નેહડો ( The heart of Gir ) - 49 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 49

ફરી પાછું તેને યાદ આવ્યું કે આ તો અહીં ઝૂંપડપટ્ટીનો લોકલ માણસ લાગે છે. એટલામાં પીછો કરી રહેલા ગાર્ડે દરવાજે પોતાને તાકી રહેલ ઓહડિયાવાળાને જોયો એટલે તત્કાલ તેના દિમાગમાં યોજના ઘડાઈ ગઈ. તે જાણે કોઇનું ઘર શોધતો હોય તેમ એક ખુલ્લી ખડકીમાં ઉભેલા બહેનને ખોટે ખોટું નામ લઈને સરનામું પૂછવા લાગ્યો. આવી રીતે સરનામું પુછી રહેલ ગાર્ડને જોઈને પેલા ઓહડિયાવાળાની શંકા દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે આ કોઇનું ઘર ગોતી રહ્યો લાગે છે.તેણે ખડકી અંદરથી બંધ કરી દીધી. સરનામું પુછી રહેલ ગાર્ડ પેલા બેનને મૂંઝાયેલા જ છોડીને પાછો રોડ તરફ ચાલવા લાગ્યો. રોડે ઇન્તજાર કરી રહેલા ગાર્ડ અને સાહેબને અહીં પોતાની પાછળ પાછળ આવવા તેણે ઈશારો કર્યો. ઈશારો મળતા જ બધા તેની પાછળ ચાલવા લાગ્યા. પેલા ગાર્ડે દૂરથી પુંજોભાઈ ને રઘુભાઈ જે ઘરમાં પ્રવેશ્યા હતા તે ઘર બતાવ્યું. યોજના પ્રમાણે ચારેય ગાર્ડ્સ બે બે ના ગ્રુપમાં ઘરના ખૂણે દિવાલના છાયડમાં અમસ્તાં ઉભા હોય તેમ ઉભા રહી ગયા. રાજપૂત સાહેબ અને ગેલો શેરીના એક-એક નાકે ઊભા રહી ગયા. જમણી બાજુના ખૂણે ઉભેલા ગાર્ડને હમણાં જેને સરનામું પૂછ્યું હતું, તે સ્ત્રી શંકા ભરી નજરે તાકી રહી હતી. આ વાત ગાર્ડને પણ સમજાય ગઈ હતી. આવી પરિસ્થિતિ કેમ હેન્ડલ કરવી તે આ જવાનો ખૂબ સારી રીતે જાણતા હોય છે. એક ગાર્ડ તરત ખિસ્સામાંથી મસાલો કાઢીને તેમાં તમાકુ અને ચૂનો મિક્સ કરી તેને ખૂબ ચોળવા લાગ્યો. હજી પેલી સ્ત્રી તેના તરફ જ તાકી રહી હતી. મસાલાને ખૂબ ચોળીને બંને ગાર્ડે અડધો-અડધો ગલોફામાં પધરાવી દીધો. ને જાણે મસાલો ખાવા જ ઊભા રહ્યા હોય તેમ ધીમાં ધીમાં અવાજે વાતો કરવા લાગ્યા.ને ધીમે ધીમે ચાલવા લાગ્યાં. હવે પેલી સ્ત્રીની શંકા પણ દૂર થઇ ગઇ હતી. તેણે પણ પોતાના ઘરે અંદર જઈ ખડકી બંધ કરી દીધી. બંને ગાર્ડ્સનો શ્વાસ હવે હેઠો બેઠો. આ બાજુ રાજપૂત સાહેબ માટે પણ એક એક પળ હવે શું થશે? ના ઈન્તેજારમાં લાંબી થઇ રહી હતી. શેરીના નાકે ઉભેલા રાજપૂત સાહેબ એટલામાં જ આગળ પાછળ ચાલીને પોતાના મનમાં ચાલી રહેલા ઉચાટને દબાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. શેરીના બીજા નાકા પર ઉભેલા ગેલાને માટે તો આવો પહેલો પ્રસંગ હતો. તેને મનમાં કોઈ ગભરાટ ન હતો, પરંતુ હવે શું કરવાનું હશે? પેલા ઓહડિયાવાળાને દુકાનેથી જ કેમ ન પકડી લીધો? તેને અહીં સુધી કેમ આવવા દીધો? જેવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યાં હતા. પરંતુ ગીરનો માલધારી અને ઠરેલ બુદ્ધિનો ગેલો મનમાં વિચારતો હતો કે,"પડહે એવા દેવાહે."
અત્યારે તેને માલ ચારતા ચારતા બે જાળા વચ્ચે બાંધેલું મૈટુ(ઝાળ) વાળો પ્રસંગ યાદ આવી ગયો. આવા નાના-નાના શિકાર કરતાં શિકારી માલધારીથી પણ ખૂબ ડરે એટલે માલધારી ગીરના જંગલમાં માલ ચરાવવા આવે એ પહેલા ભળકડે જંગલમાં આવીને સસલા, તેતર ની કેડીમાં મૈટુ (ઝાળ)બાંધી દે. મોટાભાગે સસલાને તેતર આડેધડ ગમે ત્યાં ન ચાલે પરંતુ તેની રોજની કેડીએ જ ચાલે. તેમના રોજ ચાલવાના ઘસારાને લીધે એટલા વિસ્તારમાં ઘાસ પણ નથી ઊગતું ને કેડી ચોખ્ખી દેખાઈ આવે છે. આવી કેડીમાં આ શિકારી પાતળા વાયરની બનેલી ઝાળ બાંધી દે છે. પછી તેને ખબર હોય કે સસલાને તેતર કાંટાના જાળામાં સંતાઈને બેઠા હોય છે. એટલે આવા કાંટાના જાળાને એ લોકો ફંફોસે તેમાંથી સસલું કે તેતર બહાર આવે તો શિકારી તેને જે તરફ ઝાળ બાંધેલી હોય એ બાજુ તગડે છે. જેવું સસલુ કે તેતર ઝાળ સાથે અથડાય એટલે ઝાળ આખી એની ઉપર પડી જાય છે જેમાં બિચારું ભોળું પ્રાણી-પક્ષી ફસાઈ જાય છે.
એક દિવસ ગેલો ભળકડામાં(વહેલી સવાર) માલ ચારવા ગયો હતો. તારોડીયાના આછા અંજવાળામાં અને ઠંડા વાતાવરણમાં માલઢોર ચરવા માંડ્યા હતા. આવા સમયે સાવજોની બીક વધારે રહે છે. તેથી માલ ઢોર ચરતા ચરતા અલગ ન થઇ જાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. જ્યાં સુધી ભેંસો ઘેરામાં રહી કિલ્લેબંધી કરીને ચરતી હોય ત્યાં સુધી સાવજ તેના પર હુમલો કરતા નથી. પરંતુ એકલદોકલ જુદી પડી ગયેલી કે નબળી ગાય ભેંસ પર સાવજ તરત હુમલો કરી દે છે. ઘેરામાં ચરી રહેલા માલઢોરમાંથી એક ખડેલી (યુવાન થવા જઇ રહેલી ભેંસ) આગળ ચાલવા લાગી. જેને પાછી વાળવા ગેલો ડાંગ લઈને તેની પાછળ દોડ્યો. અચાનક બે જાળા વચ્ચે બાંધેલી ઝાળમાં પગ ભરાતા ગેલો નીચે પડી ગયો. પોતાની જાતને સંભાળી, ગેલો ઉભો થઇને ખડેલીને પાછી વાળી આવ્યો. ગેલાને ખબર પડી ગઈ કે શિકારી આટલામાં હશે ને પોતાનો પગ ભરાણો છે તે ઝાળ હતી. પરંતુ જાણે કશું ન બન્યું હોય તેમ ગેલો ખડેલી પાછી વાળીને પાછો જ્યાં માલ ચરતો હતો ત્યાં જતો રહ્યો. ઘડીક રહીને દબાતા પગે ગેલો આવ્યો. તેણે દેશી બાવળાના કાળા થડિયા પાછળ સંતાઈને તારોડીયાના આછા અજવાળામાં બે શિકારીને જાળાં ફંફોસતા જોયા. ગેલો સંતાઈને તેમને જોઈ રહ્યો હતો. એટલામાં બોરડીના જાળામાંથી એક સસલું પેલા શિકારીઓથી ડરીને ભાગ્યું. સસલુ તેની આદત મુજબ રોજની તેની કેડીએ દોડવા લાગ્યું. જ્યાં આગળ ઝાળ બાંધેલી હતી. જેવું સસલુ ત્યાંથી પસાર થવા ગયું તે જાળમાં ફસાઈ ગયું. ઝાળ તેના પર પડી અને સસલું ઝાળમાં વીંટળાઈ ગયું. તેમાંથી છૂટવા તે તરફડિયા મારવા લાગ્યું. પેલા બંને શિકારી પાછળ પાછળ દોડી રહ્યાં હતા. તે સસલાની નજીક પહોંચી તેની ડોકી મરડી નાખે તે પહેલા ગેલાએ હાંક્લો પાડી તેમને પડકાર્યા. પેલા શિકારીને વહેલી પરોઢે અહીં કોઈ હશે એવી તો જરાય બીક નહોતી. અને અચાનક ગેલાનો હાંકલો સાંભળી બંને ડરીને ઊભા રહી ગયા. એટલામાં શિકાર ઉપર સાવજ ત્રાટકે તેમ હાથમાં ડાંગ લઈ ગેલો આ બંને ઉપર ત્રાટક્યો. ઘડીક તો બંને રીઢા શિકારીએ હાથમાં પથ્થર લઈ સામે હુમલો કરવા કોશિશ કરી, પરંતુ તે પથ્થર લે અને ગેલા પર ફેંકે એ પહેલા ગેલાએ બંનેને ડેબામાં એક એક ડાંગ વાળી લીધી. બંને ગલોટિયાં ખાઈને હેઠા પડ્યા. ને પડ્યા પર પાટું, ગેલાએ તેના લોખંડની નાળ જડેલા ભારેખમ માલધારી જોડા પહેરેલા પગે બંનેને પાટાવી નાખ્યા. બંનેને છાતીમાં,પેટમાં અને પેડુમાં જેમ જેમ ગેલાની લાતો પડતી ગઈ તેમ તેમ બંને ગોટો વળતા ગયા. ખૂબ લમધાર્યા પછી ગેલાને થયું કે,"મારા હાળા મરી જાહે."એટલે ગેલાએ બંનેને છોડી દીધા. બંને કરગરતા, હાથે પગે લાગી, લંગડાતા પગે ભાગી જવા લાગ્યા. ગેલાએ બંનેને ઉભા રાખી કહ્યું,
"આ હાહલાને મૈટામાંથી કોણ તારો બાપ મેલાવશે? એને સુટું કરતાં જાવ."આમ બોલી ગેલાએ ડાંગ ઉગામી. બંને દોડીને ઝાળમાં ઘુસવાઈ ગયેલા સસલાને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને જાળ કાપી મુક્ત કર્યું. સસલું બિચારું જીવ બચાવી દોડતું જંગલમાં અલોપ થઈ ગયું. ગેલાએ બંનેને કડક સૂચના આપી,
"આસખેલે જાતા કરું હૂ. ફરીવાર દેખાણા તો ટાંગા ભાંગી લાખીશ. પશે ખાતાને હોપી દશ.હમજ્યા?"
પેલા બંને શિકારી પગે લાગી, કરગરી માંડ ત્યાંથી નીકળ્યા. જે ફરીવાર ક્યારેય આ વિસ્તારમાં દેખાયા નહીં.
ગેલાના મનમાં ઘડીકમાં ભૂતકાળનો શિકારીનો આખો પ્રસંગ આંખ આગળથી પસાર થઈ ગયો. તે મનમાં વિચારતો હતો કે રાજપૂત સાહેબે ત્યાં હાટડીએ જ મને ઘડીક ઓહડિયાવાળો હોંપી દીધો હોત ને તો એને ઢીબી ઢીબીને કુણો કરી,બીજા બધાના સરનામા પણ જાણી લેત. પણ આ જંગલખાતાવાળા આયા સું કામ આયા હશે એ તો હજી તેને હમજાતું જ નોતું. એ તો અહીં શેરીનું નાકુ સાચવીને ઉભો હતો.
પેલા બંધ મકાનમાં ઓહડીયાવાળો એક સ્ટીલનો ડબ્બો લઈ પુંજાભાઈ પાસે આવ્યો. પુંજોભાઈને રઘુભાઈ બંને ફળિયામાં લીમડાના છાયડમાં જૂની લાકડાની બે ખુરશીમાં બેઠા હતા. ઓહડિયાવાળાએ સામે શણીયો કોથળો પાથર્યો. તેનાં પર તે બેસી ગયો અને કોથળા પર તેણે સ્ટીલનો ડબ્બો ઊંધો વાળ્યો. ડબ્બામાંથી સિંહના નખ, દાંત અને અમુક બીજા હાડકા નીકળ્યા. તેમાં બે-ત્રણ તો સિંહના નખ સાથેના આખા પંજા હતા. થોડી સુકાઈ ગયેલી નસો પણ નીકળી. પુંજોભાઈ ને રઘુભાઈના શરીરમાંથી આ જોઇને એક કંપારી પસાર થઈ ગઈ. પરંતુ પોતાના પર કાબૂ રાખી બંને મોઢા પર નવીનતાનો ભાવ લાવી આ બધી વસ્તુ જોવા લાગ્યા. રઘુભાઈએ નીચા નમીને ઢગલામાંથી એક પંજો ઉપાડી તેનું નિરીક્ષણ કર્યું. આ પંજો બાર ચૌદ વર્ષના સાવજનો હતો. પુંજાભાઈએ અજાણ્યા થઇ પ્રશ્ન કર્યો,
" એ અમૂક નખ નાના મોટા ક્યો હે?"
પેલો ઓહડિયાવાળો એક એક વસ્તુ સમજાવવા લાગ્યો, "દેખો એ આપ કે હાથ મેં હૈ, વો બડે શેર કા પંજા હૈ. ઔર એ સબ નખ શેરની કે હૈ. ઔર એ જો છોટે છોટે નખ હૈ વે સબ શેર કે બચ્ચે કે હૈ. ઓરે એ ધારવાલે શેર કે દાંત હૈ."
ઢગલામાંથી ગોતીને તેણે બંનેને એક એક જોવા આપ્યો. પુંજોભાઈ પોતાના હાથમાં સિંહનો દાંત પંપાળી રહ્યો હતો, ને મનમાં વિચારતો હતો,
"આ નરાધમે કૈક હાવજયું મરાવી લાખ્યા હહે! લાયને એનો લઢીયોં દબાવી દઉં."
પરંતુ તેને ખબર હતી, હજી ઊંડે સુધી પહોંચવાનું હતું. પુંજાભાઈએ પોતાની જાત પર કાબૂ રાખી કહ્યું,
"આ એક નખની હૂ કિંમત થાહે?"
પેલાએ કહ્યું, " યૂ તો વિદેશ માર્કેટ મેં ઇસકા દસ હજાર મિલતા હૈ! લેકિન તુમકો ઇધર લોકલ મેં એક નખ પાંચ હજાર મેં દુંગા."
પુંજાભાઈએ કોથળા પર પડેલા નખના ઢગલામાંથી પેલી સુકાઈ ગયેલી નસ પકડી ને પૂછ્યું, "એ ક્યાં હે?" ઓહડિયાવાળાએ કહ્યું, "એ ઉલ્લુ કી રક્તવાહિની હૈ. ઇસે બહુત શુભ માના જાતા હૈ. એ બહોત કામ કી ચીજ હૈ. છોટે બચ્ચે કો કાલે ધાગે મેં ઇસકા ટુકડા કમર પર બાંધ દિયા જાય તો બચ્ચા કભી બીમાર નહીં પડેગા, ઔર કિસી કી ભારી નજર બચ્ચે પર નહીં લગેગી. એ ઓરીજનલ મિલના બહોત મુશ્કિલ હૈ. બાજાર મેં જો મિલતા હૈ, વો પ્લાસ્ટિક કા ટુકડા હોતા હૈ. ઇસ ઓરિજનલ રક્તવાહિની કા એક સેન્ટીમીટર કા ટુકડા લોગ પાંચ સો રૂપિયા દેકર ખરીદ લેતે હૈ."
રઘુભાઈએ પ્રશ્ન કર્યો, "તુમ એ સબ કહા સે લાતે હો?"
ઓહડિયાવાળો રઘુભાઈ સામે તાકી રહ્યો પછી બોલ્યો, "એ સબ જાનકે આપ ક્યા કરોગે? આપકો જો ચાહીએ વો લે કે બાત ખતમ કરો."
બાજી બગડે તેવું લાગતા પુંજાભાઈએ વાત સંભાળી લીધી, "તમારે પાસ બહુત ઝાઝી વસ્તુ લગતી હૈ. હમારી પાસ ઘણીવાર આવી વસ્તુના ઘરાક આતા હૈ. અબ હમ ઘરાક કો તુમ્હારે પાસ લેકે આવેગે."
વળી ધંધાની વાત નીકળતા પેલો ઓહડિયાવાળો મૂડમાં આવી ગયો. "દેખો ઐસી કોઈ ભી ચીજ ચાહિયે તો મેરે પાસ ચલે આના મેં આપકો કહી સે ભી લા કે દુંગા. મેરા માલ ચાઈના તક જાતા હૈ. અભી અભી એક બડા ઓર્ડર આયા હૈ. વો એક હી મુદ્દા પાંચ લાખ કા હૈ."
પુંજાભાઈએ ભોળું મોઢું કરી પુછી લીધું, "વો ક્યા હે? જીવતા હાવજ દેવાના હે!!"
પેલો ઓહડિયાવાળો પણ હસવાનું રોકી ના શક્યો. તેણે હસતા હસતા કહ્યું, "શેર નહીં! તેંદુવે કી ખાલ ભેજની હૈ. વો ભી ચાઇના જાયેગી."
પુંજાભાઈએ વાત કઢાવતા આગળ પૂછ્યું, "દીપડા કા સામડા સાઇના સેમાં ભેજતે હો?"
ઓહડિયાવાળાએ જવાબ આપ્યો, "ઇસ્મે ક્યાં હૈ? બ્લેન્કેટ કા જો કન્ટેનર યહા સે ચાઈના જાયેગા. ઇસ મેં એક બ્લેન્કેટ મે એ ખાલ રખ દેંગે. ઉસ બ્લેન્કેટ પર એક નિશાની દેખ કર સામને વાલે કો માલુમ પડેગા કે ઇસ મેં માલ હૈ."
ઓહડિયાવાળા પાસે આખી યોજના સાંભળી બંને સ્તબ્ધ રહી ગયા. પુંજાભાઈએ વળી ભોળું મોઢું કરી કહ્યું, " હાવજ્યુ તો દેખા હૈ, પણ કભી દીપડા નહી દેખા. ઇસકા સામડા દેખ લે તો ભી હમે દીપડા દેખા બરાબર લગેગા."
ઓહડિયાવાળો ક્યારેય કોઈને પોતાનો ખજાનો બતાવતો નથી. પરંતુ આજે આવેલા બે ભોળા ગામડીયા પર પોતાનો પ્રભાવ પાડવા તે બંનેને ઓરડીની પાછળ આવેલા ભંડકિયામાં લઈ ગયો. અંડરગ્રાઉન્ડ ભોંયરા જેવી ઓરડીના બારણાનું તાળુ ખોલી અંદર લાઈટ કરી તો જાણે અડધું જંગલ અહીં જ ટિંગાતું હતું....
ક્રમશ: ....
(ઓપરેશન સાવજ જોવા માટે અને ૫૦ માં એપિસોડમાં શું નવું થવાનું છે? તે માટે વાંચતા રહો, "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no.9428810621