ભેદ ભરમ - ભાગ 28 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ ભરમ - ભાગ 28

ભેદભરમ

ભાગ-૨8

 

માવજીના ખુલાસાથી આવ્યો આંચકો

 

માવજીને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયો એ વાતની હરમન અને ઇન્સ્પેક્ટર પરમારને ખૂબ જ નવાઇ લાગી હતી.

"માવજીને અંદર મોકલ." ઇન્સ્પેક્ટર પરમારે હવાલદાર જોરાવરને આદેશ આપ્યો હતો.

માવજી કેબીનમાં દાખલ થયો હતો. છ ફૂટની હાઇટ ધરાવતો માવજી શરીરે પાતળો અને મોઢા પર મોટી મૂછો ધરાવતો હતો.

ઇન્સ્પેક્ટર પરમારે માવજીને ઇશારાથી ખુરશીમાં બેસવા કહ્યું હતું.

"માવજી, તને કઇ રીતે ખબર પડી કે પોલીસ તને શોધી રહી છે? અને પોલીસ તને શોધી રહી છે તો તને કેમ શોધી રહી છે એ પણ તને ખબર હશે. તારું સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કારણ શું?" ઇન્સ્પેક્ટર પરમારે માવજીને પૂછ્યું હતું.

"સાહેબ, હું મારા વતન રાજસ્થાન ગયો હતો. ત્યાં મને આશ્રમના એક કર્મચારી દ્વારા ખબર પડી કે બોપલ પોલીસ સ્ટેશનમાંથી મારા માટેની પૂછપરછ માટેનો ફોન આવ્યો હતો. આ માહિતી મને આશ્રમમાંથી મળી હતી અને આશ્રમમાંથી મને ધર્માનંદ સ્વામીએ એવું પણ કહેવડાવ્યું હતું કે 'પોલીસ તને શોધે છે. તું હમણાં ગામડે જ રહેજે. તારો પગાર ગામડે જ મોકલી આપીશું.' પરંતુ ધીરજભાઇનું ખૂન થયું છે એ વાતની મને ખબર હતી. જે દિવસે આપ આશ્રમમાં આવ્યા ત્યારે મેં આપ સૌને ત્યાં જોયાં હતાં. એટલે હું સમજી ગયો હતો કે મારું નામ પણ કદાચ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે. તમે આવ્યા હતાં એ જ દિવસે હું ગામડે થોડા દિવસ માટે ગયો હતો. પરંતુ આજે હું પોલીસ સ્ટેશનમાં હાજર ના થયો હોત તો બની શકે કે મારા ઉપર ધીરજભાઇના ખૂનનો આરોપ આવી શકે છે અને એટલે જ મને આશ્રમમાંથી ના પાડી હોવા છતાંય હું અત્યારે પોલીસ સ્ટેશનમાં આપની સમક્ષ હાજર થયો છું." માવજીએ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કારણ આપતા કહ્યું હતું.

"માવજી, આ પંદર ફૂટના ભૂતનું રહસ્ય શું છે? અને અમને એ પણ ખબર છે કે તું જ પંદર ફૂટનું ભૂત બનતો હતો પરંતુ કેમ અને આવું કરવાનું તને કોણે કહ્યું હતું?" હરમને માવજીને પૂછ્યું હતું.

"સાહેબ, હું સર્કસમાં નાનો હતો ત્યારે કામ કરતો હતો. લાકડાંના બંબુ ઉપર ચાલવાનો મારા અનુભવને કારણે ધર્માનંદ સ્વામી, સુરેશ પ્રજાપતિ અને એમના પત્ની જ્યોતિએ મને ધીરજભાઇની સોસાયટીમાં નોકરી ઉપર રહીને ત્યાં લોકોને ડરાવવાનું કામ સોંપ્યું હતું. સર્કસમાં હોવાના કારણે ચિત્ર-વિચિત્ર બહુરૂપી ચહેરા બનાવતા મને ખૂબ સારી રીતે આવડે છે. મેં મારા મોઢા ઉપર ભૂતનું મુખોટું પહેર્યું અને એ મુખોટા ઉપર ચિત્ર-વિચિત્ર કલર કરી ડો. બ્રિજેશના ઘર પાસે લાકડાંના બંબુના સહારે ગયો. મને જોઇને એમના પત્ની જીયાબેન ડરી ગયા હતાં. પરંતુ ત્યારે દૂરથી પ્રેયસ મને જોઇ ગયો હતો અને મેં પણ એને મને જોતા જોઇ લીધો હતો. એ ઘટનાના બે-ત્રણ દિવસ પછી પકડાઇ જવાના ડરના કારણે હું સોસાયટીમાંથી ભાગીને પાછો આશ્રમમાં આવી ગયો હતો. ધીરજભાઇનું ખૂન થયું એના બે દિવસ પહેલા જ હું ધર્માનંદ સ્વામીના કહેવાથી પાછો એમની પાસે સોસાયટીની નોકરી ફરી મળે એ માટે મળવા ગયો હતો અને અઠવાડિયા પછી એમણે મને નોકરી પર ફરી આવવાની હા પાડી હતી. ધર્માનંદ સ્વામી અને સુરેશ પ્રજાપતિ એ બંન્ને લોકો ભૂતની વાત સોસાયટીમાં ફેલાવી સોસાયટી ખાલી કરાવવા માંગતા હતાં." માવજીએ પોતાના ભૂત બનવાની કથા સવિસ્તાર કહી હતી.

"મને એ સમજાતું નથી કે સોસાયટીમાં ભૂત છે એવી વાત જો વ્હેતી થઇ જાય તો સુરેશ પ્રજાપતિ એ જમીન ખરીદી ત્યાં ફ્લેટની સ્કીમ પણ મુકે તો આ ભૂતની અફ્વાના કારણે એ ફ્લેટો વેચાય નહિ. તો પછી સુરેશ પ્રજાપતિ અને ધર્માનંદ સ્વામી આવી મૂર્ખામી કેમ કરી રહ્યા હતાં?" હરમને માવજીને કહ્યું હતું.

માવજીની આંખો હરમનની વાત સાંભળી પ્હોળી થઇ ગઇ હતી.

"સાહેબ, આ જમીનમાં ભૂત છે એવી વાત ચારેબાજુ ફેલાઇ જાય તો પછી આ જમીન ઉપર સુરેશ પ્રજાપતિ કોઇ સ્કીમ કરે તો એના ફ્લેટ વેચાય નહિ એ વાત આપની બરાબર છે. પણ મને લાગે છે કે આપને પૂરી વાતની ખબર નથી. ખરેખર તો આ જમીન લેવાનો ઉદ્દેશ્ય કોઇ ફ્લેટની સ્કીમ બનાવવાનો નથી. પરંતુ એક દિવસ જ્યોતિબેન આશ્રમમાં એકલા ધર્માનંદ સ્વામીને મળવા આવ્યા હતાં. એ વખતે એ બંન્નેની વાતચીત બારી પાસે ઊભા રહીને મેં સાંભળી હતી. ધર્માનંદ સ્વામી એવું કહેતા હતાં કે ધીરજભાઇની સોસાયટીની જમીનમાં એક દિવ્ય નાગમણી છે અને એ નાગમણી આપણને મળી જાય તો એની શક્તિનો ઉપયોગ કરીને આપણે ધારીએ એ કરી શકીએ અને માટે જ્યોતિબેને પણ નાગમણી પ્રાપ્ત કરવા એમના પતિ સુરેશ પ્રજાપતિને મનાવી લીધા હતાં. આ જમીન ખરીદવાનું એક મુખ્ય અને મહત્વનું કારણ નાગમણી જ છે." માવજીના બયાને ધીરજભાઇના ખૂન કેસની તપાસની દિશા બદલી નાંખી હતી.

નાગમણીની વાત સાંભળી હરમન, ઇન્સ્પેક્ટર પરમાર અને જમાલ ત્રણેય અવાક બનીને માવજીની સામે જોઇ રહ્યા હતાં.

"આ તું સાચું બોલી રહ્યો છે? જો પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરીશ તો તકલીફમાં આવી જઇશ." ઇન્સ્પેક્ટર પરમારને માવજીની વાત ગળે ઉતરતી ન હતી એટલે એ ગુસ્સામાં આવીને બોલી રહ્યા હતાં.

"હા સાહેબ, હું દરેક શબ્દ સાચો બોલી રહ્યો છું. મને આ કામ માટે ધર્માનંદ સ્વામીએ રૂપિયા વીસ લાખ આપવાની વાત પણ કરી હતી. હું તો પોલીસ સ્ટેશન એટલું જ કહેવા આવ્યો હતો કે ધીરજભાઇના ખૂન સાથે મારે કોઇ લેવાદેવા નથી અને મેં ધીરજભાઇનું ખૂન કર્યું નથી." માવજીએ પોતાની સફાઇ આપતા કહ્યું હતું.

"માવજી, તે અમને અત્યારે જે વાત કહી એ વાત ધર્માનંદ સ્વામી, સુરેશ પ્રજાપતિ કે પછી અન્ય કોઇને પણ જણાવતો નહિ. અહીંયાથી જ તું ગામડે પાછો જતો રહે અને તારું એડ્રેસ અને મોબાઇલ નંબર અહીં પોલીસ સ્ટેશનમાં લખાવી દેજે. જો આ ખૂનમાં તારો હાથ નહિ હોય તો હું તને આશ્વાસન આપું છું કે પોલીસની મદદ કરવા બદલ તું ભૂત બની સોસાયટીના સભ્યોને ડરાવતો હતો એ બાબતમાં તારા ઉપર કેસ પોલીસ કેસ નહીં થવા દઉં." આટલું બોલી ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોયું હતું.

"માવજી, નાગમણીની વાત સોસાયટીમાંથી કોઇ જાણે છે ખરું?" હરમને માવજીને પૂછ્યું હતું.

"મને બરાબર ખબર નથી, પરંતુ ધીરજભાઇ સાહેબ આ વાત જાણતા હતાં કે સોસાયટીની જમીનમાં નાગમણી છે." માવજીએ ખૂબ વિચારીને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારે માવજીને પોતાનું સરનામું અને મોબાઇલ નંબર લખાવી ગામડે જવા માટે કહી દીધું હતું.

"હવે આપણે સુરેશ પ્રજાપતિના ઘરે આજે સાંજે એમને અને એમના પત્નીને આ બાબત વિશે પૂછતા આવીએ.  હમણાં કોઇના ઉપર ભૂતનું કાવતરું રચી સોસાયટી ખાલી કરાવવાનો બદઇરાદો ધરાવનાર ધર્માનંદ સ્વામી, સુરેશ પ્રજાપતિ અને જ્યોતિ પ્રજાપતિ ઉપર કેસ દાખલ કરવો નથી. પહેલા આપણે ધીરજભાઇના ખૂનીને શોધવાનું કામ કરવાનું છે." ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોઇ કહ્યું હતું.

"માવજીના બયાને આ કેસને ફરીવાર એક નવો વળાંક આપ્યો છે. હમણાં મહેશભાઇ અને એમના પત્ની સીમાબેન આવશે. આપણે એમને મળી લઇએ અને પછી સુરેશ પ્રજાપતિના બંગલે જઇએ. મહેશભાઇ પણ કોઇ નવો બોમ્બ ના ફોડે તો સારું છે." હરમને ઘડિયાળ તરફ જોતાં ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

-    ૐ ગુરુ