જીવાય ત્યાં સુધી વંચાય Kanubhai Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવાય ત્યાં સુધી વંચાય

પકલાએ જ્યારથી ભણવાનું શરૂ કર્યુ ત્યારથી માંડીને ભણવાનું પુરું થયું ત્યાં સુધી અધધધ ચોપડીઓ વાંચી નાખી છે, હવે તો નોકરી મળી તોય હજુ મારો રોયો કાંઈને કાંઈ વાંચ્યા જ કરે છે....... આખા ગામની પંચાત કુટતા હીરાબાએ મંદિરના ઓટલે બેસી વાત છેડી.

પંકજ એ હીરાબાનો પાડોશી. હીરાબાનું કોઈપણ કામ દોડીને કરે. પાડોશીના નાતે હીરાબા પંકજને નાનપણથી પકો તો વળી ક્યારેક પકલો કહીને બોલાવતા. પંકજે M.Sc. M.Ed. ની ડિગ્રી સારા માર્કસ સાથે એક વર્ષ અગાઉ મેળવી છે. અત્યારે નજીકના શહેરમાં એક ખાનગી શાળામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી લીધી છે. સવારની પાળીની શાળામાં નોકરી કરી, બપોર પછી પંકજ સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં તનતોડ મહેનત કરે છે.

પંકજના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી છતાંયે એમણે પંકજને ગાંધીનગરમાં સર્વ વિધ્યાલય કેળવણી મંડળ સંચાલિત શાળા અને હોસ્ટેલમાં છઠ્ઠા ધોરણથી ભણવા માટે મુક્યો હતો. શરૂઆતના દિવસોમાં પંકજને ઘરથી દુર ફાવતું નહોતું તેથી વેકેશનમાં ઘેર આવે પછી ગાંધીનગર જવું કઠતું હતું. વેકેશન પુરું થતાં પંકજના મમ્મી સવિતાબેન પંકજને બરજબરીથી ગાંધીનગર મોકલતા તે હીરાબાને કઠતું..... અલી સવલી.....મેલ ને શાલ હવે.....તારા એકના એક છોકરાને રોવડાવીને કોના સાટું તારાથી દુર હડસેલે છે.........!!

હીરાબાના ટોણા સહન કરીને પણ સવિતાબેન પંકજના સુંદર ભવિષ્યના નિર્માણ માટે પંકજને ગાંધીનગર મોકલતા હરખાતા હતા. પંકજને પણ પછીથી આઠમા ધોરણથી ફાવટ આવી ગઈ વેકેશન પુરું થતા કોઈજ પ્રકારની રોકકળ વગર ગાંધીનગર જવા તૈયાર થતો. ગાંધીનગરમાં આવેલ શૈક્ષણિક કેમ્પસ, કે જે કડી કેમ્પસ તરીકે ઓળખાય છે. તે વિશાળ અને ભવ્ય કેમ્પસમાં પંકજે ધોરણ-6 થી માંડીને B.Sc. - M.Sc. - B.Ed. - M.Ed. ની ડીગ્રીઓ હાંસલ કરી હતી. પંકજ જેટલું ગામમાં કોઈ ભણ્યું નહોતું. પંકજે પોતાના માતાપિતાને સુખી કરવા, ગામનું ગૌરવ વધારવા, સરકારી ઓફિસર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેમાં સફળતા મેળવવા રાત દિવસ જોયા વગર પંકજ સતત વાચન કરતો અને આ બધું હીરાબા પાડોશીધર્મ નિભાવતા નિભાવતા જોયા કરતા. મંદિરે દર્શન કરીને અડધો કલાક મંદિરના ઓટલે બેસવું અને ગામગપાટા માળવા એ હીરાબાનો નિત્યક્રમ........ અલગ અલગ વયોવૃધ્ધ સ્ત્રીઓ મંદિરના ઓટલે દશેક મિનિટ બેસતી, હીરાબાને જય શ્રીકૃષ્ણ કહીને નિકળી જતી, જ્યારે હીરાબા મંદિરના ઓટલે અણનમ રહેતા.....

પંકજની સતત વાંચ્યા કરવાની ટેવની.....વાતમાં સંતોકબાએ ટાપસી પુરાવી, હા..... હા.....હીરાબા સવલીનો પંકજ બહુ બધું ભણ્યો છે, એમ મારો મનીયો કહેતો હતો. શહેરમાં નોકરીએ જાય છે....માસ્તર બની ગયો તોય મારો બેટો થોથાંને છોડતો નથી......મનીયાના બાપા કેતાં તા કે, ખેતરમાં પણ બાજરીના છોડવા પરથી ચકલાં-હોલાં ઉડાડતા ઉડાડતા પણ વાંચ્યા જ કરે છે.......કંટાળોયે નહીં આવતો હોય મારા બેટાને.........જો જો સંતોકડી પેલી સવલી દર્શન કરવા આવી, એ દર્શન કરીને બહાર આવે એટલે આપણે એને જ પુછીએ કે, પકલો હજુ કેમ થોથાં છોડતો નથી...હીરાબા સવિતાબેનને મંદિર તરફ આવતા જોઈને બોલ્યા......સંતોકબા ઘરે જવા ઉભા થયા હતા......પાછા બેસી ગયા....સવિતાબેનની રાહ જોતા.....

જયશ્રી કૃષ્ણ હીરાબા....જયશ્રી કૃષ્ણ સંતોકબા....કહીને સવિતાબેન મંદિરમાં દર્શન કરવા પ્રશેશ્યા. હીરાબા કહે, અલી સંતોક પેલા પસલાનો છોકરો પરણીને બીજી લાવ્યો છતા હજુ ડખા તો ચાલું ને ચાલું જ છે તને ખબર છે......એક પંચાતને વિરામ આપીને હીરાબાએ બીજી પંચાત ચાલું કરી.......હા હીરાબા કાલે રાત્રે જ એની વહું રીસાઈને નાઠી હતી પણ પછી મુખીબાપાએ સમજાવીને પાછી વાળી.....હું તો પહેલેથી જ કેતી હતી કે પસાભૈનો છોકરો કામધંધો કરતો નથી....આખો દિવસ ભાઈબંધો ભેગો રખડ્યા કરે.....લગન કરવા પસાભૈએ વ્યાજવા રૂપિયા લીધા છે....એમાં ઘટાડો કરવા કાંઈક મહેનત-મજુરી કરવી જોઈએ...... એનું એના છોકરાને ભાન નથી....પછી બૈરું ક્યાંથી ટકે....

સવિતાબેનને મંદિરમાંથી બહાર આવતા જોઈને હીરાબાએ વાત બદલી...જો પેલી સવલી આવી એને તું જ પુછ....સવિતાબેન નજીક આવતા જ ....બેસ બેસ સવલી....આ સંતોકડીને કાંઈક પુછવું છે....હીરાબા બોલ્યા......બોલોને સંતોકબા શું પુછવું છે..? સંતોકબાએ કમાન હાથમાં લીધી અને બોલ્યા..... મનીયાના બાપા કહેતા હતા,કે તમારો પકલો ખેતરમાં જઈને પણ વાંચ્યા જ કરે છે.....હીરાબા કહે છે કે ઘરે રહીને પણ વાંચ્યા જ કરે છે.....મુખીબાપા કહેતા હતા કે તમારા પકલા જેટલું ગામમાં કોઈ ભણ્યું નથી.....હવે તો માસ્તર બની ગયો તો પછી હજું કેમ વાંચ વાંચ કરે છે..?

સવિતાબેન કહે, મને પણ શરૂઆતમાં એવું જ લાગતું હતું કે મારો પંકજ કેમ વાંચ્યા જ કરે છે...એક દિ મે પુછ્યું તો મને કહે, મમ્મી મારે હજું પરીક્ષાઓ આપીને મોટા સાહેબ બનવું છે...પેલા દિવસે ગ્રામ સભામાં પોલીસની ગાડીએ ગાડીઓ સાથે કલેકટર સાહેબ નહોતા આવ્યા એવા મોટા સાહેબ બનવું છે મારા પંકજને....કહેતાં કહેતાં સવિતાબેનું હૈયું ભરાઈ આવ્યું....!!!!

હેં..............હીરાબા અને સંતોકબા બંનેના મોંમાંથી એકસાથે સુરાવલી પ્રગટી.......! એ તો બહું સારૂ કહેવાય......સંતોકબા ખુશ થતા થતા બોલ્યા. સવિતાબેન વાતને આગળ વધારતા બોલ્યા, મારો પકો એની નાની એટલે કે, મારી બા પર ગયો છે.....મારી બા એંશી વર્ષના થયા તોય ગીતા વાંચન, પુરાણ વાંચન સતત ચાલું જ રાખે છે....અરે ભજનાવલી તો હાથમાં આવે તો બધા ભજન વાંચે, એટલું નહીં ગાય પણ ખરા.....મારી બા હંમેશા કહેતી ફરે છે કે, જીવાય ત્યાં સુધી વંચાય

કનુભાઈ પટેલ (કનુ સેઢાવી)