સમાચાર Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાચાર

"સમાચાર આવ્યા છે કે તેઓ અત્યારે જ ચા પીવા આવી રહ્યા છે, તારા મત મુજબ શું કરવું જોઈએ, બેટા.?" મારા બાપુજીએ ખુશ થતા મને કહ્યું.

છેલ્લા અગિયાર વર્ષોથી મારા મામાને ઈ લોકો અમારા ઘરે આવવાની વાત તો દૂર, મારી બા જોડે વાત પણ નહોતા કરતા. મારી બા ઘણીવાર તેમના ઘરે જઈ આવેલા પણ તેઓ સામે મળ્યે પણ વાત નહોતા કરતા.

મને ખૂબ દુઃખ થતું તો મારી બા ની શું હાલત થતી હશે. ચાર ચાર ભાઈ હોવા છતાં એકેય તેમનું મોઢું જોવા રાજી નહોતા. મારો મોટા ભાગનો સમય બહાર હોસ્ટેલમાં રહીને ભણવામાં ગયેલો એટલે મે તેમને બહુ મિસ નહોતા કર્યા પણ જ્યારથી ભણવાનું પૂરું કરીને અહી ઘરે આવ્યો છું ત્યારથી તો મને મામાનું ઘર અને ત્યાં બધાની ખૂબ યાદ આવતી. ઘણીવાર એમ થતું કે જો બધા એકબીજા જોડે બોલતા હોય અને એકબીજાના ઘરે આવ જા કરતા હોય તો કેવું સારું.

ઝઘડો કંઈ બાબતનો હતો જેના કારણે તેઓ એકબીજાથી અલગ થયા હતા તે પણ મને યાદ નહોતું. ઘણા સમયથી તેઓ એકબીજાથી રિસાયેલા હતા અને કોઈ પણ એકબીજાને મનાવવાની કોશિશ નહોતું કરતું.
જ્યારે બધા એકબીજા સાથે બોલતા ત્યારે તો હું ત્યાં રહીને જ મામાના ઘરેથી બે થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગામની સ્કૂલમાં ભણવા જતો. ગામનું ભણતર પૂરું કરીને જ્યારે હું હોસ્ટેલમાં ભણવા માટે બહાર ગયો ત્યાર પછી કંઈક એવું થયું જેનાથી તેઓ અલગ થઈ ગયા હતા.

મારા બા-બાપુજીએ મામાની સાથે મળીને એક ખેતર વાવવા માટે રાખેલું. તેમાં થયેલી નીપજના હિસાબમાં કંઈક ગડબડ થઈ હતી. કદાચ એના કારણે જ બધા અલગ અલગ થઈ ગયા હતા. કહે છે ને કે રૂપિયો સગા ભાઈઓને પણ ઝઘડો કરાવીને અલગ કરી શકે છે, અહી પણ કંઈક એવું જ થયેલું. ત્યારે તેઓ અલગ પડ્યા તે છેક કાલે, અગિયાર વર્ષ પછી સમાચાર આવ્યા કે તેઓ સમાધાન કરવા માંગે છે અને એટલે જ અહીં ચા પીવા માટે આવી રહ્યા હતા. મને મનમાં ખૂબ જ ખુશી થઈ.

એક બહેન પોતાના ભાઈઓને મળશે, ભાણેજ પોતાના મામા ની સાથે ખુશી ખુશી મસ્તી કરશે, મામા ફોઈના બધા પોયરાઓ સાથે મળીને હસી મજાક કરશે એનાથી વધારે ખુશીની વાત શું હોય.

આ પહેલા પણ ઘણીવાર સમાધાન માટેની વાત નીકળેલી. પણ દર વખતે જૂની વાત ઉખડતી અને બધા એકબીજાને વાંક કાઢીને સમાધાનની વાતને ત્યાં જ દબાવી દેતા. કોઈ નમતું જોખવા તૈયાર નહોતા. કોઈ જૂની વાત ભૂલવા તૈયાર નહોતા અને છેવટે સમાધાન કરવાનું બંધ રહેતું.

આજે જ્યારે તેમનો ફોન આવ્યો કે તેઓ ચા પીવા આવે છે તો મેં અને મારા ભાઈએ મારા બાપુજીને અને બા ને પહેલા જ કહી દીધું, "જો તમારે જૂની વાત ભૂલીને કંઈ જ યાદ રાખ્યા વગર તેમની ભેળું બેસવું હોય તો જ સમાધાનની વાત આગળ વધારજો. કેમ કે જો તમે પડી ભોં ઉખાડશો તો તેનાથી કોઈને ફાયદો નહીં થાય, સમાધાન પણ સાઈડમાં પડ્યું રહેશે. એટલે હવે જૂનું બધું જ ભૂલીને નવેસરથી શરૂઆત કરીએ. ખુશી ખુશી એકબીજાને મળીએ, એકબીજા જોડે વાત કરીએ, અને એક મેક ના ઘરે જઈએ." આ વખતે મારા બાપુજી પણ સહમત થયા હતા.

વાત એમ હતી કે મારા બે મામાની ચાર દીકરીઓના એકસાથે લગ્ન લેવાયાં હતા. ત્યાં કુટુંબના બધા જ સભ્યો લગ્નમાં ભેગા થયા હતા, સિવાય મારી બા અને તેમના બાળકો. બધાની વચ્ચે મારા નાની દુઃખી થઈને બેઠા હતા. કોઈએ પૂછ્યું તો રડતા રડતા કહેવા લાગ્યા, "બધા જ અહીં હાજર છે, ખુશ છે, સિવાય મારી લાલી અને તેના ભાણીયા." તો બધાએ મળીને મારા મામાઓને સમાધાન કરીને મારી બાને તેમના પરિવાર સહિત બોલાવી લાવવા માટે કહ્યું. એટલે તેમણે ફોન કરીને સમાચાર મોકલાવ્યા કે તેઓ આજે સાંજે જ સમાધાન કરવા અને ચા પીવા માટે આવી રહ્યા છે.

આ એક સમાચારે મારા આખા ઘરમાં ખુશીની લહેર દોડતી કરી દીધી. મારી બા તો ખુશીથી ફૂલી નહોતી સમાતી. અમે પણ ખુશ હતા. છેવટે અગિયાર વર્ષે પણ બધા એકજૂટ થશે. આ સમાધાન પછી બધું જ બરાબર થઈ ગયું. હા થોડોઘણો મનમોટાવ રહેતો, કહે છે ને કે સંબંધની ડોર એકવાર તૂટીને ફરીવાર સંધાય તો તેમાં ગાંઠો પડી જાય છે પણ જ્યારે લોહીના સંબંધ હોય ને તો તેમાં પડેલી ગાંઠો પણ અદ્રશ્ય થઈ જાય છે. અમે બધા ફરીવાર દૂધમાં સાકર ભળે તેમ ખુશી-ખુશી ભળી ગયા.


Thanks..