Aa Janamni pele paar - 38 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૩૮

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૮

દિયાને અજાણ્યા યુવાનને પોતાના રૂમના દરવાજે ઊભેલો જોઇ સહેજ ધડકતા હ્રદયે પૂછ્યું:'તું કોણ છે? અહીં સુધી કેવી રીતે આવી ગયો?'

તે હસ્યો. દિયાનને એનું હાસ્ય ડરામણું લાગ્યું.

દિયાનને પૂછવું હતું કે મારી પરવાનગી વગર ઘરમાં ઘૂસવાની તારી હિંમત કેવી રીતે થઇ? પણ તેની આસપાસમાં કોઇ ન હતું. મમ્મી-પપ્પા સૂઇ ગયા લાગતા હતા. એના મનમાં યુવાન માટે ભૂતની શંકા ઊભી થઇ રહી હતી. તે ચેતીને બોલવા માગતો હતો. તેણે યુવાનની તરફ ધ્યાનથી જોયું. એ સુંદર અને સુશીલ લાગતો હતો. તેના ચહેરા પર એક અલગ આભા હતી. તેના પ્રભાવમાં કોઇ પણ આવી શકે એમ હતું.

યુવાને હસતાં- હસતાં જવાબ આપી દીધો:'હું? હું એક ભૂત છું!'

'હેં? ભૂત?' દિયાન ચમકી ગયો.

'હા, પણ ગભરાવાની જરૂર નથી. આમ પણ તું ભૂત સાથે રહીને એમનાથી ટેવાઇ ગયો હશે! અલબત્ત એક સુંદર ભૂતની સાથે તું રહ્યો છે, હું કંઇ કમ સુંદર નથી. ખરું ને?'

દિયાનને લાગ્યું કે આ યુવાન તેની અને શિનામીની બધી વાત જાણે છે. તે સીધો મારા સુધી આવી ગયો છે. ક્યાંક શિનામીએ તો એને મોકલ્યો નથી ને?'

'તને ખબર પડી જ ગઇ હશે કે મને કોણે મોકલ્યો હશે?' દિયાનના વિચારનો પડઘો પાડતો હોય એમ યુવાન બોલ્યો.

'શિનામિએ મોકલ્યો છે? એ કેમ ના આવી? હું એની રાહ જોતો હતો. પણ તું કોણ છે? અને એણે તને કેમ મોકલ્યો છે?' દિયાન હવે સહજ થઇને સવાલો કરતો હતો.

'મને અંદર આવવા દઇશ કે હું જાતે જ તારા રૂમમાં પહોંચી જાઉં! અને તું આમ દરવાજામાં મને સવાલ પૂછતો રહીશ અને તારા મમ્મી-પપ્પા જાગી જશે તો તને ઊંઘમાં બબડતો માની ચિંતામાં ડૂબી જશે...' યુવાને હસીને ચેતવ્યો.

'હા-હા, અંદર આવ...' દિયાને એને અંદર પ્રવેશવા જગ્યા કરી આપી.

'જો તું વધારે મગજ દોડાવે એ પહેલાં કહી દઉં કે મારું નામ મેવાન છે...!' યુવાને એક ખુરશી પર જગ્યા લેતાં પોતાની ઓળખ છતી કરી દીધી.

'ઓહ! મેવાન... એજ મેવાન જે હેવાલીના સપનામાં આવતો હતો અને બંગલામાં એની સાથે રહેતો હતો! શિનામીનો ગયા જન્મનો પતિ પણ ખરોને!' દિયાન હેરતથી એને જોઇને બોલી રહ્યો હતો.

'તેં તો મારો બધો જ પરિચય આપી દીધો! આ જન્મનો અને ગયા જન્મનો પણ! મારે તો કંઇ કહેવાની જરૂર જ ના રહી! હવે જે કામ કરવા આવ્યો છું એ પૂરું કરીને નીકળી જઉં બરાબર ને?' મેવાન હસીને બોલ્યો.

'તું કોઇ કામ માટે આવ્યો છે? શિનામીએ તને કયા કામથી મોકલ્યો છે?' દિયાનને મેવાનનું આગમન રહસ્યમય લાગ્યું.

તેને થયું કે શિનામીએ જાતે આવવાને બદલે મેવાનને કેમ મોકલ્યો હશે? એણે કહ્યું હતું કે રાત્રે મારા ઘરે મળવા આવશે. છતાં આવી નથી.

'શિનામીએ મને જે કામ સોંપ્યું છે એ તને આઘાત આપી શકે છે. તું મનથી પહેલાં સ્વસ્થ થઇ જાય તો સારું છે.' મેવાન સખત અવાજમાં બોલ્યો.

'શિનામી મને પ્રેમ કરે છે. અમારો જન્મોજનમનો નાતો છે. એ મને કોઇ આઘાત આપી શકે નહીં...હું તારી વાત માની શકું નહીં.' દિયાનને મેવાનની વાતથી નવાઇ લાગી રહી હતી.

'એ બધી વાત તું શિનામીને મળે ત્યારે પૂછજે...' મેવાન ઊભો થતાં આગળ બોલ્યો:'અત્યારે તું તૈયાર થઇ જા...'

'ક્યાં જવાનું છે? મને એણે કાલે કહ્યું હોત તો હું ત્યાં જ પહોંચી ગયો હોત ને? તારે અહીં આવવાની તસ્દી લેવી પડી ના હોત...' દિયાને સવાલો સાથે શિનામીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

'તારે એવી જગ્યાએ જવાનું છે જ્યાં તું જાતે જઇ શકે એમ નથી.' મેવાન પોતાની વાતનું રહસ્ય વધારે ઘેરું કરતાં બોલ્યો.

'હું સમજ્યો નહીં. એક માનવ તરીકે હું આ પૃથ્વી પર ગમે ત્યાં વિહાર કરી શકું છું...' દિયાન પોતાનો તર્ક રજૂ કરી રહ્યો.

'તારે હવે અમારી દુનિયામાં વિહાર કરવાનો છે...' ભૂત રૂપમાં રહેલા મેવાને સંકેત આપી દીધો.

'એટલે?' દિયાને ચોંકીને પૂછ્યું.

મેવાન એની નજીક આવી રહ્યો હતો. દિયાન એની શક્તિઓને જાણતો હતો. એનો સામનો કરી શકવાનો ન હતો. મેવાને નજીક આવીને પોતાની પાછળ છુપાવેલું એક દોરડું કાઢ્યું અને એના ગળા નજીક લઇ જતાં કહ્યું:'તને સ્વધામમાં પહોંચાડવાનો છે. અસલમાં હું તને કે તારા શરીરને નહીં તારા જીવને લેવા આવ્યો છું.'

'શું?' દિયાન એનાથી બચવાના રસ્તા વિચારવા લાગ્યો પણ એને ખ્યાલ આવી ગયો કે તે આ ભૂતથી બચી શકવાનો ન હતો. શિનામીએ એનો જીવ લેવા કેમ મોકલ્યો હશે? એણે તો શિનામીને ભરપૂર પ્રેમ કર્યો છે. એ જીવથી વહાલી હોવાનું સાબિત કર્યું છે. એ મારો જીવ શા માટે લેવા માગે છે? મેવાનનું આ કોઇ કાવતરું તો નહીં હોય ને? હું એનો પ્રતિકાર કેવી રીતે કરું?

દિયાન વિચારતો હતો ત્યારે મેવાન દોરડું એના ગળામાં નાખી ચૂક્યો હતો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED