આજે સવારથી જ મારા ફોનની રિંગ વારંવાર વાગી રહી હતી. મારો બર્થડે હતો એટલે બધા મિત્રો, રિલેટિવ્જ અને અમુક દર્દીઓ પણ મને બર્થડે વિશ કરવા માટે કોલ કરી રહ્યા હતા. સવારે મમ્મી-પપ્પા જોડે વાત કર્યા પછી દવાખાને જ બેઠો હતો. વિચાર એવો હતો કે સાંજે વહેલાસર દવાખાનું વધાવીને રાત્રે બહાર જમવા જવું છે અને ત્યા જ કેક કાપીને બર્થડે ઉજવીશું.
પરંતુ ભગવાનનું પ્લાંનિંગ કંઈક અલગ જ હતું. સાંજ વેળાએ દર્દી એકદમ વધી ગયા. મારે કોમલ(મારી પત્નિ)ને જમવાનું અહીં જ બનાવવાનું કહેવું પડ્યું. બહાર જમવાનો પ્લાન કેન્સલ થતા તે મોઢું ચડાવીને રાંધવા લાગી. દર્દી લગભગ દસ વગ્યા સુધી રહ્યા. અમે સાડા દસ વાગ્યે જમીને ફ્રી થઈ ગયા. બહાર જમવા જવાનો પ્લાન કેન્સલ થયો એટલે બર્થડે કેક કાપવાનો પ્લાન પણ કેન્સલ થયો હતો. કોમલ તો મોઢું ચડાવીને કાઈ જ બોલ્યા વગર સુઈ ગઈ. મનમાં તો કદાચ કહેતી હશે કે આખા વરસ માં એક દિવસ પણ શાંતિથી આપણી મરજી પ્રમાણે ના જીવી શકાય..! મે પણ તેની સાથે કાઈ વાત કર્યા વિના સુઈ જવાનું જ હિતાવહ સમજ્યું.
રાત્રીના લગભગ સાડા અગિયાર વાગ્યા હશે. કોઈએ દરવાજા પર દસ્તક દીધી. હુ ઊંઘમાંથી જાગી ગયો. રાત્રે દર્દીઓને હેરાન ના થવું પડે એટલે મે ક્લિનિક અને રેસીડેન્ટ બંને સાથે જ રાખેલા. કોઈક રાત જ દર્દી વિનાની હોય, બાકી આમતો રોજ રાત્રે દર્દી આવતા જ. પણ આજે વાત કંઈક અલગ જ હતી. હુ બારણું ખોલવા માટે પહોંચું એ પહેલા તો ફરીવાર દરવાજો ખખડ્યો. મે ઝડપથી પગ ઉપાડ્યા અને દરવાજો ખોલ્યો.
બે ભાઈ ગાડી લઈને આવ્યા હતા. તેઓ હાંફળા-ફાંફળા થતા એક સાથે બોલ્યા. "સાહેબ, જલ્દી ચાલોને, મારા દાદીને છાતીમાં ખુબ જ દુખાવો થાય છે, તમે એકવાર ચેક કરી લ્યોને, જો જરૂર હોયને તો હુ એમને મોટા દવાખાને લઈ જઈશ." તેઓ એકદમ ગભરાયેલા લાગતા હતા. મે તેમને શાંત કરીને બધી વાત જાણી. તેઓ અહીંથી પાંચ કિલોમીટર દૂર આવેલા બાજુના ગામમાં રહેતા હતા. અને રાત્રે તેમના દાદી માટે મને વિઝિટમાં લઈ જવા માટે આવ્યા હતા.
મારા ઘરે હુ અને મારી પત્ની એકલા જ રહેતા હતા. જો હુ રાત્રે વિઝિટ માં જાવ તો કોમલ એકલી જ રહી જાય એટલે મે નક્કી કરેલું કે હુ રાત્રે વિઝિટમાં બાજુના ગામમાં તો ઠીક ગામમાં પણ નહી જાવ. એટલે જયારે પેલા ભાઈઓએ મને વિઝિટમાં પાસેના ગામમાં આવવા કહ્યું એટલે મે ચોખ્ખી ના જ પાડી દીધી. "plz, સાહેબ. તમને તરત જ લઈ જઈને મુકી પણ જઈશું, plz જરાય પણ વાર નહી લાગે, આપણે તરત જ પાછા આવી જઈશું, ચાલોને સાહેબ." તેઓ એકદમ ઈમોશનલ થઈને કહેવા લાગ્યા. મે છતાં પણ ના પાડી. તો તેઓ અહીંના મારા અને એમના કોમન ફ્રેન્ડને મને convince કરવા માટે લઈ આવ્યા. મે છતાં પણ ના પાડી તો તેઓએ એક આખરી પાસું ફેંક્યુ. તેઓ પેલા ફ્રેન્ડના મમ્મીને લઈ આવ્યા અને કહ્યું કે "આ માસી આપણે આવીએ ત્યા સુધી બહેન પાસે રહેશે, આપણે ઝડપથી પાછા આવી જઈશું, plz સર ચાલોને."
તેમની આ વાત મને convince કરવામાં સફળ થઈ. મે મારી વિઝિટ બેગ તૈયાર કરી અને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. અમે ઝડપથી ગાડીમાં બેઠા. ગાડી અહીં ગામની બહાર જ નીકળી રહી હતી ત્યા જ પેલા ભાઈના ફોનની રિંગ વાગી. સામે વાળા જોડે શુ વાત થઈ એ તો રામ જાણે પણ પેલો ભાઈ એકદમ નિસાસો નાખીને બોલ્યો. "અરે યાર, દાદી ચાલ્યા ગયા. ઉપરવાળાને જે ગમ્યું તે ખરું..! કાઈ વાંધો નહી. ચાલો સાહેબ તમને હુ પાછા દવાખાને મુકી જાવ, સોરી, તમને અમે આમ અડધી રાત્રે હેરાન કર્યા." મને પણ ઘણો અફસોસ થયો. વિઝિટમાં જવા માટે તેમની જોડે આટલી વાર ખાલી-ખોટી લપ કરી. ચાલોને જે થવાનું હતું તે થયું બીજું શુ, દાદીનું આયુષ્ય એટલું જ હશે..!"
અમે દવાખાને પહોંચ્યા. મે વિઝિટબેગ મુકવા માટે જેવું દવાખાનું ખોલ્યું તો હુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. સામે હિરેન, અજયભાઈ અને બીજા મિત્રો જોડે દવાખાનામાં ઉભો હતો. દર્દીને બેસવાના નાના ટેબલ પર મારા નામ વાળી કેક પડી હતી. બધા મને જોરશોરથી બર્થડે વિશ કરી રહ્યા હતા. ત્યા જ મારી પાછળ પેલા બે ભાઈઓ પણ ઉભા ઉભા મને વિશ કરી રહ્યા હતા. આ બધો પ્લાન મને સરપ્રાઈઝ આપવા માટે હિરેને બનાવ્યો હતો. પ્લાન ને સફળ બનાવવા માટે તેમણે મારા ફ્રેન્ડ અને તેના મમ્મીને પણ અડધી રાત્રે જગાડ્યા હતા. હુ એકદમ ખુશ થઈને હિરેનને ભેટી પડ્યો.
હકીકતમાં કોઈ દાદી બીમાર નહોતા. વિઝિટ તો એક બહાનું હતું, મને સરપ્રાઈઝ આપવા માટેનું. ત્યારબાદ મે કેક કાપીને બધાને વારાફરતી ખવડાવી. બધાએ ફોટા પાડ્યા. હુ ખુબ જ ખુશ હતો.
આવી રીતે થયેલી દસ્તક ક્યારેક આપણને ખુશી, ગમ કે સરપ્રાઈઝ આપે છે તો ક્યારેક ઝટકો પણ આપે છે.
મારા જીવનમાં અપાયેલી ખુશીની દસ્તક માની આ દસ્તક મને હંમેશા યાદ રહેશે.
thanks હિરેન...
love u...