પાપ અને પુણ્ય DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાપ અને પુણ્ય

 

વાત ખૂબ જ જૂની છે, એક ગામમાં બે વ્યક્તિ રહેતા હતા. એક વેપારી હતો જે એક સારો માણસ હતો અને સાથે સાથે ખૂબ જ ધાર્મિક હતો. બધા જ નીતિ નિયમોનું પાલન કરવું તે તેનો મુખ્ય ઉદ્દેશ હતો. તે ભગવાનની ભક્તિ કરતો, રોજ મંદિરે જતો હતો. તે હરહંમેશ દરેક ખોટા કામથી દૂર રહેતો હતો. અને બીજો વ્યક્તિ તેનાથી વિપરીત હતો. હંમેશા તે જૂઠું બોલતો અને ખરાબ કામ જ કરતો, તે ક્યારેય મંદિર પણ જતો ન હતો પણ તે રોજ મંદિરની બહારથી ચંપલની ચોરી કરતો અને દુષ્ટ કામ જ કરતો.

એક સમયની વાત હતી, આ ગામમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને આખા ગામના બધા લોકો પોતપોતાના ઘરમાં હતા. મંદિરમાં ખાલી એકલો પૂજારી જ હતો. એ લાલચી માણસે આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને મંદિરનુ બધુ જ ધન ચોરી લીધું અને પૂજારીની નજરથી બચીને તે ત્યાથી ભાગી ગયો. તો થોડી વાર પછી જ આ વેપારી મંદિર દર્શન કરવા માટે જાય છે અને ચોરીનો બધો જ આરોપ તેના પર લગાવવામાં આવે છે. અને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને તે સારી વ્યક્તિને ન બોલવાના શબ્દો બોલવામાં આવે છે. જેવો એ વ્યક્તિ ત્યાથી બહાર નીકળ્યો કે તરત જ તેની એક મોટા વાહન સાથે ટક્કર થઇ. પરંતુ તેને વધુ ઈજા થઇ ન હતી અને તે બચી ગયો.

પછી એ માંડ માંડ ઊભો થયો અને તે તેના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પેલો દુષ્ટ વ્યક્તિ તેને રસ્તામાં મળ્યો. દુષ્ટ વ્યક્તિ બોલતો હતો કે આજે તો ઘણું ધન હાથે લાગ્યું છે. આખી જીવન હવે એશો-આરામથી જીવીશ. આ સાંભળીને સારો માણસ હેરાન થઇ ગયો અને ઘરે આવીને તેને ભગવાનના બધા જ ફોટા ઉતારીને એક ખૂણામાં મૂકી દીધા અને પોતાનું જીવન જીવવા લાગ્યો.

આ ઘટનાના થોડા સમય પછી સારા અને ખરાબ બંને વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. આ બંને પાસે યમરાજ આવે છે. ત્યારે સારો વ્યક્તિ નારાજગી દર્શાવતા યમરાજને કહે છે મારા સાથે આવું શા માટે થયું? હું હંમેશા ભગવાનની ભક્તિ કરતો હતો, અને ક્યારેય ખોટું કામ કર્યું નથી, તેમ છતાં હું દુઃખી કેમ થયો. અને આ દુષ્ટ ચોરી કરતો, લોકો સાથે છેતરપિંડી કરતો, તેમ છતાં એ ખુશ જ કેમ રહ્યો. તે દુઃખી કેમ ન થયો.

ત્યારે યમરાજ તેના સવાલોના જવાબ આપતા કહે છે, જ્યારે તું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે તું એક વાહન સાથે ટકરાયો હતો એ તારો અંતિમ સમય હતો, પણ તારા કરેલા સારા કર્મોના ફળ સ્વરૂપે એ સમયે તું મૃત્યુ ન પામ્યો અને તું બાકીનું જીવન જીવી શક્યો. અને આ દુષ્ટ વ્યક્તિના જીવનમાં રાજયોગ શરૂ થવાનો હતો, પરંતુ તેના ખરાબ કર્મોને કારણે એ રાજયોગ નથી મળતો અને ફક્ત નાની એવી ઘરેણાની પોટલી જ મળે છે.

ઈશ્વરની રચેલી આ સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ-ઘટના અને સ્થિતિનું એક મહત્ત્વ હોય છે, એક રહસ્ય હોય છે. અહીં કંઇજ અમસ્તુ જ નથી બનતું. કાળચક્રની નિશ્ચિત ગતિ સાથે દરેક ઘટનાનો એક સંયોગ હોય છે.

માનવધર્મ શું છે કે આ સૃષ્ટિ કુદરતના કાનૂન પર ચાલે છે, ઈશ્વરીય આદેશને સમજીને ચાલતા શીખી જવું એ માનવધર્મ છે. એક વાર જન્મ લીધો કે એ ધર્મને, એ આદેશને અને કુદરતના કાનૂનને સ્વીકારીને, અનુસરીને જ ચાલવું પડે, કેમ કે માણસ દ્વારા કરાતા પ્રત્યેક કર્મનો અહીં હિસાબ થાય છે. કરેલું નાનકડુડું કર્મ તેનું સારું કે ખરાબ ફળ આપ્યા વગર છોડતું નથી પછી તેના માટે જીવન ઓછું પડે તો બીજો જન્મ અથવા અનેક જન્મો પણ લેવા પડે છે તે પણ તેટલું જ સનાતન સત્ય છે.

આ એ કર્મનો સિદ્ધાંત છે જે શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામા વર્ણવ્યો છે. ભગવદ્ગીતાજીમાં એમ પણ કહે છે કે તું કર્મ કર ફળની ઈચ્છા ના રાખ. એને સરળ ભાષામાં સમજીએ તો કોઈ માણસ આગમાં હાથ નાખવાનું કર્મ કરે છે તે પછી તેનું ફળ તેના હાથમાં નથી હોતું. આગમાં હાથ નાખ્યો તો તે દાઝવાનો તો ખરો જ. દાઝવાનું એ ફળ કુદરત નક્કી કરે છે. કહેવાનું ફકત ને ફકત એ કે માણસ કાંઈ પણ કર્મ કરવા માટે સ્વતંત્ર છે પણ તેના ફળ બાબતે તે કુદરત અને કર્મના સિદ્ધાંત પર આધારિત છે, તે જે ન્યાય કરે તે ભોગવવો જ પડે.

જરૂરી નથી કે માણસ દ્વારા કરવામાં આવેલ દરેક નાના- મોટા કર્મનું તરત જ ફળ મળે. જેમ કે તમે બેંકમાં રૂપિયા જમા કરાવો છો તો બેંક કાંઈ તરત હાથમાં વ્યાજ ના પકડાવી દે, ખેડૂત બીજ વાવે ને તરત પાક લણવા ના મળે, આમ કર્મ કોઈ પણ હોય તેના પ્રકાર મુજબ કેવું, ક્યારે અને કેટલું ફળ આપવું તે કુદરત કહો કે ઈશ્વર નક્કી કરે છે.

ઘણા કર્મો એવા હોય છે જેના ફળ વર્ષે પાંચ વર્ષે કે જીવન દરમિયાન ગમે ત્યારે મળતાં હોય છે તેનો ભોગવટો કરવો પડે તેવા સંજોગો ઊભા થાય કે તરત ફળ ખોળે આવી પડે!

આમ જો કોઈ એવું માની લે કે મેં ફલાણાને ખરો છેતર્યો અથવા બે- પાંચ લાફા મારી દીધા ને વાત પૂરી થઈ. પણ ના વાત એમ ક્યારેય પૂરી થતી નથી. સમય અને સંજોગો આવ્યે આવું કરનારને એવી જ કોઈક રીતે તેના પરિણામો ભોગવવાના તો આવે જ છે! અને આવાં સંચિત થયેલા ઝીણા મોટાં કર્મો ભોગવ્યા વગર માણસ જીવ છોડી દે છે તો તેના ફળ તેને બીજા જન્મોમાં પણ ભોગવવાના તો આવે જ છે, જેને આપણે નસીબ અથવા ભાગ્ય કહીએ છીએ. ગ્રહો પણ ફળ ભોગવવામાં નિમિત્ત બને છે.

કોઈ બાળક જન્મથી જ અંધ, અપંગ કે અન્ય ખામી ધરાવતું હોય તો જોઈને વિચાર આવે કે તેણે શા પાપ કર્યાં છે હજુ તો દુનિયા જોઈ પણ નથી વગેરે પણ અહીં પેલા સંચિત કર્મોના ફળની અસર જોઈ શકાય. હિંદુ માન્યતા મુજબ બાળક જન્મતાની સાથે જે કાંઈ કુંડળીમાં, લખાવીને આવે છે, જેવું ઘર પૈસો, દેખાવ વગેરે તેને મળે છે તે તેના પાછલા કર્મોનો નવો હિસાબ હોય છે ત્યારબાદ તેનો ભોગવટો પૂરો થઈ જાય ત્યારે જેવા સંજોગો રચાય છે તેને એવું કહેવાય છે કે નસીબ આડેનું પાંદડુ ખસી ગયું વગેરે. ક્યાંકથી કોઈ દાતાએ દાન કરેલી મળી જવાથી અંધાપો દૂર થઈ જાય તેવું પણ બનતું જ હોય છે ને!

અનેક ધર્મોમાં કર્મ અને તેના ફળની વાત વણી લેવાઈ છે. પણ છતાં દરેક ધર્મમાં દેશ, કાળ, પરિસ્થિતિ મુજબ થિયરીઓ અને માન્યતાઓ અલગ અલગ હોય છે, ઘણા વિરોધાભાસ અને મતમંતાતરો જોવાય છે ખાસ કરીને પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક અને પુનર્જન્મ વિશેની માન્યતાઓ ભિન્ન ભિન્ન જોવા મળે છે. પરિણામે કર્મ અને તેના ફળ વિશે એક સર્વસામાન્ય સિદ્ધાંત બની શક્યો નથી.

ઘણા લોકો માનતા હોય છે કે પુણ્ય કરીએ એટલે પાપ ધોવાતા જાય પણ એવું નથી હોતું પુણ્ય તેની જગ્યાએ છે અને પાપ તેની જગ્યાએ. બંને કર્મોના કુદરતના નિયમોનુસાર મુજબના ફળો તો જુદી જુદી રીતે જ ભોગવવાના આવે છે. સારા કર્મોના ફળરૂપે સુખ ભોગવવા અને પાપ કર્મના ફળ રૂપે દુઃખ, તકલીફો ભોગવવા માટે પણ માનવ દેહ ધારણ કરવો જ પડે છે અને એ નવા જન્મ દરમિયાન સુખ કે દુઃખ ભોગવવાની સાથે નવા નવા કર્મોના પોટલા પણ ફરીથી બંધાતા જ રહે છે. આમ ને આમ જન્મ મરણનું અને ફરી જન્મનું અનંત ચક્ર ચાલતું જ રહે છે.

અનેક ધર્મોમાં મોક્ષનો મહિમા કરાયો છે. સંચિત થયેલા સારા-ખરાબ કર્મોના ફળો પૂરેપૂરા ભોગવાઈ જાય અને નવા ક્રિયામાણ કર્મો ના થાય ત્યારે જ્ઞાાનરૂપી ચક્ષુઓ ખૂલવાની શરૂઆત થાય છે. માણસે અકર્મ બનીને નહીં પણ એ રીતે નવા ક્રિયાકર્મો કરવા જોઈએ જેના ફળ ભોગવવા ના પડે, કર્મોના બંધન મોક્ષ ના માર્ગને રુંધે નહીં.

આમાંથી આપણે સૌ એ સામાન્ય બોધપાઠ એ લેવાનો રહે કે ક્રોધ, લોભ, મોહ, માયા, હિંસા, વેર-ઝેરને જીવનમાંથી વિદાય આપવી. નિર્લેપભાવે, સમતાપૂર્વકનું જીવવાની ટેવ પાડવી જોઇએ. મન-વચન અને કર્મ પર ખૂબ સંયમપૂર્વક ધ્યાન રાખી તે મુજબ જીવન જીવવાથી મન અને આત્મા શુધ્ધ રહે છે.
માનવીએ સારા કે ખોટા કરેલા કર્મોના ફળ આ સૃષ્ટિ પર ભોગવવાના રહે છે તેમાં બે મત નથી.