Bhed Bharam - 2 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 2

ભેદભરમ

ભાગ-2

શંકા કે સત્ય


સોસાયટીમાં દાખલ થયા બાદ હરમને ગાડી બંગલા નં. 1 પાસે ઊભી રાખી અને ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. ધીરજભાઇએ બંગલો ખૂબ જ મોટો અને આલીશાન બનાવ્યો હતો. હરમનને ગાડીમાંથી ઉતરતો જોઇ ધીરજભાઇ બંગલામાંથી બહાર આવ્યા હતાં અને હરમન અને જમાલને ઘરમાં અંદર લઇ ગયા હતાં. આધુનિક ફર્નિચરથી સજ્જ બેઠકખંડના સોફા પર બંન્નેને બેસવાનું એમણે કહ્યું હતું.

હરમન સોફા પર બેસી ગયો અને જમાલે પોતાના મોબાઇલનું વોઇસ રેકોર્ડર ચાલુ કર્યું હતું.

"ધીરજભાઇ, મારા મનમાં થોડાક સવાલો છે. તમે કહો તો હું તમને પૂછી લઉં." હરમને ધીરજભાઇ સામે જોઇ પૂછ્યું હતું.

"હા હરમનજી, તમારે જે કોઇ સવાલો હોય એ તમે નિશ્ચિંત થઇને મને પૂછી શકો છો." ધીરજભાઇએ પોતાની સંમતિ આપતા કહ્યું હતું.

"ધીરજભાઇ તમે શું કામ કરો છો? એ વાત મને વિગતવાર જણાવશો?" હરમને ધીરજભાઇને પૂછ્યું હતું.

"હું નિવૃત્ત પોલીસ અધિકારી છું. હું પંદર વર્ષ પહેલા જ નિવૃત્ત થયો અને આ વીસ હજાર વાર જમીન મેં પચ્ચીસ વર્ષ પહેલા અહીં લઇ રાખી હતી. રીટાયર્ડ થયા બાદ મેં અહીંયા ચાર બંગલા બનાવ્યા. જેમાં આપણે બેઠા છીએ એ બંગલો સૌથી મોટો અને વિશાળ છે. બાકીના ત્રણ બંગલા મારા બંગલા કરતા નાના પરંતુ પ્રમાણમાં વિશાળ છે. જે બંગલાઓ મેં બનાવી અને વેચી નાંખ્યા હતાં. આ ખૂબ જ મોટી જગ્યા હોવાના કારણે એના એક હિસ્સામાં એક સુંદર ગાર્ડન અને ક્લબ હાઉસ પણ મેં બનાવેલ છે. જ્યાં જઇને સોસાયટીના સભ્યો ચેસ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ અને કેરમ જેવી રમતો રમી શકે એ રીતે એ ક્લબ હાઉસ મેં બનાવ્યું છે. આ બધાં જ બંગલા છેલ્લા દસ વર્ષ પહેલા બન્યા હતાં અને અમે આ સોસાયટીના દરેક સદસ્ય છેલ્લા દસ વર્ષથી અહીંયા રહીએ છીએ. હું છેતાલીસ વર્ષનો થયો ત્યારે મેં પોલીસ ખાતામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ અને આ બંગલામાં રહેવા આવ્યો હતો. અત્યારે હું છપ્પન વર્ષનો છું અને સંપૂર્ણપણે નિવૃત્ત જીવન ગાળું છું." ધીરજભાઇએ વિગતવાર એમના વિશે અને સોસાયટી વિશે હરમનને જવાબ આપ્યો હતો.

"આપ નિવૃત્ત પોલીસ અધિકારી છો તો પછી પોલીસની મદદ લેવાના બદલે મારી મદદ લેવાનું શું કરવા વિચાર્યું અને તમારા કોઇ દુશ્મન છે ખરા અથવા તમને કોઇના પર શંકા હોય એવું છે ખરું?" હરમને એક સાથએ ત્રણ સવાલ ધીરજભાઇને પૂછ્યા હતાં.

"જુઓ હરમનજી, હું પોતે પોલીસ અધિકારી રહી ચૂક્યો છું એટલે પોલીસની કાર્યવાહીથી વાકેફ છું અને સોસાયટીના બીજા સભ્યો પણ પોલીસને આમાં પાડવા માંગતા ન હતાં માટે તમારા વિશેની માહિતી મને પોલીસ ખાતામાંથી જ મળી હતી એટલે તમારો સંપર્ક સાધવાનું નક્કી કર્યું હતું. આમ જુઓ તો સોસાયટીના બાકીના સદસ્ય ઝાંપાની બહાર મુકવામાં આવતા વાસણોના કારણે વધુ પડતા ચિંતિત હોવાના કારણે તમારા જેવા હોંશિયારને આ કામ સોંપીએ તો આ કેસનો ઝડપથી ઉકેલ આવે. આ કારણે પણ તમને કેસ સોંપવાનું નક્કી કર્યું હતું અને રહી વાત મારા દુશ્મનોની, તો એક પોલીસ અધિકારી તરીકે મારા જીવનકાળમાં મેં ઘણાંબધાં દુશ્મનો બનાવ્યા હોય પરંતુ મને હજી સુધી કોઇના માધ્યમથી ધાકધમકી મળી નથી. માટે મેં તમને ઓફિસમાં મળ્યો હતો ત્યારે જ કહ્યું હતું કે મારે કોઇ દુશ્મન નથી અને કદાચ હોય તો હું જાણતો નથી." ધીરજભાઇ ખૂબ વિચારીને હરમનને જવાબ આપી રહ્યા હતાં.

"હું તમારી ધર્મપત્ની અને તમારા ભત્રીજાને મળવા માંગુ છું." હરમને ધીરજભાઇ સામે જોઇ કહ્યું હતું.

ધીરજભાઇએ બૂમ પાડીને રસોડામાંથી એમના ધર્મપત્ની સુધાબેન અને બેડરૂમમાંથી ભત્રીજા પ્રેયસને બોલાવ્યો હતો.

ધીરજભાઇની ધર્મપત્નીને જોઇ હરમન અને જમાલ બંન્નેને નવાઇ લાગી હતી, કારણકે સુધાબેનની ઉંમર ત્રીસ વર્ષથી વધારે ન હતી અને દેખાવે ખૂબ સુંદર દેખાતા હતાં. ધીરજભાઇ જેવા એમની ઉંમરથી બમણા પુરૂષ સાથે લગ્ન સુધાબેને કેમ કર્યા એ સવાલ એ બંન્નેના મગજમાં ઊભો થયો હતો.

ધીરજભાઇએ એ બંન્નેની ઓળખાણ હરમન જોડે કરાવી હતી. હરમન કોણ છે અને અહીં કેમ આવ્યા છે એની માહિતી પણ એ બંન્નેને એમણે આપી હતી.

ધીરજભાઇની વાત સાંભળી પ્રેયસના મોઢા પર થોડા અણગમાનો ભાવ ઉપસી આવ્યો હતો. જે વાતની નોંધ હરમને તરત લઇ લીધી હતી. હરમન અને પ્રેયસની નજર એકબીજા સાથે અથડાઇ ત્યારે પ્રેયસે પોતાના હાવભાવ નોર્મલ કરી નાંખ્યા હતાં અને હરમન સામે જોઇ એ હસ્યો હતો.

"હા તો પ્રેયસભાઇ, સવાલ પૂછવાની શરૂઆત તમારાથી કરીએ. તમે શું કરો છો અને તમારી કોઇની જોડે દુશ્મનાવટ છે ખરી? તમારી ઉંમર કેટલી છે?" હરમને પ્રેયસને પણ એક સાથે ત્રણ સવાલ પૂછ્યા હતાં.

હરમન એકસાથે સવાલો પૂછીને જવાબ આપનાર વ્યક્તિ કેટલું સાચું અને જલ્દી બોલે છે અને કેટલું ગોઠવી ગોઠવીને બોલે છે એ જોવા માંગતો હતો.

પ્રેયસને નખ ચાવવાની આદત હતી. જેના કારણે એની આંગળીના બધાં નખ સાવ બુઠ્ઠા થઇ ગયા હતાં અને નખની આજુબાજુની ચામડી પણ ચાવવાના કારણે ઉખડી ગઇ હતી. જે હરમને પ્રેયસનું નિરીક્ષણ કરતા-કરતા જોઇ લીધું હતું.

"મારી ઉંમર પચ્ચીસ વર્ષની છે અને વસ્ત્રાપુરમાં ઓટોમાબાઇલ્સ પાર્ટ્સની મારી દુકાન છે. આ દુકાન મને ધીરજકાકાએ જ ખોલીને આપી છે. મારું એક વર્ષ પહેલા સગપણ તૂટી ગયું હતું એ વખતે મારી સગાઇ જ્યાં થઇ હતી એ લોકો અને અમારા પરિવાર વચ્ચે ખૂબ ઝઘડા થયા હતાં. બસ, દુશ્મનીના નામે આ એક જ ઘટના એવી છે કે જે મારા જીવનમાં કહી શકાય અને મને લાગે છે કે એ લોકો જ અમારી સોસાયટીના નાકે આ વાસણો મુકીને કોઇ તાંત્રિકવિદ્યા અમારા પર કરાવે છે. એમના ઉપર શક જવાનું કારણ એ પણ છે કે એ લોકોને મીતાલી વાસણ ભંડાર નામની વાસણની દુકાન પણ છે. આ દુકાનનું નામ જે છોકરીના નામ ઉપરથી એ લોકોએ પાડ્યું છે એ મીતાલી જોડે જ મારું સગપણ થયું હતું." પ્રેયસે પોતાની વાત હરમનને કહી હતી.

"હરમનજી, મને એવું લાગે છે કે પ્રેયસ અર્થનો અનર્થ કરી રહ્યો છે. આ વાત એક વર્ષ જૂની છે અને એ વખતે ચોક્કસ બે પરિવારો વચ્ચે ગરમાગરમી થઇ હતી પરંતુ પછી વાત થાળે પડી ગઇ હતી અને એ લોકો પણ ખૂબ સંસ્કારી પરિવારના છે. આવી હરકત એ લોકો કરે એવું હું માનતો નથી." હરમન આગળ પ્રેયસને કશું પૂછે એ પહેલા ધીરજભાઇ વચ્ચે બોલ્યા હતાં.

"જો ધીરજભાઇ તમને વાંધો ના હોય તો સગપણ તૂટવાનું સાચું કારણ મને જણાવશો?" હવે હરમને ધીરજભાઇને પૂછ્યું હતું.

હરમનના અચાનક પૂછાયેલા સવાલથી ધીરજભાઇ થોડા વિચારમાં પડી ગયા હતાં. પછી એ નિસાસો નાંખી બોલ્યા હતાં.

"પ્રેયસનો સ્વભાવ ખૂબ જ ક્રોધી અને શંકાશીલ છે. મીતાલી સાથે સગપણ થયા બાદ એ મીતાલી પર ગુસ્સો અને શંકા કર્યા કરતો હતો. મીતાલી વોટ્સએપ પર ક્યારે ઓનલાઇન થાય છે, ક્યારે ઓફલાઇન થાય છે, એના ફેસબુક ઉપર કોણ ફ્રેન્ડ છે, કોઇ છોકરા જોડે વાત નથી કરતીને??? એ કશે બહાર ગઇ હોય તો એ જગ્યાએ એને ફોટો પાડીને પ્રેયસને મોકલવો પડે, સાથે કોઇ બેનપણી છે એવું એણે સાબિત કરવા વીડિયોકોલ કરીને બતાવવું પડે આવા બધાં મુદ્દાઓના કારણે મીતાલી પ્રેયસથી બહુ દુઃખી થઇ ગઇ હતી. આ બાજુ પ્રેયસને એવું લાગતું હતું કે મીતાલીનું ચરિત્ર સારું નથી અને એ એના કોઇ બોયફ્રેન્ડ જોડે રખડે છે. બસ, આ જ કારણે પ્રેયસ અને મીતાલીનું સગપણ તૂટી ગયું હતું." ધીરજભાઇએ હરમનને કહ્યું હતું.

"હું ખોટી શંકા નહોતો કરતો. જે છોકરા જોડે મને શંકા હતી એ જ છોકરા જોડે છ મહિના પહેલા મીતાલીનું સગપણ થયું છે. એ છોકરો પરજ્ઞાતિનો હોવાના કારણે મીતાલીનો પરિવાર એના લગ્ન એ છોકરા સાથે કરી આપવા તૈયાર ન હતાં પરંતુ મીતાલીએ મારી સાથે સગપણ કરી અને હાથે કરી મારી સાથે ઓછું બોલવું, મેં કરેલા ફોનો નહિ ઉપાડવા, મને શંકા ના જતી હોય તો પણ જાય એવું વર્તન કરવું જેથી હું સગપણ તોડી નાંખું અને એને જ્યાં ઇચ્છા હોય ત્યાં એ લગ્ન કરી શકે અને ખરેખર એવું જ થયું. મારી સાથેનું સગપણ તૂટ્યું એટલે બીજી જગ્યાએ એનું સગપણ કરવામાં એના પરિવારજનોને અડચણો આવવા લાગી હતી એટલે છેવટે એના પરિવારે થાકીને મીતાલીનું સગપણ એના બોયફ્રેન્ડ સાથે કરી આપ્યું છે. આ વાત મને મારા અને મીતાલીના એક કોમન મિત્રએ કહી હતી." પ્રેયસે એની શંકા સાચી છે એની સાબિતી આપતી વાત હરમનને પૂરા વિશ્વાસથી કહી હતી.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED