ભેદ ભરમ - ભાગ 1 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ ભરમ - ભાગ 1

ભેદ ભરમ

ભાગ-1

વાસણોનું રહસ્ય


હરમન પોતાની નવી ઓફિસની કેબીનમાં ખુરશી પર બેઠા-બેઠા ઝોકા ખાઇ રહ્યો હતો. નવી ઓફિસમાં પ્રવેશ કર્યાને હજી અઠવાડિયું જ થયું હતું. પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં પોતાની ખુદની ઓફિસ કર્યાનો એને ખૂબ આનંદ હતો.

હરમન કાલે જ વાપીથી એક કેસ ઉકેલીને રાત્રિના મોડા અમદાવાદ પરત આવ્યો હતો અને માટે જ સવારે ઓફિસમાં આવી ખુરશીમાં બેસતા જ રાતની ઊંઘ પૂરી ન થઇ હોવાના કારણે એ ઝોકા ખાઇ રહ્યો હતો.

જમાલે કેબીનનો દરવાજો ખખડાવ્યો અને અંદર દાખલ થયો હતો. એના અંદર દાખલ થવાના કારણે હરમનની ઊંઘ ઉડી ગઇ હતી.

"બોસ, એક પચાસ-પંચાવન વર્ષની આસપાસના વ્યક્તિ તમને મળવા માંગે છે. પરંતુ એમણે એપોઇન્ટમેન્ટ લીધી નથી. તો શું કહું?" જમાલે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"હા, અંદર બોલાવી લે. મળી લઇએ. નવી ઓફિસમાં પ્રવેશ કર્યા પછી આ પહેલો કેસ છે. માટે પાછા મોકલવા સારું નહિ." હરમને જમાલને કહ્યું હતું.

થોડી મિનિટોમાં પચાસ-પંચાવન વર્ષની આસપાસના લાગતા એક વ્યક્તિને જમાલ અંદર કેબીનમાં લઇને આવ્યો હતો. હરમને એમને ખુરશીમાં બેસવા માટે કહ્યું હતું. જમાલ એ વ્યક્તિની બાજુમાં બીજી ખુરશીમાં બેસી ગયો હતો.

"હા, તો આપ મને મળવા આવ્યા છો?" હરમને એ વ્યક્તિ સામે જોઇ પૂછ્યું હતું.

"હું એક કેસ બાબતે આપને મળવા માટે આવ્યો છું. હું એક રીટાયર્ડ પોલીસ અધિકારી છું અને પોલીસ ખાતામાંથી જ આપના વિશે મને માહિતી અને આપની નવી ઓફિસનું સરનામું મળ્યું હતું. એટલે ફોન કર્યા વગર સીધો જ આપને મળવા માટે આવી ગયો." ખુરશીમાં બેસી એ વૃદ્ધ વ્યક્તિ બોલ્યા હતાં.

" હા તો આપનો કેસ મને વિગતવાર જણાવો. કોઇપણ બાબતને નકામી છોડી ના દેતા." હરમને એ વૃદ્ધ વ્યક્તિ સામે જોઇ કહ્યું હતું.

"મારું નામ ધીરજભાઇ મહેતા છે. હું બોપલમાં રહું છું. બોપલમાં વીસ હજાર વારની મોટી જગ્યામાં મેં ચાર બંગલા બનાવેલા છે. ત્યાં છેલ્લા દસ વર્ષથી હું રહી રહ્યો છું. આજે આપને હું જે કેસ બાબતે મળવા માટે આવ્યો છું એની વાત વિગતવાર કહું છું." ધીરજભાઇએ હરમન સામે જોઇ પોતાની વાત કહેવાની શરૂ કરી હતી.

જમાલ પણ ડાયરી ખોલી અને કેસ લખવા માટે તૈયાર બેઠો હતો.

"હા, તો મેં કહ્યું એ પ્રમાણે મારું નામ ધીરજભાઇ મહેતા છે. બોપલમાં વીસ હજાર વારની મોટી જગ્યામાં મેં ચાર બંગલા બનાવેલા છે. એક બંગલામાં હું, મારી પત્ની સુધા મહેતા અને મારો ભત્રીજો પ્રેયસ રહીએ છીએ. મારે મારું પોતાનું કોઇ સંતાન નથી. પ્રેયસ જ મારો ભત્રીજો ગણો કે દીકરો ગણો એ એક માત્ર સંતાન છે. મારી બરાબર બાજુના બંગલામાં અમારા સમાજના જ એક એવા રાકેશ મહેતા રહે છે. રાકેશ એની પત્ની મનોરમા મહેતા અને એનો દીકરો ધૈર્ય મહેતા તેમજ એની પુત્રી વંશીકા મહેતા સાથે રહે છે. એનો બંગલા નં. 2 છે. બંગલા નં. 3 ની અંદર મારો મિત્ર બ્રીજેશ દલાલ અને એનો પુત્ર રીદ્ધેશ દલાલ તેમજ બ્રીજેશની ધર્મપત્ની જીયા દલાલ રહે છે અને બંગલા નં. 4 માં સુનીતા ખત્રી નામની પ્રોફેસર રહે છે. આ ત્રણે જણને મેં બંગલાઓ આ સોસાયટી બનાવી એ વખતે વેચી દીધા હતાં. આ ચાર બંગલાઓમાં બંગલા નં. 1 મારો પોતાનો છે. આ મેં તમને પૂર્વભૂમિકા એટલા માટે આપી કે તમને હું જે કહેવા માંગુ છું એ વાત તમે સમજી શકો. હવે હું જે મુદ્દા માટે આપને મળવા આવ્યો છું એ વિશે વાત કરું. છેલ્લા ત્રણ મહિનાથી દર અઠવાડિયે કે પંદર દિવસે સોસાયટીના ઝાંપાની બહાર કોઇ વ્યક્તિ કટાઇ ગયેલા વાસણ મુકીને જાય છે. જેમકે તપેલી, ચમચો, ચીપિયો, સાણસી આવી બધી વસ્તુઓ પરંતુ ખૂબ જ કાટ ખાઇ ગયેલી અને ખૂબ જ જૂના થઇ ગયેલા વાસણો સોસાયટીના દરવાજા બહાર મુકી જાય છે. અમને બધાંને એટલેકે સોસાયટીના દરેક સભ્યને આશ્ચર્ય થાય છે કે આવું કોણ અને કેમ કરી રહ્યું છે? પરંતુ અમને સમજણ પડી રહી નથી. બે-ત્રણ જ્ઞાનીજનોને બોલાવ્યા તો એ લોકોનું કહેવું એવું છે કે આ કોઇ તાંત્રિક પ્રયોગના અનુસંધાનમાં કોઇ કરી રહ્યું છે. પરંતુ આ બાબત પર મેં બહુ લક્ષ્ય રાખ્યું નથી કારણકે કોઇ તાંત્રિક પ્રયોગ કરે તો જે તે વ્યક્તિના ઘરની બહાર કરે. સોસાયટીના ઝાંપા પાસે શું કરવા કરે? બીજી નવાઇની વાત એ છે કે આ મુદ્દા માટે અમે ચારે મેમ્બરોએ બેસીને બે-ત્રણ વાર ચર્ચા કરી પરંતુ કોઇને કોઇની સાથે દુશ્મનાવટ હોય એવું છે નહિ. છતાં આવું થઇ રહ્યું છે જેનાથી અમે ખૂબ પરેશાન થઇ ગયા છીએ. આ વાસણોનો ભેદ હું ઉકેલી શક્યો નથી માટે હું ઇચ્છું છું કે આપ મારો આ કેસ આપના હાથમાં લો અને આનો ઉકેલ મને કરી આપો." ધીરજભાઇએ ખૂબ શાંતિથી આખી ઘટના હરમનને જણાવી હતી.

"આપનો કેસ ખૂબ અજાયબભર્યો લાગે છે. આવું કરવા પાછળ કોઇનું શું કારણ હોઇ શકે એ મને સમજાતું નથી. હું આપનો કેસ હાથમાં લઉં છું. તમે તમારા ઘરનું સરનામું જમાલને લખાવી દો. અમે તમારા બંગલા ઉપર એક કલાક પછી આવી જઇએ છીએ અને આ ચારે બંગલામાં રહેતા લોકોની સાથે વાતચીત કરી અને છાનબીન અમે અમારી રીતે કરી આ કેસ હું તમને ઉકેલી આપીશ." હરમને ધીરજભાઇનો કેસ હાથમાં લેતા કહ્યું હતું.

"આપનું નામ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂબ સાંભળ્યું છે, મી. હરમન. બસ, એટલે જ આપની પાસે એપોઇન્ટમેન્ટ વગર આવી ગયો. તમે મારો કેસ હાથમાં લીધો તો મને થોડી શાંતિ થઇ છે." આટલું કહી ધીરજભાઇ કેબીનમાંથી બહાર નીકળ્યા હતાં.

કેબીનની બહાર એમણે જમાલ સાથે કેસ બાબતની ફીની વાતચીત કરી લીધી હતી. જમાલે એમને આખા કેસની ફી કહી દીધી હતી. ધીરજભાઇ એમાંથી દસ ટકા રૂપિયા એડવાન્સ આપી અને પોતાનું સરનામું આપી ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતાં. એમના ગયા બાદ જમાલ અંદર કેબીનમાં આવ્યો હતો.

"બોસ, આ કેસ લઇને તમે ફસાઇ ગયા હોય એવું મને લાગે છે કારણકે રસ્તે આવતું જતું કોઇપણ સોસાયટીની બહાર કશું પણ મુકી જાય એનાથી શું સાબિત થાય? આ કેસ લેવાનું કારણ મને સમજાતું નથી." જમાલે હરમનને કહ્યું હતું.

"જમાલ, વાસણ મુકવા પાછળ કોઇને કોઇ ભેદ તો હશે જ. એના વગર કોઇ આવું કૃત્ય ના કરે. આ એક એવો ભેદભરમ છે જે ભેદભરમ સોસાયટીમાં રહેવાવાળા લોકોને પણ ઉકેલાતો નથી. પરંતુ તું જ વિચાર કોઇ તપેલી હોય કે સાણસી જેવા વાસણો જેની કિંમત થોડી તો થતી જ હશેને? એટલા રૂપિયા ખર્ચીને કોઇ રોજ વાસણો મુકી જાય છે તો એની પાછળનું તાત્પર્ય કોઇ ખૂબ ભેદી લાગે છે. આ ભેદને ખોલવો ખૂબ જ જરૂરી છે અને આ કેસની અંદર કોઇ ચોક્કસ ગૂઢ રહસ્ય છુપાયેલું છે જે અત્યારે આપણને સમજાતું નથી. ચાલ, પહેલા આપણે જમી લઇએ પછી બોપલ ધીરજભાઇએ આપેલા એમના એડ્રેસ ઉપર પહોંચી જઇએ." હરમને જમાલને સમજાવતા કહ્યું હતું.

હરમન અને જમાલ બંન્ને કલાક પછી ધીરજભાઇ મહેતાએ આપેલા સરનામા ઉપર પહોંચ્યા હતાં. સોસાયટીના ઝાંપા ઉપર મહેતા કો-ઓપરેટીવ સોસાયટીનું બોર્ડ મારેલું હતું. હરમનની ગાડી સોસાયટીમાં અંદર દાખલ થઇ હતી.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)