MOJISTAN - 90 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 90

મોજીસ્તાન (90)

નગીનદાસે પાટું માર્યું એટલે ટેમુ ફળિયામાં ગબડી પડ્યો હતો.એ વખતે નીનાનો હાથ ટેમુના હાથમાં હોવાથી એ પણ ટેમુ સાથે ખેંચાઈને એની ઉપર પડી હતી. ટેમુએ નીના ફરતે હાથ વીંટાળી દીધા અને નીનાએ ટેમુના ગાલ પર ચુંબન કરી લીધું એ દ્રશ્ય નગીનદાસથી જીરવાયું નહિ. ખડકીના બારણાં પાછળ જ કૂતરાં ભગાડવા માટે એક લાકડી નગીનદાસ રાખતો.માથામાં વાગ્યું હોવા છતાં નગીનદાસે એ લાકડી ઉઠાવી.એ જોઈ નયનાએ નગીનદાસને કમરમાંથી પકડી લીધો.

"રહેવા દો તમે રહેવા દો.જોવો તો ખરા ઈ છોકરાને આપડી છોકરી પણ ચાહે છે.તમે હવે હેઠા બેહો ભૈશાબ.." નયનાએ નગીનદાસને ખેંચતા કહ્યું.

"તું આમ આઘી મર્ય, હું ઈ કંદોઈના છોકરાને આજ જીવતો નથી મુકવાનો." કહી નગીનદાસે નયનાના હાથમાંથી છૂટવા એને ધક્કો માર્યો. પણ નયનાએ પકડ વધુ મજબૂત કરી.એ જોઈ ગુસ્સે ભરાયેલા નગીનદાસે નયનાને તમાચો મારી દીધો.

"પપ્પા..ખબરદાર જો મારી મમ્મી પર હાથ ઉઠાવતા નહિ.."

નયનાને તમાચો પડ્યો એ જોઈ નીના ટેમુ પરથી ઉભી થઈને દોડી. ટેમુ પણ ઉઠવા જતો હતો એ જોઈ નગીનદાસ એને મારવા ધસ્યો.હાથમાં રહેલી લાકડી ઉગામીને ટેમુના માથામાં ઘા કરવા ગયો ત્યાં જ લોખંડનો લાંબો તાવેથો ટેમુના માથા આડો આવી ગયો. નગીનદાની લાકડી એ તાવેથા સાથે જોરથી ભટકાઈ.

"હાં..હાં..નગીન. ઈનો બાપ હજી જીવે સ હો ! ઘરે બોલાવીન માથા ફોડવાના તારા અભરખા આ મીઠાલાલ પુરા નય થાવા દે હમજ્યો, હાલ્ય આમ હેઠીનો બેહ.."

"બાપા તમે આમાં નો પડતા.આ મારો મામલો છે.મારા સસરા ભલે મને મારી લેતા.આ તો લાકડીનો ઘા કરે છે,પણ આજ ટેમુ એની જિંદગીની લડાઈ લડી રહ્યો છે. આજ તલવારના ઘા થાય કે બંધુકમાંથી ગોળીયું છૂટે પણ આ ટેમુ આજ નહિ તૂટે ! તમે તાવેથો એકબાજુ મૂકી દયો." કહી ટેમુએ મીઠાલાલના હાથમાંથી તાવેથો ખેંચ્યો.

નગીનદાસને ટેમુએ સસરાજી કહ્યું એ સાંભળી મીઠાલાલની આંખો પહોળી થઈ. તાવેથો જમીન પર મૂકીને એણે રાડ પાડી,

"શું બોલ્યો તું ? આ નગીન તારો હાહરો ? મને પૂછ્યા વગર તું ઇનો જમાઈ ચયારે થય જ્યો ? ટેમલા તારા ટાંટિયા હું ભાંગી નાંખીશ."
મીઠાલાલે ડોળા કાઢ્યા.

"લઈ જા તારા આ કપાતરને આંયથી.નકર બેય બાપ દીકરાના વાંહા ભાંગી નાંખીશ. હાલી જ નીકળ્યા છો ? તણ ટકાનો કંદોઈ છો તું.તારું નામ મીઠો છે પણ તારી અંદર મીઠાનો કાંકરો પણ નથી.તારી જેવા લબાડનું મોઢું પણ હું જોવા માંગતો નથી.ભાગ મારા ઘરમાંથી.." કહી નગીનદાસે મીઠાલાલને મારવા લાકડી ઉગામી.

મીઠાલાલે તરત તાવેથો ઊંચો કરીને બરાડો પાડ્યો.નગીનદાસે તાવેથાનો ઘા લાકડી પર જીલી લઈને ફરી લાકડી ઉગામી. મીઠાલાલે નગીનદાસની લાકડીનો ઘા તાવેથા પર જીલ્યો. બંને જાણે દાંડિયા રમતા હોય એમ નગીનદાસના ફળિયામાં ઘુમવા લાગ્યા.

"ખબરદાર, દોઢ ટકાના નગીન ! મારુ નામ મીઠાલાલ છે એટલે હું મીઠો માણસ છું એમ નો હમજતો.મારી હાર્યે જે સીધો રેશે એને મારી મીઠાશ મળશે.તારી જેવા દોઢ ટકાના ચીંથરા ચૂંથતા ચાલુ માણસને હું મારો વેવાઈ બનાવીશ એમ નો હમજતો. અલ્યા તારી કોઈ ઓખાત નથી મારી સામે બેહવાની.તું એક ખહુરિયું કુતર્યું સો."

" ખહુરિયું કુતર્યું કોને કીધું હેં ? તું તો ખાંદામાં હડતું ભૂંડ છો.તારી જેવો નીચ માણસ આ ગામમાં બીજો કોઈ નથી.તું હાળા તાવેથો લઈને મને મારવા આવ્યો છો પણ આંયથી જીવતો નથી જાવાનો."

"તારી જેવા હલકટ કરતા તો હું સાત વખત સારો છું.તું ગરાગનું કાપડ કાઢી લે સે. તારી સિલાઈ કરતાં તો હાથ સિલાઈ સારી.તું પેન્ટ સિવવા દીધું હોય તો લેંઘો સીવી નાખશ,તને સાંધાનીય હમજણ પડતી નથી.તને ગાજ કોને કહેવાય અને બટન કોને કહેવાય ઈય ખબર્ય નથી ને તું દરજી થ્યો સો.બયરાવના બ્લાઉઝ તું દહ ધક્કા ખાય તોય સીવી દેતો નથ. અને ચણિયામાં નાડુ નાંખતા તો તારા આખા ખાનદાનમાં કોઈને આવડ્યું નથી.તારા બાપા, મારા બાપા પાંહે ચોયણાનું નાડું નખવતા'તા.એ નગીનીયા તું સાવ હલકીનો અને ઉતારના પેટનો છો.તારી છોડીને હું મારા ઘરની વવ તો સુ, કામવાળી તરીકેય નો રાખું..!"

નગીનદાસે તાવેથાનો ઘા લાકડી પર જીલીને જવાબ આપ્યો,

"તો તું ક્યાં દૂધે ધોયેલો છો.તારી બનાવેલી મીઠાઈ ખાઈને અડધા ગામને ઝાડા થઈ જાય છે.તું નકલી દૂધ ને નકલી ઘી વાપરે છે. તું ગરાગને લૂંટીને એમના શરીર બગાડે છે.તને શેમાં ગોળ નંખાય ને શેમાં ખાંડ નંખાય ઈય ખબર્ય નથી.તું અઠવાડિયે તો નહાય છે.હાળા ગોબરીના, તારું આખું ખાનદાન ગોબરૂ છે.તું બોલીનો મીઠો પણ રગેરગે જૂઠો છો.તું ગંધારો ને ગોબરો હલકટ હલવાઈ છો.પણ આજ આંય સલવાઈ ગ્યો છો. તારા છોકરાને હું જમાઈ તો શું, મારા ઘરનું સંડાસ સાફ કરવાય નો રાખું..!"

નગીનદાસ અને મીઠાલાલ બરબરના જામ્યા હતા.જાણે યુદ્ધના મેદાનમાં બે સિપાહીઓ સામસામે તલવારો લઈને લડતા હોય એમ મીઠાલાલ તાવેથો અને નગીનદાસ લાકડી લઈને યુદ્ધે ચડ્યા હતાં.બંનેના મુખમાંથી જે શબ્દો નીકળતા હતા એ સાંભળીને ખડકી બહાર આ યુદ્ધ જોવા જામેલું ટોળું હસતું હતું. મીઠાલાલ અને નગીનદાસ એકબીજા પર ગંભીર આરોપ નાખીને એકબીજાને હલકા ચિતરી રહ્યા હતા. પણ બે માંથી એકેયની એવી હિંમત નહોતી કે સામસામાં હથિયારો ભટકડવાને બદલે શરીર પર ઘા કરે !

નગીનદાસ અને મીઠાલાલ વચ્ચે યુદ્ધ જામતું જતું જોઈ નયનાએ ટેમુ અને નીનાને ઘરમાં બોલાવી લીધા. દીકરીને બાથમાં લઈને એનું કપાળ ચૂમીમે નયનાએ કહ્યું.

"એ ભલે બાઝી લેતા.તમે બેઉ આપણા મેડા પરથી બાજુવાળા વાલાકાકાના મેડામાં જતા રહો.ત્યાંથી એમના ફળિયામાં ઉતરી શકાશે.તને બેઉ નાસી જાઓ.બેટા નીના,હું તારી જિંદગી બગાડવા નથી માંગતી. રૂપિયાવાળો હોય પણ સંસ્કારી નો હોય એવા માણસ સાથે તું ક્યારેય સુખી નહિ થાય એ હું જાણું છું. આ ટેમુ તને ચાહે છે, તું પણ એને ચાહે છે.તમે બંને સુખી થાવ એવા મારા આશીર્વાદ છે." કહી નયનાએ ટેમુના માથે હાથ મુક્યો.

ટેમુએ પણ નયનાનો ચરણ સ્પર્શ કર્યો.નયનાએ નીનાનો હાથ એના હાથમાં આપતા કહ્યું, " તું મારી દીકરીને ખુશ રાખજે બસ, ગાડી બંગલા નહિ હોય તો ચાલશે પણ તું ક્યારેય એને દુઃખ ન આપતો. હું નીનાને એક માણસનો નંબર વોટ્સએપ કરું છું એને તું ફોન કરજે, એ તમને લોકોને મદદ કરશે અને તમારા બંનેના લગ્ન પણ કરાવી આપશે. અને એવી જગ્યાએ સંતાડી દેશે કે તમારા બંનેના બાપ આકાશ પાતાળ એક કરશે તો પણ શોધી નહિ શકે.''

"તમે સહેજ પણ ચિંતા કરશો નહિ, હું નીનાને મારી પલકો પર રાખીશ.." ટેમુએ ડાયલોગ માર્યો.

"પલકો પરથી તો પડી જશે મારી દીકરી.તું એવું ન કર તોય ચાલશે. એને બસ દુઃખ લાગે એવુ ક્યારેય ન કરતો અને હંમેશા એક વફાદાર પતિ બનીને રહેજે.'' કહી નયના હસી પડી.એની વાત સાંભળીને ટેમુ અને નીના પણ હસ્યાં.

નયનાએ કબાટ ખોલીને દસ હજાર રૂપિયા કાઢીને ટેમુના હાથમાં આપ્યા.અને નીનાએ ઝડપથી એના કપડાં એક બેગમાં ભર્યા. ફળિયામાં હજી નગીનદાસ અને મીઠાલાલ ગરબે રમતા હતાં.એ લોકોને ખ્યાલ ન આવે એમ ટેમુ અને નીના ઓસરીમાંથી દાદર ચડીને મેડા પર જતાં રહ્યાં.

નગીનદાસના મેડાની બાજુમાં જ વાલાકાકાનો મેડો હતો.ત્યાં સરળતાથી જઈ શકાય એમ હતું. વાલાકાકાનો પરિવાર સુરત રહેતો હતો. એટલે ડોસો ડોશી એકલા જ એ ઘરમાં રહેતા હતા.ટેમુ અને નીના એ મેડા પરથી ઉતરીને ફળિયામાં આવ્યા ત્યારે વાલાકાકાએ એ બંનેને જોયા.

"વાલાદાદા અમને જાવા દયો."

વાલાકાકા કંઈ સમજે એ પહેલાં ટેમુ અને નીનાએ ડેલી તરફ દોટ મૂકી.ડેલીની બારી ખોલીને બંને બજારમાં દોડી ગયા.થોડે દુર જઈ ટેમુએ નિનાને બસ સ્ટેન્ડ બાજુ જવાનું કહીને એ નગીનદાસની ખડકી બહાર પડેલું એનું બજાજ 80 લેવા ગયો.ખડકી આગળ ઊભેલું ટોળું ફળિયામાં ચાલતું પ્લાસીનું યુદ્ધ જોવામાં મશગુલ હતું, ટેમુએ બેચાર જણાને આઘા પાછા કરીને એનું બજાજ બહાર કાઢ્યું તો પણ કોઈને ખ્યાલ ન આવ્યો કે લડાઈનો મુખ્ય સૂત્રધાર તો હવે ફરાર થઈ રહ્યો છે !

થોડે દુર જઈ ટેમુએ કીક મારીને એઇટીને લીવર આપ્યું ત્યારે એકજણનું ધ્યાન ટેમુ પર ગયું,

"અલ્યા બાપાને બાઝતા મૂકીને ઓલ્યો ટેમૂડો તો ભાગ્યો..!"

ટોળાનું ધ્યાન ટેમુ પર પડ્યું. કોઈએ તાવેથાથી લડી રહેલા મીઠાલાલને કહ્યું, " અલ્યા મીઠીયા, તારો છોકરો તો આંયથી ભાગી ગયો.હવે બંધ કરો તમારા ભવાડા..!"

"નગીનદાસની છોકરી ને ટેમુડો બેય મેડા ઉપર ચડીને વાલાકાકાના મેડામાં જાતા'તા ઈ મેં ભાળ્યું છે,પણ આપડા બાપાનું ક્યાં કાંઈ લુસાઈ જાય સે.એ નગીનદાસ તમારી સોકરી તો ગઈ. હવે હવાર હુંધી ગાળ્યું દઈને બાજી મરો હાળ્યો !'' બીજો એક જણ ટોળામાંથી બોલ્યો.

એ સાથે જ યુદ્ધ બંધ પડ્યું.

"તને ને તારા છોકરાને હું જોય લેશ.જા હવે ઘર ભેગીનો થા. આજ તું મારા ઘરમાં નો હોત તો કાતરથી તને વેતરી નાખવાનો હતો. બે બે ઇંચના ચીંથરા કરીને તને કોથળામાં સીવી લેવાનો હતો આજ તો તને જીવતો જાવા દઉં છું,પણ હવે તું દિવસો ગણતો રે'જે, દિવાળી તો નહીં જ ભાળ્ય." કહી નગીનદાસ ઓસરી પર ચડીને ઘરમાં ગયો.

"તું શું જોઈ લેવાનો સો.જોઈ તો હું લેશ,આજ આ બધા માણસો ભેગા થઈ જ્યા એટલે તું બસી જ્યો, બાકી તો તને હું તેલમાં તળીને તારા ભજીયા બનાવીને ગામના કૂતરાંને ખવરાવત. તુંય હવે દિવાળી નથી ભળવાનો.કારણ કે તેં મીઠાલાલ હાર્યે દુશ્મની કરી સે મીઠાલાલ હાર્યે !" કહી મીઠાલાલ તાવેથો ખભે મૂકીને ખડકી તરફ ફર્યો.ત્યાં ઉભેલી ભીડ તરફ જોઈ વિજેતા બનેલા રાજાની જેમ હાથ ઊંચો કરીને જોરથી બોલ્યો,

"કેમ ભાયો,આજ આ નગીનને ધોળા દાડે તારા દેખાડી દીધા કે નહીં ? જોઈ લીધુને મીઠાલાલનું પાણી ! હાલો હવે આઘીના મરો અને હાલવા દયો."

"પણ મીઠાલાલ આમાં કંઈ ફેંસલો તો આવ્યો નહિ, જીત્યું કોણ ?" એકજણે કહ્યું.

"બેશક મીઠાલાલ જ જીત્યો.જોયું નહિ, નગીનદાસ ઓસરી પર ચડીને ઘરમાં ગરી જ્યો ઈ. બાકી આજ ઈને જીવતો નો મેલત હું !"
કહી મીઠાલાલ તવેથો ખભે મૂકીને ઘર તરફ ભાગ્યો.

નયનાએ આવીને ખડકી બંધ કરી એટલે જોણું જોવા ભેગી થયેલી આમ જનતા પોતપોતાના ઘર ભણી ચાલી નીકળી !

નગીનદાસ બરાબરનો અકળાયો હતો.પોતે જ્યારે મીઠાલાલ સાથે મરવા મારવા પર તુલ્યો હતો ત્યારે નયનાએ જ નીનાને ભાગી જવા દીધી હતી એ જાણીને બધો ગુસ્સો નયના પર આવ્યો હતો.

"તો આ બધા કામાં તારા જ છે એમ કહે ને ! તને પહેલેથી જ બધી ખબર હતી,તારે એ હરામખોરને જ જમાઈ બનાવવો હતો, તો મને છોલાવા બજાડી માર્યો ? સાલી બયરાવની જાત્ય."

"હવે મૂંગા મરો ને મોઢું ધોઈ નાખો. પાણીના ઢાળે પાણી જાય, ઈમાં કોઈ રોકી નો હકે. બુઠું લાકડું લઈને કોકને મારી નાખવાની ને કાપી નાખવાની તમારી વાતું મેં સાંભળી, તમે દાંડિયા રમતા'તા કે બાઝતા'તા ? બીજો કોક હોય તો એક ઘા ભેગું ભોડું રંગી નો નાખે ?
તમારામાં ઠામકીય બુદ્ધિ નથી,હાથે કરીને ઘરની આબરૂ ધૂળધાણી કરી.બેહો હવે હેઠા." કહી નયના બીજા ઓરડામાં જતી રહી.મોબાઈલ કાઢીને એકજણનો નંબર નીનાને મોકલી આપ્યો.અને નીચે લખ્યું, "આ માણસ તને દીકરીની જેમ સાચવશે.જરાય ચિંતા કર્યા વગર એના ઘેર જતા રહેજો.મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે મારી દીકરી."
મેસેજ મોકલી દીધા પછી નયનાએ પેલા વ્યક્તિ કે જેનો નંબર એણે નીનાને મોકલ્યો હતો એને મેસેજ કર્યો, "દીકરી અને જમાઈ તમારા ઘરે આવે છે.એના બાપની વિરુદ્ધ જઈને મેં એને તમારે ભરોસે મોકલી છે.બેઉના કોર્ટ મેરેજ કરાવી દેજો અને સાચવી લેજો."

મેસેજ મોકલ્યા પછી નયનાએ ઊંડો શ્વાસ લીધો.આજ એના મન પરથી ભાર ઉતરી ગયો હતો.

*

ખુમાનસંગ હવે થાક્યો હતો. છેલ્લા પંદર દિવસથી હુકમચંદને અંધારી કોટડીમાં પુરી રાખ્યો હતો.એને હુકમચંદ સાથે અંગત કોઈ દુશ્મની તો હતી નહિ. પણ આ એનો ધંધો હતો.રણછોડ પર ચારે તરફથી આવેલા દબાણની એને ખબર હતી પણ એને તો પૈસાથી મતલબ હતો.પોલીસ શિકારી કૂતરાની માફક હુકમચંદને શોધી રહી હતી.વળી ખુમાનસંગનો રેકોર્ડ પોલીસખાતા પાસે હતો જ.ખુમાનસંગને જાણવા મળ્યું હતું કે એક બે દિવસમાં બરવાળાની પોલીસ એની તપાસ કરવાની હતી.કારણ કે ભૂતકાળમાં અમુક અપહરણમાં ખુમાનસંગની સામેલગીરી પોલીસ ચોપડે બોલતી હતી.

આખરે કંટાળીને રણછોડે ના પાડી હોવા છતાં ખુમાનસંગે ફોન કર્યો.જો કે એ નંબર તો પેલા પરસોત્તમનો હતો !

"હેલો રણસોડ,ભઈ હવે ચ્યાં લગી તારો માલ મારે હાચવવાનો સે ? હવે મારી લિમિટ પુરી થઈ જઈ સે.માલ બગડી જાય એમ લાગે સે.અટલે તું જલદી કાંક કર્ય, ભઈ..!"

"હું પશવો બોલું સુ.રણસોડભાઈ મારા ફોનમાંથી તમને ફોન કરે સે.લ્યો હું ઈમને ફોન કરીને કય દવ."

ખુમાનસંગ ફોન કટ કરી એનું જૂનું રાજદૂત લઈ હુકમચંદને સંતાડયો હતો ત્યાં જવા ઘરની બહાર નીકળ્યો.ગામની બહાર નીકળીને ખુમાનસંગે રસ્તાની એક તરફ ઝાડ નીચે રાજદૂત ઉભું રાખ્યું.રોડ પર આગળ પાછળ લાંબી નજર કરીને એણે બીડી સળગાવી. ખુમાનસંગની આ ખાસિયત હતી. કોઈ પોતાનો પીછો તો નથી કરતુંને એ ચકાસીને જ ખુમાનસંગ આગળ વધતો.

ખુમાનસંગ થોડીવાર ઉભો રહ્યો. ગામ તરફથી બે જણ બાઈક પર આવી રહ્યાં હતાં. બંનેએ સફેદ કપડાં પહેર્યા હતા અને માથે ફાળીયા બાંધ્યા હતા.એ લોકોએ ખુમાનસંગને ઉભેલો જોઈ બાઈક ધીમુ પાડીને એની બાજુમાં ઉભું રાખ્યું.

"બીડી પીઓ છો અટલે કીધું કે તમારી કને બાક્સ હશે.આ મૂળિયાને બીડી પીવી સ.બીડી તો સે પણ બાક્સ નથ." બાઈક ચલાવી રહ્યો હતો એણે કહ્યું.
ખુમાનસંગે એ બેઉ પર પગથી માથા સુધી નજર ફેરવી. પછી લાઈટર આપતા કહ્યું, "ગામના તો નથ લાગતા, કી બાજુ જાવું સ ?"

પેલાએ લાઈટર લઈને પાછળ બેઠેલા મૂળિયાને આપતા કહ્યું,

"લે હળગાવ્ય હવે,ચયારનો માથું ખાતો'તો. બીડીની તલપ લાગે અટલે તારે તો પાસું ઘડીકય નો હાલે. આ ભઈ મળી જ્યાં તે હારું થિયુ."


પછી એ ખુમાનસંગ સામે જોઇને બોલ્યો, "બોટાદના છઇએ ને બરવાળે જાવી છીવી.આ મૂળિયાની ઘયડી હાહુ પાસા થિયા સે તે ખરખરો કરવા.તમે આ ગામના સવો ?"

"ના ના. હુંય બારગામનો સવ." ખુમાનસંગે ગપ્પુ ઠોકયું.એનો જવાબ સાંભળી પેલાની આંખો ચમકી અને હોઠ વંકાયા.એણે પાછળ બેઠેલા મૂળિયા સામે જોયુ.મૂળિયાએ, "હાલ્ય હવે મોડું થાય સે." કહી બીડીનો કશ ખેંચ્યો.

પેલાએ તરત બાઇકને કીક મારી.
ખુમાનસંગ પર એક નજર નાખીને એણે લીવર આપ્યું.મૂળિયાએ ધૂમડાનો ગોટો ખુમાનસંગ ઉપર છોડ્યો.

ખુમાનસંગને એ ગમ્યુ નહિ. બીજો કોઈ સમય હોત તો એ મૂળિયાનો કોલર પકડીને નીચે પાડ્યા વગર રહેત નહિ.પણ અત્યારે એના મગજ પર હુકમચંદ સવાર હતો.મૂળિયો એનું લાઈટર લઈને જતો રહ્યો એ પણ એને ખ્યાલ રહ્યો નહિ.

"હહરીના..હાળા. ઈનું ડોહું આ મારગ તો બરવાળે જાતો નથી. બોટાદથી બરવાળે જાવું હોય તો આંયા ચ્યમ ગુડાણા હશે ? મારા બેટા ખોટું બોલ્યા." ખુમાનસંગ બબડયો.એ લોકો દેખાતા બંધ થયા એટલે એણે રાજદૂત હાંકી મૂક્યું.

આગળ જતાં રસ્તો ફંટાયો. ખુમાનસંગે ફરી પાછળ જોઈ ડાબી બાજુ રાજદૂત વાળ્યું.
પણ એ ત્રણ રસ્તા પાસેની બાળવની કાંટયમાં ઉભેલા પેલા બે જણ એને દેખાયા નહિ !

(ક્રમશ:)

તો કહો જોઈએ, નયનાએ જે માણસનો મોબાઈલ નંબર નીનાને આપ્યો હતો અને મેસેજ કર્યો હતો એ કોણ હશે ?

ખુમાનસંગ પાસેથી લાઈટર લઈને બીડી સળગાવનારો મૂળિયો કોણ છે ? અને એ લોકો કેમ બાવળની કાંટય એટલે કે વાડ પાછળ સંતાયા હતા ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED