Gaurivrat books and stories free download online pdf in Gujarati

ગૌરીવ્રત

અષાઢી મેહુલિયાની પધરામણી થઈ ગઈ છે. ભીની માટીની મહેંક વાતાવરણમાં સોનેરી સુગંધ ભરી રહી છે. કુંવારીકાઓ મનવાંચ્છિત, સ્વપ્નાનો રાજકુમાર મેળવવા, ભોળાશંભુને મનાવવા ગૌરીવ્રત કરવામાં હરખઘેલી બની છે. ઝરમર ઝરમર વરસાદની વચ્ચે સરખી સરખી સહેલીઓ ગામના ગોદળે ગૌરીવ્રત નો આનંદ લુંટી રહી છે. સુકામેવા, કોપરું તેમજ માવા-મિઠાઈ ખાઈને નાની મોટી સૌ બાળાઓ ગામની ભાગોળે રમત રમવા ભેળી થઈ છે. ગામથી હાઈવે સુધી સિંગલ લેન રોડ પર છુટી છવાઈ ગાડીઓની અવરજવર ચાલુ છે. દરેક ગાડીને રોકવાની અને પ્રેમપુર્વક ગોરમાના ટકા રૂપે દસ-વીસ રૂપિયા પડાવવાના. સવાલ રૂપિયાનો નહીં પણ આનંદનો છે. ગાડીઓને રોકવા કુંવારીકાઓ નવી નવી તરકીબો અજમાવતી. રોડની બંને બાજુ ઊભા રહી કોઈનો દુપટ્ટો રોડની આડે કરવો કે પછી આજુબાજુના ખેતરોમાંથી ઝાડી-ઝાંખરા રોડની વચ્ચે ગોઠવી દેવાના. વાહનચાલકો પણ વાહન થોભાવી કુંવારીકાઓને ગોરમાના ટકા સ્વરૂપે દસ, વીસ કે પચાસ, કયારેક તો સો રૂપિયા આપી પુણ્ય કમાઈ લેતા .......!!
નેહા, ઉર્મિલા અને હીના નામની ત્રિપુટી આખાયે ગામની કુંવારીકાઓને લીડ કરતી. એમાંય ખાસ તો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશેલી હીના તેની સહેલીમંડળની આગેવાની હંમેશા લેતી. એક દિવસ બાજુના ગામના આવારા છોકરાઓનો પનારો હીના સાથે પડી ગયો. ગાડીઓ ઉભી રાખવા કુવારિકાઓએ રોડની આડે રાખેલો દુપટ્ટો બાજુના ગામના છેલબટાઉ છોકરાઓએ ઝુંટવી લીધો. હીના મનોમન વિચારવા લાગી કે આ રખડેલ ટોળકીને સબક શીખવાડવો પડશે. બીજા દિવસે પણ આવા આવારા તત્વો આવે જ........
બીજી બાજુ હીના અને એની સહેલીઓ તૈયાર જ હતી. દુરથી આવતા વાહનચાલકને ફક્ત દુપટ્ટો જ દેખાય, પણ દુપટ્ટાની અંદર હીનાએ મજબૂત દોરી રાખીને રોડની બંને બાજુ રહેલા ઝાડ સાથે બાંધી દીધી. ફક્ત દેખાવ ખાતર બંને બાજુ સહેલીઓને દુપટ્ટો પકડીને ઉભી રાખી. દુરથી બાઈક પર આવતા યુવાનોને મન એમ કે ગઈ કાલની જેમ જ ચાલુ બાઈકે દુપટ્ટો ઝુંટવીને છોકરીઓને હેરાન કરીએ. બાઈક જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ હીના અને તેની બહેનપણીઓ આવારા તત્વોને સબક શીખવાડવા હરખઘેલી બની. ત્રણ સવારી બાઈક ચાલકે દુરથી હોર્ન વગાડી વટ પાડ્યો. બાઈકની ઝડપ વધી, દુપટ્ટો પકડીને ઉભેલી છોકરીઓ પ્લાનીંગ મુજબ ખસી ગઈ. વચ્ચેનો બાઈકસવાર દુપટ્ટો ઝુંટવે તે પહેલા દુપટ્ટાની અંદર રહેલી મજબુત દોરી સ્ટેરીંગમાં ફસાઈ ગઈ. ચાલક બ્રેક લગાવે તે પહેલાં બાઈકે કાબુ ગુમાવ્યો.......!! દોરી તુટી.......... દોરી, દુપટ્ટો,બાઈક અને ત્રણે યુવાનો બાજુના ખેતરમાં પટકાયા........!!
હીના અને એની સખીમંડળે રાગ છેડ્યો......
"ગોરમાનો વર કેસળીયો નદીએ ન્હાવા જાય રે ગોરમા...."
છેલબટાઉ છોકરાઓની હાલત તો જોવા જેવી થઈ........!! નસીબજોગે કોઈને ફેકચર તો ના થયું પણ હાથ-પગ પર ચકામા ઉપસી આવ્યા. થોડું થોડું લોહી પણ નીકળ્યું...... હીના અને તેની સહેલીઓએ પાછું વળીને જોયું પણ નહીં. બીજી બાજુ ધુળચાટતા થઈ ગયેલા છોકરાઓ શરમાયેલા વદને બાઈકને જેમતેમ કરીને ખેતરમાંથી રોડ પર ઢસડી લાવ્યા. ઘડીનોય વિલંબ કર્યા વગર હાઈવે તરફ રફુચક્કર થઈ ગયા.........!!
અષાઢી પુનમની રાત્રે સૌ બાળાઓ ગૌરીવ્રત નિમિત્તે જાગરણ કરે. એમાં હીમા ગામની બધી કુંવારીકાઓને વિવિધ પ્રકારની રમતો રમાડે. રાતભર સૌ સહેલીઓ આનંદ ઉલ્લાસ કરે, ક્યારે સવાર પડે તેની ખબર પણ ના પડે. બીજા દિવસે પારણાં કરી ગૌરીવ્રત પુર્ણ કરે. બાળપણના દિવસોની આ યાદો દરેક કુંવારીકાના માનસપટ પર ચિરંજીવી બની જતી, મોટી થઈને સાસરે ગયા પછી પણ ગૌરીવ્રત ના દિવસોમાં પિયર અચુક યાદ આવી જ જાય. હીના ગૌરીવ્રત પુર્ણ થતા કોલેજમાં અભ્યાસઅર્થે નિયમિત જવા લાગી. ભણવામાં પણ હોશિયાર. ગામડેથી અપડાઉન કરતી હીનાનું પરિણામ આવે એટલે શહેરની સ્થાનિક છોકરીઓને કોલેજના પ્રોફેસર ટકોર કરતા, કે અપડાઉનમાં સમય બગડે તોયે હીના તમારા બધાથી અવ્વલ નંબરે પાસ થાય છે.....!!
વડીલોની રાહબરી નીચે કોલેજના છેલ્લા વર્ષમાં હીનાની સગાઈ નક્કી થઈ જાય છે. હીનાની સગાઈ જે છોકરા સાથે થાય છે તે સંદીપ પણ ભણવામાં હોશિયાર છે. એન્જીનીયરીંગના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સંદીપને હીના, તેમજ બી. કોમના છેલ્લા વર્ષમાં ભણતી હીનાને સંદીપ ગમી ગયો. બંનેનો અભ્યાસ પુરો થતાં, સંદીપ અને હીનાના ધામધૂમથી લગ્ન લેવાય છે. હીનાના હાથ સંદીપના નામની હીનાથી શોભી રહ્યા છે. ગામ આખું હીનાને વિદાય આપી રહ્યું છે. સૌ સહેલીઓ હિબકે ચડી છે. કૌટુંબિક ભાવનાઓ વિદાય સમયે લાગણીશીલ બની રહી છે. હીનાના પિતા જ્યારે હીનાને વિદાય આપી રહ્યા છે ત્યારે કરુણામય વાતાવરણ સૌ સંબંધીઓને કઠી રહ્યું છે....... પણ એક બાપે ગમે તેવા સંજોગોમાં દીકરીને સાસરે વિદાય તો કરવી જ પડે છે...... એવી ભવ્ય સંસ્કૃતિ ના આપણે સૌ વાહકો છીએ....... જે પરંપરા હીનાના પિતા નિભાવી રહ્યા છે. હીનાનો નાનો લાડકવાયો ભાઈ જ્યારે હીનાને ભેટી પડે છે ત્યારે..... હાજર સૌ કોઈ કાળજું કઠણ કરી, બંનેને રીતરસમોના તાણાવાણા સમજાવી રહ્યા છે.......બહેનડીને હસતા મુખે વિદાય આપવા ભાઈને સૌ સમજાવી રહ્યા છે...... હીના છેલ્લે જ્યારે વાત્સલ્યની મુર્તિ સમી જનેતા પાસે આશિર્વાદ લેવા જાય છે ત્યારે....... નજરે જોનારા સૌની આંખો ભીંજાઈ જાય છે..... કાળજું કઠણ કરી હીનાને વિદાય સાથે આશિર્વાદ આપતી હીનાની મમ્મી હિબકે ચઢે છે........ ગામના ગોદળે સૌ ગ્રામજનો, સગાસંબંધીઓ હીનાને અમીમય નજરે વસમી વિદાય આપી રહ્યા છે......!!
ત્રણ વર્ષ પછી હીના ગૌરીવ્રત નિમિત્તે પિયરમાં આવી છે. નેહાએ હીનાને ટકોર કરી કે, જીજુ ને સાથે લાવી હોત તો અમને મજા પડી ગઈ હોત ને......!! હીના કહે, જીજુની સાળી તને મજા પડે પણ કંપનીમાં એમને રજા મળે તેમ નથી. અઠવાડિયા પછી રજાના દિવસે મને લેવા સારું આવવાના છે, તમ તારે જેટલા ગોરમાના ટકા લેવા હોય એટલા લઈ લેજે..... બાજુમાં રહેલી ઊર્મિલા ટહુકી, આવવા દે ત્યારે જીજુને...... ખિસ્સું ખાલી ના કરી દઉં તો તારી બહેનપણી ના કહેવાઉં ........!!
ગૌરીવ્રત પછીના રવિવારે હીના અને તેની બંને સહેલીઓ સંદીપકુમારની આવવાની રાહ સવારથી જ જોવા લાગી. હીનાની સહેલીઓએ સંદીપનું ભાવભીનું સ્વાગત કર્યું. આખો દિવસ જીજુ જીજુ કરતી હીનાની સહેલીઓ ક્યારેક સંદીપને એવા પ્રશ્નો પુછતી કે સંદીપ ભોઠવાઈ જતો.....જીજાજીની ઠઠ્ઠા મશ્કરીઓ કરવાનો હક એકપણ સહેલીએ જતો ના કર્યો....!!
સાંજના સુમારે સંદીપ અને હીનાએ વિદાય લીધી. બરાબર ગામના પાદરથી થોડા આગળ ગયા ત્યાં સંદીપનો મોબાઈલ રણક્યો. સંદીપે બાઈક સાઈડ કર્યુ. મોબાઈલ પર સંદીપ જે જગ્યાએથી વાત કરી રહ્યો હતો તે જગ્યા હીનાએ યાદ આવી ગઈ. તે એ જ જગ્યા હતી જ્યાં હીનાએ બાજુના ગામના રખડું છોકરાઓને ખેતરની ધુળ ચાટતા કરી દીધા હતા. મનોમન હીના સંસ્મરણોને યાદ કરી રહી છે. બીજી તરફ મોબાઇલ પરની વાત પુરી થતાં સંદીપના ચહેરા પરના હાવભાવ પણ બદલાયા,જેની નોંધ ચકોર એવી હીનાએ લીધી. પતિદેવના ચહેરાને વાંચી શકે એ જ સાચી જીવનસંગીની......!! હીનાએ પુછ્યું શું થયું? કેમ તમારા ચહેરાના હાવભાવ બદલાયા..?
સંદીપે માંડીને વાત કરી, "એક સમયે હું બાજુના ગામમાં મારા મામાના ત્યાં મારી એન્જીનીયરીંગના ચોથા સેમેસ્ટરની એક્ઝામ પુરી થતા વેકેશન માણવા આવ્યો હતો. તે સમયે ગૌરીવ્રતના દિવસો ચાલી રહ્યા હતા. મારા મોસાળના ભાઈબંધો એક દિવસ તમારા ગામની છોકરીઓનો દુપટ્ટો ઝુંટવી લાવ્યા હતા. આ વાતથી અજાણ હું તેમના કહેવાથી તેમના બાઈક પર બેસીને તમારા ગામમાં ટહેલવા આવ્યો હતો. બાઈકમાં હું છેલ્લે બેઠેલો. ખબર નહીં અચાનક તારા ગામની છોકરીઓને જોઈને મારા મોસાળીયા ભાઈબંધોને ચાનક ઉપડી. રોડની આડે રહેલો દુપટ્ટો દુરથી દેખાયો, બાઈકની સ્પીડ વધી..... વચ્ચે બેસેલા ભાઈબંધે દુપટ્ટો ઝુંટવવાની નાલાયકી કરી..... હું કઈ સમજું તે પહેલા અમે ત્રણે જણા બાઈક સાથે ધડામ કરતા ખેતરમાં પટકાયા..... આ એ જ ખેતર છે જ્યાંથી અમે મહાપ્રયત્ને બાઈકને રોડ પર લાવ્યા હતા..... મારા બંને ભાઈબંધોના હાથ-પગ છોલાયા હતા...... મારા કપડાં બગડી ગયા હતા.... ખેતરમાંથી દુપટ્ટો લેવા પણ નહોતા રોકાયા....... "
હીના તો ખડખડાટ હસવા લાગી.... પછી શું થયું? .... સંદીપ કહે છોકરીઓતો ગાણાં ગાતી ગાતી ખુશખુશાલ હતી. અમારામાં તો કોઈ છોકરીઓની સામે આંખ મિલાવવાની તાકાત જ નહોતી... બાઈક ચાલું થતાં હાઈવે બાજુ રફુચક્કર....!! પાછું વળીને જોયું પણ નહીં......!! હીના તેના હાસ્યને ના રોકી શકી.......
"ઓહ તો મિસ્ટર સંદીપ તમે પણ અમારા ગામની ધુળ ચાટી ગયા હતા એમ કે...?? સ્વાદે કેવી હતી...??" બંને એકસાથે હસી પડ્યા........!!

લેખક :- કનુભાઈ પટેલ (કનુ શેઢાવી)

બીજા રસપ્રદ વિકલ્પો