નેહડો ( The heart of Gir ) - 62 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 62

પાણીમાં પડેલી ભેંસો આંખો બંધ કરી વાગોળવામાં મસ્ત હતી. માથે બેઠેલી કાબરો જીવાત વીણી ખાતી હતી. ભેગા બે ત્રણ કાગડા પણ હતા. જે ખાલી જીવાત નહોતા ખાતા. પરંતુ ભેંસોના કાન મૂળિયાને ઠોલીને તેમાંથી નીકળતા રુધિરનો સ્વાદ લઈ રહ્યા હતા. ભેંસોને કાન મૂળિયાંમાં ચળ આવતી હોવાથી કાગડાની અણી વાળી લોહી કાઢતી ચાંચ પણ તેને સારી લાગતી હતી. પરંતુ ભેંસોને ક્યાં ખબર હતી કે જીવાતની આડમાં કાગડા તેનું રુધિર પી રહ્યા છે! એક સાગના ઝાડને છાયડે કનોને રાધી પાણીમાં પડેલી ભેંસોનું ધ્યાન રાખીને બેઠા હતા. જેવી રાધીની નજર પેલા કાગડા પર પડી એટલે તેણે કનાને કહ્યું, "કના એક રદાડો કર્ય, ઓલ્યાં કાગડા ભેહુનાં કાન મૂળિયાં ઠોલે હે.આજ મારથી ઘા થાય ઈમ નહી." કનાએ ઊભા થઈ જે ભેંસો પર કાગડા બેઠા હતા એ બાજુ પથ્થર ફેંક્યા. પથ્થરના ઘા આવવાથી કાગડા ક્રા.. ક્રા...કરતા ઉડીને ઊંચા ઝાડની ડાળીએ બેસી ગયા. કાબરાનું ટોળું પણ ગભરાઈને ઉડી ગયું. કનો કાગડા ઉડાડી રાધી પાસે આવીને બેસી ગયો.
રાધી નીચી નજર ઢાળી પગના અંગૂઠાથી જમીન ખોતરી રહી હતી. રોજ બડ બડ કરતી રાધી આજે ધીર ગંભીર થઈને બેઠી હતી. રાધીને જોઈને કનાને એવું લાગી રહ્યું હતું, કે જાણે કોઈ ધીર ગંભીર સ્ત્રી બેઠી હોય. હજી થોડી કલાકો પહેલા પોતાની ઠેકડી ઉડાડતી રાધીને કેમ જાણે પાણીમાં સમાવી લીધી હોય? અને તેના બદલે બીજી ધીર ગંભીર રાધી મોકલી આપી હોય તેવું લાગતું હતું. બધા ગોવાળિયા હજી આરામ કરી રહ્યા હતા. રાધીની લાંબી ચુંદડીની જગ્યાએ ઓઢેલી કનાની નાની લૂંગીથી રાધીનું પૂરું શરીર તો ઢંકાતું ન હતું, તેમ છતાં તે લૂંગી ખેંચીને તૂટેલા બટનવાળી ચોલી ઢાંકવા પ્રયત્ન કરી રહી હતી.કનો પોતાની નજર બીજે સ્થિર કરવાં કોશિશ કરી રહ્યો હતો.
તે બંને બેઠા હતા તે સાગના ઝાડની આજુબાજુ કીડીઓ ઊકેરા કાઢી રહી હતી. દરમાં ભેગો કરેલો ખડધાનનો ખોરાક બહાર ઢગલા કરી સુકાવી રહી હતી. ખડધાનની સાથે સાથે ક્યાંક કીડીઓની સફેદ ઈંડાળ પણ દેખાઈ રહી હતી. ઉતાવળેથી કામ કરી રહેલી કીડીઓ એકબીજાને મોઢા અડાડી સાંકેતિક ભાષામાં વાત કરી રહી હતી. કીડીઓની પણ ગજબની દુનિયા હોય છે. કનો અને રાધી કીડીઓની હરફર જોવામાં મગ્ન હતા. બંનેના મનમાં પણ વિચારોની કીડીઓ ઉભરાઈ રહી હતી. બંને વચ્ચે ક્યારનું મૌન છવાયેલું હતું. મૌન તોડતા રાધી બોલી, "કાઠીયાવાડી તને તો પુરુ તરતા ય નથી આવડતું. તોય તું મારી વાહે પાણીમાં પડ્યો? તું ય ડૂબી જયો હોત તો?"કનો રાધીની સામે જોઈ રહ્યો, પછી બોલ્યો, "તું ડૂબી જય હોત તો આ ગાડી ગર્યમાં મારો ભેરુ કોણ રેત? તને બસાવતી વખતે મને તરતા ઓસુ આવડે સે ઈ વાત જ હું ભૂલી જયો'તો. તારા મોઢે મેં કેદીએ બીક નથી ભાળી. પણ આજ તું બીજી વખતે પાણી બારે નિહરીને તારું મોઢું જોયું, તારા મોઢા ઉપર બીક જોય એટલે હું હમજી જયો કે નક્કી તું મુશ્કેલીમાં સો. એટલે મેં બીજો કોય વિસાર કર્યા વગર તરત ધૂબકો માર્યો."રાધી કનાનાં મોઢા સામે તાકી રહી. કેમ જાણે હમણાં ઊભી થઈ ફરી કનાને બાજી પડશે! આજે રાધીને કનાનું રૂપ અલગ જ લાગી રહ્યું હતું. કાયમ ભોટ અને ભોળીયો લાગતો કનો આજે રાધીને અસલ ગર્યનો માલધારી લાગતો હતો. રાધીએ કહ્યું, "કાઠીયાવાડી આજ તે મને નવી જિંદગી આપી સે. બોલ્ય ઈની બદલે હું તને હૂ આપું?"કનાએ કહ્યું, "આજય તુ પાણીમાંથી જીવતી બારે નીહરી, એટલે મારે બધું આઇ જયું. અને તે મને બધું આપ્યું જ સે ને! આ આખું ગર્ય આપ્યું, ગર્યની રૂડી વાતું આપી,ગર્યની રૂડી રીત ભાત્યું આપી, ગર્યમાં એકલો હતો તે મને તારો હંગાથ આપ્યો, ગર્યનાં ઝાડવાની ઓળખ આપી, ગર્યનાં પરાણી પંખીડાની ઓળખ આપી, બાકી હતું તે કાઠીયાવાડી નવું નામ આપ્યું, એની હંગાથે કેટલાં બધાં મેણા ટોણા ય આપ્યાં." છેલ્લું વાકય સાંભળી રાધીના ગંભીર મોઢા પર હાસ્ય આવી ગયું. તે હસી પડી. હસતાં હસતાં રાધીએ કનાને એક ધબ્બો મારી દીધો.
ક્યારની પાણીએ પડેલી ભેંસો ભૂખી થઈ ગઈ હતી. જ્યાં સુધી ભેંસો પાણીમાં પડી રહે, ત્યાં સુધી તેને માખી, મચ્છર પરેશાન કરતા નથી. એટલે તેને પાણીમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પરંતુ પાણીમાં બેઠી બેઠી વાગોળી રહેલી ભેંસો ભૂખી થાય એટલે પાણીમાંથી ઉભી થવા લાગે છે. ધીમે ધીમે પાણીમાંથી બહાર નીકળી રહેલી ભેંસો કાંઠે ચડીને ચરવા લાગી. ગોવાળિયાઓનો પણ ઉઠવાનો સમય થઈ ગયો હતો. તે પણ વારાફરતી ઊભા થવા લાગ્યા. ગીરમાં ચાનુ અનેરૂ મહત્વ છે. નેહડે મહેમાન આવે તો એને દરેક ઘરે બોલાવી ચા પીવડાવવામાં આવે છે. નેહડે મહેમાનોનું સ્વાગત તાંહળી ભરીને દૂધ પીવડાવીને પણ કરવામાં આવે છે. ગોવાળિયાઓએ ચા બનાવવાની તૈયારી કરી. ગીરમાં ચૂલો બનાવવો એટલે ત્રણ પથ્થર ભેગા કરી મંગાળો બનાવી નાખવામાં આવે છે. બે ત્રણ ગોવાળિયા આજુબાજુમાંથી સુકા ટિટિયા ભેગા કરવા લાગ્યા. ગોવાળિયાના ખંભે રાખેલા થેલામાંથી થોડું થોડું ચા,ખાંડ એક પાત્રમાં ભેગું કરી દીધું. ગેલાએ પોતાની ઘરડી ધોળી નામની ભેંસને દોવા માટે મેળવવા માંડી. ગોવાળિયા માલઢોર ચરાવતા હોય ત્યારે તેની સાથે એકાદ ગાય કે ભેંસ તો એવા હોય જ કે જેને દિવસમાં ગમે તે ટાઈમે દોહી શકાય. ગમે ત્યારે ચા બનાવવી હોય કે બપોરે ખાવા ટાણે દૂધ જોઈતું હોય આવા માલ દોવા દે છે. ગેલાએ ઘડીક ધોળીના આંચળ પર હાથ ફેરવી પારસો મુકાવ્યો. ધોળીએ ઘડીકમાં પારસો મૂકી દીધો. ગેલાએ ચાની તપેલીમાં જ ધોળીને દોહી લીધી. તપેલીમાં પાકડ ભેંસનું જાડું ખદડા જેવું દૂધ ચોટી જતું હતું. ગેલો દૂધ દોહી આવ્યો ત્યાં અહીં મંગાળામાં તાપ સળગાવી રાખ્યો હતો. દૂધની તપેલીમાં ચા ખાંડ નાખી ઉકાળીને બે ઊભરા આવ્યા એટલે એકલા દૂધની ઘાંટી રગડા જેવી ચા તૈયાર થઈ ગઈ.
કનોને રાધી હજી અમુક પાણીએ પડેલી ભેંસોને પથ્થર મારી બહાર કાઢી રહ્યા હતા. ચા તૈયાર થઈ જતા નનાભાઈએ બંનેને ચા પીવા બોલાવ્યા. ગીરમાં ચા તો માલધારીના બાળકો પણ પીવે છે. તેમના માટે ચા કોઈ ટોનિકથી કમ નથી. કનોને રાધી ચા પીવા માટે આવ્યા. બધાએ વાટકા ભરી ચા પીધી. બધા ગોવાળિયા ચા પીતા પીતા કનાના વખાણ કરી રહ્યા હતા." આજ્યની કનાની બાદુરી ગીરના માણાને વટે એવી સે."એવું એક ગોવાળિયો કહેતો હતો.
જેઠ મહિનાનો ધોમ ધખતો તડકો અને ભેગી બફારાવાળી હવાને લીધે ભેંસો ઘડીએ ઘડીએ અકળાઈને ઝાડવાના છાયડે જતી રહેતી હતી. જો છાયડે ઉભેલી ભેંસને ગોવાળિયા હાંકલે નહીં તો તે ભૂખી રહી જાય. એટલે ઘડીક છાયડે ઊભી રહેવા દઈને ગોવાળિયા ભેંસને ચરવા માટે હાકલતા હતા. બપોર પછી આકાશમાં વાદળીઓ દોડી રહી હતી. નાની નાની વાદળીઓ મળીને આકાશમાં કાળા ભમ્મર વાદળા બાંધી રહી હતી. સાંજે ચારેક વાગે એટલે ગોવાળિયા ભેંસોને ભેગી કરી ધીમે ધીમે કેડીએ ચડાવે છે. ચાર વાગે હાંકેલી ભેંસો એક દોઢ કલાકે માંડ જોકમાં પહોંચે છે. જોકમાં પહોંચ્યા પછી દુજાણી ભેંસોને વારા ફરતી આંગણામાં લાવી મોઢે ખાણ ભરેલા પાવરા ચડાવી ભેંસોને દોવાનું કામ ચાલે છે. ભેંસોને દોહીને દૂધ ભેગું કરી 7:00 વાગ્યા પહેલા ડેરીમાં ભરી દેવું પડે છે. જો મોડું થાય તો દૂધનું વાહન દૂધ ભરી જતું રહે અને મોડું આવેલું દૂધ પાછું લઈ જવું પડે. પછી આ દૂધને મેળવીને દહીં બનાવી તેમાંથી છાશ કરી, માખણ બનાવી તેનું ઘી બનાવવું પડે છે. એટલા માટે ગોવાળિયા જંગલમાંથી માલને ચાર વાગે એટલે નેહડા બાજુ રવાના કરી દે છે.
બધા માલ ઢોર કેડીએ ચડી ગયા તો પણ રાધી હજી ખાખરાના ઝાડવા નીચે જ બેઠી હતી. પોતાની ભેસુંનું ખાડું ગેલામામાને કેડીયે ચડાવવામાં મદદ કરી રહેલા કનાને રાધી એકી ટશે તાકી રહી હતી...
ક્રમશ: ....
(રૂડીને રળિયામણી, હરીયાળીને હેતાળ.. ગીરને માણવા વાંચતા રહો..."નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts app no. 9428810621