MOJISTAN - 91 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 91

મોજીસ્તાન (91)

તાત્કાલિક ગામ છોડવું પડે એમ હોવાથી ટેમુએ ઝડપથી વિચારવા માંડ્યું હતું.વાલાકાકાના ઘરના ફળિયામાં ઉતરતી વખતે ટેમુએ ક્યાં જવું એ વિચારી લીધું હતું. હાલ તુરંત તો એઇટી લઈને ભાગવા સિવાય છૂટકો નહોતો.કારણ કે રાતના નવ વાગી ગયા હતા એટલે હવે કોઈ વાહન મળે એમ હતું નહીં.

નીનાને બસ સ્ટેન્ડ તરફ જવાનું કહી ટેમુએ ટોળાનું ધ્યાન ન જાય એમ સિફતથી એનું બજાજ 80 ખેંચીને બજારે લીધું હતું.પણ કીક મારવા જતા ટોળામાંથી એક બે જણનું ધ્યાન ટેમુ પર પડ્યું હતું.

પણ ટેમુએ ઘડીકનોય વિલંબ કર્યા વગર એઇટી બસસ્ટેન્ડ તરફ ભગાવ્યું હતું. ગામની એ બજાર ગામમાંથી બહાર નીકળીને સડક ને મળતી હતી.નીના એનો થેલો લઈને સડક સુધી પહોંચી ત્યારે ટેમુએ લીવર આપીને સડકનો ઢાળ ચડાવ્યો હતો.બીજી જ પળે નીના એઇટી પાછળ બેઠી ત્યારે ટેમુએ ગામની બજારને નજરમાં આવરી લઈ ટેમુએ એઇટીને ગેરમાં નાંખીને લીવર આપ્યું હતું. હ્રઉંમ..હ્રઉંમ.. હ્રઉંમ..કરતું એઇટી સીધી સડક પર ફૂલ સ્પીડે ઉપડ્યું. બસસ્ટેન્ડ વટાવીને થોડે આગળ જઈ ટેમુએ ધંધુકાનો માર્ગ લીધો હતો.

"આપણે ક્યાં જવું છે ટેમુ ?" નીનાએ ટેમુ ફરતે હાથ વીંટાળ્યા હતા.

"અત્યારે આ એઇટી લઈને આપણે ધંધુકા જઈએ.મારો એક મિત્ર છે એ આપણને એક બે દિવસ સાચવી લેશે. એ દરમ્યાન આપણે આગળનો પ્લાન તું કહે એ મુજબ બનાવીશું. નીના તારા દિમાગમાં શું ચાલે છે એ હું ન સમજુ એટલો બધો ડફોળ નથી. મને ક્યારેય લાગ્યું નથી કે તું મને ચાહતી હોય.આ બધું નાટક કર્યા વગર સીધુ જ તેં મને કહ્યું હોત તો કમસે કમ આપણા બાપાઓને દાંડિયા રાસ રમવાનો વારો ન આવત યાર !"

ટેમુની વાત સાંભળીને નીના મૂંગી થઈ ગઈ. બપોરે જ્યારે એણે ટેમુને પ્રપોઝ કર્યું ત્યારે ટેમુએ કોઈ ઉમળકો દાખવ્યો નહોતો.ટેમુ એનો દોસ્ત હતો,છતાં નીના એને દિલની વાત કહી શકે એમ નહોતી.પણ આ ટેમુડો બધું જ કેવી રીતે સમજી ગયો હશે ?

"દોસ્ત હોય એ દોસ્તના દિલમાં ચાલતી નાની અમથી વાત પણ પકડી પાડે છે સમજી ? તું મને ઉલ્લુ બનાવવાની કોશિશ ન કર. તારે ક્યાં જવું છે એ કહી દે, હું તને તારા પ્યાર સુધી ન પહોંચાડું તો મારું નામ ટેમુ નહિ.ગઈકાલથી તે આદરેલું નાટક હું સમજી ગયો છું.તારે કોઈપણ હિસાબે ભાગવું હતું,પણ એકલા ભાગવાની તારી હિંમત નથી.એટલે દોસ્તને ઉલ્લુ બનાવ્યો, કારણ કે પછી તું મને સમજાવવાની હતી.તને ખાત્રી છે કે તું સમજાવીશ એટલે હું સમજી પણ જઈશ,તારા સમજાવ્યા વિના પણ હું સમજી જાઉં છું.હવે તારે ડરવાની જરૂર નથી.તારો આ ઉલ્લુ દોસ્ત તારી સાથે જ છે. બસ તું હવે તારી કહાની કહેવા માંડ !"
ટેમુએ એઇટી સહેજ ધીમુ પાડ્યું. જેથી હવાના સુસવાટા ઓછા થાય અને એ નીનાની વાત સાંભળી શકે.

"ઓ..વ્હાલા ટેમુ..! તું આટલો હોંશિયાર હઈશ એ હું નહોતી જાણતી.સાચ્ચે જ તું મારી ચાલ જાણી ગયો છો કે ખાલી અંધારામાં તીર મારે છે ?"

"ટેમુ નિશાન લઈને જ તીર છોડતો હોય છે.તું જે કરવા માંગતી હતી એ હું સમજ્યો હતો. એટલે સાંજે સીધું જ તારા ઘેર આક્રમણ કર્યું. મને ખબર જ હતી કે તારા પપ્પા મગજ ગુમાવ્યા વગર રહેવાના નથી. તારી મમ્મીને પણ હું સારી રીતે ઓળખું છું.અને તને પણ.આપણે છેક નાના હતા ત્યારથી ભેગા જ ભણ્યા છીએ અને ભેગા રમીને મોટા પણ થયા છીએ. ત્યારબાદ પણ અવારનવાર મળીએ છીએ. મને ક્યારેય એવું લાગ્યું જ નથી કે તારા દિલમાં મારા પ્રત્યે દોસ્તી સિવાય બીજો કોઈ ભાવ ઉગ્યો હોય ! તું અચાનક મને પ્રેમ કરતી હોવાનું કહે તો હું કેવી રીતે માની લઉ ? ટેમુ કોઈ બજારે પડેલો તંબુરો નથી કે ગમેં તે આવીને બજાવી જાય ! હું તરત સમજી ગયો હતો કે તું કંઈક નવીન કરવા માંગે છે.એટલે મેં પણ નાટક ચાલું રાખ્યું હતું. તું હવે તારા મન પર એવો બોજ ન રાખતી કે બિચારા ટેમુને હું કેવી રીતે મારી હકીકત કહીશ. હું ભલે કંઈ જાણતો નથી, પણ તારા મનમાં કંઈક જુદું જ છે એ મેં તારી આંખોમાં વાંચી લીધું હતું. મેં ભલે કોઈ છોકરીને પ્રેમ નથી કર્યો પણ કોઈ છોકરી કોઈને ચાહતી હોય ત્યારે એની આંખમાં કેવા ભાવ હોય એની સમજ મને પડે છે.લગન ન કર્યા હોય તો કંઈ નહીં પણ જાનમાં તો ગયા છીએ સમજી ? તારે અત્યારે ન કહેવું હોય તો મારો કોઈ આગ્રહ નથી, પણ તું મને માત્ર મદદ માટે સાથે લઈ જઈ રહી છો એની મને ખબર છે.એક દોસ્તને નાતે હું તને સદેવ મદદ કરવા તૈયાર છું અને સદેવ રહીશ."

"ઓહ ટેમુ..ઉ...ઉ...યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ.. આઈ લવ યુ સો મચ. બટ એઝ આ ફ્રેન્ડ !" કહી નીનાએ ટેમુના ગાલ પર ફરી ચુંબન કર્યું.

"હા મારી નીનાડી.. પણ હવે તું મને બનાવવાનું બંધ કર.નહિતર અહીં આ બાવળીયામાં ઉતારીને હું ઘરભેગો થઈ જઈશ હો..!"

"સારું, આપણે તારા દોસ્તના ઘેર જઈએ.પછી હું તને બધું જ કહું છું.હવે મને તારી પર પાક્કો વિશ્વાસ છે કે હું તને બધું જ કહી શકું છું.અને ગમેં તેવી પરિસ્થિતિમાં તું મને એક સાચા મિત્ર તરીકે મદદ કરીશ જ."

"સારું એમ કરીએ..!" કહી ટેમુએ એઇટી ટોપ ગિયરમાં નાંખીને ભગાવી.

*

રાતના અગિયાર વાગ્યે ઊંચી શેરીમાં આવેલા મકાન નં 689ની ખડકીનું કડું પકડીને ટેમુએ ખડકીના લાકડાના આડા ધોકા પર બે ચાર વખત પછાડયું.એ સાથે જ ખડકીના બારણાની તિરાડમાંથી ફળિયામાં ચાલુ થયેલા બલ્બનો પ્રકાશ બહાર રેલાઈ રહ્યો.બીજી જ પળે ખડકીની સહેજ ઉપર બલ્બ સળગી ઉઠ્યો. સાથે જ "કોણ છે ?" એવો સ્ત્રી સ્વર ખડકી ટપીને નીના અને ટેમુના કાનમાં પ્રવેશ્યો.

"આંટી, ખડકી ઉઘાડો. હું ટેમુ.."

ટેમુનો જવાબ સાંભળીને એ સ્ત્રીના પગ ખડકી તરફ ઉપડ્યા.

"આટલી રાતે કેમ આયો હશે..? અલ્યા રમું, ઉઠ બેટા તારો ભાઈબન આયો છે.." કહેતા રમુની મમ્મીએ ખડકી ખોલી.ટેમુ અને નીનાને બલ્બના અજવાળામાં ઉભેલા જોઈ એમની આંખો પહોળી થઈ ગઈ.

"આમ ભૂત ભાળી ગયા હોવ એમ શું જોઈ રહ્યાં છો ! છોકરી નથી જોઈ ? ચાલો હવે અંદર તો આવવા દો." કહી ટેમુ આંટીની બાજુમાં થઈને અંદર ઘૂસ્યો.એની પાછળ જ નીના પણ ઘરમાં પ્રવેશી.

"મારો રોયો..કોને ભગાડીને લાયો છો ? ઈનો બાપ આવશે તો ટાંટિયા ભાંગી જવા છે.આ અત્યારની પરજાએ તો આડો આંક વાળ્યો છે..!''

આંટીએ ખડકી બંધ કરીને પાછા વળતા બબડવાનું ચાલુ કર્યું.રમુ પણ એની મમ્મીના મોએ ટેમુનું નામ સાંભળીને ઉઠી ગયો હતો.

રમુના મકાનમાં ખડકી આગળ નાનું ફળિયું હતું. ખડકીની બંને તરફ કેટલાક છોડ વાવેલા હતા.એક તરફની દીવાલ પાસે પણ ક્યારામાં ફૂલછોડ વાવેલા હતા. ડોલર અને રાતરાણીના ફૂલોની ખુશ્બુ ફળિયામાં ફેલાઈ હતી.છ ઇંચ જેટલી ઊંચી ઓસરીની ધારે લાકડાની ફ્રેમમાં આરપાર કાઢેલા ગોળ સળિયા વડે બનાવેલી જાળી હતી. બરાબર વચ્ચેના ભાગમાં એક લાકડાની બે થાંભલી હતી.

રમુનું ઘર મેડીબંધ અને વિલાયતી નળિયાવાળું હતું.ઓસરીમાં ડાબી તરફ પાણીયારું અને ચોકડી હતાં.પાણિયારા પાસે જ ફળિયામાં બનાવેલા રસોડાનો દરવાજો હતો. જમણી તરફની દીવાલે મેડી ઉપર જવાનો દાદર હતો.

ઓસરીના બે ઓરડા હતા જેના બારણાં ઓસરીમાં પડતા હતા. પાણિયારા પાસે અને ઉપર જવાના દાદર પાસે એ ઓરડાઓની એક એક બારી પાડેલી હતી.એ બારીની ફ્રેમ પણ લાકડાની જ હતી અને વચ્ચેના ભાગમાં એક આડો ધોકો નાખીને એમાંથી લોખંડના ગોળ સળિયા પસાર કરીને ગ્રીલ બનાવવામાં આવી હતી.
બંને ઓરડાઓના બારણાં વચ્ચે દીવાલમાં બે કબાટ બનાવેલા હતા.એ કબાટના એક બારણાંના ઉપરના અડધા ભાગમાં અરીસાનો કાચ જડવામાં આવ્યો હતો અને બીજા બારણાંના ઉપરના અડધા ભાગમાં કૃષ્ણ ભગવાનની ગાય સાથેની સુંદર છબી હતી. બીજા કબાટમાં એવી જ રીતે કૃષ્ણની જગ્યાએ ગણેશજી હાથમાં લાડુ લઈને બેઠા હતાં.ઓસરીની ધાર પર પ્રમાણમાં ઠીક ઠીક લીસો કહી શકાય એવો સફેદ પથ્થર નાખેલો હતો અને અંદરના ભાગમાં મોજેક ટાઇલ્સ લગાડેલી હતી.

આ ઉપરાંત થાંભલી પર નાખવામાં આવેલી નાટ સાથે એક ખાટ બાંધેલી હતી.રમુનું આ નાનકડું ઘર જોઈને નીના ખુશ થઈ ગઈ.

મમ્મીનો અવાજ સાંભળીને રમું જાગ્યો હતો.એનો કમરો મેડા પર હતો.ટેમુ જેવા એના દોસ્તો મેડા પર પડ્યા પાથર્યા રહેતા.મેડા પર પણ બે ઓરડા અને ઓસરી હતી.

દાદર ઉતરીને ઓસરીમાં આવેલા રમુએ ફળિયામાં બળતા બલ્બના અજવાળે ટેમુ અને નીનાને જોયા.નીના વિશે ટેમુ ઘણીવાર વાતો કરતો અને એનો ફોટો પણ રમુને બતાવ્યો હોવાથી એ નીનાને ઓળખી ગયો.કોલેજની ઘણી છોકરીઓ રમુની ફ્રેન્ડ હતી અને ઘણીવાર એ છોકરીઓનું ઝુંડ રમુના ઘેર આવીને કલબલાટ કરી મુકતું.પણ આજ સુધીમાં કોઈ છોકરી રાતે આવી નહોતી એટલે રમુની મમ્મીને દળમાં કંઈક કાળુ નહિ પણ આખી દાળ જ કાળી હોવાનું લાગી રહ્યું હતું ! સામાન્ય રીતે એ ખડકી ખોલે ત્યારે જો રમુના કોઈ મિત્ર આવ્યા હોય તો તરત ઘરમાં જતા રહેતા.પણ આજ એ નીનાને એકધારી જોઈને ઓસરીની જાળી પાસે ઉભા હતા. રમુના પપ્પા દસ વાગતાંમાં જ ઊંઘી જતા,અને રમુને કદી ટપારતા નહિ.

"અરે..ટેમુ ! આટલી તારે ? આ..આ...દકાચ નાની છે ને...?" રમુ, રાતના સમયે કંઈક અચાનક બને ત્યારે લોચા મારતો. આટલી 'રાતે' કહેવાને બદલે 'આટલી તારે', 'કદાચ' ને બદલે 'દકાચ' અને નીનાને એણે નાની કહીને છબરડો વાળ્યો. એકવાર રાતના સમયે કોઈ વાહનની અડફેટે એક કાકા આવી ગયેલા અને એ વાહનને પાછી લાઈટ નહોતી.આ બનાવ રમુએ નજરોનજર જોયેલો.બીજે દિવસે એણે કોલેજમાં આ ઘટનાનું વર્ણન કરતી વખતે કહેલું કે એક ગાડી વગરની લાઈટ આવી અને એક કાકા એની માથે ચડી ગયા ! પછી ટેમુએ સુધારી આપેલું કે એક ગાડી વગરની લાઈટ નહિ પણ લાઈટ વગરની ગાડી આવી હોવાનું રમું કહી રહ્યો છે.અને કાકા એની માથે નહિ પણ કાકાની માથે એ ગાડી ચડી ગઈ હતી ! ત્યારે એના દોસ્તો હસી હસીને બેવડ વળી ગયા હતા.આ વાત ટેમુએ નીનાને પણ કહેલી.એ વખતે નીના પણ ખૂબ હસેલી. અત્યારે એ રમુએ મારેલો લોચો સાંભળીને હસી પડી.

"આ પેલો ગાડી વગરની લાઈટવાળો છે ને ?" નીનાએ હસતા હસતા ટેમુનો ખભો પકડ્યો.

"હા એ જ છે. સાલો બાફતો જ હોય છે !'' નીનાને ધીમેથી કહી ટેમુએ રમું તરફ જોઈને મોટેથી કહ્યું.

''હા યાર,આ નીના જ છે." પછી આંટી તરફ જોઈને કહ્યું, "આંટી આ મારી દોસ્ત છે. અમદાવાદથી આવી છે, હું એને લેવા આવ્યો હતો પણ એઇટીમાં પંચર પડી ગયું,હવે આટલી તારે..અરે સોરી આટલી રાતે કોણ પંચર બનાવી આપે ? એટલે થયું કે ચાલો રમુના ઘેર. સવારે જતા રહીશું.''

ટેમુએ આપેલો ખુલાસો આંટીને ગળે તરત ઉતરી ગયો.ધંધુકાથી ગામડાની બસો રાતે ન મળે એ એમને ખબર હતી એટલે ટેમુ આ છોકરીના પપ્પાના કહેવાથી એને લેવા આવ્યો હોય, પછી પંચર પડી ગયું હોય તો બિચારો એના ભાઈબંધના ઘેર ન જાય તો ક્યાં જાય !

"સારૂ કર્યું દીકરા.'' કહી તેમણે નીનાને કહ્યું, "આવ બેટા આપણે અંદર સુઈ જઈએ.રમુડો ને ટેમુડો તો આખી રાત ગપ્પા મારીને તનેય સુવા નહિ દેમ.અને પાછી તુંય થાકી હશો." કહી આંટી નીનાને લેવા આગળ વધ્યા.

''આંટી તમે મારી પથારી કરી દો. હું રમું અને ટેમુ સાથે થોડીવાર વાતો કરીશ.." નીનાને કહ્યું.

બે મિનિટ પછી રમુના રૂમમાં ટેમુ, રમું અને નીના ગોઠવાયા.

"આ રમુ એટલે રમલો, રમેશ મારો ખાસ દોસ્ત છે.તું તારી વાત કહી શકે છે.અમે બંને તને મદદ કરવામાં જાન લગાવી દઈશું." ટેમુએ કહ્યું.

નીનાએ એક નજર રમુ પર નાંખી. રમુએ મોં મલકાવીને સ્મિત વેર્યું.અને નીનાએ ગળું ખંખેરીને એની પ્રેમકથા કહેવાનું શરૂ કર્યું !

*

ખુમાનસંગ ગયો પછી બાવળની કાંટીમાંથી પેલા બે જણ ઉભા થયા.જૂનું અને ખખડી ગયેલું હોન્ડા સાચવીને ખાળીયામાંથી બહાર કાઢીને જોરાવરે કીક મારી. નાથું તરત પાછળ ગોઠવાયો.

"આ તરફ ગયો.."નાથુએ ખુમાનસંગનું રાજદૂત જે રસ્તે ગયું હતું એ દિશામાં હાથ લાંબો કરીને કહ્યું.એ રસ્તે દૂર ખુમાનસંગનું રાજદૂત ધુમાડા કાઢતું જઈ રહ્યું હતું. જોરાવરે લીવર આપીને ધીમે ધીમે બાઈક હાંકવા માંડ્યું.

''સાલાને ગંધ નો આવી જાય એમ એનું પગેરું લેવાનું છે હો, જો જાય ખુમો.." રોડ એકદમ સીધો હોવાથી દૂર જતો ખુમાનસંગ આ લોકોને દેખાતો હતો.થોડીવાર પછી ખુમાનસંગે એનું રાજદૂત રોડ પરથી ઉતારીને રફ રસ્તા પર લીધું. એ જગ્યાએ રોડની બાજુમાં ખાળીયું અને બાવળની ગીચ ઝાડી હતી.

ખુમાનસંગ ઝાડીમાં ઉતર્યો કે તરત જોરાવરે હોન્ડા ટોપ ગિયરમાં નાંખીને લીવર આપ્યું. પાંચ મિનિટમાં જ એ લોકો ખુમાનસંગ જ્યાંથી નીચે ઉતર્યો હતો એ જગ્યાએ આવી પહોંચ્યા. એ રફ રસ્તો બાવળની ઝાડીમાં જતો હતો.

"જોરું, હોન્ડા આંયા મેલી દે. આપણે હવે હાલીને જ જાવું પડશે.હોન્ડાનો અવાજ સાંભળીને સાલો ચેતી જશે તો આપણું કામ નહીં બને.અહીંથી વધારે આઘો નહિ જ્યો હોય." નાથુએ ખુમાનસંગના રાજદૂતના ટાયરની ડિઝાઇન જોઈ લીધી હતી. સડકથી નીચે ઉતરતા એ ધૂળિયા રસ્તા પર હમણાં જ ગયેલા રાજદૂતના ટાયરના નિશાન ચોખ્ખા જ દેખાતા હતા.એટલે ખુમાનસંગનો પીછો કરવાનું હવે સરળ હતું.

જોરાવર,હોન્ડાને ખાળીયામાં ઉતારીને બાવળની ઝાડીમાં થોડે દુર મૂકી આવ્યો.બંને એ રફ રસ્તા પર ટાયરે પડેલા ચીલાને જોતા જોયા ઝડપથી ચાલવા લાગ્યાં. આગળ જતાં બાવળ વધુ ગાઢ થઈ ગયા હતા.રસ્તો એકદમ સંકોડાતો જતો હતો. આખરે એ રસ્તો એક સાંકડી કેડી બની ગયો.એ કેડી એક ટેકરી પર ચડતી હતી.
જોરાવર અને નાથુ એ કેડી પર આગળ ગયા. ખુમાનસંગનું રાજદૂત ત્યાં ઉભું હતું.પણ એ રાજદૂતનું મોં આગળ તરફ હોવાને બદલે જોરાવર અને નાથુ આવ્યા એ તરફ જોઈ બંનેને નવાઈ લાગી. ખુમાનસંગે સ્ટેન્ડ ચડાવીને જ રાજદૂતને ગોળ ફેરવીને એની દિશા બદલી નાખી હતી.એટલે પાછા જતી વખતે કીક મારીને તરત ચાલતું પડાય એવું ગોઠવણ એણે કરી હતી.

"આંયાથી આગળ કોઈ વાહન જાય એમ નથી એટલે ખુમલો પણ હાલીને જ ક્યાંક ગયો હોવો જોઈએ. પણ આ બાવળની ઝાડીમાં એ કઈ તરફ ગયો હશે એ આપણે શોધવું પડશે." કહી નાથુ રાજદૂત પાસે આવીને ઉભો રહ્યો.

"પણ રાજદૂતનું મોઢું કેમ ફેરવી નાખેલું છે ? મારો હાળો જરૂર કંઈક રમત તો રમે છે. સાહેબની શંકા કદાચ સાચી પડે તો હુકમચંદનો પત્તો મળી જશે." જોરાવરે કહ્યું.

થોડીવાર ઝાડીમાં નિરીક્ષણ કરીને બંને આગળ વધ્યા.નાથુએ ઝીણવટથી જોઈને ખુમાનસંગના પગલાં પકડી પાડ્યા.

"ઝાડીમાં ચાલ્યો હોય તો કંઈ પગ થોડી માથે લઈને હાલવાનો છે ? જો આ તરફ ગયો છે..!"

નાથુ અને જોરાવર કાંટા વાગે નહિ એની સાવચેતી રાખીને આગળ વધી રહ્યાં હતા એ જ વખતે પાછળની બાજુએથી એક પથ્થરનો ગડબો આવીને જોરાવરના ડેબામાં ટીચાયો.એ પથ્થર મોસંબી કે સંતરાની સાઇઝનો હતો.
જોરાવરની પીઠના હાડકા ભાંગી ગયા હોય એમ એ ચિત્કારીને ગડથોલિયું ખાઈને મોંભરીયા પડ્યો.નાથુ તરત ચેતીને નીચે બેસી ગયો ન હોત તો બીજો એવો જ ગડબો એનું માથું ફોડી નાંખત.

નાથુએ ઝડપથી જોરાવરને ખેંચ્યો અને બાજુમાં જ ઉભેલા બાવળના થડની ઓથ લીધી.એ જ વખતે ત્રીજો ગડબો આવીને નાથુના પગના પંજા પર પડ્યો.

નાથુ અને જોરાવરને સમજતા વાર ન લાગી કે એ ખુમાનસંગ હતો.ઝાડીમાં સંતાઈને એણે આ બેઉની રાહ જોઈ હતી.ખુમાનસંગે રાજદૂતના કાચમાંથી એની પાછળ હોન્ડા પર આવતા આ બેઉને જોઈ લીધા હતા.બીજી જ પળે એ સમજી ગયો હતો કે 'ક્યાં જવું છે' એ સવાલનો જુઠ્ઠો જવાબ આપનાર એ બંને એની પાછળ હતા.

ખુમાનસંગ એકદમ જડસુ હતો પણ જડબુદ્ધિનો નહોતો.જ્યારથી એણે હુકમચંદનો હવાલો લીધો હતો ત્યારથી જ એને ખબર હતી કે હુકમચંદ શું ચીજ હતો.એની પાછળ એલપીપીનો ધારાસભ્ય ધરમશી ધંધુકિયા હતો.ખુમાનસંગ ધરમશીને ખુબ ઓળખતો હતો. એ હુકમચંદનો પત્તો મેળવ્યા વગર રહેવાનો નહોતો.

હુકમચંદ પાછળ જે હોહા મચી એને કારણે રણછોડ સલવાયો હતો.એની દશા ધોબીના કૂતરાં જેવી થઈ હતી,પણ રણછોડ પાસે પૈસાની કોઈ તાણ નહોતી. ખુમાનસંગ હવે ડબલ ચાર્જ કરવાનો હતો,કારણ કે જોખમ પણ ડબલ થઈ ગયું હતું.બરવાળા અને બોટાદના પોલીસ સ્ટેશનમાં ખુમાનસંગે કામ લાગે એવી ઓળખાણો રાખી હતી એટલે એને હજુ થોડા દિવસો પહેલા જ મેસેજ મળી ગયો હતો કે પોલીસ એની પાછળ લાગવાની હતી.

રણછોડ પશવાના ફોનમાંથી વાત કરતો હોવાથી રણછોડ સાથે આજે વાત થઈ શકી નહોતી.પણ હવે વધુ સાવચેતી રાખવી જરૂરી હતી એ એને સમજાયું હતું.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED