પહેલો નંબર Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પહેલો નંબર

આજ સુધી મેં અમારા કુટુંબમાં બધાનો પ્રેમ સૌથી વધારે મેળવ્યો છે. હું એટલો તો ભાગ્યશાળી છું કે મારા ઘરના દરેક સભ્યોને મારી ઉપર વિશ્વાસ છે. અને આ વિશ્વાસ ના લીધે જ હું હંમેશા પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છું. અને તેમનો પ્રેમ જ મને જીવનના દરેક તબક્કામાં પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે.

મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું અને ઘણું બધું પછાત વર્ગનું ગામ છે. અહીંના લોકોને મહેનત કરવાની તો ખબર પડે છે પરંતુ તેના માટે તેમની પાસે ન તો કોઈ સાચી દિશા છે કે ન તો કોઈ ધ્યેય. આવા ધ્યેય અને દિશાએ લોકોને વચ્ચે રહીને હું મોટો થયો. મારા જ ગામની સ્કૂલમાં હું ભણ્યો. મારા ગામના લોકોને મહેનત કરવા માટે સાચી દિશા બતાવનાર કોઈ નહોતું, પરંતુ મને ભણવામાં અને મહેનત કરવામાં અમારી સ્કૂલના શિક્ષકો, મારા વડીલો, અને ખાસ કરીને મારા માતા પિતા નું સૌથી મોટું યોગદાન છે.

જ્યારે હું એક થી ચાર ધોરણ સુધી મારા ગામમાં ભણતો હતો, ત્યારની શાળાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. મોટા ખંડ જેવો એક રૂમ હતો, જેમાં ચાર ભાગ પાડીને ચારેય ધોરણના બાળકોને બેસાડવામાં આવતા હતા. આ રૂમનું તળિયું કે જ્યાં માટેની ગાર કરેલી હતી જે ઘણી બધી જગ્યાએ થી ઉખડી જવાના કારણે નીચેની માટે કપડાં સાથે ચોટતી હતી. એ વખતનો યુનિફોર્મ એટલે કે બ્લુ કલરની નાની ચડ્ડી અને સફેદ કલરનો મોટો એવો શર્ટ, જે સાંજ સુધીમાં તો નીચેની માટી જેવા જ થઈ જતા હતા.

મને હંમેશા મારા શિક્ષકોએ પૂરો સાથ અને સહકાર આપ્યો હતો. જેના કારણે હું ભણવામાં અમારા ક્લાસમાં સૌથી વધારે હોશિયાર હતો. ચોથા ધોરણમાં આવ્યો ત્યારે એક ગામડાના ભણતર પ્રમાણે મને અંગ્રેજીમાં વાંચતા લખતા સારી રીતે આવડતું હતું. તેમ છતાં ઘણી વાર નાની મોટી ભૂલો ના કારણે બધા મારી ઉપર જ હસી પડતા.

મને એ વાત બરાબર યાદ છે કે જ્યારે અમારા ઘરે મારા બાપુજી એક કલરનું ડબલુ લાવ્યા હતા. તે જ વખતે મારા મામા પણ અમારા ઘરે આવેલા. બધાની વચ્ચે મારા બાપુજીએ તે ડબલા પર લખેલો સ્પેલિંગ વાંચવા માટે મને કહ્યું. મેં બધાને વચ્ચે તે સ્પેલિંગનું ઉચ્ચારણ કર્યું. 'રાન ગોલી'

હકીકતમાં તે સપેલિંગ હતો 'RANGOLI'. જ્યારે તે સ્પેલિંગ મારા મામાએ બધાની વચ્ચે 'રંગોલી' કહીને વાંચો ત્યારે બધા મારી ઉપર ખૂબ જ હસ્યા હતા. ત્યારે મને ખૂબ જ શરમ આવી હતી અને હું એક બાજુ જઈને કોઈ જુએ નહીં એ રીતે એકલો જ સૌથી વધારે હસ્યો હતો. એ જાણીને કે 'રંગોલી' જેવા શબ્દને મેં કેટલી બધી આસાનીથી 'રાન ગોલી' માં ફેરવી નાખ્યો હતો.

હું એક થી બાર ધોરણ સુધી ભણ્યો ત્યાર સુધી હંમેશા એક થી ત્રણ નંબર વચ્ચે જ રહ્યો છું. જે મારા માટે તેમજ મારા માતા પિતા માટે અને મારા ગામ માટે ગર્વ લેવા જેવી બાબત છે. હું અમારા આ પછાત વર્ગના ગામડાનો સૌથી પહેલો વિદ્યાર્થી છું કે જે ભણી ગણીને એક ડોક્ટર બન્યો હોય. જો કે મારી આ સફળતા માટે ઘણા બધા કારણો જવાબદાર છે.

હું હંમેશા બચપણથી જ વાડીઓમાં અને જંગલ જેવા વિસ્તારમાં વધારે રહેલો છું. કહેવાય છે કે જે પ્રકૃતિના ખોળ રહીને ઉછરેલા હોય તેમને આ પ્રકૃતિએ ઘણું બધું આપ્યું હોય છે. આ કુદરત, આ પ્રકૃતિ તો તેમના માટે માં સમાન કહેવાય છે. સુખભાદર નદીના કાંઠે વસેલું એ મારું નાનકડું ગામ, કે જ્યાંના લોકોને ખુશ રહીને જીવન જીવવું તો ગમે છે, પરંતુ ગમ અને દુઃખોનો ખૂબ જ ડર લાગે છે. જેમાં મારો પણ સમાવેશ થઈ જાય છે. તેમ છતાં બધા જ લોકો ખુશી અને ગમ એકબીજાની વચ્ચે વહેંચીને જ જીવે છે. એકદમ નિસ્વાર્થ ભાવે જીવનારા લોકો. જેણે પણ સ્વાર્થનો રસ્તો અપનાવ્યો તે હંમેશા માટે સમાજની વચ્ચેથી દૂર એકલો જ રહીને જીવતો હોય છે. તેમ છતાં જ્યારે તે પાછો સમાજમાં આવવા માંગે છે ત્યારે આ સમાજ સ્વાર્થ ને ભૂલીને તેને અપનાવી પણ લેશે.

ગામમાં મોટાભાગે લગભગ 95% જેટલા લોકો ખેતી કરે છે. અને તેના સિવાય ભાગ્યે જ કોઈ બીજો કોઈ ધંધો કરતા હશે. ગામમાં કોઈપણ નાની મોટી નોકરી ધરાવતું હોય તેવી વ્યક્તિ શોધવી મુશ્કેલ થઈ જતી. હા એક ડિગ્રી વગરના ડોક્ટર છે, જે પોતાના અનુભવના આધારે પોતાનું નાનકડું ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોને થતી તકલીફમાંથી બને એટલી ઝડપથી સાજા અને સારા કરી રહ્યા છે. તેમજ અમુક છોકરાઓ છે જે આર્મીમાં સરહદ ઉપર રહીને દેશની સેવા કરે છે, જેઓ પોતાના શરીર અને મનોબળના આધારે તેમજ પોતાના મનમાં રહેલી દેશભક્તિના કારણે ત્યાં સુધી પહોંચ્યા છે. એવા ઘણા બધા ઓછા લોકો છે, જે ભણી ગણીને આગળ આવ્યા હોય અથવા તો ભણી ગણીને નોકરી લીધી હોય.

મારા ગામની ગંગામૈયા; સુખભાદર કે જેણે આજ સુધી તેના કાઠે વસેલા મારા ગામ જેવા બીજા અનેક ગામડાઓને સુખી રાખ્યા છે. કદાચ તેથી જ તેને સુખ ભાદર કહેવામાં આવતી હશે.

ભડલાની આગળ જતા જે ડેમ જોવા મળે છે તે સુખભાદર ડેમ જે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. ત્યાંથી અમારા ગામ પાસેની સુખભાદર નદીનું વહન થાય છે. ડેમ પાસે તો તેનું મુખ ખૂબ જ સાંકડું છે, પણ મારા ગામ પાસે પહોંચતા તે વિશાળ સ્વરૂપ ધારણ કરે છે. મારા ગામ અને લીંબોડા ની વચ્ચે જે ચેકડેમ છે, તેના કારણે આજે પણ છેક મારા ગામ સુધી નદીમાં પાણી ભરેલું રહે છે. એ તો ત્યાં આવીને જ્યારે જુઓને ત્યારે જ ખબર પડે કે આ પાણીથી કેટલા બધા લોકોની જિંદગી આગળ વધતી હશે. આજે પણ ચેકડેમ છલોછલ ભરેલો છે. ત્યાં જતા મને પણ ખૂબ જ ગર્વ થાય છે કે મારા ગામની આ નદી, કે જેના કારણે ચોમાસામાં નદીથી ચાર કિલોમીટર દૂર રહેલી મારી વાડીનો કૂવો આખો ભરાઈ જાય છે અને છલકાઈને કૂવામાંથી પાણી બહાર આવવા લાગે છે. આવી છે મારા ગામની ગંગા મૈયા.

મારી બા; હું આજે આ મુકામ સુધી પહોંચી શક્યો હોય તો તેમાં સૌથી મોટો ફાળો મારી બા નો છે. હું પાંચમા ધોરણથી જ મારા ગામથી દૂર રહ્યો છું. તેમ છતાં જ્યારે પણ હું નવરો હોવું અને જ્યારે મારા ઘર તેમજ મારા ગામ વિશે વિચારતો હોવું ને ત્યારે સૌથી પહેલા મને મારી બા જ યાદ આવે છે. કેમકે આ સમગ્ર દુનિયામાં જો મને કોઈ સૌથી વધારે વહાલું હોય તો તે મારી બા છે. મારી બા એ હંમેશા મને અને મારા ભાઈ બેન ને સારા અને સાચા માર્ગે ચાલવાનું શીખવ્યું છે. એમને હંમેશા સારા જ સંસ્કારો આપીને ઉછેર્યા છે. અને હું એટલો તો ભાગ્યશાળી છું કે મને એવી માતા મળી છે કે જે પોતાના સંતાનોની ભલાઈ માટે જ જીવે છે. બચપણથી લઈને આજ સુધી હું હંમેશા મારી બા ની દરેક સલાહ માનતો આવ્યો છું અને હંમેશા માનતો રહીશ.

હું જ્યારે મારી હોસ્ટેલમાં હોઉ અને ગમે ત્યારે પણ તેમનો ફોન આવે તો સૌથી પહેલા એક જ પ્રશ્ન કરે, 'તે જમી લીધું કે નહીં?' આ માટે પણ ઘણા કારણો હતા. મારા ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી કે ફાવે તેમ પૈસા વાપરીએ અને મોજથી જિંદગી જીવી શકીએ. તેમજ એટલી બધી ખરાબ પણ ન હતી કે અમારે ઘરે ખાવા માટેના સાંસા પડતા હોય. હા હંમેશા એવું જરૂર બનતું કે જ્યારે પણ મારે હોસ્ટેલ ફી કે કોલેજ ફી ભરવાની હોય ત્યારે મારા બાપુજી ગમે ત્યાંથી ઉછીના માગીને લઇ આવતા અને મને આપતા. એવું તો ક્યારેક જ બનતું કે મારે પૈસા જોઈતા હોય અને મારા ઘરે જ હોય. તેમ છતાં અમારા ઘરે દરેક વ્યક્તિને ખાવા માટે તો જે ઈચ્છે તે અને જેવું ઈચ્છે તેવું મળી રહેતું. તેનું કારણ પણ મારી બા જ છે. તે હંમેશા મારા બાપુજીને કહેતી કે આપણે જેટલા દુઃખો ભોગવ્યા છે તેવા કોઈ જ દુઃખો મારા બાળકોને જોવા પણ ન મળવા જોઈએ.

અમે ચાર ભાઈ બહેન છીએ. મોટા પ્રેમજીભાઈ તો પહેલા ધોરણથી જ મામા ને ઘરે રહીને ભણતા હતા અને ત્યાં જ મોટા થયા હતા. અમે પણ નાના હતા ત્યારે મામાના ઘરે જવાની જીદ બહુ કરતા. કેમ કે ત્યાં અમને મોજ થી ફરવાની, પૈસા વાપરવાની અને બધા સાથે દોડાદોડી કરવા જેવી ઘણી બધી આઝાદીઓ મળતી કે જે મારા ગામમાં અને ખાસ કરીને મારા ઘરે નહોતી મળતી.

જ્યારે હું એક થી ચાર ધોરણમાં ભણતો હતો ત્યારે મારો નાનોભાઈ કેશવ અને બહેન સંગીતા(ચકીબેન), અમે ત્રણે એટલા બધા ઝઘડતા કે ન પૂછો વાત. અમારા વડીલો કહેતા કે આ ત્રણેય મોટા થઈને ક્યારેય સાથે નહીં રહે. પરંતુ કોઈકે કહ્યું છે ને કે વધારે ઝઘડવાથી પ્રેમ વધે છે એમાં કાંઈ ખોટું નથી. જ્યારે ચકી દીદી અમને છોડીને સાસરે ગયા ત્યારે ઘરના તેમજ બહારના સભ્યોમાં સૌથી વધારે હું અને કેશવ જ રડ્યા હતા. ચકિદીદી પણ તે દિવસે ખૂબ જ રડ્યા હતા.

જ્યારે હું પાંચમા ધોરણમાં ભણવા માટે મારા મામાના ઘરે ગયો ત્યાર પછી મારા ગામમાં પાંચમું ધોરણ શરૂ થયું હતું. તે પહેલાં તો ત્યાં ચાર ધોરણ જ હતા. તેમ છતાં હું મારા મામાના ઘરે વધારે ખુશ રહેતો હોવાથી ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. મારા પછી કેશવ પણ ભણવા માટે ત્યાં જ આવી ગયો.

મારા મામા નું ગામ બોટાદ જીલ્લાનું બોડી પીપરડી. પરંતુ મારા મામાને એ લોકો તો બોડીથી ચાર કિલોમીટર દૂર વાડિયે રહેતા હતા. તેમજ અમારે ત્યાંથી ભણવા માટે બાજુના ગામ પીપરડી જવું પડતું. એનો તો વાંધો નહીં પરંતુ એ વખતે સૌથી મોટો હું અને મારા પછી કેશવ અને બાકીના બધા જ તેનાથી નાના. જેઓ પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધી ભણતા. એમ મળીને કુલ 13 નિશાળીયાઓ ભણવા માટે રોજ ચાલીને જતા અને આવતા. ઘણીવાર રસ્તામાં ઝઘડતા, પડતા, રડતા અને વળી પાછા મળીને સાથે રહીને ભણતા, અને એકબીજાને સાથ આપતા. બસ આ હતું મારા સાતમા ધોરણ સુધીનું ભણતર.

અમે બધા એ જ સ્કૂલમાં ભણતા હતા કે જ્યાં પ્રેમજીભાઈ સાતમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થઈને બહાર આવ્યા હતા. ત્યાર પછી પીપરડી ની એ કેન્દ્રવર્તી શાળામાંથી હું પ્રથમ નંબરે પાસ થઈને બહાર આવ્યો. મારા પછીના વર્ષે કેશવ પણ સાતમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયો. અમે ઘણીવાર ત્રણ ભાઈઓમાંથી કોઈ પણ ત્યાં જઈને જો સ્કૂલે જઈએ તો ત્યાંના શિક્ષકો તરત જ કહેતા 'અરે વાહ! ત્રણેય ભાઈ સાતમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થઈને ચાલ્યા ગયા પછી એકેય આવતા જ નથી, કેમ!!'

ત્યાર પછીની આઠમા ધોરણથી મારી જિંદગી એવી ચાલુ થઈ કે જેમાં મને દરેક બાબતે ઘણી બધી સમજણ પડવા માંડી હતી. હું પોતાને સારી રીતે સમજતો થયો હતો. પોતાની સંભાળ સારી રીતે રાખી શકતો. પોતાના દરેક પ્રોબ્લેમ જાતે સોલ્વ કરી શકતો હતો. એટલી મારામાં સમજણ આવી ગઈ હતી કે હું મારી પોતાની દરેક જવાબદારી સારી રીતે સંભાળી શકતો હતો.

મારુ માધ્યમિક શિક્ષણ ટાટમની એ ભાગીરથી ઉ.બુ. વિદ્યાલય માં શરૂ થયું હતું. ત્યાંના શિક્ષકોનો સાથ અને સહકાર મને જે રીતે મળ્યો તે હું કદાચ જીવનભર નહીં ભૂલી શકું. આજે તેમના સાથ અને સહકારના કારણે જ હું એક ડોક્ટર બની ચૂક્યો છું. માધુભાઈ નું લેક્ચર, ભાનુભાઈ લાધવાનો એક ગુરુ અને મોટા ભાઈ તરીકેનો પ્રેમ, ચંદ્રસિંહભાઈ નું વિજ્ઞાન, રમેશભાઈ બારૈયાના છગન મગન વાળા જોક્સ, ધનજીભાઈ નું ગણિત, પંકજભાઈ નું કૃષિ વિજ્ઞાન, ચંદુભાઈનું ગુજરાતી વ્યાકરણ, ધીરજભાઈ ની ઇતિહાસ ભણવાની સ્ટાઇલ, મનીષભાઈ નું જોરથી અંગ્રેજી બોલવાની સ્ટ્રીક આ બધું તો મને મારી જિંદગીમાં હંમેશા યાદ રહેશે.

ત્યારે દસમા ધોરણમાં હું આખા ક્લાસમાં પહેલા નંબર સાથે પાસ થયો. એક અલગ પ્રકારની ખુશી સાથે હું ઘરે આવી રહ્યો હતો. આજે પણ મારા ગામથી પાળીયાદ સુધી જવું હોય તો છકડા અથવા તો પોતાના પર્સનલ વાહન સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો. સાંભળવામાં આવ્યું હતું કે વચ્ચે એક મહિના સુધી લગભગ બસ આવતી પણ દરરોજ સાવ ખાલી આવતી અને આવતી તેવી જ ધોયેલ મુળાની જેમ પાછી જતી. કોઈ જ પેસેન્જર નહિ. બંધ થઈ ગઈ. અરે ! બંધ જ થઈ જાય ને. આમાં સરકારનો કંઈ વાંક થોડો છે. મારા ગામમાંથી દરરોજ પાળીયાદ કે બોટાદ જવા વાળું કોઈ જ ન હતું. એટલે અમારે પણ આજે પાળિયાદ સુધી જવા માટે છકડાનો ઉપયોગ કરવો પડતો હતો.

પાળીયાદ થી મારા ગામનું અંતર લગભગ 8-10 KM છે. ધોરણ 10નું રિઝલ્ટ લઈને હું ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન મારા મનમાં એક સાથે ઘણા બધા વિચાર ચાલતા હતા મારા મનમાં ગજબની ખુશી હતી. એટલી બધી ખુશી કે ગામમાં આવ્યા પછી છકડામાંથી ઉતરીને છકડાનું ભાડું ચૂકવ્યા વિના જ ચાલતો થઈ ગયો.

જ્યારે છકડા વાળાએ મને બોલાવ્યો ત્યારે મને યાદ આવ્યું કે મારે તેને ભાડું દેવાનું તો બાકી જ છે. મેં ભાડું નહીં ચૂકવવા માટેની કોઈ દલીલ કરવા ને બદલે, મારું રીઝલ્ટ તેમના હાથમાં આપતા કહ્યું, 'આ મારું ધોરણ 10નું રિઝલ્ટ છે અને તેની ખુશીના કારણે મારા મનમાં એના જ વિચાર આવતા હતા તેથી હું ભાડું ચૂકવતા ભૂલી ગયો હતો મને માફ કરજો.' એમ કહીને હું ભાડું આપવા જતો હતો કે તેઓ મારું રીઝલ્ટ જોઈને બોલ્યા, ' અલ્યા છોકરા, આજે તમારું રિઝલ્ટ છે અને મે ઘણા બધા છોકરાઓના રિઝલ્ટ જોયા પણ તેમાં સૌથી વધારે ટકા તારે છે. સરસ લ્યો. તું આગળ ભણીને નોકરી લઈશ એવું લાગે છે.' એમ કહીને તેમણે મારું ભાડું લેવાની ના પાડી.

આ છે મારા ગામના લોકોનું મન, જેમણે હંમેશા તનતોડ મહેનત જ કરી છે, પરિણામ ક્યારેય જોયું નથી. એટલે તેઓ ગામના બીજા લોકોના પરિણામથી જ ખુશ થાય છે.



Dr. Dipak Kamejaliya
'શિલ્પી'