તારીખ : ૦૩-૦૭-૨૦૨૨
મૈત્રી અને સંગાથ, મૈત્રીનો અનુસ્નાતકનો અભ્યાસ ગયાં વર્ષ જ પૂરો થયો હતો. તે માનસશાસ્ત્રમાં પી. એચ. ડી. કરી રહી હતી. સંગાથ હજી બારમા ધોરણની પરીક્ષા આપવાનો હતો. દિવાળીની રજાઓમાં થોડું રિફ્રેશ થઈ જવાય તો પરીક્ષાઓની તૈયારી બમણા જોશથી કરાય, એ આશયે તેઓ મમ્મી પપ્પા સાથે વેકેશન માણવા નીકળ્યાં હતાં. બેય ભાઈ-બહેન, પંચમઢીનાં એ નયનરમ્ય વાતાવરણમાં, નવેમ્બર માસની શરૂઆતમાં, કોટેજનાં રવેશમાં બેઠાં બેઠાં ગરમાગરમ કોફી જોડે પનીર પકોડાંનો આનંદ ઊઠાવી રહ્યાં હતાં. સંગાથ બોલ્યો, 'અરે, બસ કર, મમ્મી - પપ્પાને તો આવવા દે. બધાં પકોડાં તું જ ખાઈ જઈશ કે?' મૈત્રીએ હાથમાંનું પકોડું મોં માં ખોસ્યું અને બીજું ત્વરાથી પ્લેટમાંથી ઉઠાવી ઇશારાથી ક્હ્યું, 'આ તો મારાં જ છે. ખબર છે કેટલાં વર્ષોથી અહીં ફરીથી આવવાની રાહ જોતી હતી?' સંગાથ તેને ચીઢવતાં બોલ્યો,' હા, હા, જાણે વળી તને નાનપણાનો એ સ્વાદેય યાદને?'
તેમની ચણભણ અંદરથી સાંભળી રહેલાં કેશવી અને અજય બહાર આવ્યાં અને બેય બાળકોની સામે ખુરશી ખેંચી બેઠાં. સંગાથે મમ્મી - પપ્પા માટે કીટલીમાંથી ગરમ દૂધ રેડી કોફી બનાવી. અજય બોલ્યો, 'તમને કદાચ પકોડાનો સ્વાદ યાદ નહીં હોય પણ, પેલાં ડોક્ટર યાદ છે?' મૈત્રી બોલી ઊઠી,' હા, પપ્પા. કેમ નહીં? આપણને આ અજાણ્યા સ્થળે, અણીનાં સમયે મળેલ ભગવાન સમ હતાં એ.' સંગાથ થોડો નવાઈથી બોલ્યો, 'મને યાદ નથી. તમારી લોકોની થોડી વાતો જ સાંભળી છે. થોડું વિગતે કહો ને?' અજય અને મૈત્રીની કોફી અને બાળકોનાં પકોડાં પૂરાં થઈ ગયાં હતાં. અજયે તેને કહ્યું,' હા, આજે તો ફુરસદ જ ફુરસદ છે. રસ્તામાં બધી જ વાત કરું.' પછી, અજયે બેલ વગાડીને વેઈટરને બોલાવ્યો અને તેનાં યુનિફોર્મ ઉપર લાગેલી તખતી વાંચીને, 'મહેશજી, અમે નાસ્તો કરી લીધો છે. નવ વાગ્યે બોલાવેલ જીપ આવી ગઈ છે કે નહીં, જરા તપાસ કરી કહેશો?' મહેશને આ પરિવાર બરાબર યાદ હતો જ્યારે બાર વર્ષ પહેલાં પાંચ વર્ષના સંગાથ અને બાર વર્ષની મૈત્રીને લઈ તે વખતનું આ તરવરિયું દંપતિ નવેમ્બર માસમાં જ પહાડોનો શિયાળો માણવા આવ્યું હતું.
આમ તો, કોઈને એકાદ મહેમાન યાદ ન હોય પણ, અહીં બન્યું જ એવું હતું કે, મહેશના મન ઉપર તેમની મુલાકાત અંકાઈ ગઈ હતી. ત્રણેયનાં ચાંદીમિશ્રીત વાળ પછી પણ બધાંય એકમેકને ઓળખી ગયાં હતાં. મહેશે જવાબ વાળ્યો, 'હા, સાહેબ. જીપ આવી ગઈ છે. અને ડ્રાઇવર પણ એ જ છે, મનુ.' અજય અને કેશવીનાં મુખ મલકાઈ ગયાં જાણે અતિપ્રિય એવાં સ્વજનને મળવાનાં હોય. કેશવી બોલી ઉઠી, 'ખૂબ આભાર આપનો, મહેશભાઈ.' અને અજયે બાળકો સાથે મળી ત્રણ-ચાર વેફર્સનાં પેકેટ્સ, બે પાણીની બોટલ અને ફર્સ્ટ - એઈડ કિટ વાળી કેશવીની હેન્ડબેગ ઉઠાવી લીધી. કોટેજને બંધ કરી મહેશે ચાવી રિસેપ્શન ઉપર મૂકી અને જીપ સુધી ચારેયને વળાવવા ગયો. અજયે કહ્યું,'રાત્રે જમીને જ આવીશું. પણ, ચાર ગ્લાસ ગરમ દૂધ કોટેજમાં મૂકાવી દેજો.' મહેશ, 'જી, સાહેબ.' કહી તેમને જીપમાં બેસાડી પાછો ફર્યો. મનુએ ચારેયને સસ્મિત આવકારી જીપને સ્ટાર્ટ કરી અને પૂછ્યું, 'કેમ છો, સાહેબ, મેડમ?' અજયે ખુશ થઈ જવાબ વાળ્યો, 'અમે તો ખૂબ જ મઝામાં છીએ, અને તમને બધાંને મળવાનું ફરી લખ્યું હશે તે અહીં આવતાં જ તમે મળ્યાં.'
મનુ મંદ મંદ સ્મિત કરતાં બોલ્યો, 'સાહેબ, કઈ બાજુ લઉં પહેલાં? હાંડી ખો કે...''તેની વાત અધવચ્ચે અટકાવી અજય બોલ્યો, 'પેલાં સરકારી દવાખાને લઈ લો.'મનુના માથે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ, 'સાહેબ, આજે કોણ માંદું પડ્યું?' અરે, કોઈ માંદું નથી, ભાઈ. પણ, પેલાં ડોક્ટર સાહેબને મળવું છે.' મનુ રાહતનો શ્વાસ લેતો બોલ્યો, 'અરે, એમ વાત છે? તો દવાખાને નહીં, તેમના બંગલે લઈ જાઉં. તેઓ તો સરકારી સેવામાંથી નિવૃત્ત થયે છ મહિના થયાં. છેલ્લું પોસ્ટિગ તેમનું ઇંદોરમાં હતું.'
સંગાથે થોડું ખચકાતાં પૂછ્યું,' એમ અચાનક તેમના ઘરે જવાય?' કેશવી બોલી,' બેટા, તેમનાં ઘરે જરૂર જવાય. હેં અજય, આપણે પણ આમ જ ગયાં હતાં ને તે દિવસે ?' અજય બોલ્યો, 'મનુ, ડોક્ટર સાહેબના ઘર તરફ જીપ લઇ લ્યો. અને, ત્યાં સુધી સંગાથને એ સાહેબની કર્તવ્યનિષ્ઠાની વાત કરું.' મનુએ જીપ ચલાવતાં ચલાવતાં હોંકારો ભણ્યો. પહાડીનાં જંગલોમાંથી મઝાનાં, તોતિંગ વૃક્ષોની વચ્ચેથી પવનની લહેરખીઓ અને સૂર્યનાં ચળાઈને આવતાં કૂણાં કિરણોને ભેદતી જીપ વાંકાંચૂંકા રસ્તે સડસડાટ દોડી રહી હતી. ધીમું ગીત વાગતું હતું, '
'મન તડપત હરિ દરશન કો આજ... '
... અને અજયે વાત માંડી, 'સંગાથ આપણે આ જ રીતે બાર વર્ષ પહેલાં ફરવા આવ્યાં ત્યારે સવાર - સાંજ જંગલોમાં વિહાર કરવા ચાર દિવસ માટે મનુની જ જીપ ભાડે કરી હતી. બપોરે બાર થી બે વાગ્યા સુધી હોટલ ઉપર આરામ કરવા આવીએ, ત્યારે મનુ નીચે જ બેસી રહેશે એવું તેણે કહ્યું હતું. પહેલાં બે દિવસ તો ખૂબ ફર્યાં. સિલ્વર ફોલ્સ, રીંછ ગઢ, બી ફોલ્સ, જટાશંકર ગુફાઓ, પાંડવ ગુફાઓ, હાંડી ખો, મહાદેવ ટેકરી, ડચીઝ ફોલ્સ... ' પછી, તે થોડો અટક્યો. આગળ કેશવી બોલી,' ત્રીજાં ભાઈબીજનો તહેવાર હતો. તે દિવસે સવારથી મને ઠીક નહોતું લાગતું. તમને બધાંને તૈયાર થવાનું તો કહી દીધું પણ મને માથાંનાં અસહ્ય દુઃખાવા સાથે ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ, જે રોકવા સવારથી બે વખત હું દવાઓ લઈ ચૂકી હતી. હવે, તે સમયે મારી પ્રકૃતિ જ એવી હતી કે, એક વખત ઉલ્ટીઓ શરૂ થયા પછી અટકે જ નહીં. હવે, આ માત્ર કોઈ ડોક્ટરના હાથની જ વાત હતી.' કેશવી અટકી, જાણે બોલતાં બોલતાં ભૂતકાળમાં સરી ગઈ.
અજયે વાત આગળ ધપાવી, તમે બેય મમ્મીને સતત થતી તકલીફથી ગભરાઈ ગયાં હતાં. ઘરે તો આવું થાય એટલે હું તરત જ તેને ફેમિલી ડોક્ટર પાસે લઈ જતો. મેં તેમને ફોન કરી જોયો. રજાઓ અને તહેવાર, એટલે તેઓ પણ બહારગામ જ હતાં. છતાંયે કલાક પછી તેમનો સંપર્ક થયો. તેમણે કહ્યું કે, બે કલાકથી વધુ વીતી ગયાં હોઈ, કોઈ ડોક્ટર પાસે જ ઈંજેક્શન લેવું પડશે. જેથી આરામ મળે, ઊંઘ આવે અને ઉલ્ટીઓ ઉપર કાબૂ આવે. મેં હોટેલ રિસેપ્શન ઉપર વાત કરી ડોક્ટર માટે. આ મનુ અને મહેશ જ મેનેજરનાં કહેવા ઉપર દોડ્યાં. બધાં નજીકનાં દવાખાનાં જોયાં. પણ, લાભપાંચમથી ખૂલનારાં એ બધાં જ તહેવારોને લીધે બંધ હતાં. છેલ્લે, એક સરકારી દવાખાના નજીકથી તેમનો ફોન આવ્યો કે થોડી વાર સુધી તે ખુલ્લું છે. મહેશ ત્યાં જ ઊભો રહ્યો અને મનુ જીપ લઈ આપણને લેવા આવ્યો. મેનેજરે કહ્યું કે તે તમને સાચવશે પણ, તમને મૂકીને જવાનો જીવ ન જ ચાલ્યો. માંડ માંડ કેશવીને ગાડીમાં બેસાડી.' પછી તે અટક્યો. મનુની આંખો સામે પણ તે દિવસનું દૃશ્ય ખડું થઈ ગયું,' પછી, તો મેં ગાડી હાંકી મૂકી સીધી દવાખાને. પણ, ત્યાં અમારી એક ચૂક થઈ ગઈ. ડોક્ટર સાહેબ દર્દીઓને તપાસીને, દવાઓ આપીને નીકળી ગયાં હતાં તેમના ઘરે.
માત્ર કમ્પાઉન્ડર બેઠો હતો અને તેનાં મિત્રો જે ટોળટપ્પાં કરવા રિસેપ્શન ઉપર બેઠાં હતાં. તેની પાસે જઈ પૂછપરછ કરતાં તેણે અતિ સહ્રદયી એવાં ડોક્ટર સાહેબનાં ઘરનું સરનામું આપ્યું. હજી તો સાડાબાર જ થયાં હતાં. જો ફરી ડોક્ટરનાં આવવાની રાહ જોઈએ ત્યાં સુધીમાં, બીજાં સાડા ચાર કલાકમાં તો તમારી મમ્મીની તબિયત ઘણી જ બગડી જાત. એટલે અજયસાહેબના કહેવા મુજબ ગાડી સીધી ડોક્ટર સાહેબનાં ઘર તરફ મારી મૂકી. પંદરમી મિનિટે એક ડોક્ટરને છાજે તેવાં સરકારી આવાસ ઉપર પહોંચ્યાં. આપણે બધાં ગાડીમાં બેઠાં રહ્યાં. આ મહેશ અને અજય સાહેબે જઈ ડોક્ટર સાહેબનાં ઘરની ખુલ્લી જાળી ખખડાવી.
ડોક્ટર સાહેબ જમવા જ બેઠેલાં એટલે તેમનાં પત્ની બહાર આવ્યાં. અજય સાહેબનો ખાસ્સાં ટેન્શન ભરેલ અવાજ સાંભળતાં ડોક્ટર ભાણું છોડીને, હાથ ધોઈને બહાર આવ્યાં અને પૂછ્યું, શું થયું?' કેશવીએ આગળ વાત વધારી,' ડોક્ટરને કહ્યું કે સવારથી મારી પત્નીને બારથી વધુ ઉલ્ટીઓ થઈ ચૂકી છે. આમ તો આ તેનાં શરીરની ટેન્ડન્સી જ છે. તેણે અમારાં ફેમિલી ડોક્ટરે આપેલ દવાઓ પણ લીધી. પણ, કોઈ અસર નથી. હવે તો તેનું શરીર પણ ધ્રુજી રહ્યું છે. તેનાથી બોલાતું પણ નથી.' ડોક્ટર સાહેબનાં ઘરમાં રંગરોગાન ચાલી રહ્યું હતું અમને બધાંને જાકારાની જ આશા હતી પણ, બધાંયના આશ્ચર્ય વચ્ચે તેમણે મને તેમનાં બેઠકખંડમાં લઈ આવવા કહ્યું. અજય મને સહારો આપી અંદર લઈ ગયાં. સાથે જ તમે બે ય ભાઈ બહેન પણ અંદર આવી ગયાં. તેમણે દીવાનખંડમાં જ હોસ્પિટલમાં તપાસવા માટે વપરાય તેવું ટેબલ રાખેલ હતું. મને ત્યાં સૂઈ જવા કહ્યું. મારી, આંખો, જીભ, નાડ તપાસી મને એક ગ્લુકોઝનો બોટલ ચઢાવવાની વાત કરી જેમાં બીજી ત્રણ દવાઓનાં ઇંજેક્શન નાખી ધીમે ધીમે ત્રણ કલાકમાં પૂરું કરશે એમ જણાવ્યું.
હવે, બોટલ કે ઇંજેક્શન તેઓ ઘરે રાખતાં નહીં અને હાલ તો તેમનું દવાખાનું બંધ થઈ ગયું હશે જેની ચાવી તો કમ્પાઉન્ડર પાસે જ હશે માટે પોતે ત્યાં જ રોકાયા અને મહેશભાઈ અને મનુને પ્રિસ્ક્રીપ્શન આપી બજારમાં દવાની દુકાને મોકલ્યાં. સાથે તાકીદ કરી કે પ્રિસ્ક્રીપ્શન ઉપર તેમનો ફોન નંબર લખેલ છે. કોઈ દવા ન હોય તો દવાની દુકાનેથી ફોન કરજો. લગભગ પોણો કલાકમાં બંને જણ ઇંજેક્શનનાં વાયલ, સિરીંજ અને દવાઓ લઈને આવી ગયાં. મને ધીમે ધીમે ઘેન ચઢતું ગયું અને આ આરામ જ મારી તકલીફનો મુખ્ય ઈલાજ હતો.' કેશવી વીરમી અને આગળ વાત અજયે માંડી,' એક તો તહેવાર, અજાણી જગ્યા, એક સરકારી ડોક્ટરનું ઘર, હું ખચકાતો હતો. તેમણે જાતે મારાં માટે ખુરશી ખેંચી આપી અને પોતે પણ મારી બાજુમાં બેઠાં.
દર અડધા કલાકે તેઓ કેશવીની નાડ ચેક કરતાં અને ઘેનમાં સરી ગયેલાં પોપચાં ઉઠાવી આંખો ચેક કરી લેતાં. તેમનાં પત્ની મને બાળકોને તેમની સાથે તેમનાં ટેલિવિઝન વાળા ઓરડામાં મોકલવાનું કહી ગયાં. મેં પણ તમે નાહક ઉદાસ રહેશો એમ કરી ટેલિવિઝન ઉપર કાર્યક્રમ જોવા મોકલ્યાં. તેમણે મિઠાઈ અને બિસ્કિટ તમને બેયને ખાસ્સાં પ્રેમથી ખવડાવ્યાં. ઉપરથી મારાં અને અડધેથી ભાણું છોડી ઉઠેલાં ડોક્ટરસાહેબ માટે અને આ મનુ અને મહેશજી માટે મઝાની ચા બનાવી. ડોક્ટરસાહેબ અને તેમના પત્નીનું વ્યક્તિત્વ જ કોઈ ખૂબ પોતાનાં એવાં વડીલ જેવું હતું. હું અહોભાવથી ચા પી ગયો.' અજયે જાણે એ દ્શ્ય પાછું તાજું થયું હોય એમ અનુભવ્યું. પછી તેણે વાત આગળ ધપાવી, 'ડોક્ટરસાહેબે કહ્યું, ઇંજેક્શન હું પણ આપી દેત. મારે બે જ મિનિટમાં કામ પુરું. પણ, ઇંજેક્શનથી તેમનાં શરીરમાં એકસામટી દવા ઠલવાતાં શરીરમાં ભયંકર ધ્રુજારી ઉપડે. આ બોટલનાં લીધે આ બધી દવિ લગભગ ત્રણ કલાકે શરીરમાં જશે. ધીમે ધીમે શરીર શાંત થશે. આમ તો આ થોડો શારીરિક તણાવ જ છે પણ, ઉલ્ટીઓ ન રોકાય એટલે શરીર ખૂબ જ થાકી જાય અને ડીહાઈડ્રેશન થાય એ નફામાં. વળી, હોટલ ઉપર જઈને કાંઈ થાય તો તમારે અહીં અથવા દવાખાને ફરી આવવું પડે. હું પણ સાડા ચાર વાગ્યા સુધી ઘરે જ છું તો ઓબ્ઝર્વેશન થઈ જાય.' હું તેમને અહોભાવથી સાંભળતો જ રહ્યો. વચ્ચે વચ્ચે તેમની જુદાં જુદાં સ્થળની પોસ્ટિંગ, મળેલાં અવનવાં માનવી, બનેલાં અનોખાં બનાવોની વાતો ચાલતી રહી. આખરે બોટલ પૂરો થતાં તેમની રજા લઈ મેં કેશવીને જીપમાં બેસાડી. તમને બંનેને તેની સાથે બેસાડ્યાં. મનુ તમારી સાથે જીપમાં હતો. હું અને મહેશજી ડોક્ટરની ફી પૂછવા ગયાં. તો એ દેવદૂત સમા ડોક્ટરે કહ્યું કે બધી જ દવાઓ તેમણે બહારથી મંગાવી છે એટલે કોઈ જ ફી લેવાની થતી નથી.
મેં તેમની ઈમરજન્સી સેવા અને આટલી કાળજી બદલ ફરી આગ્રહ કર્યો. તો એ વડીલ બોલ્યાં, 'તમને અજાણ્યાંને અહીં સેવા આપી શક્યો એ એક ઋણાનુબંધ છે. આજે મારે ઘરે આવેલ આ દીકરી દર્દી નથી, મહેમાન છે. ફી આપવી જ હોય તો એટલું યાદ રાખજો કે ફરી તેને ઈંજેક્શન ન અપાવતાં. બોટલમાં ઇંજેક્શન આપતાં શરીરને નુકસાન ઓછું થશે. બસ, આટલું જ યાદ રાખજો. અને હા, વધુ તાપ કે ઠંડી હોય તો વધુ શ્રમ પડે એવો પ્રવાસ ન કરવો. અને કરો જ તો બને એટલાં ફળો અને સલાડ ખાતાં રહો. આ બીજું કાંઈ નથી, થોડી શહેરી રહેણી-કરણીની અસર છે.' ત્યાં હમણાં સુધી સ્થિર થઈ સાંભળતો સંગાથ બોલી ઊઠ્યો, 'સાચે જ, એ તો દેવદૂત જ કહેવાય. પછી?' અજયે કહ્યું,' પછી તે ડોક્ટરસાહેબ અને તેમનાં પત્નીને પ્રણામ કરી હું અને મહેશ જીપમાં બેઠાં. બીજાં દિવસે આપણે તેમને મળી, ફરી આભાર વ્યક્ત કરી પંચમઢી છોડ્યું પણ, તેમની આપેલ સલાહ હંમેશા યાદ રાખી. પછી ક્યારેય કેશવીને ઇંજેક્શન આપી ઊભી નથી કરવી પડી.'
' વાહ, મઝા આવશે તેમને મળીને', મૈત્રી અને સંગાથ બેય ટહુકી ઊઠ્યાં. અને ડોક્ટર સાહેબનું ઘર પણ આવી ગયું. તેમની સાથેનો બંધાયેલ અદ્શ્ય તંતુ મજબૂત કરવાં બધાંય જીપમાંથી ઉતરીને તેમના ઘરના બારણે પહોંચ્યાં.
(સત્યકથા ઉપરથી. પાત્રોનાં નામ બદલ્યાં છે.)
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા