જીવનમંત્ર Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનમંત્ર

(A)
હંમેશા સારું અને નરસુ વર્તન જોવાની તેમને ટેવ હતી. સાંજે જમ્યા બાદ ઘરની સામેના બાંકડા પર બેસી જતા, અને ત્યાંથી વિદ્યાર્થીઓની અવર જવર અને બીજા વ્યવહારો જોયા કરતા. અમારા વિશે ની જેટલી જાણકારી તેમને હોય એટલી બીજા શિક્ષકોને પણ કદાચ ન હોય, અને સાચે જ અમે તેમને અનુભવી શકતા. તેઓ અમને ખૂબ જ સારી રીતે સમજાવતા.
માધુભાઈ સ્વભાવે ખૂબ જ તીખા હતા. હંમેશા જાણે ગુસ્સામાં જ ફર્યા કરતા. પરંતુ જ્યારે તેમનો ચહેરો હસતો હોય ત્યારે બધાને ખૂબ જ આનંદ કરાવતા. અમને બધાને ખૂબ જ હસાવે. અમે ભગવાનને પ્રાર્થના કરતા કે તેમનો ચહેરો હંમેશા હસતો જ રહે, પરંતુ જાણે ભગવાન અમારી વાત સાંભળતા જ નહીં.
માધુભાઈ પોતે વર્ણે તો કાળા હતા પણ તેઓ પોતાનું મન હંમેશા સારા કર્મો કરવામાં જ વ્યસ્ત રાખતા હતા, કે જેનાથી સમાજ નું અને વિદ્યાર્થીઓ નું ભલું થાય. તેમનો પહેરવેશ હંમેશા ખાદીનો જ હોય અને તેની સાથે સંસ્થાનો યુનિફોર્મ પણ ખાદીનો જ રહેતો. તેનું કારણ ગાંધી વિચારો પર ચાલતી આ સંસ્થા, સંસ્થા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હતા પરંતુ તેની પાછળ સૌથી મોટો ફાળો માધુભાઈ નું રહેલો. જ્યારે પણ અમારી સંસ્થામાં તાલીમ માટે તાલીમાર્થીઓ આવતા તો તેમને અમને જાતે જ બધા કામ કરતાં જોઈને ખૂબ જ નવાઈ લાગતી. તેઓ આ ગાંધીવાદી સંસ્થાના વખાણ કરતા થાકતા જ નહીં. હવે મને સમજાતું કે "માનવ પોતે પોતાના કર્મોથી જ મેલો હોય છે નહીં કે પોતાના વર્ણ કે કપડાં થી"
માધુભાઈ હૃદયરોગના દર્દી હતા, પણ જાણે સાવ સ્વસ્થ હોય તેવી સ્ફૂર્તિ માં જ તેઓ ફર્યા કરતા. તેમની નજર બધા જ વિદ્યાર્થીઓ પર ફરતી હોય. પ્રાર્થના વખતે પણ તેઓ હંમેશાં નિરીક્ષણ કર્યા કરતા. જરૂર પડે ત્યાં કોઈને ટોકે, જરૂર પડે ત્યાં બધાની વચ્ચે જ સજા કરે અને જરૂર પડે ત્યાં બધાની વચ્ચે જ વખાણ પણ કરતા.
સંસ્થાની શરૂઆત ઈ.સ. 1991 માં થઈ હતી, અને તે પણ એક ભાડાના મકાનમાં. આજે એ ટાટમ ની ધાર ઉપર અનેક વૃક્ષો ઉભા છે, તેની નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ બપોરે બેસીને ભાથુ ખાતા. એમને મન તો દરરોજ જમણવાર અને દરરોજ વનભોજન. આજે આજુબાજુના ગામડાઓમાં કોઇ સુમસાન જગ્યા એ જ્યાં ઘણા બધા વૃક્ષોના ઝુંડ જુઓ, ત્યાં સમજવું કે એ સંસ્થાના વિદ્યાર્થીઓએ જ રોપેલા વૃક્ષો છે. એ બધાં વૃક્ષો સંસ્થાના જ બાળકોની મહેનત અને લગનથી આજે લહેરાઈ રહ્યા છે.
માધુભાઈ એ પોતે ઘણા બધા ગામડાઓમાં જઈને ત્યાંની મહિલાઓ ને સુશિક્ષિત કરવા માટે મહિલા મંડળ ચાલુ કર્યા હતા. ગામડાંઓમાં ગરીબો ને છાશ ની વહેંચણી કરવામાં આવતી અને વિદ્યાર્થીઓ દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા જળવાય રહે એટલા માટે સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવતી. કોઈવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ તો ગામડાના લોકો સંસ્થામાં આવે ત્યારે તેમને રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થામાં જ કરવામાં આવતી. આવા અનેક લોકહિતના કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવતા હતા.

(B)

માધુભાઈ મને હંમેશાં કહેતા કે તું હોશિયાર તો ખૂબ જ છે, પરંતુ તારું છાત્રાલય જીવન બરાબર નથી. હું એક કાનેથી સાંભળીને આ વાત બીજા કાનેથી કાઢી નાખતો અને થોડી જ વારમાં ભૂલી જતો. તેઓ મારી ઉપર ખૂબ જ ધ્યાન રાખતા. મને સુધારવા માટે તેઓ જ્યાં પણ મને જોતા ત્યાં ક્યાંકને ક્યાંક ભૂલ શોધી ને મને ટોકતાં રહેતા.
એક દિવસ તેઓ અમને સાંજની પ્રાર્થનામાં સ્વ.નાનાભાઈ ભટ્ટ અને મૂળશંકરભાઈ ભટ્ટ વિશે કહી રહ્યા હતા. મૂળશંકરભાઈની ભૂલ જોઈને નાનાભાઈ કહે છે કે "મૂળશંકર, વિદ્યાર્થીને ભણી-ગણીને માત્ર હોશિયાર થવું જ જરૂરી નથી, પરંતુ પ્રમાણિક બનવું એ વધારે જરૂરી છે." આ વાક્ય મેં માધુભાઈ ના મોઢે થી ઘણીવાર સાંભળ્યું હતું. આજે એક સામાયિકમાં પણ વાંચ્યું. આ વાક્ય આજ સુધી મેં હંમેશા નકારી જ કાઢ્યું હતું, પરંતુ આજે મને લાગે છે કે નહીં, કદાચ આ જ વાક્ય માંથી મારું જીવન સુધરશે. આથી મેં આ જ વાક્યને મારો જીવન મંત્ર બનાવ્યો. ત્યારથી મારું જીવન સાવ બદલાઈ ગયું.
માધુભાઈ એ મને કહેલું કે તો બીજા કોઈના જીવનમાંથી કાંઈ ન શીખ તો વાંધો નહીં, પરંતુ મારા જીવનમાંથી થોડું-ઘણું શીખ એ પણ ઘણું થઈ જશે. આજે મારા જીવનમાં એ જ વાક્યો વણાવા લાગ્યા છે, એ જ વાક્યો સાર્થક થવા લાગ્યા છે. તેઓ પોતે એક સત્કર્મી માણસ છે, સાથે સાથે સમાજસુધારક નું જીવતું જાગતું ઉદાહરણ છે.
માધુભાઈ એ મને સામયિકો વાંચવા નું કહેલું, જેથી મેં પણ ધીરે ધીરે દરરોજ સાંજના અડધો કલાક સામાયિક વાંચવાનું ચાલુ કર્યું. આમ જ મારા જીવનમાં વાંચવાની કળા ખીલી ઉઠી. મને તો માધુભાઈ ના જીવનમાંથી જ જીવન મંત્ર અને જીવન જીવવાની શૈલી મળી ગઈ.

આભાર