ચોકલેટથી મીઠું Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોકલેટથી મીઠું

તારીખ : ૧૧-૦૭-૨૦૨૨

આજે શનિવાર, પાંચ જ તાસની શાળા અને એક નાનકડી દસ મિનિટની રિસેસ. રોજ ઘરેથી પૌષ્ટિક આહાર ભરેલો ડબ્બો લાવતાં સ્વાતિ અને ગીરીશને શનિવારે શાળાની બહારથી વેફર્સ કે ચોકલેટ લેવાની છૂટ દાદીએ જ અપાવેલી. દાદીનું માનવું કે, 'ભલેને આપણે બધું અપાવીએ. જાતેય શું લેવું, શું ન લેવું, જોઈ તપાસીને લેવું એવી સમજણ બેય બાળકોમાં વીકસિત થવા દેવી.' બંનેને શનિવારે સવારે પપ્પા કે મમ્મી દસ-દસ રૂપિયા આપતાં. શાળા નજીકમાં જ એટલે બેય ભાઈ બહેન ચાલીને જ શાળાએ જતાં. શાળાએ જતાં તો ઉતાવળે ચાલે પણ, ઘરે આવતી વેળા, આમતેમ નજર દોડાવતાં, વાતો કરતાં કરતાં આવે.

આમ દસેક દિવસ પહેલાં જ તેમની નજર પડી હતી એક નવાં જ સ્ટોલવાળાં ઉપર. એ શાળાથી થોડે દૂર રંગબેરંગી સ્ટોલ સજાવી ઊભો રહેતો. ઉપર મઝાની પંચરંગી છત્રી સજાવેલી અને થોડી થોડી વારે મધુરી ટોકરી વગાડે. આવતાં જતાં બધાંય તેની તરફ આકર્ષાય. તે વેચતો હતો માત્ર ચોકલેટ્સ નાની અને મોટી, મીઠી - મીઠી અને ખટમીઠ્ઠી, મઝાનાં રંગબેરંગી કાગળોમાં લપેટેલી અનેકાચની પારદર્શક બરણીઓમાં રંગોનાં ઈન્દ્રધનુ ફેલાવતી. સૌ બાળકો આકર્ષાતાં, ખરીદતાં અને ચગળતાં, મમળાવતાં, ચહેરા ઉપર ઉમંગ અને મનમાં તેની મહેકને બંધ કરી લહેરથી ચાલતાં જતાં.

થોડાં દિવસથી સ્વાતિ અને ગીરીશ, બેયને ચોકલેટ્સ ખાવી હતી અને આજે લઈ આવેલાં રૂપિયામાંથી તેઓ એ જ ખરીદવાનાં હતાં પણ, શાળાએથી ઘરે જતી વેળા. બેય ઉમંગભર્યાં પગલે શાળાએ પહોંચ્યાં અને સમૂહપ્રાર્થનાથી લઈ છેલ્લા તાસ પછીનાં રાષ્ટ્રગીતનાં ગાન સુધી શિસ્તપાલન કરતાં આખો દિવસ પસાર કર્યો. અને જેવો શાળા છૂટવાનો ઘંટ વાગ્યો, બંને પોતપોતાનાં વર્ગોમાંથી સહાધ્યાયીઓ જોડે નીકળી શાળાનાં મુખ્ય દરવાજે રોજની માફક ભેગાં થયાં.

ગીરીશ મોં મલકાવતાં બોલ્યો, 'બહેની મારી, ચોકલેટ ખાઈશુંને હવે?' સ્વાતિએ પોતાનાં ગણવેશનાં ખિસ્સામાંથી દસ રૂપિયાની નોટ કાઢતાં ઉત્તર વાળ્યો, 'હા ભાઈ, ચાલ જલ્દી - જલ્દી, પછી ભારે ભીડ થઈ જશે.' બંનેની ચાલ ઝડપી બની પણ, તેમનાં પહોંચતા સુધીમાં તેમણે જોયું કે ભીડ તો વધી જ ગઈ હતી. બાળકો ભાવ પૂછતાં, પૈસા આપતાં, ચોકલેટ લેતાં, કેટલાંક વળતાં છૂટ્ટા પૈસા પાછાં લઈ ત્યાં જ રેપર ખોલી, ચોકલેટ ખાઈ, કાગળિયાં આમતેમ નાખી ચાલતાં થતાં. સ્વાતિ બોલી, ' ભાઈ, આ છોકરાઓ કાગળિયાં કેમ નીચે નાખે છે?' ગીરીશ પણ આ જોઈ પરેશાની અનુભવતો હતો. તે બોલ્યો, 'હા સ્વાતિ, ભીડ ઓછી થતાં આપણે તે સ્ટોલવાળાને વિનંતી કરીએ કે, તે બાળકોને ચોકલેટનાં રેપર નાખવાં એક કચરાપેટી પણ રાખે.' ત્યાં જ ગીરીશનો સહાધ્યાયી રતન ચોકલેટ ખાતાં ખાતાં ત્યાં જ જમીન ઉપર રેપર નાખી નીકળ્યો. સ્વાતિથી ન રહેવાયું, તેણે રતનને કહ્યું, 'આમ રસ્તા ઉપર કચરો તો ન જ નંખાયને?' રતન આમે થોડો તામસી મિજાજવાળો. તેણે સ્વાતિને બેફિકરાઈથી કહ્યું,' તને નડતો હોય તો તું જ ઉઠાવી લે ને,?'

બહેનીનું અપમાન થતું સાંભળી ગીરીશનાં મનમાં થોડો ગુસ્સો આવ્યો પણ, બીજી જ પળે તેમાંથી જ તેને ઉપાય જડી ગયો. ગીરીશે ઝટપટ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને પોતાની ડાબા હાથની હથેળી માં પાથરી દીધો. ઘૂંટણો વાંકા વાળી, નીચા નમી, ગીરીશે રતને જમીન ઉપર ફેંકેલ રેપર જમણા હાથે ઉંચકી પોતાનાં હાથરૂમાલમાં મૂકી દીધું પછી, સ્વાતિ સામું જોયું. સ્વાતિને ભાઈની આ રીત ગમી ગઈ. તેણે પણ આજુબાજુ પડેલાં રેપર ઉંચકી - ઉંચકીને ભાઈના હાથમાં રહેલાં રૂમાલમાં મૂકવા માંડ્યાં.

આ જોઈ રતનનું મોં થોડું વીલું પડી ગયું. બીજાં બાળકોની પણ સ્વાતિ અને ગીરીશ ઉપર નજર પડી. સ્વાતિનાં વર્ગનાં સોહમ અને માનસીએ પોતે ફેંકેલ રેપર ઉપાડી લીધાં, ફાલ્ગુન, મયંક અને ગણેશે નીચે ફેંકવા માટે ડૂચો કરેલાં રેપર પોતાનાં ખિસ્સામાં મૂકી દીધાં. ધીમે ધીમે તન્વી અને એષા પણ જમીન ઉપરથી રેપર ઉપાડવાં લાગ્યાં. થોડી વાર પહેલાં ચોકલેટનાં રેપરથી છવાયેલો રસ્તો, નાનકડાં સ્વયંસેવકોએ ચોખ્ખો કરી દીધો.

સ્ટોલવાળો આ બધું જોતાં આગળ આવ્યો. તેણે ગીરીશનો હાથરૂમાલ લઈ તેની અંદરનાં રેપર પોતાનાં સ્ટોલની બાજુમાં રાખેલ કચરાપેટીમાં નાખી દીધાં. ગીરીશ અને સ્વાતિએ મંજરીની મદદથી રસ્તાનાં કિનારે જઈ પોતાની પાણીની બોટલમાંથી થોડું થોડું પાણી વાપરી હાથ ધોઈ લીધાં. ચોકલેટનાં સ્ટોલવાળો યુવાન મુઠ્ઠી ભરીને ચોકલેટ લઈને આવ્યો અને સ્વાતિ તેમજ ગીરીશનાં હાથમાં થોડી - થોડી મૂકી દીધી. સ્વાતિએ પૂછ્યું, 'કેટલાં રૂપિયા થયાં?' ચોકલેટવાળો બોલ્યો, 'સ્વચ્છતાનાં દેવદૂતો, તમારાં માટે કોઈ મૂલ્ય નથી. તમે તો મને અને તમારાં મિત્રોને સ્વચ્છતાનો પાઠ શીખવાડ્યો. ધન્ય છે તમારાં માતા- પિતા અને શિક્ષકો.'

એટલાંમાં જ બંને ભાઈ-બહેનનાં મસ્તક ઉપર ભાવસભર, હૂંફાળો હાથ ફર્યો. ઉપર જોતાં,' અરે મેડમ, તમે?' આચાર્યા મેડમ પણ તે જ રસ્તે ઘરે જઈ રહ્યાં હતાં. સ્વાતિ અને ગીરીશની આ ઉમદા હરકત જોઈને પોતાનું સ્કૂટર થોભાવી થોડે દૂર ઊભાં રહીને આખીયે ઘટનાનાં સાક્ષી બન્યાં. ક્યારનાંયે બંને બાળકોથી અત્યંત ખુશ થઈ ગયાં હતાં. આટલાં શિસ્તબદ્ધ અને સ્વચ્છતાનાં આગ્રહી બાળકોને જોઈ તેમને ખૂબ જ ગર્વની લાગણી થઈ આવી.

ગીરીશ અને સ્વાતિનાં ઘરે પહોંચતાં પહેલાં તેમની સ્વચ્છતાની પહેલની અને આચાર્યા મેડમની વાત ગીરીશ અને સ્વાતિનાં મિત્રોએ ઘરે પહોંચાડી દીધી હતી. ઘરે આવતાંમાં જ બંને બાળકોએ મમ્મી, દાદા અને દાદીને ખુશખુશાલ જોયાં. ત્રણેયે તેમને શાબાશી આપી. સાંજે દાદાએ પપ્પાને વાત જણાવી એટલે પપ્પા પણ ખૂબ ખુશ થયાં. રવિવારે બંનેને તેમની પસંદની સુખડી બનાવી મમ્મીએ ખવડાવી.

હજી બધું આટલેથી જ ન અટક્યું. જ્યારે, સોમવારે શાળાએ પહોંચ્યાં, ત્યારે સમૂહપ્રાર્થના પછી આચાર્યા મેડમે સ્વાતિ અને ગીરીશનાં સ્વચ્છતા પ્રેમની વાત કરી જેને બધાં જ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાંભળીને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી. અને આવાં નવતર પ્રયોગ બદલ બંને બાળકોને શાળા તરફથી પ્રમાણપત્ર આપવાનું નક્કી કરાયું.

બાંહેધરી: આ વાર્તા મારી, એટલે કે અલ્પા ભટ્ટ પુરોહિતની સ્વરચિત કૃતિ છે.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા