Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 32

" કૉલેજ કેમ્પસ "ભાગ-32

સમય તો જાણે કઈરીતે ઝડપથી પસાર થયે જતો હતો તેની ન તો ક્રીશાને ખબર પડતી હતી ન તો વેદાંશને.... સુખનાં દિવસો ક્યાં પસાર થઈ જાય છે તેની કોઈને પણ ખબર પડતી નથી અને ક્રીશાને હવે સાતમો મહિનો બેસી ગયો હતો તેથી તેના ખોળા ભરતની વિધિ પૂરી કરવાની હતી.

ક્રીશાની મમ્મી ક્રીશાને ડીલીવરી માટે પોતાના ઘરે આવવા માટે કહે છે પરંતુ ક્રીશા પોતાના વેદાંશને તેમજ વ્હાલી પરીને છોડીને પોતાની મમ્મીને ઘરે જવા માટે તૈયાર નથી.

વેદાંશ ક્રીશાને તેની મમ્મીને ઘરે જવા માટે સમજાવે છે અને એમ પણ કહે છે કે, " મારું અને પરીનું ધ્યાન રાખવા માટે અહીંયા પ્રતિમા બેન છે તો તું નિશ્ચિંતપણે ડીલીવરી માટે તારી મમ્મીને ઘરે જઈ શકે છે. " પરંતુ ક્રીશા પોતાની જીદ ઉપર અડીખમ રહે છે અને વેદાંશને કહે છે કે, " વેદ તારા અને પરી વગર ન તો મારો દિવસ ઉગે છે કે ન તો મારી રાત પડે છે અને મમ્મીને ત્યાં હું એકલી પડી જઈશ તેથી હું મમ્મીને ત્યાં જવાની નથી અહીં તમારી બંનેની સાથે જ રહેવાની છું. " વેદાંશ ક્રીશાને તેની જેમ ઈચ્છા હોય તેમ તે કરી શકે છે તેમ જણાવે છે.

ક્રીશાના ખોળાભરત માટે સારો દિવસ અને મૂહુર્ત જોવડાવી લેવામાં આવે છે અને અમદાવાદથી વેદાંશના મમ્મી-પપ્પા તેમજ નાના ભાઈને બેંગ્લોર બોલાવવામાં આવે છે.

ઘરમાં ખૂબજ ખુશીનો માહોલ છવાઈ ગયો છે ઘરમાં એક નાનકડું સુંદર મહેમાન આવવાનું છે તેની તૈયારી ચાલી રહી છે. મરુન કલરની સિલ્કની સાડીમાં ક્રીશા ખૂબજ સુંદર લાગી રહી છે તેનું રૂપ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે વેદાંશની નજર આજે ક્રીશા ઉપરથી હટવાનું નામ લેતી નથી. દિયરને પણ આજે ભાભીના ખોળાભરતની વિધિમાં ભાભીને લાલ લાલ કંકુવાળા હાથ કરીને લાફો મારવાની મજા આવી જાય છે આમ ધામધૂમથી ક્રીશાની ખોળાભરતની વિધિ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે.

સાત મહિના પૂરા થઈ આઠમો મહિનો બેસતાં જ ક્રીશાની તબિયત થોડી બગડતી જાય છે ડૉ. સુધાબેન તેને સંપૂર્ણ આરામ કરવા માટે સમજાવે છે વેદાંશ તેમજ પ્રતિમા બેન ક્રીશાની ખૂબજ કાળજી રાખે છે પરંતુ અચાનક એક દિવસ અડધી રાત્રે ક્રીશાની તબિયત બગડતાં તેને હોસ્પિટલ લઈ જવી પડે છે.

ડૉક્ટર સુધા બેન વેદાંશને જણાવે છે કે, " ક્રીશાની હાલત થોડી ગંભીર છે અને માટે તાત્કાલિક સીઝેરિયન ઓપરેશન કરીને બાળક ઉપરથી લઈ લેવું પડશે. " વેદાંશ ઓપરેશન માટેની સંમતિના પેપર ઉપર સાઈન કરે છે અને ક્રીશાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે. ડૉ. સુધાબેને ઓપરેશનની બધીજ તૈયારી કરી દીધી છે. વેદાંશ તેમજ ક્રીશાના મમ્મી-પપ્પા અને તેની મોટી બેન ઓપરેશન થિયેટરની બહાર ડૉક્ટર સુધાબેન શું ખુશ ખબર આપે છે તે રાહ જોતાં બેઠા છે.

ક્રીશા તેના જેવીજ એક સુંદર બાળકીને જન્મ આપે છે જે આઠમા મહિને એટલે કે અધુરા મહિને જન્મ થવાને કારણે થોડી વીક છે અને તેથી તેને તરત જ બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં તેને કાચની પેટીમાં રાખવામાં આવે છે ઓપરેશન દરમ્યાન ડૉ. સુધાબેનથી અજાણપણે ક્રીશાના શરીરના અંદરના ભાગની કોઈ નસ એવી કપાઈ જાય છે જેને કારણે તેને ખૂબજ બ્લીડીંગ ચાલુ થઈ જાય છે જે ડૉક્ટર સુધાબેનના ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ બંધ થતું નથી તેથી ક્રીશાની હાલત વધુ ગંભીર બની જાય છે. ડૉક્ટર સુધાબેન પણ ચિંતામાં મૂકાઈ જાય છે આખીયે હોસ્પિટલમાં દોડાદોડ થઈ જાય છે
ક્રીશા જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.વેદાંશને આ વાતની જાણ થતાં જ તે પણ પાગલ જેવો થઈ જાય છે અને તેનું દિલોદિમાગ કામ કરતું બંધ થઈ જાય છે.

ડૉ. સુધાબેનને લાગે છે કે હવે આ કેસ મારાથી હેન્ડલ નહીં થઈ શકે. કદાચ, આ પેશન્ટના શરીરમાંથી વધારે પડતું લોહી વહી જશે તો તે અહીંયા ને અહીંયા આ ઑપરેશન થિયેટરમાં જ એક્સપાયર્ડ થઈ જશે એટલે તે તરત જ દોડીને બહાર આવે છે અને વેદાંશને કહે છે કે આપણે મીસીસ ક્રીશાને કોઈ સારી મલ્ટીસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં ખસેડવી પડશે અને વેદાંશ તેમજ ક્રીશાના પપ્પા સાથે મળીને તરતજ ડીસીસન લઈ લે છે અને તેને શહેરની ફર્સ્ટ નંબરની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેને આઈ સી યુ માં રાખવામાં આવે છે અને ત્યાં તેની તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવે છે.

પ્રતિમાબેન, ક્રીશાના મમ્મી-પપ્પા તેની મોટી બહેન તેમજ વેદાંશના મમ્મી-પપ્પા વેદાંશને ખૂબજ હિંમત આપે છે પરંતુ ક્રીશાની તબિયતને લઈને વેદાંવ ખૂબજ ગંભીર બની જાય છે તેનું દિવસનું ચેન અને રાતની ઊંઘ પણ ઉડી જાય છે.

ક્રીશા પરીને વેદાંશને તેમજ તેની નાની બાળકીને અહીં આમ એકલા અટુલા છોડીને કોઈ અલગ દુનિયામાં ચાલી તો નહીં જાય ને ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/6/2022