જાઉં કહાં બતાયે દિલ...!
આ તો પરિવર્તનનો યુગ છે દોસ્ત..! સવારે ખિસકોલી, બપોરે બકરી ને રાતે વાઘ થાય તો બોલવાનું નહિ, મૂંગા રહેવાનું..! જેટલું માનવીનું બારમું ભયાવહ, એનાથી વધારે બોર્ડના ૧૨ માં ધોરણનો ધાક અહીં છે. બોર્ડ જાણે બોર્ડર ઉપર લડવા જવાની પ્રક્રિયા હોય એમ, ધ્રુજારી ભરાવા માંડે. એને ક્રાંતિ નહિ, 'ફીક્રાંતી' કહેવાય. તોપથી શરુ થયેલી ક્રાંતિ, પહેલાં ટોપી સુધી પહોંચી, હવે ટોપીને ટપીને, ટપાટપી સુધી પહોંચી. ટોપીની પણ ડીઝાઈન બદલાય, ને તોપ રણમેદાન છોડી, ખંડેર હાલતમાં કિલ્લાઓને શોભાવતી થઇ..! હવે 'હાથીફાળ' વિકાસ નથી, વિકાસને હરણનું એન્જીન લાગ્યું હોય એમ, રણફાળ વિકાસ થવા માંડ્યો..! પહેલાંના ઘડિયાળ સમય અને લોલકના આંદોલન પણ બતાવતાં. ડીજીટલ ઘડિયાળે બધાં ક્ષેત્રોને હડપ કરીને હાથના કાંડે બાંધી દીધાં. ઘડિયાળનું લોલક પકડીને દોડનારો જીવ, અકળામણ,ગભરામણ. અને ગુંગળામણ અનુભવતો. ડીજીટલ ઘડિયાળનો શરણાર્થી, હવે કાંટાને ખિસ્સામાં નાંખીને દોડે. સમય સાથે એ પકડદાવ રમતો નથી. શ્રીશ્રી ભગો કહે એમ, સાલ્લો આખો સિનારિયો બદલાય ગયો..! અહી યુદ્ધ પણ છે, પણ સમય ક્યારેય ડાઈવર્ઝન લેતું નથી. પ્રત્યેક સેકંડે વિચાર બદલાય, ઈચ્છાઓ બદલાય, શોખ બદલાય, ધ્યેય બદલાય, સિધ્ધાંત બદલાય પરિવાર અને મિત્રો પણ બદલાય..!
આ બધી ફિલ્લમની પક્કડ છે. ફિલ્મ સ્ટારની માફક ‘ઉછ્લમ કુદમ’ કરતો વિદ્યાર્થી પરીક્ષા સુધી સ્વચ્છંદતાનો દાસ હોય, બોર્ડની પરીક્ષા આવે એટલે ‘દેવદાસ’ બની જાય. વાંચવા માટે ટોકનારો ક્યાં તો એને આતંકવાદી લાગે, ક્યાં તો ત્રાસવાદી..! બોર્ડની પરીક્ષાનું ‘ટેન્શન’ એટલે હાઈવોલ્ટેજ ડ્રામા. મગજે એવો વંટોળ ફૂંકાય કે, મીટર મુક્યું હોય તો એ પણ ફાટે..!. મિત્રો સાથેના ટોળટપ્પા ઉપર કાપ આવે એટલે ખલ્લાસ.! ચોપડામાં માથું મારે એટલે જ, જીગરજાન વડા-પાઉં મિત્રો, બર્ગર મિત્રો, પીઝા મિત્રો ઢોસા મિત્રો, મલ્ટીપ્લેક્ષ મિત્રો, ને લારી મિત્રોના ઝુંડો આડા ફરવા માંડે. સાથે અદભૂત ટેન્શન પણ હોય મામૂ..! કોઈ અણઘડ ડોકટરે મોઢાના ખીલને, કેન્સરની ગાંઠ કહી નાંખી હોય, એવી લુખી અકળામણ બોર્ડના પરીક્ષાર્થીનોવાળી નાંખે..! એમાં પાછાં નકારાત્મક ખોંખારા તો પરેશાન કરી નાંખે. યુદ્ધનો માહોલ, પેપર ફૂટવાનો માહોલ, હડતાળનો માહોલ, પરણવાનો માહોલ, પરણાવવાનો માહોલ, બોર્ડની પરીક્ષાનો માહોલ, ગુજરાતની ચૂંટણીનો માહોલ અને ટાલ-ફાડ ગરમીનો માહોલ..! વળી ગરમી એટલે કેવી કાળઝાળ ગરમી..? ઢીલ્લા-પોચા જીવનું તો ફેફરું-ફેફરું લાવી દે..! ભલે પરીક્ષાનો ભરડો હોય, છતાં, અમુક વિદ્યાર્થી તો એવાં બિંદાસ, કે પીઝા-બર્ગરમાંથી જ ટકાવારી આવવાની હોય એમ, વાંચવાનું ઉંચે મૂકીને હોલીડે જ કરતાં હોય. પૂછીએ કે, પરીક્ષાનું થોડુક તો ટેન્શન રાખ, તો કહે ‘ એવરીથીંગ ઈઝ ઓકે અપ ટુ રીઝલ્ટ..! ‘ તારા કપાળમાં કાંદા ફોડું..?
અમારા જમાનામાં પણ પરીક્ષાઓ હતી, પણ પરસેવાલેશ..! પગમાં ચંપલ ના હોય, ને લેંઘી પણ ટૂંકી હોય..! ટૂંકી લેંઘીમાં ટકા પણ ટૂંકા આવતા. પણ ટૂંકા ટકામાં પણ જીવતરની છલાંગ લાંબી રાખતાં. નિશાળમાં ગયાં પછી જ અમારી નિશાળ ચાલુ થતી, ને ભાગ્યા એટલે નિશાળ બંધ થઇ જતી. ભણવાનો જુલમ તો આજના કરતા પણ વધારે. નિશાળે જઈએ તો શિક્ષક મારતા ને ઘરે રહીએ તો બાપા મારતા..! પેલું, ‘ જાઉં કહાં બતાયે દિલ ‘ આ ગાયન અમારી સ્થિતિ જોઇને લખાયેલું, ને પ્રખ્યાત થયેલું..! ક્યારેક તો, નિશાળમાં ગયાં પછી જ ખબર પડતી કે, આજે તો અમારી પરીક્ષા છે..! પણ ટેન્શન નહિ આવતું..! જે વિષયની હોય તે વિષયની, પણ ઉજાગરા કર્યા વિના પહોંચી વળતાં. આજે તો બોર્ડની પરીક્ષાનું ટેન્શન જ એવું વાઘણ જેવું કે, બકાસુર રાક્ષસ પરીક્ષા લેવાનો હોય, એમ ફેફસું ‘ધડક-ધડક’ થવા માંડે..! વિદ્યાર્થી પણ ટેન્શનમાં ને આખું ઘર ટેન્શનમાં..! ઘરમાંથી વીજળીના હાઈવોલ્ટેજ વાયર જવાના હોય એમ, બધાને જ ઉકળાટ..! બધાના બ્લડ પ્રેસર ફાટ-ફાટ થાય..! દરેકના મોઢાં ઉપર ‘સવાલ ચિહ્ન’ ના ખંભાતી તાળાં લાગતાં થઇ જાય. કોઈનું મોઢું રામાયણ કાળના વાલી જેવું થઇ જાય, કોઈનું સુગ્રીવ જેવું, તો કોઈનું જાંબુવન જેવું બની જાય. અમારા જમાનામાં મા-બાપ અને છોકરાઓના પહેરવેશ એવા રહેતાં કે, વાલ-વટાણા ઓળખાતાં. આજે તો ઓળખાય જ નહિ કે, આમાં મા-બાપ કોણ ને વિદ્યાર્થી કોણ..! પરીક્ષા કેન્દ્ર ઉપર છૂટા પડતી વખતે, ‘બેસ્ટ ઓફ લક’ ના ફુવારા તો એવાં છોડે કે, વિદ્યાર્થીનું વાંચેલું ભુલાવી નાંખે..! એટલું જ કહેવાનું બાકી રાખે કે, “ દીકરા રોજની જેમ બેંચ ઉપર ઊંઘી નહિ જતો. ભૂખ લાગે તો જમણા ખિસ્સામાં ગાંઠીયા ભરેલા છે, તે ખાજે. ગાંઠીયા કાઢે તો સાચવીને કાઢજે. નહિ તો કાપલા બહાર ને ગાંઠીયા ખિસ્સામાં જ રહી જશે. આવડે એવું લખજે, ને નહિ આવડે તો બાજુવાળાને સળી કરજે, એ બતાવશે..! સુપરવાઈઝીંગ કરવા જે સર આવે, એને મામા કહેજે, ને મેડમ આવે તો માસી કહી બોલાવજે. તારાં પપ્પાની માફક શરમાતો નહિ..! અમે પણ આવી માયાજાળ નાંખીને જ પાસ થયેલાં. અમુક જગ્યાએ માયાજાળ પાથરવાની મારા દીકરા..! ને સાંભળ, ખિસ્સામાંથી કાપલા કાઢે તો સાચવીને કાઢજે, પપ્પાની ઈજ્જત ઉપર બટ્ટો નહિ લાગે તેનું ધ્યાન રાખજે..! હોલની ટીકીટ પેન-પેન્સિલ-રબર વગરે લીધું કે નહિ, એવું તો પૂછે જ નહિ. પૂછે તો રતનજી ખીજાય..! મઝા તો ત્યારે આવે કે, કોઈની દીકરી જો બોર્ડની પરીક્ષા આપવા જાય, ત્યારે તો એવાં હિબકે ચઢે કે, આપણને ફાળ પડવા માંડે કે, ક્યાંક માથું ઢાંકીને આ લોકો પેલું ગીત તો નહિ ઉપાડે ને કે, ‘’ બાબુલકી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે..! ‘’
અમે ક્યારેય અમારા મા-બાપની ઊંઘ ઉડાડી નથી, પરીક્ષા તો ઠીક, કયા ધોરણમાં ભણે છે, એની પણ ચિંતા એમને કરવા દીધી નથી. એ લોકો પણ ઊંઘી જતા, ને અમને પણ ઊંઘવા દેતાં..! એવાં પરમ કૃપાળુ કે, અમારી ઉંઘ એમણે ક્યારેય બગાડી નથી. શાંતિથી ઘોરવા દેતાં. વળી શ્રધ્ધાળુ એવાં કે, કયા પેપરની પરીક્ષા વખતે કયા કલરનું શર્ટ પહેરીએ તો પેપર સારું જાય એની ખાસ કાળજી રાખતાં. અમને કહેતા કે, ‘પેપર મળે એટલે તરત લખવા નહિ બેસવાનું. બેંચ ઉપર પહેલાં ચોખાના દાણા નાંખીને માતાજીની પુંજા/આરતી કરવાની. સર પૂછે કે, પેપર ક્યારે લખવાનો, તો વટથી કહી દેવાનું કે, માતાજીની પૂજા થઇ ગઈ છે, હવે માતાજી પેપર લખવાનો આદેશ આપે એટલીવાર.!’ રીઝલ્ટની તો પરવાહ જ કોને હોય..! જે આવવાનું હોય તે આવે. જે દિવસે રીઝલ્ટ આવે તે દિવસે એકાદ મિત્રને હવાલો સોંપી દેતાં. ધાર કે બધાં વિષયમાં ઉડી ગયો તો, બાપા સાંભળે એમ નહિ કેવાનું કે, ‘ તારું ભજિયું થઇ ગયું..!’ પણ ભજન ગાતાં-ગાતાં આવવાનું કે, ‘ રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ..! ‘ એટલે સમજી જઈશ કે, હું બાવો બની ગયો..! જો, એક જ વિષયમાં ગયો તો, ‘ જયશ્રી રામ’ બોલવાનું. બે વિષયમાં ગયો તો, ‘સીતા-રામ’ બોલવાનું, ને ત્રણમાં ગયો તો ‘બ્રહ્મા-વિષ્ણુ-મહેશકી જય હો ‘ બોલવાનું..! થાય એવું કે, બધાં જ વિષયમાં ભમરડો ફરી વળ્યો હોય, એટલે મિત્ર આવીને એમ જ કહેતો કે, 'તેંત્રીસ કરોડ દેવતાની જય હો..!'
આટલું સાંભળીને બાપા ફળિયામાં પેંડા વહેંચી દેતા યાર.!
લાસ્ટ ધ બોલ
ચમનીયા...! પેલી સામેથી આવતી લાલ કલરની સાડીવાળી તારી ટીચર લાગે છે ને..?
હા દાદા..!
તો ઝટ સંતાય જા, નહિ તો કાલે તારું આવી બનશે કે, ભણવામાં ધ્યાન આપતો નથીને રખડ્યા જ કરે છે..!
દાદા..! હું નહિ તમે ઝટ સંતાય જાવ.
હું શું કામ સંતાય જાઉં, ટીચર તારી છે, મારી થોડી છે..? તું સંતાય જા.
ના દાદા..! એ મને રજા નહિ આપતી હતી, મેં એમ કહ્યું કે, મારા દાદા મરી ગયા એટલે રજા જોઈએ છે..!
ત્યારે રજા આપેલી..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------