આ જનમની પેલે પાર - ૩૬ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૩૬

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૬

હેવાલીને સામે એક અજાણી યુવતી જોઇ નવાઇ કરતાં ડર વધારે લાગ્યો હતો. દરવાજો પાછો બંધ કરી દેવા એનું મન કહેતું હતું. પોતાના ઘરમાં આ અજાણી યુવતી કેવી રીતે આવી ગઇ હશે? અને પોતાના રૂમના દરવાજા સુધી એને કોણે આવવા દીધી હશે? હેવાલીએ અડધા ખોલેલા દરવાજામાંથી જ પહોંચે એટલી દૂર સુધી બધી બાજુ નજર નાખી પણ મમ્મી કે પપ્પા દેખાયા નહીં.

એ યુવતી શાંત ચહેરે મલકતી ઊભી હતી. હેવાલી હતપ્રભ હતી. તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. સામે ઊભેલી યુવતી અતિ સુંદર દેખાતી હતી. જાણે આકાશમાંથી કોઇ પરી ઉતરી આવી હોય એમ લાગતું હતું. હેવાલી કલ્પના બહારનું દ્રશ્ય જોઇને હેબતાઇ ગઇ હતી. શું બોલવું કે શું કરવું એ સમજાતું ન હતું.

હેવાલીની સ્થિતિ પામી ગયેલી આગંતુક યુવતીએ કહ્યું:'મને અંદર આવવા દઇશ? તને તારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે...'

હેવાલીએ આખરે હિંમત કરીને પૂછી જ લીધું:'તું...તું કોણ છે? ઘરની અંદર કેવી રીતે આવી?'

અચાનક ઘરના હોલમાં મૂકેલા જૂના જમાનાના ઘડિયાળમાં રાત્રિના બે વાગ્યાના ટકોરા પડ્યા અને હેવાલી વધારે ધ્રૂજી ઊઠી. પોતે મેવાનની રાહ જોતી ક્યારે સૂઇ ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો. મેવાનને બદલે આવેલી આ યુવતી કોણ છે? મેવાન ભૂત હોવાથી દરવાજાને ટકોરા માર્યા વગર આવી જતો હતો. એટલે મમ્મી- પપ્પાને ખબર પડવાની ન હતી. પણ આ યુવતી કેવી રીતે ઘરમાં પ્રવેશી હશે?

યુવતીએ કોઇ જવાબ ના આપ્યો અને મુસ્કુરાતી રહી.

હેવાલીએ હિંમત ભેગી કરીને બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો:'મમ્મી...મમ્મી...પપ્પા...'

એનો અવાજ બોદો થઇ ગયો હતો.

હેવાલીને એસીથી ઠંડાગાર થઇ ગયેલા રૂમમાં પણ પરસેવો વળતો જોઇ આવનાર યુવતીએ એને પાછળ ખસવાનો ઇશારો કરતાં કહ્યું:'બહેન, આ અજાણી યુવતી વિશે બહુ વિચાર કરવાની જરૂર નથી. તારા મમ્મી- પપ્પા ઘસઘસાટ ઊંઘે છે. એમને ખલેલ ના પહોંચાડીશ...'

હેવાલી પાસે કોઇ માર્ગ ન હતો. એ યુવતીના રસ્તામાંથી ખસી ગઇ. એને પોતાના બેડ તરફ જતાં જોઇ રહી. એક ક્ષણ થયું કે દોડીને મમ્મી- પપ્પાને જગાડવા જોઇએ. પણ એ યુવતીએ જે લાગણીથી 'બહેન' કહીને વાત કરી હતી એનાથી છાતીની ધડકન સામાન્ય થવા લાગી હતી.

'તું મેવાનની રાહ જોતી હતી ને?' યુવતીએ બેડ પર સ્થાન લઇ પૂછ્યું.

'હં...હા...તને કેવી રીતે ખબર પડી? અને તું અંદર કેવી રીતે આવી ગઇ?' હેવાલીનું આશ્ચર્ય વધી રહ્યું હતું.

'કેમકે મેવાને જ મને મોકલી છે...' એ યુવતીએ મુસ્કુરાઇને કહ્યું.

હેવાલી ફરી ડરવા લાગી. તેને અંદાજ આવી ગયો કે ભૂત સ્વરૂપે રહેલા મેવાને કોઇ ભૂત યુવતીને જ મોકલી હશે. તેણે ધ્રૂજતા અવાજે પૂછ્યું:'તું... તું પણ ભૂત...છે?'

'હા, તું મને અડકી શકશે નહીં... હું પણ ભૂત સ્વરૂપમાં જ છું અને મેવાનનો એક સંદેશ લઇને આવી છું...મારી પાસે ખતરનાક શક્તિઓ પણ છે.' યુવતીએ પોતાની અસલિયત પ્રગટ કરવાનું શરૂ કર્યું.

'ઓહ...' હેવાલીના મનમાં જાતજાતના વિચાર સાથે ચહેરા પર ચિત્ર વિચિત્ર ભાવ આવવા લાગ્યા.

'તું મારી સામે બેસ.... તને મળીને મને બહુ આનંદ થયો છે. તને પણ મારી વાતો સાંભળીને આનંદ થશે. તું હવે આઘાતમાંથી બહાર આવી જા...' એ યુવતી સમજાવતી હોય એમ બોલી.

હેવાલીને એની વાત સાંભળી રાહત થઇ. પણ આ યુવતી કોણ હશે અને મેવાને એને કેમ મોકલી હશે એનો અંદાજ આવતો ન હતો.

'મને એ જાણીને આનંદ થયો છે કે તું મેવાનને બહુ પ્રેમ કરે છે. મેવાન પણ તને બહુ ચાહે છે. તમારો જન્મોજનમનો સાથ છે. એને કલ્પના ન હતી કે તું એને પાછી મળી જશે. સાત જન્મો સુધી તમને હવે કોઇ અલગ કરી શકશે નહીં. અસલમાં હું તને લેવા આવી છું...' એ યુવતીએ પોતાના આગમનનું રહસ્ય ખોલતાં કહ્યું.

હેવાલી ચોંકી ગઇ અને ફફડતાં બોલી:'મને લેવા? કેમ મેવાને મને ક્યાં બોલાવી છે?'

'અમારી ભૂતોની દુનિયામાં... જ્યાં તમે બંને હવે એકસરખું જીવન જીવી શકશો....' યુવતી પહેલી વખત ડરામણું હસીને બોલી.

હેવાલીને તેના હાસ્યના પડઘા પડતા લાગ્યા. તે બેડ પર બેસવાને બદલે ફસડાઇ પડી. તેની આંખોમાં ભય નાચવા લાગ્યો હતો.

યુવતીએ અવાજને સખત કરતાં કહ્યું:'મારી વાત જાણીને આનંદ ના થયો? મેવાન તો કહેતો હતો કે તું એને એટલું ચાહે છે કે આ વાત સાંભળીને આનંદથી ઉછળી પડશે...'

'હા...હા...હું મેવાનને ખૂબ ચાહું છું. એની સાથે રહેવા ચાહું છું. પણ તમે બધાં ભૂત છો તો હું તમારી સાથે કેવી રીતે આવી શકીશ?' હેવાલીએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી.

'બહુ સરળ છે...' કહીને એ યુવતીએ પોતાના બંને હાથની હથેળીઓ દુઆ કરતી હોય એવી અદામાં રાખી.

હેવાલીને એ શું કરવા કે કહેવા માગે છે એનો ખ્યાલ આવતો ન હતો.

અચાનક એ યુવતીના બંને હાથની આંગળીઓના નખ લાંબા થવા લાગ્યા. હેવાલીને હવે કંઇક સમજાઇ રહ્યું હતું. તેનો જીવ તાળવા પર આવી ગયો હતો અને એ યુવતીના અણીદાર નખ તેના ગળાને ભીંસ આપવા નજીક આવી રહ્યા હતા.

ક્રમશ: