નેહડો ( The heart of Gir ) - 56 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 56

કના અને રાધી બંનેના મનમાં અલગ અલગ વિચાર ચાલી રહ્યા હતા. બંને પોતપોતાના વિચારોમાં ડૂબેલા હતા. એટલે બંને મૌન હતા. એટલામાં ડેમના નીચેના વિસ્તારમાં ડેમમાંથી નીતરાણ થઈ વહી રહેલા પાણીમાં એક પહુડાનું ટોળું પાણી પીવા આવ્યું. એમાં ટીટોડીએ દેકારો મચાવી દીધો. આ દેકારાને લીધે કના અને રાધીના વિચારો પર પડદો પડી ગયો. કનાએ કહ્યું, "પસી આગળ હૂ થયું ઈ તો કે!"
રાધીએ વાત ચાલુ કરી. પરંતુ તેના અવાજમાં થોડી નરમાશ આવી ગઈ. "ઈ દાડામાં ગર્ય અને હાવજો માથે અભિયાસ કરવા અંગરેજ ગોરા શાબ આવ્યા'તા. ઈ નવ - દહ વરહ હુંધી ગર્યમાં રયા. ગોરા શાબને જીણા નાનાની આવતા વેંત ખબર પડી.કે આ માણા હાવજ્યુંને હારી રીતે ઓળખનારો સે. એટલે ગોરા શાબે જીણા નાનાને હાવજ્યુંના અભિયાસમાં હારે રાખ્યા'તા. ગોરા શાબે ઇમની પાહેથી હાવજ્યુંની ટેવ, એની શિકારની રીત ભાત્ય,હાવજ્યુંનો સભાવ,હાવજ્યુંના રેણાક એવી બધી ઝીણી ઝીણી માહિતી ભેગી કરી'તી. એકવાર તો ગોરા શાબયે જીણા નાનાનુ પારખું લીધું'તું. શાબે જીણા નાનાને કીધું,ટીલીયો તમારું કયું(આદેશ) માને છે ને તો એની સામે જીવતું બકરું બાંધો ને બકરાની પડખે તમી બેહો. જો તમારી આબરૂ રાખી તમારા હાંકલે ટીલીયો બકરું નો પકડે તો તમારી ભાઈબંધી હાસી. ઈ પરમાણે બધી ગોઠવણ કરી દીધી. તે દાડે ટીલીયો બવ ભૂખ્યો હતો. ઈની બરાબર હામે ઝાડવાના ઠોંગે બકરું બાંધી દીધું. પડખે ઝાડવાના છાયડે, થડીએ ટેકો દઈને જીણા નાના બેહિ ગયા. બકરે હાવજ ભાળ્યો એટલે એને પેશાબ અને લિંડિયું છૂટી જ્યાં. બકરું એકધારું બે.. બે.. કરી તણગા તોડાવવા માંડ્યું. હામે વિહફુટ આઘો કરમદાના ઢુવા હેઠે ટીલીયો બેઠો'તો. બકરુ ભાળતા વેત ટીલીયો ઉભો થયોને બકરા ઉપર તરાપ મારવા અથરો થય ધોડ્યો. પણ જેવો નજીક આયો, જીણા નાનાએ તરત હાકોટો કર્યો, 'જો મરી જયો સો તે! હું આયા ખોડાણો છું ને તારે મારી હામેથી બકરું કાઢી જાવું સે? પાસો વળી જા! નકર મરી જ્યો ભાળું!!' જીણા નાનાનો આ હાંકલો હાંભળી ટીલીયો ઉભો રય ગ્યો. ટીલીયે પાસા ડગલા ભર્યા,ને ફરી વાર કરમદીના ઢવામાં જઈ હાંફવા માંડ્યો. મોઢામાંથી વેંત એક જીભ કાઢી ટીલીયો હાંફતો'તો ને હામે બકરું જીવ વયો જાય એટલું ફફડતું'તું. પણ ટીલીયાને ખબર હતી કે જ્યાં હૂધી જીણા નાના બેઠા સે ત્યાં લગી આપણી કારી ફાવશે નય. એટલે ટીલીયો હામે બેઠો બેઠો લાળું પાડે રાખે, વસાળે એક બે વાર ઉભો થય બકરા પાહે આયો એ ખરો પણ વળી જીણા નાનાની રાડય હાંભળી પાસો વયો ગયો. આ બધું હામે ઝાડવાના ઝુંડમાં હંતાયને ગોરા પોલ શાબ ફોટા પાડે રાખતા'તા. ઘણી વાર થઈ એટલે જીણા નાનાને ઝાડવાના છાયડેને શીળે પવને જોકા આવવા માંડ્યા. બકરું ય બે...બે...કરી થાકી જયું તું, ને થોડીક બીકે ય ઓસી થય જય'તિ. જોકા ખાતા ખાતા જીણા નાના ઊંઘી જયા. હામે તપ ધરી બેઠેલા ટીલીયાને ખબર પડી જય કે ભાઈબંધ ઊંઘી જયો સે. બકરું અવળું ફરી બેઠું'તું. ટીલીયો લપાતે પગલે બકરાની પાહે પોગી ગયો. ને એની મોટી મોં ફાટ્યમાં ટીલીયે બકરાને જાલી પાડ્યું. પણ ત્યાં તો બકરે કાળો દેકીરો કરી મેલ્યો. આ બધી ધમાલ હાંભળી જીણો નાના જાગી જયા. જોયું તો બકરાને પૂછડાના ભાગે ટીલીયે જહતના ખીલા જેવા દાંત ભેરવી દીધા'તા. જીણા નાનાની આ પરીકસા હતી. ઈણે હામે બકરાને ગળેથી જાલી લીધું. લોય સાખી ગયેલો ભૂખ્યા ડાહ જેવો ટીલીયો હવે જીણા નાના ગમે એવા હાંકલા કરે તોય બકરાને શેનો મેલે? હવે હામ હામી ખેંસા ખેંસી થાવા માંડી. ટીલીયો બકરાને એની કોર્ય ખેહે ને જીણા નાના એમની કોર ખેહે. એકેય મેલવાનું નામ નો લે. હામેં ગોરા પોલ શાબ આખી ઘટનાના ફોટા પાડવા માંડ્યા. ગોરા શાબે જીણા નાનાને બકરું મેલી દેવા કીધું.પસે જીણા નાનાએ બકરું ટીલીયા હાવજને હવાલે કર્યું. ગોરા પોલ શાબે ગર્ય માથે એક મોટો સોપડો લખ્યો, ઈમાં ય આ જીણા નાના અને ટીલીયાનો ફોટો મૂક્યો સે. સરકારે ટીલીયા હાવજની ટપાલ ટિકિટ ય બાર પાડી'તિ. બોલ્ય કના, માલધારી અને હાવજની આવી ભાઈબંધી હતી."
ટીલીયાની વાત સાંભળી કનાની આંખો પહોળી થઈ ગઈ. તે બોલ્યો, " હે.... રાધી, ગર્યના માલધારીને હાવજોની આટલી બધી ભાયબંધી પેલેથી હાલી આવે સે?"રાધીએ આંખોથી હા પડતા કહ્યું,
" હાવજ્યુંને માલધારી સદિયુંથી હારે રેસે. માલધારી સે તો હાવજ સે, ને હાવજ સે તો માલધારી સે. ઘણી વખત બેય હામ હામે આવી જાય. પણ ઈ તો ભાયું ભાયું ય હામ હામે નથી બાખડી પડતા? પસે પાછા ભેળા ને ભેળા! અમુક હાવજ કે શીણ્ય(સિંહણ) હંગાથે નેહડાવાળાને એવો ધરોબો થઈ ગયેલો કે એનું મોત થય જાય તો નેહડાવાળાએ અગ્નિસંસ્કાર પણ કરેલા સે. અને હાવજયું વાહે ઈના બેસણા પણ રાખેલા સે. આવી નેહડાવાળાની ને હાવજોની ભાઈબંધીની વાત કરવા બેહવી તો દિવસોને રાત્યું ટૂંકી પડે એટલી વાતું સે. આમ જો તો ખરો વાતુંમાં ને વાતુંમાં દી માથે આયો. માલ ઢોર સેટા નિહરી ગયા લાગે સે? હંસલ હંભળાતો નથી!"
કનાએ એ બાજુ કાન માંડ્યો,પણ ક્યાંય ભેંસોનો રણકવાનો કે ગોવાળિયાના હાંકલાનો અવાજ આવતો નહોતો. કનાએ કહ્યું, "આજ માલને ડેમના ઉગમણે કાંઠે લય ગયા લાગે સે.હાલ્ય આપણે એની કોર્ય નીહરી જાવી. નકર ગેલામામા આ ઘડીએ ગોતતા ગોતતા આવસે."
રાધીએ કહ્યું, "કાઠીયાવાડી, આજ તડક્યો બવ સે. હાલ્યને ડેમમાં એક ધૂબકો મારી ટાઢા થય પસ્યે માલ સરે એની કોર્ય જાવી."
આમ તો કનાને થોડું જાજુ તરતા આવડતું હતું. અને એ પણ રાધીએ જ શીખવાડેલું હતું. નાનપણથી જ રોજ માલ ચારતા ચારતા તડકો લાગે એટલે ખળખળ વહેતી હીરણ નદીમાં એક ડૂબકી મારી લેવાની, એટલે ટાઢક થઈ જાય. આમ છીછરા પાણીમાંથી ઉંડા પાણીમાં ન્હાતા ન્હાતા કનો ધીમે ધીમે કરતા તરતાં શીખેલો. ઘણી વખત ડૂબવા લાગે ને પાણી પી જાય તો રાધીએ તેને કોલર પકડી બહાર પણ કાઢેલો. આવી રીતે એકવાર નદીમાં નહાતી વખતે એક બાળ ગોવાળીયો ડૂબી ગયેલો. એ વખતે ગેલામામાએ ધરામાં ધુબકો મારી તેને બહાર કાઢ્યો હતો. પરંતુ વધારે વાર ડૂબેલો બાળ ગોવાળીયો પાણી પી ગયો હતો. અને તેના શ્વાસ ધીમા પડી ગયા હતા. એ વખતે ગેલામામાએ ગોવાળિયાને સીધો સુવડાવી તેને પેટ દબાવી પીધેલું પાણી ઓકાવી દીધું. અને તેની છાતી પર હાથ રાખી જોર જોરથી દબાવવા લાગ્યા. થોડી જ વારમાં એ ગોવાળિયાએ આંખો પટપટાવી અને જવાબ દીધો હતો. કનો પાણીમાં તરવાની અને પાણીથી બચવાની આવી થોડી ઘણી તરકીબો જાણતો થયો હતો.
પરંતુ કનાને પાણીથી ડર પણ લાગતો હતો,એટલે તે જરૂર ન હોય તો પાણીમાં પડવાનું ટાળતો હતો. તેથી તેણે રાધીને કહ્યું, "મારે નથી નાવું, તારે નાવું હોય તો એક ડૂબકી મારી લે. હું આયા બેઠો સુ. પણ જટ બારી નિહરજે. તું પાણીમાં પડ પસે મઘરા જેવી થઈ જા સો.બાર્યે નિહરવાનું નામ નથી લેતી."
રાધીએ છણકો કરી કહ્યું, "તે જેને તરતા આવડે ઈ દરિયા જેવા ડેમમાં નાય. અમી તો પાણીની બતકુ કેવા'વી આખો ડેમ તરી જાવી. બાકી ઢેક બગલા કાંઠે કાંઠે ફર્યા કરે."
આમ કહી રાધીએ કનાને ખીજવવા હાથથી બગલાની ડોક જેવો આકાર બનાવ્યો. કનાએ મોઢું ચડાવી કહ્યું,
" હા...હો...જા.. તળાવની બતકી તમ તમારે ઊંડા પાણીમાં પડય. પણ જો કેદીક મઘરે ટાંગો જાલી લીધો ને તો હોળના ભાવની જાવાની સો."
રાધી નાહવા માટે વડલાની ડાળેથી નીચે ઉતરી. ઘાઘરીનો એક છેડો આગળથી લઈ પાછળ કમરે ખોસી કસોટો માર્યો. ચુંદડીને શરીર પર બરાબર વીટાળી સામસામે છેડા બાંધી સરખી કરી. ડેમની પાળ પર ઝૂકેલી વડલાની ડાળ આગળ જતા નીચી થતી જતી હતી, અને પાણી પર જળુંબી રહી હતી. રાધી ઠેકડો મારી ડાળ પર ચડી ગઈ. બંને હાથનું બેલેન્સ રાખી ડાળના છેડા સુધી ચાલીને ગઈ. છેડે પહોંચી પાછળ ફરી કનાને હાથ ઊંચો કર્યો.
" જય દુવારિકાવાળા "બોલી રાધીએ પાણીમાં કૂદકો મારયો..
ક્રમશ: ......

(ઊંડા પાણીમાં રાધીનું શું થશે? જાણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621