બીજા પત્ની સીમાબેન ધીરજભાઇના દૂરના સગામાં થાય છે એવું મને તપાસ કરતા ખબર પડી છે. મને એ પણ ખબર પડી છે કે તમે અને ધીરજભાઇ સુરેશ પ્રજાપતિ જેવા મોટા બિલ્ડરને સૌરભ ખત્રી જેવા શરાફના માધ્યમથી મોટા રૂપિયા વ્યાજે આપતા હતાં. ધીરજભાઇની દર શનિ-રવિવારની પાર્ટીમાં પણ તમે હંમેશા આવતા હતાં અને એ ઉપરથી કહી શકાય કે તમે ધીરજભાઇની ઘણાં નજીક હતાં. જો તમે ધીરજભાઇના ખૂન કેસ બાબતમાં જે જાણતા હોય તે નહીં જણાવો તો સૌરભ ખત્રીના કાર અકસ્માતની ફાઇલ પોલીસે ખોલવી પડશે અને સૌરભ ખત્રીનું અકસ્માત નહિ પરંતુ ખૂન થયું છે એ સાબિત કરતા મને આઠ દિવસ પણ નહીં થાય અને એ કેસમાં મુખ્ય આરોપી તરીકે તમારા ઉપર શંકાની સોય આવશે એટલું તો ચોક્કસ છે." હરમને પોતાની વાતનું ઇન્જેક્શન મહેશભાઇને આપતા કહ્યું હતું.

હરમનનું ઇન્જેક્શન સ્ટીરોઇડનું હોય એવી રીતે મહેશભાઇ ઉપર એની તાબડતોબ અસર દેખાઇ હતી અને એ પોપટની જેમ બોલવા લાગ્યા હતાં.

"ધીરજભાઇના ખૂનની બાબતમાં મારી શંકા ધર્માનંદ સ્વામી અને સુરેશ પ્રજાપતિ ઉપર છે. એક વાર સુરેશ પ્રજાપતિએ મને પોતાની ઓફિસમાં બોલાવી ધીરજભાઇ આ જગ્યા એમને વેચી દે એ માટે સમજાવવાનું કહ્યું હતું અને મેં ધીરજભાઇને સમજાવ્યા પણ હતાં. પરંતુ ધીરજભાઇ માન્યા ન હતાં. મેં કાલે પણ પ્રેયસને આ જમીન સુરેશ પ્રજાપતિને વેચવા માટેની ઓફર આપી હતી. સુરેશ પ્રજાપતિ એંશી કરોડની જમીનના સો કરોડ આપવા તૈયાર થઇ ગયો છે એવું પણ મેં પ્રેયસને જણાવ્યું હતું. એ મને વિચારીને જવાબ આપશે એવું મને એણે જણાવ્યું હતું. હવે તમે આખો મામલો સુરેશ પ્રજાપતિને પૂછશો તો તમને કંઇક સાચી ખબર પડશે. પરંતુ મારી પત્ની સીમા ધીરજભાઇના દૂરના સગામાં થાય છે એ વાત તમને કઇ રીતે ખબર પડી?" મહેશભાઇએ પોતાનો જવાબ પૂરો કરી હરમનને સવાલ પૂછ્યો હતો.

"ધીરજભાઇએ મને એવું કહ્યું હતું કે તમારા બીજા લગ્ન એમણે જ કરાવી આપ્યા છે અને લગ્નમાં પણ એ હાજર રહ્યા હતાં. એ વાતને મેં યાદ રાખી તમારા પત્ની એમના દૂરના સગાં છે એવો અંદાજ લગાવ્યો હતો અને મારો અંદાજ સાચો પડ્યો છે." હરમને મહેશભાઇને જવાબ આપતા કહ્યું હતું અને સીમાબેન તરફ જોયું હતું.

"સીમાબેન, તમે મહેશભાઇ જોડે લગ્ન કરવા કેમ તૈયાર થયા? ધીરજભાઇએ તમને શું લાલચ આપી હતી?" હરમને સીમાબેન તરફ જોઇ પૂછ્યું હતું.

હરમનનો સવાલ સાંભળી સીમાબેન એકવાર તો હલી ગયા હતાં, પરંતુ સાચું બોલ્યા વગર છુટકો નથી એટલું તો એ સમજી ચૂક્યા હતાં.

"મહેશ જોડે લગ્ન કરવા માટે એમણે મને સમજાવી હતી અને મને કહ્યું હતું કે એ એમની સંપત્તિમાંથી દસ ટકા રકમ મને આપશે. પરંતુ મહેશ જોડે લગ્ન કર્યા પછી હું ખૂબ ખુશ છું અને મેં ધીરજભાઇની સંપત્તિની આશા રાખી ન હતી. ધીરજભાઇ મારા માટે મારા મોટાભાઇ સમાન હતાં. એમનું ખૂન થવાથી મને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો." સીમા આંખમાં આંસુ સાથે બોલી હતી.

હરમને અને ઇન્સ્પેક્ટર પરમારે એકબીજા સામે જોયું હતું.

"સારું મહેશભાઇ, હવે તમે જઇ શકો છો. પોલીસને તમે જે સહયોગ આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર..." ઇન્સ્પેક્ટર પરમારે મહેશભાઇનો આભાર વ્યક્ત કરી જવા માટે કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારે સુરેશ પ્રજાપતિને ફોન કરીને એમના બંગલે એમને અને એમની પત્ની જ્યોતિને મળવા માંગે છે એવું જણાવ્યું હતું.

સુરેશ પ્રજાપતિએ ઇન્સ્પેક્ટર પરમારને પોતાના બંગલે મળવા માટે સંમતિ દર્શાવી હતી.

હરમન, જમાલ અને ઇન્સ્પેક્ટર પરમાર ત્રણેય પોલીસ જીપમાં સુરેશ પ્રજાપતિના બંગલે પહોંચ્યા હતાં.

બંગલાના મુખ્ય ગેટમાં દાખલ થયા બાદ જ્યારે એ બંગલાના મુખ્ય દ્વાર પર જીપમાંથી ઉતર્યા ત્યારે સુરેશ પ્રજાપતિના નોકરે બારણું ખોલી નાંખ્યું હતું.

હરમન, જમાલ અને ઇન્સ્પેક્ટર પરમાર જ્યારે ડ્રોઇંગરૂમમાં દાખલ થયા ત્યારે જ્યોતિબેન પહેલાની જેમ જ જમીન ઉપર આસન પાથરીને બેઠાં હતાં અને સુરેશ પ્રજાપતિ વાદળી કલરના ઝભ્ભા-લેંઘામાં સોફા ઉપર બેઠાં હતાં અને એમની બરાબર બાજુમાં એમની વકીલ મધુરીકા પારેખ બેઠી હતી.

"આવો ઇન્સ્પેક્ટર પરમાર, ધીરજભાઇના ખૂની વિશે કોઇ માહિતી મળી ખરી?" સુરેશ પ્રજાપતિએ હરમનની અવગણના કરી અને ઇન્સ્પેક્ટર પરમાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

"ના હજી સુધી તો કોઇ ખૂની વિશે માહિતી મળી નથી, પરંતુ જલ્દીથી મળી જશે એવું લાગે છે." ઇન્સ્પેક્ટર પરમારે સુરેશ પ્રજાપતિના બદલે એમની વકીલ મધુરીકા પારેખ સામે જોઇ જવાબ આપતા કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પરમાર, તમે મારા અસીલ સુરેશ પ્રજાપતિને અને જ્યોતિ પ્રજાપતિની બે વખત પૂછપરછ કરી ચૂક્યા છો. આજે હું તમને મારા અસીલને સવાલો પૂછવા દઉં છું, પરંતુ આ છેલ્લી વાર છે. આજ પછી તમારે કંઇપણ સવાલ પૂછવો હોય તો કોર્ટની પરમીશનથી પૂછી શકશો અને હા કોઇપણ સવાલ મારા અસીલને આરોપી સમજીને પૂછવામાં ના આવે એનું ધ્યાન રાખજો." મધુરીકા પારેખે સારી રીતે પરંતુ ખૂબ મક્કમ રીતે ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

"જુઓ મધુરીકાજી, મને મારું કામ ખબર છે. મારે કોને કેટલા સવાલ પૂછવા અને કેવા સવાલ પૂછવા એ હું નક્કી કરીશ. હું તમારા અસીલને ધીરજભાઇના ખૂન કેસમાંથી બચાવવા માટે વારંવાર તકલીફ આપી રહ્યો છું, નહિતર મારી પાસે બે ગવાહ એવા છે કે જે મને પોલીસ સ્ટેટમેન્ટમાં એવું લખાવવા તૈયાર છે કે ધીરજભાઇના ખૂન પાછળ સુરેશ પ્રજાપતિનો હાથ છે. પરંતુ મને મારી તપાસ દરમ્યાન એવું લાગતું નથી. માટે મારે એમને તકલીફ આપવી પડે છે, જેથી હું અસલી ખૂની સુધી પહોંચી શકું. તમારી વકીલાતની હેકડી તમારી પાસે રાખજો. વીસ વર્ષની મારી પોલીસની નોકરીમાં મારી ઇમાનદારીના કારણે મારી વીસ વાર ટ્રાન્સફર થઇ ચૂકી છે. માટે મારા કામમાં આડા આવવાનું વિચારતા પણ નહિ. મને એ પણ ખબર છે કે તમારી ઓળખાણ કમિશ્નર સાહેબ સાથે ખૂબ જ ગાઢ છે. એટલે જો એ રીતે પણ તમે મને દબાવવાની કોશિષ કરતા હોય તો તમારી કોશિષ નકામી છે." ઇન્સ્પેક્ટર પરમારનું મગજ તપી ગયું હતું અને સુરેશ પ્રજાપતિના ઘરમાં જ કોર્ટ ચાલુ થઇ ગઇ હતી.

હરમને અને સુરેશ પ્રજાપતિએ ઇન્સ્પેક્ટર પરમાર અને મધુરીકા પારેખને ઠંડા પાડ્યા અને જ્યોતિએ નોકરને શરબત લાવવાનું કહ્યું હતું.

"ઇન્સ્પેક્ટર પરમાર, તમારે જે કંઇ પણ પૂછવું હોય એ તમે મને પૂછી શકો છો." સુરેશ પ્રજાપતિએ ઢીલા પડતા ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારે હરમને સામે જોયું હતું.

"ધીરજભાઇની સોસાયટીની જમીન ખરીદવામાં તમને આટલો બધો રસ કેમ છે? હવે એવું ના કહેતા કે તમે બિલ્ડર છો માટે તમને રસ છે. જે સાચું હોય તે કહી દેશો તો અમને ધીરજભાઇની ખૂની સુધી પહોંચવામાં સરળતા પડશે અને તમારો સહકાર મળશે." હરમને સુરેશ પ્રજાપતિને પૂછ્યું હતું.

"જુઓ, ધંધા સિવાયની કોઇ અપેક્ષા એ જમીન ખરીદવા પાછળ મારી નથી. તમે માનો કે ના માનો આ જ સત્ય છે." સુરેશ પ્રજાપતિએ પણ ઠંડા કલેજે હરમનને જવાબ આપ્યો હતો.

"માવજીએ પોલીસ સ્ટેશનમાં પોતાનું બયાન આપ્યું છે અને એ બયાનમાં એણે એવું જણાવ્યું છે કે તમે, તમારી પત્ની અને ધર્માનંદ સ્વામી ધીરજભાઇની જમીનમાં રહેલો નાગમણી મેળવવા માટે આ જમીન ખરીદવા માંગો છો." હરમનના સવાલથી સુરેશ પ્રજાપતિ અને જ્યોતિ બંન્નેને એ.સી.ની ઠંડક વચ્ચે પણ પરસેવો વળી ગયો હતો.

સુરેશ પ્રજાપતિએ પોતાની જાતને સંભાળી અને પરસેવો લૂછી નાંખ્યો હતો.

"ઇન્સ્પેક્ટર પરમાર, તમે જાણો જ છો કે જ્યોતિને સ્વયં માતાજી પધારે છે. જ્યોતિના શરીરમાં જ્યારે માતાજી પધાર્યા ત્યારે એણે મને કહ્યું હતું કે ધીરજભાઇની જમીનમાં નાગમણી છે અને એ નાગમણી આપણને મળી જશે તો આપણે સો વર્ષ સુધી જીવન જીવી શકીશું. બસ, આ લાલચના કારણે હું ધીરજભાઇની જમીન ખરીદવાની પાછળ પડ્યો હતો. ધર્માનંદ સ્વામીએ પણ જ્યોતિની વાત સાચી છે એની પુષ્ટિ કરી હતી, એટલે મારો આત્મવિશ્વાસ નાગમણી પ્રાપ્ત કરવા બાબતમાં વધુ પ્રબળ બન્યો હતો અને હું એને પ્રાપ્ત કરવા માટે બધી તાકાત લગાવી રહ્યો હતો. પરંતુ એટલું હું તમને ચોક્કસ કહી દઉં કે ધીરજભાઇના ખૂનમાં અમારો હાથ નથી. માવજીએ કહેલી વાતને તમે બહુ વજન આપતા નહિ." સુરેશ પ્રજાપતિએ હરમન સામે જોઇ કહ્યું હતું.

"મી. સુરેશ, તમે આટલા મોટા બિલ્ડર થઇ આવી નાગમણી જેવી વાતો પર વિશ્વાસ રાખો છો એની મને નવાઇ લાગી રહી છે...!!!" મધુરીકા પારેખે અકળાઇને સુરેશ પ્રજાપતિને કહ્યું હતું.

"નાગમણી સત્ય છે અને ધીરજભાઇની જમીનમાં છે. આ હું સ્વયં કહી રહી છું... જ્યોતિ તો માધ્યમ છે. હું જ નાગમણીની અસલી માલિક છું." જ્યોતિએ જોરથી હાથ પછાડી બોલી રહી હતી.

સુરેશ પ્રજાપતિએ ઊભા થઇ જ્યોતિ પાસે મુકેલો દીવો પ્રગટાવ્યો હતો.

"જ્યોતિના શરીરમાં માતાજી હાજર થઇ ગયા. માટે બે મિનિટ આપણે બધાંએ ચૂપ રહેવું પડશે." સુરેશ પ્રજાપતિએ બધાંની સામે જોઇ કહ્યું હતું.

બે મિનિટ પછી જ્યોતિએ આંખો ખોલી હતી.

"મી. સુરેશ પ્રજાપતિ, મને માફ કરજો. હું આવી અંધશ્રદ્ધામાં માનતી નથી. માટે તમારી વકીલ તરીકે હું આ કેસમાં તમારી કોઇ મદદ નહીં કરી શકું." આટલું બોલી મધુરીકા પારેખ નીકળી ગઇ હતી.

"જ્યોતિબેન, મારે તમને એક છેલ્લો સવાલ પૂછવો છે. ધીરજભાઇને ખબર હતી કે એમની જમીનમાં નાગમણી છે." હરમને જ્યોતિ સામે જોઇ પૂછ્યું હતું.

"હા, ધીરજભાઇ ત્રણ વર્ષ પહેલા અહીં અમારા બંગલે આવ્યા હતાં અને ત્યારે જ્યોતિના શરીરમાં માતાજી હાજર થયા હતાં અને માતાજીએ એમને કહ્યું હતું કે એમની જમીનમાં નાગમણી છે. પરંતુ એ પણ આ વકીલ મધુરીકા પારેખની જેમ ઊભા થઇને જતાં રહ્યા હતાં અને તમે જ જુઓ માતાજીનું અપમાન કરવા બદલ એમને એ દુનિયામાંથી ઊભા થઇ જવું પડ્યું છે." આટલું બોલી જ્યોતિએ આંખો બંધ કરી દીધી હતી.

"સારું તો મી. સુરેશ, તમે પોલીસને જે સહયોગ આપ્યો તે બદલ આપનો ખૂબ આભાર છે." આટલું બોલી ઇન્સ્પેક્ટર પરમારે સુરેશ પ્રજાપતિ સાથે હાથ મીલાવતા કહ્યું હતું.

ત્રણેય જણ પોલીસ જીપમાં બેસી પાછા પોલીસ સ્ટેશન જઇ રહ્યા હતાં.

"બોસ આપણે ધીરજભાઇના ખૂનની તપાસ કરીએ છીએ કે પછી નાગમણી શોધવા નીકળ્યા છીએ? આ કેસની એક કડી મળે તો બીજી કડી ખોવાઇ જાય છે. આજે શનિવાર છે, તો શનિ અને રવિ બે દિવસ કેસની તપાસ બંધ રાખી અને આપણે બધાં પોતપોતાના ઘરે આરામ કરીએ." જમાલે હરમન સામે જોઇ કહ્યું હતું.

"આજે શનિવાર છે? તો તું ક્યાંય જતો નહિ. આજે રાત્રે આપણે ધીરજભાઇની સોસાયટીમાં જવાનું છે અને ઇન્સ્પેક્ટર પરમાર તમારે પણ જોડે આવવું પડશે." હરમને ઇન્સ્પેક્ટર પરમાર અને જમાલ બંન્ને સામે જોઇ કહ્યું હતું.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

-   ૐ ગુરુ

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED