હાસ્ય લહરી - ૧૨ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૧૨

 કુત્તેકા ભી એક દિન આતા હૈ...

 

                    અસ્સલના શું બાળગીતો હતાં..? પશુ-પક્ષીઓ તો સટાક દઈને ભેજામાં ઉતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજના ભમ્મ..ચીકાચિક ગાયનો જેવાં નહિ કે, એકવાર સાંભળીએ એટલે સ્વાહા થઇ જાય. શબ્દોની વાત કરીએ તો કોઈ સાથે સાંધો જ નહિ મળે. જેમ કે  ‘અંગુઠાની વીંટી, ચોઈણાની કોર, મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..!’ (આને રગડા-પેટીસ સોંગ કહેવાય..!) ત્યારે બાળગીત બળદનું હોય, વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય, ભેંસનું હોય, કુતરાનું હોય, મોરનું  હોય, ચકલીનું હોય કે પોપટનું હોય, પણ એમાં દમ હતો. કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં, કે ‘મોતી ચરંતો મારો છે મોર’  જેવાં બાળ ગીતો તો આજે પણ હોઠ ઉપર લટકેલા હોય તેવાં..! કોઈપણ પક્ષીનું બાળ ગીત એકવાર અડફટમાં આવવું જ જોઈએ, એટલે ગળામાં માળો બાંધીને રહેવા માંડે. હાલરડાંમાં તો ૧૦૦ ટકાની ગેરંટી કે, એકવાર ગાયું એટલે, ગબ્બરસિંહનું કલેળું પણ ઘેનમાં આવી જાય..! હાલરડાં પણ ડબલ પાવરની સોડા જેવાં. એવું નહિ કે, વિશ્વ ચકલી દિવસ આવે તો જ ચકલીનો થાળ અને આરતી કરવાની, ને વિશ્વ હાસ્ય દિવસ આવે તો જ મોઢું મલકાવવાનું..!  દરેક ઉપર બાર-માસી પ્રેમ..! વિશ્વ નેતા દિવસ ક્યાં આવે છે, છતાં નેતા ઉપર પ્રેમ રાખીએ જ છીએ ને..?

                                      ‘કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં’ વાળી કવિતા કોણે લખેલી એ યાદ નથી. પણ ધ નેચર ફોરએવર સોસાયટીના સ્થાપક મોહમ્મદ દિલાવર દ્વારા  વિશ્વ ચકલી દિવસની સ્થાપના થયેલી, ને સૌ પહેલાં ૨૦૧૦ માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવેલી એટલી ખબર. ગળું ખંખેરીએ તો આજે પણ ચકલીના ઢગલો ગીતો નીકળે. એવું જ એક ગીત એટલે, "કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં..!"  આ કવિતા લખવા માટે કવિને કયા પ્રકારનો  મોહ જાગેલો, એના કોઈ પ્રમાણ નથી. છતાં, કુતરા-પ્રેમને જીવંત રાખવા,  વિશ્વ કુતરા દિવસ રાખવાની જરૂર પડી નથી. આજે તો કુતરો પણ માણસનો વફાદાર મિત્ર બની ગયો. વિશ્વ ચકલીના દિવસે બે-ચાર ચકલીઓ થથરતી-થથરતી મારા ખભા ઉપર આવીને બેસી ગયેલી. થથરે તો ખરી જ ને યાર..? કે, ચકલી દિવસના નામે આ લોકો મારો કેવો ઘડો લાડવો કરવાના છે, એની એને શું ખબર..? કુતરા ઓના મોહપાસમાં લપટાયેલા માણસને, ચકલી માટે ઉભરો આવે ત્યારે શંકા તો જાય જ ને..? પણ, એ દિવસે ચકલીના ગીતો ગવાયા હશે, દાણા-પાણીના કુંડા મુકાયા હશે, ચકલીઓના ફોટા મુકાયા હશે, ચકલી દર્શનના કાર્યક્રમો પણ થયાં હશે. અને  ચકલીના આવાસ પણ વહેંચાયા હશે, પણ ચકલીનો નીજાનદ તો ઘરમાં રખાતા દાદા-દાદીના ફોટા પછવાડે આવાસ બાંધીને રહેવામાં હોય. પરિવર્તનની દૌડમાં આજે તો દાદા-દાદી ભેગા ચકલીના માળા પણ ઉકલી ગયા. ને અમુકના દાદા-દાદી તો ડ્રોઈંગ-રૂમમાંથી નીકળી વૃદ્ધાશ્રમમાં પણ ગયા હશે, દાદા જ ઉકલી ગયા હોય તો, ચકલાના માળા પણ ક્યાંથી રહે..? વૃક્ષારોપણનો કાર્યક્રમ પત્યા પછી, રોપેલા છોડવાઓને કોઈ પાણી પાનારો નહિ મળે, તો પાણીના કુંડા કોણ ભરી આપશે એની ચિંતા તો ચકલીને થાય ખરી ને..? બાળગીતો એટલે પૃથ્વી ઉપર પશુ-પક્ષીઓની ઓળખ, અને  આધાર કાર્ડ..!.                                            

                         " કાળુડી કુતરીને આવ્યાં ગલુડિયાં " વાળી કવિતા કઈ નિશાળમાં  ભણેલા, કયા શિક્ષકે  ભણાવેલી, ને ભણાવતી વખતે કેટલા સોટા પડેલા, એની સ્મૃતિ હજી પણ અણનમ છે. અમારા ગુરુવર્યને પણ યાદ છે કે, કયા-કયા ‘D-student’ ( એટલે કે, ડફોળ વિદ્યાર્થી..! ) મારી આંટીમાં આવીને ભણી ગયેલાં. સમય જતાં સોટાના સોળ તો જતા રહ્યા, પણ ગલુડિયાના વંશ વારસો હજી મહોલ્લાના રખોપા કરે છે..! D-student નો અમારો રેકોર્ડ હજી  કોઈ તોડી શક્યું નથી. ટીખળવિદ્યાનો પાયો તો વિદ્યાર્થી અવસ્થામાં જ નંખાયેલો ને..?  થતું એવું કે, બીજા વિદ્યાર્થીઓ બેસીને ભણતા, ત્યારે અમારા જેવાં D-student એ અંગુઠા પકડીને ભણવું પડતું. ભણતા-ભણતા વાંકા વળી જતાં મામૂ..!  સિક્રેટ વાત કરું તો, રાષ્ટ્રગીત ગાવામાં આજે પણ અમારે મથવું પડે, બાકી કવિતા તો આજે પણ ફડફડાટ બોલી જઈએ. એનું કારણ વક્ર-અંગુઠા યોગ..! કમરની વક્રસ્ય હાલતમાં ચાર કાબરા ને ચાર ભૂરિયાનો સરવાળો કરી રોજ આંઠ વખતતો આ કવિતા જ  બોલતાં. બડપ્પનની તો વાત તો નહિ કરવી જોઈએ, પણ ક્લાસમાં અમે Out standing વિદ્યાર્થી કહેવાતાં. કારણ કે ક્લાસમાં ભણવા કરતા ક્લાસની બહાર ઉભા રહેવામાં જ અમારા પીરીયડ પુરા થતાં.  કુતરીવાળી કવિતા ભણ્યાને ૭૦ વર્ષના વ્હાણા વાયા હશે. રમાડેલા ગલુડિયાં  ડાઘીયા બનીને ઉકલી પણ ગયા હશે, છતાં આ કવિતા મગજમાંથી ડીલીટ થઇ નથી..! પાકટ થયાં તો પણ આ કવિતા પીછો મુકતી નથી. કહો કે, આવી કવિતા ભણવાથી જ અમારામાં પ્રાણી કે પક્ષી પ્રેમ જળવાઈ રહ્યો છે. વિશ્વ ચકલી દિવસની માફક વિશ્વ કુતરી કે કુતરા દિવસ નહિ આવે તેનો લગીરે અફસોસ નથી. અમને તો ચકલી પણ દીકરી જેવી વ્હાલી ને કાળુડી કુતરી પણ  વ્હાલી..!  બાળગીતો સાંભળવા મળે ત્યારેતો પાકટ ઉમર પણ સરકીને નીચે ઉતરી જાય, ને અટકડા ચાલુ થઇ જાય તે અલગ..!  બાળગીતો હજી અમારી દાઢમાં ખરાં..!  સર્વધર્મ સમભાવની માફક કોઈપણ વૃતિ કે પ્રવૃત્તિ સાથે એ સેટ થઇ જાય. ચૂંટણીમાં જ જુઓ ને, આજે પણ એવું જ ચાલે છે ને, કે ‘કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં, ચાર કાબરા ને ચાર ભુરીયા હોજી...! એના કપાળમાં કાંદા ફોડું, ચાર આ પક્ષના ને ચાર પેલાં પક્ષના..! ભારત માતાકી જય...!

                                લાસ્ટ ધ બોલ

   અમારું બચપણ આમ જુઓ તો બહુ સંઘર્ષવાળું ગયેલું ભાઈ...!

   ધામધુમથી નિશાળે જતાં, ને સાંજે ધામધુમથી શિક્ષક ઘરે મુકવા પણ આવી જતાં.અને બાપાને    કહી જતા કે, આ મહાશયને તમે જ તમારા ઘરે ભણાવજો. 

   નિશાળ ગમતી તો શિક્ષક નહિ ગમતા, અને શિક્ષક ગમતા તો અમને ડફોળ ગણતા.  

   નિશાળે જઈએ તો શિક્ષક મારતા, અને નહિ જઈએ તો ઘરવાળા ફટકારતા. 

   માણસ આમાં ભણે ક્યાંથી? ટકા લાવવા કરતાં માથે ‘ટકો’ વધારે કરવો પડતો..! એના કપાળમાં કાંદા ફોડું જાયે તો જાયે કહાં...!

---------------------------------------------------------------------------------------------------------------------------------