બે આખી અને એક અડધી કલોલ......
નંદાસણથી એસ ટી બસમાં ચઢેલા મનોજભાઈએ પોતાની,પત્નીની અને દીકરીની ટિકીટ માગી. મનોજભાઈ કંડકટર પાસે હિસાબ પતાવતા હતા એટલામાં મનોજભાઈની પત્ની અંજનાબેનને છેલ્લી સીટમાં જગ્યા દેખાતા, અંજનાબેન પોતાની લાડકી દીકરી મનંજને ખોળામાં લઈને છેલ્લી સીટમાં ગોઠવાઈ ગયા.
મનોજભાઈ ખેતમજુર તરીકે કામ કરતા હતા, જ્યારે અંજનાબેન ગામમાં જ આવેલા ખાનગી દવાખાનામાં સાફ સફાઈ કરવાનું, કેસ પેપર કાઢવાનું કામ કરતા. મર્યાદિત આવકમાં મનોજભાઈ અને અંજનાબેન એવું સંતોષકારક, આનંદદાયક જીવન જીવતા કે વધારે આવકવાળા અન્ય યુગલો ઈર્ષા કરતા.
મનોજભાઈ અને અંજનાબેનને કોઈ ખાસ પ્રસંગે જ શહેરમાં જવાનું થતું, એવો ખાસ પ્રસંગ આવવાનો હોવાથી બંને જણા દીકરીને લઈને ખરીદી કરવા કલોલ જતા હતા. મનોજભાઈની મહેનતના અરે મજુરીના જ કહોને તેના રૂપિયા અને અંજનાબેને કરકસરથી બચાવેલા રૂપિયા એમ પાંચ હજાર રૂપિયા લઈને શહેરમાં જવા નીકળ્યા હતા. અંજનાબેને તેમની દીકરીનું નામ મનોજ-અંજના પરથી મનંજ રાખ્યું હતું.
બસ ઉભી રહેતા છેલ્લી સીટના પેસેન્જર ઉતર્યા એટલે મનોજભાઈ અંજનાબેનની જોડે બેસી ગયા. મનંજને પોતાના ખોળામાં લેવાનો વિચાર કરતા હતા પરંતુ ચાર વર્ષની મનંજનો ઉદાસ, નિરાશ ચહેરો જોઈને મનોજભાઈ સમજી ગયા કે મનંજને રીસ ચડી છે. રીસ ચડવાનું કોઈ દેખીતું કારણ તો હતું નહી તો પછી રીસ શાની ? મનોજભાઈ રીસનું કારણ શોધવાના વિચારોમાં અટવાઈ ગયા. શું થયું બેટા? મનોજભાઈનું આ વાક્ય પુરું થાય એ પહેલાં મનોજભાઈને હાથ વડે ધક્કો મારી મનંજે મનોજભાઈને દુર જવાનો ઈશારો કર્યો. પપ્પા પર રીસ ચઢી છે તેનો અણસાર આપી દીધો. મનોજભાઈ વિચારવા લાગ્યા કે મેં મનંજને કશું કીધું નથી, ઉંચા અવાજે ધમકાવી નથી, દુર હડસેલી નથી, નંદાસણ બસ સ્ટેન્ડ પર કોઈ વસ્તું માગી હોય અને ના લાવી આપી હોય તેવું બન્યું નથી. તો પછી મનંજ મારા પર નારાજ કેમ ?
મનંજે મનોજભાઈને હાથથી દુર ધકેલવાનો પ્રયત્ન કર્યો એટલે અંજનાબેન સમજી ગયા કે મનંજ એના પપ્પાથી નારાજ છે. મનોજભાઈએ અજંનાબેનને હાથના ઈશારાથી પુછ્યું શું થયું? અંજનાબેને ઈશારાથી જ જવાબ આપ્યો કે હું નથી જાણતી. એસ ટી બસના પેસેન્જર સરસ મજાના હાઈવે રોડ પર મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા. મનંજે ફરીથી મનોજભાઈને હાથ વડે ધક્કો મારી એનાથી દુર જવાનો હુકમ કર્યો. અંજનાબેન બાપ- દીકરીના અબોલા જોઈને મનમાં ને મનમાં મુસ્કરાતા હતા. મનોજભાઈએ બીજા કોઈ પેસેન્જર જોઈ ના જાય તે રીતે અંજનાબેનને ચુંટી ખણી અને ધીમેથી બોલ્યા હવે તો કહે શાના રીસામણાં છે. અંજનાબેન બોલ્યા મને ખબર નથી, મનંજે મને કશું કીધું નથી. તમે તમારી લાડકવાયીને પુછો.
કલોલ આવવાની પંદર મિનિટની વાર હતી. કેટલાક પેસેન્જર બારીની બહારના દૃશ્યો જોવામાં મશગુલ હતા તો વળી કેટલાક પસેન્જર ઝોકાં ખાવામાં મશગુલ હતા, કેટલાક પેસેન્જર તો રીતસર ઉંઘી જ ગયા હતા. અચાનક બસને જોરદાર બ્રેક લાગી, સખત આંચકો આવ્યો, બસના પેસેન્જરોનો જીવ અધ્ધર થઈ ગયો, ઉંઘતા લોકો જાગી ગયા, મુસાફરો કંઈક સમજે ત્યાં સુધીમાં બસ ધડામ કરતી ડિવાઈડરને અથડાઈ અને ઉભી રહી ગઈ. બસમાં વચ્ચે ઉભેલા મુસાફરો છેક આગળની સીટો સુધી પહોંચી ગયા. અંજનાબેનની સાથે સાથે અન્ય મહિલાઓના મોમાંથી ચિત્કાર નિકળ્યા. મનંજ ચીસ પાડીને રડતી રડતી મમ્મીના ખોળામાંથી પપ્પાના ખોળામાં. મનોજભાઈએ દીકરી મનંજને આશ્વાસન આપવા લાગ્યા બેટા રડીશ નહીં, કશું નથી થયું.
બસ ઉભી રહેતા મુસાફરો ડ્રાઈવરને પુછવા લાગ્યા શું થયું ? શું થયું ? ડ્રાઈવરે હાંફતા હાંફતા કહ્યું, ત્રણ છેલબટાઉ છોકરાઓ જેના પર સવાર હતા તેવું પુરપાટ ઝડપે દોડતું બાઈક ગફલતભરી રીતે ઓવરટેઈક કરીને બસની આગળ આવી જતા તેને બચાવવા જતાં બસને અચાનક બ્રેક મારવી પડી.
મનંજ પાછી પપ્પાના ખોળામાંથી મમ્મીના ખોળામાં જતી રહીં. મમ્મીએ પુછ્યું કેમ બેટા પાપાથી રીસ ચડી? નહીં કહું મનંજ બોલી. કંડકટરે બધા મુસાફરોને કહ્યું હવે બસ આગળ જઈ શકે તેમ નથી તેથી બધા નીચે ઉતરો તમને બીજી બસમાં બેસાડું છું. અંજનાબેન મનંજને લઈને નીચે ઉતર્યા, તેમની પાછળ મનોજભાઈ પણ નીચે ઉતર્યા. મનંજ નીચે ઉતરીને પપ્પાને કહે તમારી કીટ્ટા. મનોજભાઈ કહે હવે તો કે, શાની રીસ ચડી છે?
મનંજ કહે તમે મારી અડધી ટિકીટ લીધી એટલે. મમ્મીની આખી , તમારી આખી અને મારી અડધી આવું ના ચાલે..........
આને બાળપણ કહેવાય....
આને બાળહઠ કહેવાય....
આને બાપથી નારાજ થવાનો દીકરીનો હક કહેવાય...
મનોજભાઈએ વિચાર્યુ કે બીજી બસ આવે એટલામાં સામેના પાર્લરમાંથી મનંજ માટે બિસ્કીટ લઈ આવું. મનંજને સાચવજે હું આવુ છું. એક પારલે-જી આપતો ભાઈ કહીને મનોજભાઈ ખિસ્સામાંથી પોકેટ કાઢવા જતા હતા ત્યાં તો પોકેટ ગાયબ....... મનોજભાઈના પગ તરેથી ધરતી ખસી ગઈ........પાંચ હજાર રૂપિયા ગાયબ.......ના ભાઈ બિસ્કીટ નથી જોઈતા કહીને મનોજભાઈ નિરાશ વદને અજંનાબેન પાસે આવ્યા. પતિદેવનો ચહેરો વાંચવામાં નિપુણ અંજનાબેન સમજી ગયા કે કંઈક અઘટિત બન્યું છે. મનંજ કહે પપ્પા હવે મારી અડધી ટિકિટ ના લેતાં..........!!
-કનુભાઈ પટેલ (કનુ શેઢાવી)