ADMINNO AADHARKARD books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૨૦

એડમીનનો આધાર કાર્ડ..!

 

                            જે લખવાનો છું, એને હાસ્ય સાથે સ્નાનસૂતકના સંબંધ છે કે નહિ, એની ખબર નથી. એને ક્યા પ્રકારનું કોમેડી-પોત કહેવાય, એનો પણ આઈડિયા નથી. છતાં ૧૦૦ ટકા પ્રોમિસ આપું કે, જે કંઈ કહીશ તે હસવાની વાત કહીશ, હસવા સિવાય બીજું કંઈ ના કહીશ. ચોખવટ પૂરી..! ચાર-ચાર મારા મગજમાં ભમરા કે ભમરીએ માળો બાંધ્યો હોય, એમ પ્રત્યેક માનસમાં હું આધારકાર્ડ અને આધારકાર્ડમાં હું માણસ શોધું..! મિલકતમાં ડીગ્રીની ગમે એટલી મોટી લંબાઈ-પહોળાઈ હોય, પણ પોતીકું આધારકાર્ડ ના હોય તો એ બધું ટપકું..! ભલે ને ઊંચા પદના આસામી હોય, રાજમહેલના કાંગરે મોરલાઓ કળા કરતા હોય, મોટર-ગાડીની જાહોજલાલી હોય, પણ આધારકાર્ડ નહિ હોય તો, ખુદાબક્ષ મુસાફર જેવાં..! માણસમાં ગણવા કોઈ તૈયાર જ નહિ હોય મામૂ..! આધારકાર્ડ વગરના માણસ કરતાં તો, વ્હોટશેપ ગ્રુપના એડમીનની ઈજ્જત ઉંચી..! નહિ લાયકાત જોઈએ, નહિ  ઉમર જોઈએ, નહિ આવડત કે ડીગ્રીની લંબાઈ જોઈએ..!  જેને પીન મારતા આવડે એ બધાં જ એડમીન..! ‘એડમીન’ શબ્દ સાલ્લો સુંવાળો ને મલમલના ગાલીચા જેવો તો લાગે દાદૂ..! કોઈ એમ કહે કે, “ I AM AN ADMIN..! “ આટલું બોલે એમાં તો એ રશિયાનો રાષ્ટ્રપતિ હોય એટલું ફીઈઈઈણ આવી જાય..! રતનજીની વાત કરું તો, આઝાદીના આટલા વર્ષો પછી પણ એ આધારકાર્ડ વગરનો ‘ઉઘાડો’ ફરે છે, પણ અડધો ડઝન વ્હોટશેપ ગ્રુપનો ADMIN હોવાથી વિજય માલ્યાની માફક બિંદાસ તો જીવે. કોઈ પૂછે કે, ‘રતનજી, તમારો ધંધો શું..? તો કહે, મારા હાથ નીચે ૫૦૦ થી ૭૦૦ માણસો કામ કરે છે. આપણને એમ લાગે કે, ફેક્ટરીનો કોઈ મોટો માલિક હશે. તંબુરો...! વાસ્તવમાં વ્હોટશેપ ગ્રુપનો એડમીન જ હોય..!  ને એની નીચે ૫૦૦-૭૦૦ નવરીના રોજ ચેટીંગ કરતા હોય..! બધાં જ વ્હોટશેપ ગ્રુપ ધમધમતા હોવાથી, રતનજી ટાટા કરતા પણ આ રતનડુની ઈજ્જત લોકોમાં ઉંચી. રતનજીના ગ્રુપમાં જોડાવા લોકોની પડાપડી થાય. મને કહે, મારી ઓળખ માટે મને આધારકાર્ડની જરૂર જ નથી, બધાં મને આજે પણ ‘રતનજી એડમીન’ તરીકે જ ઓળખે..!

                                         આ રતનજીની એક મઝેની વાત જાણવા જેવી છે. એકવાર એના ગ્રુપમાં ADMIN રતનજીએ ‘રૂપા’ નામનો નવો નંબર એડ કર્યો..! ‘રૂપા’ વાંચીને  પાંચ મીનીટમાં તો  વ્હોટશેપ ઉપર ધડાધડ મિસાઈલ છૂટવા માંડી. લોકોને થયું કે આ નવી કબુતરી આવી કોણ..? બધાનો મોબાઈલ પલળતો થઇ ગયો. રાબેતા મુજબ ચમનીયાએ જ પહેલાં 'શ્રી ગણેશ'  કરીને સૌથી પહેલું ‘hi’ લખ્યું. સામે રૂપાએ પણ 'hi' લખીને આવકાર આપ્યો. hi વાંચીને ચમનીયાનો તો આખો કાર્ડિયોગ્રામ વાંકોચૂકો થઇ ગયો. જવાબ વાંચીને તરત જ હરખનો ફૂવ્વારો છોડી દીધો, ને ‘hi dear’ લખ્યું. સાથે એવું તીર પણ છોડ્યું કે, ‘ક્યાં રહો છો?’ રૂપાએ તરત જવાબ આપ્યો, વલસાડમાં..! શ્રીશ્રી ભગો થોડો અદેખો ખરો. એ પણ લાઈનમાં જોડાયો.  ‘હું પણ વલસાડમાં જ નંદનવન પાર્કમાં રહું છું, કોઈ કામ હોય તો કહેજો..! એના કપાળમાં કાંદા ફોડું, રૂપાએ પણ લખ્યું કે, ‘ચોક્કસ કહીશ, તમારો ફોટો હોય તો મોકલજો..! થયું એવું કે, આવાં ઓળખ વિલાસમાં પરગામ રહેતા હતા એ પણ બધા વલસાડવાસીની ઓળખ આપતા થઇ ગયા. એમાં ચમન ચક્કીએ તો સીધો બોંબ જ ફોડ્યો કે, ‘તમારે કોઈ બોય ફ્રેન્ડ છે..?’ રૂપાએ લખ્યું કે, મારે તો

એવું કંઈ નથી. એમાં તો આખું ગ્રુપ ‘પોચું-પોચું’ થઇ ગયું, સૌના મોઢાં ઉપર તેજી આવી ગઈ..! છેલ્લે રતનજીએ ધડાકો કર્યો કે, ‘બહેન તમારું આખું નામ શું..? તો રૂપા કહે, ‘હું બહેન નથી, હું તો  ભાઈ છું. મારું નામ રૂપા જીવણજી ચોરવાડ છે..! બસ ખલ્લાસ..! બધાના ભેજાંની હવા નીકળી ગઈ. પાંચ મીનીટમાં તો પચાસ જણાનો ‘લોટસ’  ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયો...! ચમનીયો હજી બેહોશ જ છે..! 

                               જે કહો તે આ યુગ માત્ર ડીજીટલનો નથી, કાર્ડનો પણ છે. એક ભાઈ પાસે મેં કાર્ડ માંગ્યો તો, વીઝીટીંગ કાર્ડને બદલે, આધારકાર્ડ પકડાવી દીધો. મને કહે, આજકાલ આજ કાર્ડની બોલબાલા છે..! વીઝીટીંગ કાર્ડમાંથી તો તમને પાણીની પોટલી પણ નહિ આપે, આધારકાર્ડ હોય તો માથાદીઠ બે કિલો ઘઉં પણ મળે..! મને રાવણ યાદ કરાવી દીધો. લંકેશે એની લંકામાં આધારકાર્ડનું હલેળું એટલા માટે નહિ રાખેલું કે, માથા દીઠ બે કિલો ઘઉં આપવાની યોજનામાં તો એકલો રાવણ જ ન્યાલ થઇ જાત. દશ માથેશ્વરી રાવણની જ દશ પંદર સરકારી અનાજ કરિયાણાની દુકાન હોત બોસ..! વિભીષણ ભલે ભગત કહેવાયો હોય, પણ માથું એક જ હોવાથી રાવણની જેમ માથાભારે નહિ કહેવાય..!  ચમનીયો ઘણીવાર મને પૂછે કે, લંકામાં બધાને એક માથું ને રાવણને જ દશ માથા કેમ..? સંત તુલસીદાસે આ બાબતે કોઈ ફોડ પાડ્યો નથી. પણ  શ્રીશ્રી ભગાનું માનવું છે કે, આ બધી ભગવાનની આગોતરી વ્યવસ્થા હતી. ભગવાન જાણતા હતા કે, રાવણ ભલે શિવભક્ત હોય, પણ દશ માથા હોવાથી માથાભારે કહેવાય. ભગવાન જાણે કે મારા ભગતને કંઈ થવું નહિ જોઈએ, એટલે પહેલેથી જ નવ માથા આપી નવ કમાન્ડો મૂકી દીધેલા..! આ તો એક ગમ્મત..!  

                                           આધારકાર્ડ પણ ક્યારેક તો આધાર વગરનો થઈ રસ્તે રઝળતો હોય છે દાદૂ..!  જીવનમાં કોઈનો આધાર હોય કે ના હોય, નિરાધાર પાસે પણ આધારકાર્ડ

તો હોય જ છે. સારું છે કે, લગનનું નક્કી કરતી વખતે ઉભય પક્ષો આધારકાર્ડ માંગતા નથી. આજે તો બે કિલો ચોખા લેવા હોય તો પણ આધારકાર્ડ બતાવવો પડે. ત્યારે લગન એટલે તો આજીવન આપ-લેનો સોદો કહેવાય..! કદાચ એટલા માટે માંગતા ના હોય કે, આધારકાર્ડમાં છપાયેલા ફોટા ફેસિયલવાળા હોતા નથી. ન કરે નારાયણ ને આધારકાર્ડનો ફોટો જોઇને વર-કન્યાની મતિ બદલાય જાય તો..?

                           આજકાલ આધારકાર્ડની જ બોલબાલા છે. આધારકાર્ડ વગરનો માનવી એટલે, છાપ વગરનો સિક્કો..! ચલણમાં ચાલે જ નહિ. અમારો રતનજી કહે એમ, કંકોત્રીમાં પણ એવું છાપવાનો વખત નહિ આવે તો સારું કે, ‘મુરતિયો આધારકાર્ડ ધરાવે છે..!’ કુંડળીમાં જેમ શનિ

અને મંગળનો દોષ હોય એમ, કદાચ એવો તુક્કો પણ આવશે કે, મુરતિયામાં આધારકાર્ડનો દોષ છે. આવું નહિ આવે તો સારું નહિ તો વાંઢેશ્વરો વધી જશે તો કરીશું શું..?

                                         

                                   લાસ્ટ ધ બોલ

     પોસ્ટકાર્ડની હાલત પ્રેમલા-પ્રેમલી જેવી થઇ ગઈ. જિંદગી વીઝીટીંગ કાર્ડ જેવી થઇ ગઈ. પરિવાર ઉપર પ્રકાશ પાડીએ તો, વાઈફ એટલે મેમરી કાર્ડ, પતિ એટલે એટીએમ કાર્ડ, ગર્લફ્રેન્ડ એટલે ડેબીટ કાર્ડ, પાડોશી એટલે ગ્રીટિંગ કાર્ડ, સાળી એટલે રીચાર્જ કાર્ડ, છોકરાઓ એટલે આઈડેન્ટી કાર્ડ, મા-બાપ એટલે પાન કાર્ડ અને મિત્રો એટલે આધારકાર્ડ..!

 

------------------------------------------------------------------------------------------------------------------------

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED