નેહડો ( The heart of Gir ) - 47 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 47

ગેલો, રાજપૂત સાહેબને બે ગાર્ડસ આગળની રિક્ષામાં બેઠા, ચાર ગાર્ડ્સ પાછળની રિક્ષામાં બેઠા. રીક્ષા જૂનાગઢની બજારમાં થતી તળેટી તરફ જઈ રહી હતી. રાજપૂત સાહેબ રીક્ષાનો ડ્રાઇવર પણ ન સાંભળે તેમ ધીમે ધીમે તેની સાથે બેઠેલા ગાર્ડ્સ સાથે ઓપરેશન સાવજની ચર્ચા કરી રહ્યા હતા. ગેલો રિક્ષામાં આગળ ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો. રાજપૂત સાહેબે સાથે લીધેલા બધા જ ગાર્ડ્સ ખૂબ જ ચપળ અને શારીરિક રીતે કસાયેલા હતા. ઓપરેશનમાં અગાઉ પણ આ ગાર્ડસે ઘણી વખત ભાગ ભજવેલો હતો. જંગલમાં ગોઠવેલા ફાંસાની પેટર્ન, પગલાં, શિકારીની ફોર્મ્યુલા,શિકારમાં વપરાયેલા સાધનો પરથી આ ટુકડીએ શિકારી કઈ બાજુના હશે તેનો અંદાજ લગાવી ભૂતકાળમાં ઘણા કેસ ઉકેલી નાખેલા હતાં. ઘણી વખત જંગલમાં બે ચાર જણની શિકારી ટોળકીની સામે હાથાપાઈ કરીને પણ તેમની ઉપર આ ગાર્ડસ ભારે પડેલા છે. એટલે તેમની હિસ્ટ્રી જોઈને રાજપૂત સાહેબને સાથે લીધેલા ગાર્ડસ પર પૂરો ભરોસો હતો. તેમાંય પોતાની સાથે બેઠેલા બંને ગાર્ડ તો અભિનયમાં પણ ખૂબ હોશિયાર છે.
બંનેમાંના એક પુંજોભાઈ તો થોડા વર્ષો પહેલા તુલસીશ્યામની બાજુમાં શિકારી ટોળકી હરકતમાં આવી હોય તેવા સમાચાર હતા. તેને પકડવા માટે પૂંજોભાઈ એક મહિના સુધી તુલસીશ્યામમાં ભિખારીના વેશે રહ્યા. કોઈને ખબર પણ ન પડે કે આ જંગલ ખાતાના માણસ હશે.એવો વેશ ધારણ કરેલો હતો. આખો દાડો તુલસીશ્યામમાં પ્રવેશ પાસે આવેલા વડલા નીચે લઘર વઘર કપડામાં વિખાયેલા વાળ અને મોટી દાઢી રાખી પડ્યા રે. લોકો ખાવાનું આપે તે ખાઈ લે નહિતર તુલસીશ્યામના અન્નક્ષેત્રમાં જઈને જમી લે. રાત્રે ત્યાં થતી હિલચાલ પર ધ્યાન રાખે. આખરે એક દિવસ બધાંની આશંકા સાચી પડી. એક દિવસ તુલસીશ્યામ નજીક દીપડાના વાવડ હતા. શિકારી ટુકડીએ ખબરી દ્વારા દીપડાનું પાકું લોકેશન લઇ લીધું. રાત્રે બે થી ત્રણના ગાળામાં પાંચથી સાત લોકો આડબિડ જંગલના રસ્તે ચડ્યા. વડલા નીચે ઉંઘવાનો ઢોંગ કરી પુંજોભાઈ બધું જોઈ રહ્યો હતો. શિકારી ટોળકી રોજ અહીં રેકી કરવા આવતી હતી. તેણે તો આ ભિખારી જોયેલો જ હતો. તેથી આજે તેમને તેના પર શંકા પણ ન પડી.
પુંજોભાઈ જ્યા પડ્યો હતો તે વડલા પાસે જ આ ટોળકીએ દીપડાને ફંદામાં પકડવાનો પ્લાન બનાવ્યો.તેમની પાસે દીપડાને પકડવા માટે લોખંડનો તાર પણ હતો. અને દીપડાને લોભાવીને ફંદા સુધી લાવવા માટે મારણમાં સાથે એક મરેલો કૂતરો પણ લાવ્યા હતા. જેવી આ ટોળી દીપડાના લોકેશન તરફ આગળ વધી, પુંજોભાઈ થોડું અંતર રાખી તેના પગલા દબાવતા લપાતો છુપાતો પાછળ ચાલવા લાગ્યો. શિકારી ટોળકી પાસે ટોર્ચ તો હતી પરંતુ ચાલું કરે તો પ્રકાશને લીધે પકડાઈ જવાની બીકે રાત્રે જરૂર વગર આ લોકો ટોર્ચ ચાલુ કરતા નથી. ટોળકી તેના બાદમીદારે આપેલા પાકા લોકેશન પર પહોંચી. ત્યાં એક મોટો જૂના જોગી જેવો વડલો હતો. વડલાની ફરતી જોગીની મોટી દાઢી જેવી વડવાઈ જામી ગયેલી હતી. છેક ત્યાં પહોંચી શિકારી ટોળકીમાના એક જણે વડલા પર ટોર્ચનો પ્રકાશ ફેક્યો. ત્યાં વડલાની એક ડાળે લપાઈને બેઠેલા દીપડાની આંખો ચમકી ઉઠી. આમ તો આવો હંસળ થાય તો દીપડો પોતાનું લોકેશન બદલી નાખે છે. પરંતુ શિકારી ટોળકીની સાથે રહેલા મરેલા કૂતરાની ગંધ દીપડાને આવી ગઈ હતી. એટલે ખોરાકની લાલચે તે ત્યાં જ બેઠો રહ્યો. શિકારી ટોળકીને મારણ ક્યાં મૂકવું! ફંદો કેમ બાંધવો, મારાણ સુધી પહોંચવાનો એક જ રસ્તો કઈ રીતે ખુલ્લો રાખવો,જે ફંદામાં જઈને જ મારણ સુધી પહોંચતો હોય છે, એ બધી ટેકનિક ખૂબ સારી રીતે ફાવતી હોય છે. બિચારું ભોળું જનાવર શેતાન માણસોના ફંદામાં આવી જાય છે. ફંદામાં ફસાઈ ગયા પછી તે જેમ બચવા પ્રયત્ન કરે તેમ ફંદો વધારે કસાતો જાય છે. આખરે જનાવરના શ્વાસ તૂટી જાય છે. શિકારી ટોળકી પોતાની આ રીતની બધી તૈયારીમાં લાગી ગઈ હતી. પુંજોભાઈએ થોડો દૂર જઈ પોતાના જૂના ધાબળામાં સંઘરેલું વોકીટોકી કાઢી સામે જોડાણ કર્યું. ઝડપથી આખી ઘટના સમજાવી દીધી અને પાકું લોકેશન આપી દીધું. ટીમે તેનાં જવાનોને ગાડી કેટલે દૂર રાખવી?, ગાડીની હેડલાઇટ બંધ રાખવી, કયા રસ્તેથી ટોળકીને ફરતેથી ઘેરી લેવી જેવી પાકી સૂચના આપી દીધી. નજીકની ચોકીથી થોડી જ વારમાં જંગલના જવાનો પહોંચી ગયા. તેઓએ શિકારી ટોળકીને ફરતેથી ઘેરી લીધી. પોતાનું કામ ઝડપથી પતાવવાની ઉતાવળમાં પડેલી શિકારી ટોળકીને એવી ખબર ન હતી કે તેની ચારે બાજુ ઘેરો ઘલાઈ ચૂક્યો છે. નજીક પહોંચી ગયેલા જવાનોને જોઈને ટોળકીએ ગભરાઈને ભાગવા કોશિશ કરી પણ આ કિલ્લેબંધી તોડીને જાય ક્યાં? શિકારી ટોળકીમાના એકાદ જણે તો પોતાની પાસે રહેલા દેશી તમંચામાંથી ભડાકો પણ કર્યો. પરંતુ સામે જવાબી ફાયરિંગથી ડરીને બધાએ શરણાગતિ સ્વીકારી લીધી. કેટલાય દિવસથી ટુકડીને પકડવા હેરાન થતા પુંજોભાઈ તો આ ટોળકી પર તૂટી પડ્યો. તેણે બધાને ધબધબાવીને પોતાનો હાથ સાફ કરી નાખ્યો. બીજા જવાનોએ પણ પહેલા તો શિકારીઓને ખૂબ લંમધાર્યા. મેથીપાક આપી આખી શિકારી ટુકડીને ઢીલીઢફ કરી પછી જેલ હવાલે કરી દીધી.
રાજપુત સાહેબે આ બધી વાતો જાણેલી છે. એટલે તેમને આ બધા ગાર્ડ્સ પર પૂરો વિશ્વાસ હતો. રીક્ષા ગિરનાર તળેટીમાં પ્રવેશી. સાહેબે રિક્ષાના ડ્રાઇવરને સ્પીડ ધીમી રાખવા કહ્યું. શિવરાત્રીનો મેળો હજી આગલા દિવસે જ પૂર્ણ થયો હતો. જ્યાં ગઈકાલે માણસોનો સમુદ્ર ઘુઘવતો હતો એ બજારોમાં અત્યારે સામાન્ય અવર-જવર દેખાઈ રહી હતી. પ્રશાસનના માણસો લોકોએ ચારે બાજુ ફેંકેલો કચરો અને ફેલાવેલી ગંદકી સાફ કરી રહ્યા હતા. રોડની બંને બાજુ બનાવેલા હંગામી હાટડાઓ સંકેલાઈ રહ્યા હતા. તે લોકોના મોઢા પર ત્રણ ચાર દિવસના દોડાદોડીને ઉજાગરાનો થાક દેખાઈ રહ્યો હતો. રીક્ષા રસ્તા પર આગળ જઈ રહી હતી. બીજી રીક્ષા તેનાથી થોડું અંતર રાખી પાછળ પાછળ આવતી હતી. ગેલાએ દૂરથી પેલી ઓહડિયાની હાટડી જોઈ લીધી. બીજા બધા હાટડા સંકેલાય રહ્યાં હતા. પરંતુ આ દેશી ઓહડિયાની હાટડી હજી એમ જ ઊભી હતી. આ ઓહડિયાની હાટડી કાપડના પડદાથી આખી પેક કરેલી અને એક પ્રવેશ દ્વાર વાળી રૂમ જેવી બનાવેલી હતી. પેલો શંકાસ્પદ માણસ હાટડીની બહાર બાજુમાં આવેલા કરંજના ઝાડના છાંયડે ખુરશી નાખીને બેઠો હતો. ગેલાએ રાજપૂત સાહેબને તે માણસ ઓળખી બતાવ્યો. નક્કી થયેલી યોજના પ્રમાણે રિક્ષામાં બેઠેલા પુંજાભાઈ અને રઘુભાઈને ઓહડીયાની હાટડીથી થોડા દૂર ઉતારી દીધા. રીક્ષા આગળ ચાલતી થઈ.
પુંજોભાઈને રઘુભાઈ બંને ગાર્ડસે જુનાગઢ આજુબાજુના લોકલ માણસો જવા કપડાં પહેર્યા હતા. બંને પગ ઢસડતા ઢસડતા ચાલતાં ઓહડિયાની હાટડીએ આવીને ઊભા રહ્યા. અભણ માણસની જેમ બંને હાટડી તરફ તાકવા લાગ્યા. તેને જોઈ પેલો ઓહડીયાવાળો માણસ ઊભો થઈ ત્યાં આવ્યો. ને બંનેને પૂછ્યું,"ક્યાં ચાહિયે?" પુંજોભાઈએ કહ્યું, "કબજિયાતની દવા મળહે?" પેલા માણસે કહ્યું, "ઇધર દેશી દવા મિલેગી, એ મહેંગી હોગી. અગર ચાહીયે તો બોલો!"પુંજોભાઈ બોલ્યો, "કબજિયાત મટ તો જાયેગાની?મેંગી હશે તો હાલેગી."પેલો માણસ બંને ગાર્ડ્સને કાપડના પડદાના બનાવેલ રૂમ જેવી હાટડીમાં લઈ ગયો. ઊંચાને કદાવર બંને ગાર્ડસ આ નીચી થડીની હાટડીમાં વાંકા વળીને માંડ પ્રવેશ કરી શક્યા. અંદર જઈ જોયું તો કાચની બરણીઓ ગોઠવેલી હતી. તેમાં અલગ અલગ વનસ્પતિના મૂળિયાં, વૃક્ષોનાં બીજ,આયુર્વેદિક ડાળખીઓ, તો કોઈ કોઈ બરણીમાં પ્રવાહી,ને અમુક બરણીમાં મલમ ભરેલા હતા.
ક્રમશ:
(ઓપરેશન સાવજ પાર પાડવા માટે વાંચતાં રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no.9428810621