રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતો નથી.ચમન ચંચપરાની ટીકીટ કપાયા પછી પક્ષમાં બળવો કરવાનું વલણ એણે અપનાવ્યું હતું.પણ રણછોડે હુકમચંદને ઠેકાણે પાડ્યો એને કારણે ધરમશી ધંધુકિયાએ ચમન નીચેની ધરતી ગરમ કરી દીધી હતી.
રણછોડે હુકમચંદને ઉઠાવતા તો ઉઠાવી લીધો પણ ત્યારબાદ જે હોબાળો મચ્યો એને કારણે એ ફસાયો હતો.સાપે દેડકું ગળ્યું હોય એવો ઘાટ રણછોડનો થયો હતો. હવે જો હુકમચંદને જીવતો છોડી મુકાય તો ઘવાયેલા વાઘની માફક હુકમચંદ રણછોડનો ઘડો લાડવો કર્યા વગર રહે નહીં.એટલે ના છૂટકે હુકમચંદનું કાટલું કાઢવુ જ પડે એમ હતું.
પોતાના ફોન ટેપ થવાની બીકે એ ખુમાનસંગને પશવાના ફોનમાંથી જ ફોન કરતો હતો.અને કામ સીવાય ઘરની બહાર પણ નીકળતો નહોતો.કારણ કે એ જાણતો હતો કે પોલીસ એના પર નજર રાખતી જ હશે.
રણછોડની એ બીક સાચી હતી.સોંડાગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી નવા આવેલા પીઆઈ નરેશ રાજાણી પર આ કેસ ઉકેલવાનું ભારે દબાણ કરવામાં આવ્યું હતું.નરેશ રાજાણી એક બાહોશ પોલીસ અધિકારી હતો. રણછોડની ધારણા મુજબ જ બે કોન્સ્ટેબલ એણે રણછોડની પાછળ મુક્યા હતા.અને આ વિસ્તારના છાપેલા કાટલા જેવા ગુનેગારોની ફાઇલ એણે ખોલી હતી.
ખુમાનસંગ રીઢો ગુનેગાર હતો અને અપહરણના કેસોમાં સંડોવાયેલો હોવાનું ધ્યાનમાં આવતા,પીઆઈ રાજાણીએ ખુમાનસંગના છેલ્લા એક મહિનાના કોલ રેકોર્ડ કઢાવ્યા હતા.પણ ચાલાક રણછોડ કોઈપણ મેલી મથરાવટીવાળા લોકો સાથે ક્યારેય ફોન પર વાત કરતો જ નહોતો. હુકમચંદને ઉઠાવવાનો કોન્ટ્રાકટ પણ એણે રૂબરૂ મળીને જ આપ્યો હતો. એટલે રણછોડનો કોઈ કોન્ટેક આવા કોઈપણ લોકો સાથે હતો નહિ.
છતાં રાજાણીના કોન્સ્ટેબલો નાથુ અને જોરાવરે પશવા અને રણછોડની લિંક પકડી હતી.એ લિંકને આધારે પશવાનો સંપર્ક ખુમાનસંગ સાથે હતો એ ધ્યાનમાં આવ્યું હતું.
રાજાણીએ પશવાના કોલ રેકોર્ડ કઢાવ્યા ત્યારે એને ખ્યાલ આવી જ ગયો હતો કે પશવો ખુમાનસંગ સાથે સંપર્કમાં છે.પશવા જેવો અડધા આંટાનો માણસ ખુમાનસંગ જેવા રીઢા ગુનેગાર સાથે શું સબંધ ધરાવતો હોય એ જાણવા પશવાને ઉઠવવામાં આવ્યો હતો. જોરાવરના ડાબા હાથની એક જ ફેંટ પડતા પશવાએ વટાણા વેરી નાંખ્યા હતા.
ખુમાનસંગે પશવાને ફોન કર્યો ત્યારે પશવો પોલીસ કસ્ટડીમાં જ હતો.ખુમાનસંગે સીધું જ રણછોડનું નામ લીધું એટલે ચિત્ર સાફ થઈ ગયું હતું.રાજાણીને એક ને એક બે કરતા વાર લાગી નહોતી.ખુમાનસંગ રણછોડનો સંપર્ક કરે એ પહેલાં એણે જોરાવર અને નાથુને ખુમાનસંગ પાછળ લગાડી દીધા હતા.જેથી હુકમચંદને સલામત છોડાવી શકાય.પણ ખુમાનસંગને એના સંપર્કો દ્વારા ગમે ત્યારે એના ઘેર જ જાન આવી શકે છે એ જાણવા મળી ગયું હતું. એટલે એ સતર્ક થઈ ગયો હતો.પણ રણછોડને ફોન કરવાની ભૂલ એ કરી બેઠો હતો.
જોરાવર અને નાથુને પોતાની પાછળ આવતા જોઈ લીધા પછી એ બાવળની ઝાડીમાં સંતાયો હતો.એની ધારણા મુજબ જ પેલા બેઉ એની પાછળ આવ્યા હતા.અને બાવળની ઝાડીમાં ખેલ શરૂ થયો હતો.
જોરાવરની પીઠમાં વાગેલા પથ્થરને કારણે એ બોલી શકતો નહોતો.નાથુના બુટ પર પથરો વાગ્યો હોવા છતાં એ જોરાવરને એક બાવળના જાડા થડ પાછળ ખેંચી ગયો હતો.
ખુમાનસંગે જગ્યા બદલીને ફરીવાર પથ્થરમારો શરૂ કર્યો.આ વખતે નાથુના માથાનું નિશાન લઈને એણે ગડબો ઝીંક્યો. એ ગડબાએ નાથુનું માથું ફોડયું હતું. ખુમાનસંગ ધારે તો બંનેને પતાવી દઈ શકે એમ હતો પણ એ માત્ર બંનેને ભગાડવા માંગતો હતો.
નાથુનું માથું ફૂટ્યું એટલે નાથુ અને જોરાવર ગાળો બોલવા લાગ્યા.ખુમાનસંગ એ ગાળો સાંભળીને પણ ચૂપ રહ્યો હતો. અને થોડી થોડી વારે પથ્થર મારીને સંતાઈ જતો હતો. આખરે બંને ઝાડીમાંથી ભાગ્યા હતા. રોડના ખાળીયામાં મૂકેલું હોન્ડા લઈને એ રોડ પર ચડી ગયા પછી તરત જ ખુમાનસંગ પાછો ફર્યો હતો.જોરાવર અને નાથુએ કોણ હતા એ ખુમાનસંગ જાણતો નહોતો. પથ્થરના ઘા વાગવા છતાં એ લોકોએ મદદ માટે પોલીસને ફોન કર્યા વગર નાસી ગયા હતા.ત્યારબાદ ખુમાનસંગ એનું રાજદૂત લઈને બીજી કેડીએથી એ ગોડાઉન પર પહોંચ્યો હતો.
હુકમચંદને રાખવામાં રહેલું જોખમ હવે ખુમાનસંગને ખૂબ વધી ગયેલું જણાતા અંધારી ઓરડીમાંથી એને બહાર કાઢ્યો હતો.
"ખુમાનસંગ, મને જવા દે.હું તારું નામ કોઈને નહિ આપું.મને ખબર છે, રણછોડીયાએ જ તને મારી સોપારી આપી છે.હું તને માલામાલ કરી દઈશ, યાર તું મને છોડી દે.." સાવ માંદલો થઈ ગયેલો હુકમચંદ બે હાથ જોડીને ખુમાનસંગને કરગરી પડ્યો.પણ ખુમાનસંગ જાણતો હતો કે હવે પરિણામ સારું આવવાનું નથી.
"હુકમચંદ, હવે તો તારે મરવાનું ફાઇનલ સે. કાણકે તને જીવતો જાવા દવ તો તું મન નો સોડે.મારી ખાલ ઉતર્યા વગર તું શીનો રેય. અતારે તું ભલે હાથ જોડીને પગે પડતો હોય પણ જેવો હું સોડી મુકું ઈ ભેગો તું મને પકડાવ્યા વગર નો રેય.તને મારી નાખવાનું તો મને'ય નથ ગમતું પણ હું થાય ! ધંધો ઈ ધંધો સે.અટલે તું તારા જે કોય ભગવાન હોય ઈને હંભારી લે.હાલ્ય મારો ભાય, મરવા તિયાર થઈ જા, મારા વાલા..!" ખુમાનસંગે એક રસ્સી લઈને ગાળિયો તૈયાર કરતા કહ્યું.
ખુમાનસંગની વાત સાંભળીને હુકમચંદ જમીન પર બેસી પડ્યો. ખુમાનસંગે એક ટેબલ પર ચડીને ઊંચી લોખંડની એંગલ
સાથે બાંધેલી ગરગડીમાં રસ્સીનો એક છેડો નાખીને નીચે સરકાવ્યો.એ ટેબલ આઠેક ફૂટ ઊંચું હતું. હુકમચંદને સમજતા વાર લાગી નહિ કે ખુમાનસંગ એને ફાંસી આપવાની તૈયારી કરી રહ્યો છે. મોતને નજર સામે જોઈને પળભર હુકમચંદના ગાત્રો થીજવા લાગ્યા. એ ગોડાઉનમાં અનેક વસ્તુઓ પડી હતી. હુકમચંદ બેઠો હતો એનાથી થોડે દુર જ લોખંડનો એક પાઈપ પડ્યો હતો.એ જોઈને એના મોં પર સ્મિત આવી ગયું. મોતને હાથતાળી આપવાની એક તક તો ઈશ્વર આપતો જ હોય છે.એ તક નજર સામે આવેલી જોઈને હુકમચંદે હતું એટલું બળ એકઠું કર્યું.મોત સામે આવી જાય ત્યારે કદાચ માણસના શરીરમાં બચવા માટે ગમે ત્યાંથી તાકાત ફૂટી નીકળતી હશે. દિવસો સુધી રિબાયેલો અને ભૂખ્યો તરસ્યો હોવા છતાં હુકમચંદ ઉભો થયો.એ પાઈપ ઉઠાવીને આઠ ફૂટ ઊંચે ટેબલ પર ચડેલો ખુમાનસંગ કંઈ સમજે એ પહેલાં જ હુકમચંદે ટેબલને ધક્કો માર્યો.
ખુમાનસંગના હાથમાં રહેલી દોરી ગરગડીમાંથી સરકી.પગ નીચેથી ટેબલ સરકી જતાં એ નીચે પડ્યો.હુકમચંદ બે ડગલા પાછળ ખસ્યો.નીચે પડેલો ખુમાનસંગ ગંદી ગાળ બોલીને ઉભો થાય એ પહેલાં હુકમચંદે એ પાઈપ એના માથામાં ઝીંક્યો.
લોખંડના વજનદાર પાઈપ માથામાં ઝીંકાયો એ સાથે જ ખુમાનસંગને તમ્મર આવી ગયા.આંખ આગળ અંધારું ફરી વળ્યું. હુકમચંદ જીવ પર આવી ગયો હતો.ફરી બળ ભેગું કરીને એણે પાઇપ ઉઠાવ્યો.ખુમાંને કળ વળે એ પહેલાં જ પડેલા બીજા ઘાએ એનું માથું ફાટી ગયું.એ ઢળી પડ્યો,એના માથામાંથી લોહીના ઘળકા નીકળતાં હતા.
હુકમચંદના પગમાં હવે જોર આવ્યું હતું. પાઇપ ફેંકીને એ ગોડાઉનના શટર તરફ આગળ વધ્યો. શટર આગળ આવીને શટર ઊંચું કરવા એણે બળ કર્યું પણ એટલી તાકાત એના શરીરમાં હતી નહિ.
એ જ વખતે એ શટર બહાર કોઈના પગરવ સંભળાયા.બીજી જ પળે બહાર ઉભેલા લોકોએ શટર ઊંચક્યું.બહારથી આવેલા પ્રકાશથી હુકમચંદની આંખો અંજાઈ ગઈ.સામે ઉભેલા લોકોને ઓળખવા પ્રયત્ન કરતો હુકમચંદ બેહોશ થઈને ઢળી પડ્યો.
*
"ટેમુ, તને થશે કે હું કોઈ બીજા છોકરાને લવ કરતી જ હતી તો પછી શું કામ સગાઈ થવા દીધી.મેં એ વખતે જ ભાગી જવાનો નિર્ણય કેમ ન લીધો.." નીનાએ રમુના રૂમમાં બેઠક લઈને વાતની શરૂઆત કરતા કહ્યું.
"હા, હું એ પૂછવાનો જ હતો.પણ મને થયું કે પહેલા તારી વાત સાંભળી લઉં. હવે તું એ બધા જ સંભવીત સવાલોના જવાબ મળી રહે એ પ્રમાણે જ વાત કરવા મંડ." ટેમુએ આતુરતા બતાવી.
"કોલેજના સેકન્ડયરમાં હતી ત્યારે હોસ્ટેલમાંથી અમે ત્રણ ફ્રેન્ડસ ઈંગ્લીશ પિક્ચર જોવા, અમારી હોસ્ટેલમાંથી છેક એસજી હાઇવે પર આવેલા મલ્ટિપ્લેક્સમાં ગઈ હતી. એ દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, એસ જી હાઇવેથી મણિનગર આવવા અમે રાત્રે આઠ વાગ્યે રીક્ષાની રાહ જોતા રોડ પર ઉભા હતા પણ કોઈ રીક્ષા જ આવતી ન હતી.અમે 5 થી 7 નો શો લીધો હતો એટલે પિક્ચર જોઈને પીઝા ખાવા ગયા હતા.એ બધું એન્જોય કરીને હોસ્ટેલ જવા નીકળ્યા ત્યારે રાતના સાડા આઠ થઈ ગયા હતા. વરસાદ ધોધમાર પડી રહ્યો હતો અને વીજળીના કડાકા થઈ રહ્યાં હતાં. અમે હોસ્ટેલ પર કોલ કરીને રેક્ટરદીદીને અમારી સ્થિતિની જાણકારી આપી ત્યારે એમણે દસ વાગ્યા પહેલા પાછું આવી જવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.રવિવારે અમને લોકોને બહાર જવાની પરમિશન મળતી. અને એ પણ જે છોકરીઓ શાંત અને ભણવાવાળી જ હોય અને બે ત્રણ ફ્રેન્ડ સાથે હોય તો જ.
રેક્ટર માલાદીદી સાથે અમારે ખૂબ ભડતું. એટલે અમને તે દિવસે એમણે છૂટ આપી હતી.પણ તે દિવસે એવું બન્યું હતું કે ત્યાર પછી અમને હોસ્ટેલમાથી બહાર નીકળવા પર કાયમ માટે પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો.
જો કોઈ રીક્ષા કે સીટીબસ મળી ગઈ હોત તો અમે આરામથી દસ વાગ્યા પહેલા હોસ્ટેલ પહોંચી ગયા હોત.એ દિવસે કોણ જાણે કેમ એસજી હાઇવેના રૂટની સીટીબસો બંધ હતી. વરસાદ ન હોત તો કંઈ વાંધો આવ્યો ન હોત, પણ તે દિવસે પડેલો વરસાદ મારા માટે એક રીતે ફાયદાકારક અને બીજી રીતે નુકસાનકારક નીવડ્યો હતો.મોડું થઈ જવાનો ડર ન હોત તો એ વરસાદની મજા અમે જરૂર લીધી હોત.
અમે મલ્ટીપ્લેક્સના બહારના ભાગમાં છાપરા નીચે ઉભા રહીને અમે થાક્યા હતા. વરસાદની ઝાપટ લાગવાથી અમે થોડા થોડા ભીંજાયા હતા.થાકીને અમે ફરી રેસ્ટરન્ટમાં ઘુસ્યા હતા. ત્યાં આવેલી પીઝાહટમાંથી લગભગ મોટાભાગના ગ્રાહકો ચાલ્યા ગયા હતાં. એક ટેબલ પર અમે ત્રણ જણી વરસાદ થોભવાની રાહ જોઈને બેઠી હતી."
"હા પણ હવે આગળ શું થયું એ કહે ને ! તું ખોટું લાબું લાબું કરમાં. અમારે કોઈ નવલકથા નથી સાંભળવી!" ટેમુ અકળાયો.
ટેમુની આતુરતા જોઈ નીના હસી પડી, "તું એમ ઉતાવળ ના કર યાર, મને મારી રીતે કહેવા દે.નકર હું નથી કહેવાની જા."
"અલ્યા ભઈ હાલતું'તું ઈમ હાલવા દે ને બાપા ! વચ્ચે તું આમ ડુંભાણા કર્યમાંને." રમુ પણ રસભંગ થયો હતો.
"સારું હાંકય હવે,પણ જલ્દી ઈવડો ઈ કોણ છે ઈ કે'જે." કહી ટેમુ તકીયાને ટેકે લાંબો થયો.
"ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો હતો. વરસાદનું જોર મિનિટે મિનિટે વધી રહ્યું હતું. જો દસ વાગ્યા પહેલા અમે હોસ્ટેલ પહોંચીએ નહિ અને કોઈને ખ્યાલ આવી જાય તો અમને તો ઠીક પણ માલાદીદીનું પણ આવી બને તેમ હતું.આખરે અમે ચાલતા જ જવાનો નિર્ણય કર્યો.અમે જેવા બહાર નીકળ્યા કે તરત જ એક જણ અમારી પાછળ આવ્યો હતો.
"એક મિનિટ.." એ જરા ઉતાવળો ચાલીને અમારી પાસે આવીને બોલ્યો, "હું ક્યારનો તમને લોકોને જોઈ રહ્યો છું. મને લાગે છે કે તમારે હોસ્ટેલ જવાનું છે પણ વરસાદને લીધે રીક્ષા નથી મળતી. એમ આઈ રાઈટ ?''
એના ઘૂંઘરાલા વાળમાં એનો ગોરો ચહેરો સુંદર લાગતો હતો. ઊંચો અને પાતળો એ છોકરો પણ થોડો ભીંજયો હતો.પહેલી જ નજરે નજરમાં વસી જાય એવો એ હેન્ડસમ હતો, પણ એમ કોઈ અજાણ્યાની મદદ લેવામાં મને જોખમ લાગતું હતું.
"એવું કંઈ નથી. અમારે કોઈ મદદની પણ જરૂર નથી. સહાનુભૂતિ બતાવવા બદલ આભાર મિસ્ટર..." મેં કહ્યું.
"જિગર સોલંકી..! ઓકે નો પ્રોબ્લેમ.હું ઘર માટે પીઝા લેવા આવ્યો છું.તમને લોકોને જોયા એટલે મને લાગ્યું કે તમે અટવાઈ ગયા હશો.લો આ મારું કાર્ડ રાખો, વરસાદ બંધ થાય એમ લાગતું નથી અને હું અહીં નજીકમાં જ રહું છું. તમે ઇચ્છો તો હું મારી કાર લઈને તમને લોકોને તમારી હોસ્ટેલ પર મૂકી જઈશ.બાય ધ વે,આપણે ભલે એકબીજાને ઓળખતા નથી પણ હું ગમેં તેને મદદ કરવા તૈયાર જ રહું છું..!" કહી એનું વિઝીટિંગ કાર્ડ મારા હાથમાં પકડાવીને એ ઘૂંઘરાળો પીઝાહટમાં પીઝા લેવા જતો રહ્યોં.
"કેટલો હેન્ડસમ છે નહીં ? આવો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય..લાવ તો અલી મને કાર્ડ તો જોવા દે..!" મારી ફ્રેન્ડ લીનાએ મારા હાથમાંથી કાર્ડ આંચકી જ લીધું.
"આવા લોકો મદદ કરવાને બહાને સબંધો વિકસાવવા માંગતા હોય છે,આપણે એવી કોઈ મદદની જરૂર નથી.હમણાં કઈંક વ્યવસ્થા થઈ જશે." કહીને મેં, ન જાણે શા માટે એ કાર્ડ પાછું લઈને મારા પર્સમાં મૂકી દીધું.
બીજો અડધો કલાક વીતી જવા છતાં વરસાદ અટકવાને બદલે વધુ જોરમાં વરસવા લાગ્યો.દસેક મિનિટ પછી માલાદીદીનો ફરીવાર ફોન આવ્યો. એમણે ટેક્ષી ભાડે કરીને જલ્દી હોસ્ટેલ આવી જવા કહ્યું.અમારી પાસે ટેક્ષી ભાડે કરી શકાય એટલા પૈસા તો હતા નહિ તેમ છતાં હોસ્ટેલ જઈને આપી દેવાશે એવું વિચારીને અમે ટેક્ષી શોધવા ટ્રાય કરી.પરંતુ કોઈ ટેક્ષી પણ અમને મળે એવું લાગતું નહોતું. આખરે મારી ફ્રેન્ડે પેલા ઘુંઘરાલા જિગરની મદદ લેવાનું સૂચવ્યું.
મેં કમને એનું કાર્ડ પર્સમાંથી કાઢ્યું.
પહેલી જ રીંગે એણે ફોન ઉપાડ્યો, "મને ખબર જ હતી કે તમારો ફોન આવશે જ ! આવા ધોધમાર વરસાદમાં તમને કોઈ વાહન મળશે નહી.ચાલો હું પાંચ મિનિટમાં જ આવ્યો..!" કહી એણે ફોન કટ કર્યો. હું એક શબ્દ પણ બોલી નહોતી.ફોન મેં જ કર્યો છે એવું એ જીગરનો બચ્ચો કઈ રીતે જાણી ગયો હશે એ આશ્ચર્ય શમે એ પહેલા તો એક લાલ કલરની BMW આવીને અમારી પાસે ઉભી રહી.એણે કાચ ખોલીને અમને અંદર બેસી જવા કહ્યું.લીના આગળ બેસવા જતી હતી પણ મેં એને ધક્કો મારીને પાછળ મોકલી..!
રસ્તા પર ભરાયેલા પાણીમાં એ સરળતાથી કાર ચલાવવા લાગ્યો. કારની અંદર મસ્ત ખુશ્બુ આવતી હતી.અને મારું પ્રિય સોંગ "તું નજમ નજમા સા મેરે હોઠો પે ઠહર જા...મેં ખ્વાબ ખ્વાબ સા તેરી આંખોમે જાગુ રે... એ.." વાગતું હતું.કારની અંદરનું વાતાવરણ એકદમ માદક હતું.હું પલવાર એની સામે જોઈ રહી.
"હોસ્ટેલનું એડ્રેસ આપો તો ખબર પડે કે કઈ તરફ જવાનું છે..?" એ મારી આંખોમાં જોઈને મીઠું હસ્યો હતો. પાછળ બેઠેલી લીના અને સ્મિતા ઈર્ષાથી સળગી રહી હતી.
હું એના મીઠા સ્મિતથી જાણે કે સાવ અંજાઈને હિપ્નોટાઇઝ થઈ ગઈ હોઉં એમ અવાચક બનીને એની આંખોમાં તાકી રહી.એ પણ ક્ષણભર મને જોઈ રહ્યો.
"આનંદી લેડીઝ હોસ્ટેલ, મણિનગર રેલવે સ્ટેશનની સામે જ છે. મિસ્ટર તમે રોડ પર જોઈને ચલાવશો તો ઠીક રહેશે...!" લીનાડીએ જોરથી કહ્યું.
"ઓહ સોરી..હું તો એડ્રેસ પૂછી રહ્યો હતો, પણ આમણે કંઈ જવાબ આપ્યો નહિ.ચાલો મને ખ્યાલ આવી ગયો છે.હું તમને લોકોને જલ્દી જ તમારા ઠેકાણે પહોંચાડી દઈશ. તમને લોકોને કદાચ બહુ નવાઈ લાગતી હશે કે શા માટે હું ઘરનું પેટ્રોલ બાળીને તમને મુકવા આવી રહ્યો છું.અને એ પ્રશ્ન થાય જ.આમ તો થવો જ જોઈએ.હરકોઈને નવાઈ તો લાગે જ.તમારી જગ્યાએ હું હોઉં તો મને પણ નવાઈ લાગે.પણ જો હું તમારી જગ્યાએ હોઉં તો મને કોઈ મુકવા ન આવે હો..હેહેહે." કહી એ હસી પડ્યો.
"હા ભઈ, અમને તો બહુ મોટી નવાઈ લાગી છે, આ સ્મિતાડીની સાઈઝ કરતા ત્રણગણી નવાઈ લાગી છે.એ નવાઈના ભાર નીચે દબાઈને હું તો શ્વાસ પણ માંડ માંડ લઈ રહી છું.અને તમારી બાજુમાં બેઠી છે એ નીનાને એટલી બધી નવાઈ લાગી છે કે એની બોલતી જ બંધ થઈ ગઈ છે..!" લીનાએ જાડી સ્મિતા તરફ ઈશારો કરીને મીરરમાં દેખાતા જીગરના પ્રતિબિંબ સામે જોઇને કહ્યું.
"ઓહો એમ વાત છે.તો મારી બાજુમાં બેઠા છે એમનું નામ નીના અને તમારી બાજુમાં બેઠા છે એ સ્મિતા છે.પણ તમારું નામ તો તમે લેવાનું જ ભૂલી ગયા જે શું ? ઘણા લોકોને આવું થતું જ હોય છે.પેલું કિશોરકુમારનું ગીત નથી ?" કહી એણે ગીત લલકાર્યું,
"સુનતા રહા.. મેં ઓરો કી કહી..મેરી બાત મેરે મનમે હી રહી..ઘુંધુરું કી તરહ બજતા હી રહા હું મેં..એ.."
એનો અવાજ એકદમ સુરીલો હતો.કિશોર કુમારનું એ ગીત મેં ઘણીવાર સાંભળ્યું હતું. ચોર મચાયે શોર પિક્ચરમાં એ ગીત પડદા પર શશીકપુર ગાય છે અને આ જીગર લગભગ એ શશી કપુર જેવો જ દેખાતો હતો.
"વાહ તમારો અવાજ તો બહુ જ સુંદર છે." હું ખુશ થઈને બોલી.
"થેન્ક્સ...!" કહી એણે મારી સામે જોયું. કારમાં કોઈ લાઈટ નહોતી છતાં એટલો અજવાશ તો હતો જ.કારના વાઈપર ખૂબ ઝડપથી ફરી રહ્યા હતા અને એટલી જ ઝડપથી મારા દિલની ધડકન પણ ચાલી રહી હતી.
"મારું નામ જણાવવાની મને બહુ જરૂર લાગતી નથી,છતાં તમારી ઈચ્છા હોય તો જણાવી દઉં છું.." લીનાએ કહ્યું.
"રહેવા દે ને..અમારા બંનેના નામ તેં કહી દીધા છે એટલે ચાલશે. એ મિસ્ટરને તારું નામ જાણવાની કોઈ ઈચ્છા હોય એવું લાગતું નથી અને જરૂર પડશે તો અમે જ જણાવી દેશું." જાડી સ્મિતાએ જોરથી હસીને લીનાને એનું નામ જણાવતી અટકાવી.
"સ્મિતાની વાત બરાબર છે.છતાં લે હું આમને પૂછી લઉ કે તારું નામ નહિ આપીએ તો ચાલશે કે કેમ ?" કહીને હું જોરથી હસી.
લીનાએ એનો હાથ લાંબો કરીને મારા ગાલે ચીમટો ભરી લીધો.
"ચાલશે..બે નામ તો ઘણા.આમ તો 'બેનામ' ભેગુ બોલીએ તો 'નામ વગરનું' એવો અર્થ થઈ જશે.તમે બેનામ બાદશાહ એવો શબ્દ પણ કદાચ સાંભળ્યો હશે.એટલે ભલે એ મેડમ એમનું નામ આપી દેતા.." જીગર પણ ઓછો ન હતો.
"બેનામ નહિ પણ બેતાજ બાદશાહ હોય. તમે પણ ખરા છો યાર.." મેં કહ્યું. હવે મને મજા આવતી હતી.
"તો સાંભળો મારું નામ લી...."
લીના આગળ બોલે એ પહેલાં જ સ્મિતાએ એનું મોં દબાવી દીધું, "અલી કહ્યું તો ખરા કે હવે તારું નામ આપવાની જરૂર નથી. એકાદું નામ તો આપણે બચાવીને રાખવું પડે કે નહીં ? હોય એટલું બધુ જ ન આપી દેવાય.બરાબર કહ્યુંને, મિસ્ટર જીગર...?"
"ઓહ..યસ. એ પણ સો ટકા સાચી વાત છે.તો નો પ્રોબ્લમ, એ મેડમનું નામ નહિ મળે તો પણ મારી કાર કંઈ બંધ નથી થઈ જવાની.તો હું તમને એમ કહી રહ્યો હતો કે શા માટે હું તમારા લોકોની મદદ કરી રહ્યો છું.તમે ગર્લ્સ લોકોને આમ તો મારી જેવા સાવ અજાણ્યા યુવક પાસે આવી રીતે મદદ લેતાં જરૂર સંકોચ થયો હશે.અને કેમ ન થાય ? આજકાલ છોકરાઓનો વિશ્વાસ કરવા જેવુ જ નથી. તમે ન્યૂઝપેપર વાંચતા જ હશો.કેટકેટલા બનાવો બની રહ્યાં છે.આમાં કોણ પછી વિશ્વાસ કરે હેં ? ન જ કરે ને. કેટલાક નાલાયક છોકરાઓને કારણે મારી જેવા પરગજુ અને ગુડબોયઝનો પણ કોઈ વિશ્વાસ ન કરે ને ! આતો સારું થયું તમને મને વિશ્વાસ મુકવા લાયક સમજ્યા. એટલે હું તમને મદદ કરી શક્યો. એ બદલ હું આપનો આભાર માનું છું..!''
"અરે..અરે..આભાર તમારે નહિ અમારે માનવો જોઈએ.અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ." મેં એકધારૂ બકયે જતા જીગરને અટકાવીને કહ્યું.
"હવે તો તારો હાથ હટાવી લે સાલી જાડી, મારું નામ લીના છે એ તમારે આ મિસ્ટરને ન કહેવું હોય તો હું નહિ કહું,પણ તું તારો હાથ મારા મોઢા પર મુકતી નહિ. આજે પણ નથી નાહીને ? સાલી આળસુ ! દૂર બેસ તું..કેટલી વાસ આવે છે તારા બોડીમાંથી..!" લીનાએ સ્મિતાને કોણી મારીને એનો હાથ મોં પરથી હટાવ્યો. અને એનું નામ બોલી જ ગઈ.
"ઓહ..વાસ આવે છે ? એક મિનિટ..હું પરફ્યુમ સ્પ્રે કરી આપું." કહી જીગરે મારા પગ પાસેના ડેશબોર્ડનું ખાનું ખોલવા હાથ લંબાવ્યો.
"કંઈ જરૂર નથી યાર..એ મજાક કરી રહી છે.તમે કાર ચલાવોને.." કહી મેં એની હાથ પકડી લીધો. મારા રોમરોમમાં જાણે જે કોઈ કરંટ દોડી ગયો.
પાછળની સીટમાં લીના અને સ્મિતા લડી રહી હતી.જીગરનું મોં અને કાર સતત ચાલી રહ્યાં હતાં.."
(ક્રમશ :)