Bhed Bharam - 4 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 4

ભેદભરમ

ભાગ-4

CCTV કેમેરા અને સિક્યોરીટી ગાર્ડનું રહસ્ય


ધીરજભાઇની પાછળ-પાછળ હરમન અને જમાલ ધીરજભાઇના બંગલાથી થોડું ચાલીને બંગલા નંબર 2 પાસે પહોંચ્યા હતાં. વીસ હજાર વાર જમીનમાં આ ચાર બંગલા બનાવવામાં આવ્યા હોવાના કારણે એક બંગલાથી બીજા બંગલા વચ્ચે ઘણું અંતર રાખવામાં આવ્યું હતું. જેથી કરીને દરેક ઘરના માલિકની પોતપોતાની પ્રાઇવસી જળવાયેલી રહી શકે.

ધીરજભાઇ બંગલાનો ઝાંપો ખોલી અંદર પ્રવેશ્યા અને દરવાજાનો ડોરબેલ વગાડ્યો હતો. દરવાજો મનોરમાબેને ખોલ્યો હતો.

"અરે ધીરજભાઇ, અંદર આવો. ઝાંપો ખોલવાનો અવાજ આવ્યો એટલે મેં બારીમાંથી તમને અંદર આવતા જોયા એટલે હું દરવાજો ખોલવા આવતી હતી અને એટલામાં જ તમે બેલ વગાડ્યો." હસમુખા મનોરમાબેને ધીરજભાઇનું સ્વાગત કરતા કહ્યું હતું.

ધીરજભાઇની પાછળ હરમન અને જમાલ પણ ઘરની અંદર પ્રવેશ્યા હતાં. સોફા ઉપર બેઠેલા રાકેશ દલાલ સાંઇઠ વર્ષની ઉંમરની આસપાસના લાગતા હતાં. ત્રણે ઘરમાં દાખલ થયા ત્યારે એ આજનું છાપું વાંચી રહ્યા હતાં.

ઘરમાંથી કોઇ અજીબ પ્રકારની દુર્ગંધ આવી રહી હતી. હરમને પોતાના નાક પાસે રૂમાલ મુક્યો હતો.

ધીરજભાઇએ હરમનની ઓળખાણ રાકેશભાઇ અને એમની પત્ની મનોરમાબેન સાથે કરાવી હતી.

હરમનને નાક પાસે રૂમાલ લઇ જતા જોઇ રાકેશભાઇ બોલી ઉઠ્યા હતાં.

"અરે ભાઇ, હું ઓર્ગેનિક ખાતર પર સંશોધન કરી રહ્યો છું. આ એવું ખાતર છે કે જે બંજર જમીનને પણ ફળદ્રુપ બનાવી શકે. મારા આ સંશોધનથી આખા વિશ્વમાં હરિયાળી ક્રાંતિ આવી જશે અને નાકમાં એની વાસ જશે તો શરીરને કોઇ નુકસાન નહિ થાય." રાકેશભાઇએ ખૂબ ઉત્સાહથી પોતાના રીસર્ચના વખાણ કર્યા હતાં.

"યાર રાકેશ, તું આ સંશોધન કરવાનું બંધ કરી દે. તારા આ સંશોધનના કારણે તારા આખા ઘરમાં ગંધ ફેલાયેલી રહે છે. મનોરમા ભાભી અને છોકરાઓ કઇ રીતે આ સહન કરે છે, મને તો એ જ સમજાતું નથી." ધીરજભાઇએ સોફામાં બેસતા અકળામણ સાથે કહ્યું હતું.

"ધીરજભાઇ, તમને સાયન્સની તો કંઇ સમજ છે નહિ. મેં મારી આખી જિંદગી આવા સંશોધનો પાછળ આપી દીધી. હું અમેરિકામાં જન્મ્યો હોત તો અત્યાર સુધીમાં મને નોબલ પ્રાઇઝ મળી ચૂક્યો હોત. આપણા દેશે તો મારી કદર કરી નથી પરંતુ એક પાડોશી તરીકે પણ તમે મારી કદર કરતા નથી." રાકેશભાઇએ પણ અકળાઇને જવાબ આપ્યો હતો.

"જો રાકેશ, તારા રીસર્ચની ચર્ચા આપણે પછી કરીશું. પહેલા હું જે કામ માટે આવ્યો છું એની વાત તને કહી દઉં. આપણી સોસાયટીની બહાર મળતા વાસણોનું રહસ્ય શોધવા માટે મેં અમદાવાદના આ પ્રખ્યાત જાસૂસ હરમનને એપોઇન્ટ કર્યા છે અને એમને તને અને તારા પરિવારને થોડાં પ્રશ્નો પૂછવા છે, જો તને કોઇ આપત્તિ ના હોય તો..." ધીરજભાઇએ છેલ્લી લીટી થોડી ઢીલાશ સાથે કહી હતી.

"મને એમાં શું આપત્તિ હોય? હું પોતે જ ઇચ્છું છું કે આ સોસાયટીના નાકે મુકાતા વાસણોનું રહસ્ય ઉકેલાઇ જાય. ભાઇ તમારે જે કોઇ પણ સવાલ પૂછવા હોય એ પૂછી શકો છો." રાકેશભાઇએ હરમન તરફ જોઇ કહ્યું હતું.

ધીરજભાઇ અને રાકેશભાઇ વચ્ચે સંબંધ સુમધુર નથી એ વાત હરમનને સમજતા વાર ન લાગી. મનોરમાબેન ખૂબ બોલકણા અને હસમુખા છે. એમનો સ્વભાવ એમના પતિ રાકેશભાઇ કરતા તદ્દન ઉલટો છે એ વાતની નોંધ પણ હરમને લીધી હતી.

"રાકેશભાઇ, તમને સોસાયટીના ગેટ પાસે વાસણો મુકવા પાછળ મુકનારનું શું કારણ લાગે છે? આવું કોણ કરતું હશે એવું તમે કહી શકો? તમને કોઇના ઉપર શંકા ખરી?" હરમને નાક ઉપર રૂમાલ રાખી એક સાથે ત્રણ પ્રશ્ન પૂછ્યા હતાં.

રાકેશભાઇના ઘરમાંથી આવતી દુર્ગંધ એનાથી સહન થઇ શકતી ન હતી.

"જુઓ ભાઇ, સૌપ્રથમ તો આજના આધુનિક સમયમાં સોસાયટીની બહાર CCTV કેમેરા લગાવવા જોઇએ અને સિક્યોરીટી ગાર્ડ રાખવા જોઇએ. જો CCTV કેમેરા હોત તો કોઇ આવી હરકત કરતા પહેલા સો વખત વિચાર કરત. હવે તમે ધીરજભાઇને જ પૂછો કે એ CCTV કેમેરા સોસાયટીની બહાર લગાડતા કેમ નથી અને સારો સિક્યોરીટી ગાર્ડ રાખતા કેમ નથી? હવે રહી વાત સોસાયટીના નાકે કોઇ વાસણ મુકીને જાય છે એની અને એ પણ કટાઇ ગયેલા તો મારી દૃષ્ટિએ તો આ કોઇ બદલો લેવાનો જ સંકેત છે. મેં ધીરજલાલને પહેલા પણ કહ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે એમની આખી જિંદગી ચોર-ડાકુઓ જોડે વીતી ગઇ અને એમાંથી જ કોઇ એમનો દુશ્મન બની એમને હેરાન કરવાનું અને બદલો લેવાનું કાવતરું ઘડી રહ્યું છે અને વાસણો મુકી કોઇ કેસ બાબતે એમને સંકેત આપી રહ્યો છે." રાકેશભાઇએ આડકતરી રીતે ધીરજભાઇને ઘેર્યા હતાં.

રાકેશભાઇની વાત સાંભળી ધીરજભાઇના મગજનો પારો ઉપર જઇ રહ્યો હતો એવું એમની આંખો ઉપરથી લાગી રહ્યું હતું. પરંતુ એમણે પોતાનો ગુસ્સો દબાવી નાંખ્યો હતો અને કશું બોલ્યા ન હતાં.

CCTV કેમેરા અને સિક્યોરીટી ગાર્ડનો સવાલ હરમને સોસાયટીના બધાં સભ્યો સાથે વાત પૂરી થયા બાદ ધીરજભાઇને પૂછવા માટે રાખ્યો હતો જે પ્રશ્ન રાકેશભાઇએ સામેથી જ ઊભો કર્યો હતો.

હરમને ધીરજભાઇ સામે નજર નાંખી હતી.

"જુઓ હરમનજી, મારી જિંદગી ઘણી રંગીન છે. મને દર શનિ-રવિ મિત્રો સાથે પાર્ટી કરવા જોઇએ છે. હું અહીં રહેવા આવ્યો ત્યારથી દર શનિ-રવિ સોસાયટીના ક્લબ હાઉસમાં અને ઘણીવાર મારા ઘરમાં પાર્ટી થતી હોય છે. પાર્ટીમાં પત્તા રમવા, દારૂ પીવો એ સિવાયનું બીજું દુષણ નથી. રાકેશભાઇ પોતે પણ ઘણીવાર પાર્ટીમાં ઉપસ્થિત હોય છે માટે હું સાચું કહી રહ્યો છું એની એ ખાતરી આપી શકશે. ગુજરાતમાં દારૂબંધી છે અને એક રીટાયર્ડ પોલીસ અધિકારી મહિનામાં આઠ દિવસ દારૂની પાર્ટી કરતો હોય અને ઘરમાં વિદેશી બ્રાન્ડની અલગ-અલગ દારૂની બોટલો રાખતો હોય એ વ્યક્તિ સોસાયટીની બહાર CCTV કેમેરા કઇ રીતે લગાવડાવે અને રહી વાત સિક્યોરીટી ગાર્ડની તો જ્યારે અમે અહીં રહેવા આવ્યા ત્યારે એક સિક્યોરીટી ગાર્ડ રાખ્યો હતો જે રાકેશભાઇના ઘરમાંથી જ ચોરી કરીને ભાગી ગયો હતો અને મારા ઘરમાંથી પણ મારી પત્નીનો એક દાગીનો એણે ચોર્યો હોય એવી શંકા મને છે. બસ આ કારણોસર જ વાસણો બાબતની પોલીસ ફરિયાદ મેં કરી નથી કારણકે પોલીસ જ્યારે ઇન્ક્વાયરી કરવા આવે ત્યારે સૌથી પહેલા CCTV કેમેરા વિશે પૂછે અને જેમ મેં તમને સાચો જવાબ આપ્યો એમ હું પોલીસને સાચો જવાબ આપી શકીશ નહિ અને મારા આખા કેરીયરમાં વાસણો સાથે સંબંધ હોય એવો એક પણ કેસ નથી. જેથી એના ઉપરથી કોઇ સંકેત મળે એવું હું માનતો નથી." ધીરજભાઇ ખૂબ અકળામણ સાથે રાકેશભાઇએ ફેલાવેલું રાયતું સાફ કરી રહ્યા હતાં.

હવે હરમને રાકેશભાઇ સામે જોઇ કહ્યું હતું.

"રાકેશભાઇ, જો કોઇએ બદલો લેવો જ હોય તો પછી ચપ્પુ કે બંદૂકથી વાર કરેને? આ વાસણો મુકવાનો શું મતલબ થાય છે? આની પાછળ કોઇ સજ્જડ લોજીક તો હોવું જોઇએને?" હરમને રાકેશભાઇ સામે જોઇ પૂછ્યું હતું.

"તમારું નામ શું?"

"મારું નામ હરમન છે."

"જો હરમનભાઇ, તમને ધીરજભાઇએ કહ્યું કે નથી કહ્યું એની મને ખબર નથી પરંતુ એ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર હતાં ત્યારે ધર્માનંદ સ્વામી નામના સાધુ સાથે એમને દુશ્મનાવટ થઇ હતી. એ સાધુના આશ્રમમાં ધીરજભાઇ વીસ થી પચ્ચીસ પોલીસોને લઇને દાખલ થયા હતાં અને એ આશ્રમમાં ચાલતા ખોટા કરતૂતોને બહાર લાવ્યા હતાં. જેના કારણે ધર્માનંદ સ્વામીએ એમને ધમકી આપતા કહ્યું હતું કે એ એનો બદલો ચોક્કસ લેશે. આમ તો હું કેમેસ્ટ્રીનો પ્રોફેસર રહેલો છું અને સાયન્સ બહારની કોઇપણ વાત સ્વીકાર કરવા તૈયાર નથી પરંતુ ધર્માનંદ સ્વામી તાંત્રિક વિદ્યાઓના માધ્યમથી ધીરજભાઇનું ધનોતપનોત કાઢી નાંખવા તત્પર થયા હોય એવું મને લાગે છે. કદાચ આ મારી ખોટી શંકા પણ હોય. પરંતુ મારી આ વાતને તમે ખોટો શક એટલા માટે ના સમજતા કારણકે બે વર્ષ પહેલા ધર્માનંદ સ્વામી જેલમાંથી છૂટી એમના બે શિષ્યોને લઇ સોસાયટીમાં આવ્યા હતાં અને ધીરજલાલના બંગલાની બહાર ઊભા રહી એમણે ધીરજલાલને ધમકી આપી હતી." રાકેશભાઇએ તમાકુની પડીકી મોઢામાં નાંખતા કહ્યું હતું.

"હરમનજી, રાકેશભાઇની વાત સાચી છે. આજથી વીસ વર્ષ પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મારી ડ્યુટી હતી. એ સમયે ઓઢવ વિસ્તાર ખાસ કંઇ ડેવલોપ હતો નહિ. ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોવાના કારણે મોટેભાગે ત્યાં નાની મોટી ફેક્ટરીઓ આવેલી હતી. આ જ વિસ્તારમાં ધર્માનંદ સ્વામીનો આશ્રમ આવેલો હતો. ઓઢવમાં જ રહેતા એક ભાઇએ ધર્માનંદ સ્વામીએ એમની પત્ની જોડે દુષ્કર્મ કર્યું છે એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે હું આશ્રમમાં પૂછપરછ માટે ગયો હતો પરંતુ મને આશ્રમના મુખ્ય ગેટમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો અને ગાંધીનગરથી મારા ઉપર દબાણ લાવી ધર્માનંદ સ્વામી આ કેસ બંધ કરાવી દેવા માંગતા હતાં પરંતુ હું એમના દબાણ હેઠળ ના આવ્યો અને મેં આશ્રમની તલાશીનું વોરંટ કઢાવી હું પચ્ચીસ પોલીસ હવાલદારો સાથે આશ્રમમાં દાખલ થયો હતો. એ આશ્રમમાંથી મને બંધકની જેમ રાખવામાં આવેલી ચોવીસ છોકરીઓ, નશીલા પદાર્થો તેમજ ગેરકાયદેસર હથિયાર પણ મળ્યા હતાં. જેના કારણે મેં ધર્માનંદ સ્વામીની ધરપકડ કરી હતી અને જેલમાં નાંખ્યા હતાં પરંતુ એમણે એમની ઓળખાણ લગાડી આજીવન જેલની સજા માત્ર પાંચ જ વર્ષની કરાવી હતી. મેં સાંભળ્યું હતું કે એમાં એમણે ખૂબ જ પૈસા ખવડાવ્યા હતાં. હું તો આ ઘટના સાવ ભૂલી જ ગયો હતો. પરંતુ રાકેશભાઇએ યાદ કરાવ્યું એટલે મને યાદ આવ્યું. પરંતુ રાકેશભાઇનો પણ એક દુશ્મન છે જે દુશ્મને એમને કોલેજમાંથી કઢાવ્યા હતાં. રાકેશભાઇ તમે એના વિશે થોડી વાત કરોને. એ પણ મને ખૂબ ખતરનાક લાગે છે." ધીરજભાઇએ રાકેશભાઇની પોલ ખોલતા કહ્યું હતું.

ધીરજભાઇની વાત સાંભળી રાકેશભાઇ થોડા ગુંચવાઇ ગયા હતાં. એમણે તમાકુની પડીકી નવી તોડી અને ફરીવાર તમાકુ ખાધી હતી અને મોં ઉપર સ્વસ્થતા કેળવવાનો પ્રયત્ન કર્યો અને હરમન સામે જોયું હતું.

જમાલ થઇ રહેલી બધી જ ચર્ચાને મોબાઇલમાં રેકોર્ડ કરી રહ્યો હતો.

હજી રાકેશભાઇ જવાબ આપે એ પહેલા જ મનોરમાબેન બધાં માટે રસોડામાંથી ચા લઇને આવ્યા હતાં.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.... - ૐ ગુરુ)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED