fateli garmina fatela thingda - 19 books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૧૯

 ફાટેલી ગરમીના ફાટેલા થીંગડા..!

                       ફાટ..ફાટ થતી ગરમીમાં પૃથ્વીસ્થ જીવોની હાલત ભયાનક થઇ જાય દાદૂ..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયા હોય એવી થઇ જાય..! પ્રત્યેક માણસ સળગતો હોય એવો જ લાગે. યમરાજને પણ ધરતી ઉપર જીવ લેવા આવવા, ધડક ઉપડે. એવી ફાટેલા મિજાજવાળી ગરમી..! વાઈફ પણ વિષુવવૃત પ્એરદેશમાંથી પકડી લાવ્યા  હોય એમ, લ્હાયબંબા જેવી લાગે.  ઠંડી કન્યા સારી, પણ તેજાબી કન્યા સાથે પનારો નહિ પડાય એવી હાલત થાય. જાડી ચામડીવાળાને ભલે,  હિમાલયના ઠંડા પવન જેવી ગરમી લાગે, બાકી કાળઝાળ ગરમી તો એવી લાગે કે, દરિયામાં પથારી કરીને સુવાનું મન થઇ આવે..!  ‘ગરીબ કલ્યાણ મેળા’ ની માફક ઉનાળામાં એકાદ ‘ગરમી કલ્યાણ મેળો’ પણ થવો જોઈએ, એવી ફીલિંગ્સ આવે બોસ..!  ઠંડાગાર રાખવા માટે ઉનાળામાં કોઈક કલ્યાણકારી લાભ મળતા હોય તો કેવું મુલાયમ-મુલાયમ જેવું લાગે..? મારે એમ નથી કહેવું કે, કુલર-એસી કે તડકાને ઠારવા  માટે છત્રીઓની રસલ્હાણ કરવી જોઈએ. પણ એટલો તો વટહુકમ છૂટવો જોઈએ કે, ' જાવ બિરાદરો..! ઉનાળામાં વીજળીનું  બીલ નહિ ભરતા, માફ..! ” આટલું કહે તો પાકટ આંબાને પણ મબલખ કેરી આવી હોય એટલો આનંદ થાય..! થોડીક તકલાદી તો રાહત મળે..! અમારો કવિ શ્રીશ્રી ભગો એટલે એવો ખમતીધર  કે, પરસેવામાં પણ પર-સેવા કરતો હોય એમ, ગરમી ઉપર ગરમ તેજાબી કવિતાઓ લખે કે,
                ગરમી મલાજો ભાંગી રહી ને કારણ વગર ઝરણ ફૂટ્યા કરે

                બેફામ બની ગઈ છે લપ્પુક લૂ અહીં રોજનુ મરણ ફૂટ્યા કરે

                              ગરમીફાડ શાયરી વાંચીને વાહ..વાહ તો બોલો દોસ્ત..? શું કામ અકળાય જાઓ છો..? એવું નથી લાગતું કે, 'સોળે કળાએ ચંદ્ર ખીલ્યો હોય, અને સુહાગરાતે વાઈફ નસકોરાં બોલાવતી ઘોટાય જાય, તો કેવી વેદના થાય..? એના નસકોરાંની રીધમમાંથી હાલરડું ને બદલે મરશિયું નીકળતું હોય તેવું જ લાગે..!  કદાચ એ પણ સહન થાય, પણ આ ગરમી સહન નહિ થાય..! એમ થાય કે, ‘લગનનો ખર્ચ ખોટો વેડફી નાંખ્યો, એટલામાં તો  આખો બેડરૂમ સેન્ટ્રલ એસી વાળો થઇ ગયો હોત..! જીવને ટાઢક તો થાત..! સવાલ પ્રસન્નતાનો છે..!’ અમારો એક્ષપર્ટ કોમેન્ટેટર શ્રીશ્રી ભગો કહે, ‘ઉનાળામાં ગરમી નહિ પડે તો શું આકાશમાંથી બરફના ગોળા પડવાના..? તારાથી નખરાળી વહુ સહન થાય, ને ફાટેલા મગજવાળી આ ગરમી સહન નહિ થાય..? એક વાત સમજી લે, વાઈફ વગરનું સાસરું નકામું, એમ ગરમી વગરનો ઉનાળો નકામો. એ રીઝે કે ખીજે, ચલાવી લેવાનું..! આજે આખે આખો તને પલાળે કોણ..? આ લોકોનું કામકાજ જ પલાળવાનું..! ઉષા (સવાર) સંધ્યા (સાંજ) ને ભેટવા દૌડે, સંધ્યા રજની (રાત) ને ભેટવા દૌડે, ને રાત ફરીથી ઉષાને મળવા દૌડે..! આ પકડદાવ ને કોણ અટકાવી શકે ભલા..?  બધી જ મૌસમ માં આવો પકડદાવ ચાલતો હોય, પણ ઉનાળાના અગનખેલ જોઈએ ત્યારે તો સુરજ સાથેનું મેળાપીપણું  જ લાગે. એમ થાય કે, ક્યાંક સુરજ સાથેના આ દાવપેચ તો નહિ હોય..? ઉનાળામાં બધાં કેવાં પરસેવાદાર..પાણીદાર  થઇ જાય..! માણસની પથારી ફરી જાય. બેડરૂમનો ત્યાગ કરી માણસ પવન માટે ફૂટપાથ શોધતો થઇ જાય. જો બહુ બફારો લાગે તો પેલું ગીત તો ગાવું જ નહિ કે, ‘મુઝે નીંદ નહિ આયે, મુઝે ચૈન ના આયે’  પંખો હોય તો ફૂલ કરીને ઝોપી જ જવાનું..!  ગરમી એવી ચૂડેલ છે કે, કોઈનું સાંભળતી જ નથી. એને ક્યાં  કાન હોય છે? યાદ રાખવાનું કે, પ્રકૃતિ ક્યારેય પ્રદર્શન નથી કરતી, સીધાં દર્શન જ આપે. જીવો અને જીવવા દો ની માફક, ‘સુઓ અને સુવા દો’ જેવી વિરાટ ભાવના જ રાખવાની..! એ ક્યારેય ન્યાતજાતના ભેદ રાખતી નથી. માણસમાં પણ ફૂટે, માનસમાં પણ ફૂટે, પ્રાણીમાં પણ ફૂટે, પક્ષીમાં પણ ફૂટે ને પ્રકૃતિમાં પણ મૌસમ પ્રમાણે ફૂટે.! બહુ ઓછાં એવાં બાહુબલી હોય કે, જે ખતરનાક ગરમીમાં શેકાતા હોવા છતાં, નાસિકા-વાદન તો કરતાં જ હોય..! ચામડી બાળતો ઉનાળો પણ શિવજીનું તાંડવ માને.  ચોમાસું છાકટુ બની જાય, એમ ક્યારેક ઉનાળો પણ અગન ગોળા ફેંકે..! તેજીલ ગરમી એવી તૂટી પડે કે, શરીરે ‘બર્નલ’ લગાવીએ તો પણ ટાઢક નહિ વળે. પરસેવાની પાઈપલાઈન ફાટી હોય એમ, શરીરે રેબઝેબ થવા માંડે. એમાં મઝા તો મેકઅપવાળા(ળી) ની આવે. લીસોટા એવાં ફરી વળે કે, બે-ચાર અળસિયા મોંઢા ઉપર લટાર મારવા નીકળ્યા હોય, એમ મોઢાને નકશો બનાવી દે..! એમાં આપણે એટલે કોણ..?  દરિયો વેચાતો લેવાના હોય, એમ દરિયે પણ આંટો મારીએ, એ બિચારા જાય ક્યાં..? પેટ છૂટી વાત કરું તો, ગરમી પડે ત્યારે ટનબંધી પરસેવો વેડફાય છે, પણ એમાંથી કોઈક ગૃહઉદ્યોગ કાઢવા માટે કોઈ વિચારતું જ નથી. આ તો બધી હસવા હસાવવાની વાત. આટલે સુધી લખ્યા પછી એક વાતની ખાતરી થઇ કે, હાસ્ય ગરમીને પણ ગાંઠતું નથી. નવરસોમાં ભલે હાસ્યનો છેલ્લો ક્રમ હોય, પણ જેમ છેલ્લું છોકરું જ ‘હટકે’ નીકળે એમ હાસ્ય, પરસેવામાં પણ પોતીકું સ્થાન છોડતું નથી, ને ગરમી ક્યારેય આનંદનો અવરોધ કરતુ નથી. અમારો રતનજી કહે એમ,  ઉનાળામાં ક્યારેક સામુહિક સ્નાનના  સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવા જોઈએ.! ઘાયલ કી ગત ઘાયલ જાણે તો ખરો..! 
                                         લાસ્ટ ધ બોલ

              ઓન લાઈન ક્લાસ પૂરો થતાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું,  ‘આપણો ઓન લાઈન ક્લાસ હવે પૂરો થાય છે. કોઈને કોઈ વાતે પ્રશ્ન હોય તો પૂછો..!’  બીજા કોઈએ નહિ, પણ  શ્રીશ્રી ભગાએ પૂછ્યું.  ‘સર..! ચાલુ કલાસે જે છોકરી તમને ચાહ આપવી હતી, એ કોણ હતી..? સરસ દેખાતી હતી..!’ ને બીજો ને છેલ્લો સવાલ, ‘ પરણેલી છોકરી અને પરણેલા છોકરાના ભેદ કેવી રીતે જાણી શકાય..?
      મંગળસૂત્ર લટકેલું હોય તો, છોકરી પરણેલી સમજવી. અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો સમજવો..! ( તારી ત્રણ મહિનાની ફી બાકી છે, તે કાલે લઇ આવજે..! ને આવાં જ સવાલ પૂછવાનો હોય તો, તારા હાલના ધોરણના ચોપડા પસ્તીમાં આપતો નહિ, આવતા વરસે પણ ચાલશે..!)
      તારા કપાળમાં કાંદા ફોડું..!

-------------------------------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED