આ જનમની પેલે પાર - ૪૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૪૩

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૩

પોતાના જવાબનો ઇંતજાર કરતા દિયાન અને હેવાલીને જોઇને મેવાન હસીને બોલ્યો:'શિનામી, આ પરીક્ષા બીજી હતી કે છેલ્લી એ તું કહીશ કે હું કહું?'

'આ છેલ્લી પરીક્ષા હતી. અને એની પાછળની આખી વાત મેવાન તારે જ કહેવી પડશે. કેમકે એ તારો નિર્ણય હતો. મારું એને સમર્થન હતું...' શિનામીએ સામું હસીને કહ્યું.

હેવાલી અને દિયાન એકબીજા સામે જોઇને મનોમન મુસ્કુરાયા.

'જુઓ, આ આપણી છેલ્લી મુલાકાત પણ છે. તમને તમારું લગ્નજીવન અને પ્રેમ મુબારક છે. હવે અમે તમને ફરી ક્યારેય મળવાના નથી. અમે તમારાથી દૂર અને એક બીજી જ દુનિયામાં જતા રહેવાના છે. તમારી આંખ સામે ક્યારેય આવીશું નહીં કે તમારા મનોજગતમાં પણ ડોકિયાં કરીશું નહીં. અમે ભૂત સ્વરૂપમાં એકબીજા સાથે આ જન્મમાં સાથે જ રહીશું. તમે પણ માનવરૂપમાં સહજીવન પહેલાંની જેમ જ વ્યતીત કરી શકશો. સાચું કહું તો અમે તમારા વિચાર અને વર્તનથી પ્રભાવિત થયા છે. અમે કલ્પના કરી ન હતી એવો પ્રેમ તમે બતાવ્યો છે. દરેક સાથીનું એકબીજાને સાથ આપવાનું વચન નિભાવવા માટે તમે જીવની પણ પરવા કરી નથી. આ જન્મનો સાથ સુધ્ધાં છોડી દીધો હતો. મારું પૂર્વ જન્મના સાથી માટેનું આ બલિદાન અમને એ વાતનો અફસોસ કરાવી ગયું છે કે અમે તમારી પરીક્ષા શા માટે લીધી હશે?' મેવાન બોલતાં બોલતાં ભાવુક થઇ ગયો.

દિયાન અને હેવાલીને ભૂત સ્વરૂપમાં રહેલા મેવાન અને શિનામી પ્રત્યે દિલમાં લાગણી ઉમટી આવી. સામાન્ય રીતે ભૂત હેરાન કરતાં હોય છે. જબરદસ્તી કરતા હોય છે પણ આ તો પ્રેમીઓ હતા. તેમનામાં પ્રેમની જ લાગણીઓ હતી.

શિનામી વચ્ચે બોલી પડી:'હા, આ પરીક્ષામાં તમે તો પાસ થઇ ગયા પણ અમને લાગે છે કે અમે નાપાસ થયા છે. પણ શું કરીએ? અમે મજબૂર હતા.' શિનામીએ અફસોસ વ્યક્ત કર્યો.

'મેવાન, તમે ભૂત સ્વરૂપમાં હતા છતાં અમારા મનોજગતમાં આવીને મળતા રહ્યા અને અમારી સાથે જીવન વીતાવવાનું શરૂ કર્યું એટલું જ નહીં અમને તમારી જેમ ભૂત સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કર્યો એ બધું જ અમને અજીબ લાગતું હતું. પરંતુ તમે અમને પુરવા આપ્યા એટલે અમે પ્રમાણ મેળવી લીધું કે તમે જ અમારા ગયા જન્મના સાથી હતા. પછી નક્કી કરી લીધું કે હવે તમને જ સમર્પિત થઇ જવું છે. જો જન્મોજનમનો સાથ આપવાનો વાયદો કર્યો હોય તો એ કોઇપણ સંજોગોમાં અને કોઇપણ રૂપમાં એને પાળવો જ જોઇએ. સાચા પ્રેમીઓ તો જ કહી શકાય. તમે અગાઉના જન્મનો વાયદો નિભાવવાની વાત કરી એટલે અમે પણ નક્કી કરી લીધું કે આ જન્મમાં ભલે જે મુશ્કેલી આવે તે પણ તમારો સાથ નિભાવીશું. પરિવાર અને મિત્રોની કોઇ વાત અમે સાંભળી નહીં. અને સાચું કહું તો એક ડર પણ હતો જે અમને તમારી સાથે જોડાવા માટે દબાણ કરતો હતો. તમે ભૂત સ્વરૂપમાં હતા અને તમારી પાસે શક્તિઓ વધારે હોય છે. જે અમને નુકસાન પહોંચાડી શકે છે...' દિયાન હવે જાણે ખુલ્લા મનથી વાત કરવા લાગ્યો હતો.

'દિયાન, તારી વાત સાચી છે. અમે તમારી પરીક્ષા લેવા માટે સામ, દામ, દંડ અને ભેદ જેનો ઉપયોગ કરવો પડે તેનો કરી જ રહ્યા હતા. છતાં કહેવું પડશે કે એ દબાણની સામે જન્મોજનમના સાથના વાયદાનું પલ્લુ ઝુકી જતું હતું. પછી તો તમે સમર્પિત થઇને રહ્યા હતા. તમને ખબર નહીં હોય પણ હું અને શિનામી સતત એકબીજાને મળતા રહ્યા હતા. એટલું જ નહીં એકબીજાના મનના તાર જોડાયેલા રહ્યા હતા. અમે વાતચીત કરીને જ નિર્ણય લેતા હતા. ત્યારે અમે તમને છેતર્યા હતા. તમને એનો બહુ અંદાજ આવવા દીધો ન હતો. અમારા મોત અકાળ થયા હતા. એ કારણે અમે ભૂત સ્વરૂપમાં નવો જન્મ પામ્યા હતા. અમને જ્યારે ખબર પડી કે અમારો ગયો જન્મ તમારી સાથે વીત્યો છે અને એ સમયગાળો અલ્પજીવી હતો ત્યારે તમારી સાથે જીવન પૂરું કરવાનું અરમાન લઇને અમે નીકળ્યા હતા. તમે બંનેએ કદાચ અગાઉના જન્મોમાં કોઇ પુણ્યો કર્યા હશે એટલે ફરી માનવ જન્મ પામ્યા હતા. તમે અમને સમર્પિત થવાનો નિર્ણય કરી લીધો ત્યારે જ અમને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો. તમે પુણ્યશાળી આત્મા છો...' મેવાન દિયાન અને હેવાલીના જીવનથી પ્રભાવિત થઇને બોલી રહ્યો હતો.

'મેવાન, મને એ સમજાતું નથી કે તમે કેવી રીતે મળ્યા અને અમારી બંને સાથે જીવન જીવવાનું કેમ નક્કી કર્યું? અને આ બધું કરવાની કઇ મજબૂરી હતી?' દિયાને મનમાં રમતો પ્રશ્ન પૂછી જ લીધો.

ક્રમશ: