Aa Janamni pele paar - 34 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૩૪

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૪

હેવાલીની સામે એકાએક મેવાન પ્રગટ થયા પછી જ્યારે એણે કહ્યું કે તે દિયાનને મળવા ગઇ હતી પણ એણે વાત કરી નહીં ત્યારે એ તેની મજાક કરતો હોય એમ હસવા લાગ્યો હતો. હેવાલી ચોંકી ગઇ હતી. મેવાનનું આ રીતે હસવાનું તેને અજીબ લાગતું હતું. હેવાલીએ નવાઇ સાથે ધડકતા દિલે પૂછ્યું:'મેવાન, તું કેમ આમ હસે છે?'

મેવાન મુશ્કેલીથી હસવાનું ખાળીને બોલ્યો:'તું મજાક કરે છે કે શું? દિયાન અહીં આવ્યો હતો? મને સાચું લાગતું નથી!'

'દિયાને ઘણીવાર દરવાજો ખખડાવ્યો પણ મેં ખોલ્યો નહીં કે કોઇ પ્રતિસાદ આપ્યો નહીં. હવે મારે એની સાથે કોઇ લેવાદેવા નથી. અને મારો પૂર્વ જન્મનો સાથી મળી ગયો છે એટલે આ જન્મમાં પણ એ જ મારા માટે ભગવાન છે...' હેવાલી પોતાના દિલની વાત કહેતી હોય એમ ભાવુક બનીને બોલતી હતી.

'હેવાલી, તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ગઇ!' કહીને મેવાન હળવાશથી બોલ્યો. એના ચહેરા પર ગજબની ખુશી જોવા મળી રહી હતી.

'પરીક્ષા? કેવી પરીક્ષા?' હેવાલીને મેવાનની વાત સમજાઇ નહીં.

'અસલમાં મેં શિનામિને કહ્યું હતું કે એક છેલ્લી પરીક્ષા બંનેની લઇ લઇશું અને એ પછી આપણું નવું જીવન શરૂ કરીશું. શિનામિને એમ કહ્યું હતું કે તું દિયાનને હેવાલી પાસે જવાનું કહેજે. એ તારું કહ્યું કરે છે કે નહીં એ જાણી શકાશે અને બીજી તરફ હેવાલી એને મળવા તડપી રહી છે કે હવે એને છોડી જ દીધો છે એ જાણી શકાશે. તેં દિયાનને મળવાનો ઇન્કાર કરી દીધો એ વાતથી હું બહુ ખુશ છું....' મેવાનના અવાજમાં તેનો આનંદ છલકાતો હતો.

'ઓહ! પણ આ વાતની દિયાનને ખબર પડી જશે?' હેવાલીએ નવાઇથી પૂછ્યું.

'હા, શિનામિ એને આ વાત આજે જણાવી દેશે. શિનામિને વિશ્વાસ હતો કે દિયાન તને મળવા જશે અને તું કદાચ એને મળશે. પણ એ જાણીને શિનામિ ખુશ થઇ હશે કે તું દિયાનને મળી ન હતી. હવે આપણે આ જગ્યા ખાલી કરી દઇશું. આપણી મુલાકાતોનું સ્થળ તારું ઘર હશે. એ જ રીતે દિયાનને મળવા હવે શિનામિ એના ઘરે જ જશે. એ બંને એમના ઘરે અને આપણે બંને તારા ઘરે નવું જીવન શરૂ કરીશું...' કહીને મેવાન એને જોઇ રહ્યો.

'મેવાન, તું તો પહેલી મુલાકાતથી જ મને ચમકાવી રહ્યો છે. તને હજુ પણ મારા પ્રેમ પર શંકા હોય તો બીજી કોઇ પરીક્ષા લઇ શકે છે...' હેવાલી સહેજ નારાજ થઇને બોલી.

'હેવાલી, હું માફી ચાહું છું. તારી નારાજગી જાયઝ છે. હવે તારી કોઇ પરીક્ષા લેવાનો પ્રશ્ન જ નથી. હવે તારે દિયાનની જિંદગીથી દૂર રહેવાનું અને મારે શિનામિને ભૂલી જવાની છે. બંનેને પૂર્વ જન્મના સાથી મળી ગયા છે અને એ એટલા જ ચાહે છે એનાથી વધારે ખુશી કઇ હોય શકે.' મેવાને બે હાથ જોડીને કહ્યું.

'ઓકે, પણ આપણે મારા ઘરે કેવી રીતે રહીશું?' હેવાલીએ ભવિષ્ય વિશે વિચારીને પૂછ્યું.

'એમાં શું મોટી વાત છે? તારે ત્યાં રાત્રે હું મળવા આવીશ. આપણે રોજ રાત્રે એકબીજા સાથે સમય વીતાવીશું...' મેવાને પોતાની યોજના જણાવી.

'હા, હું હવે મમ્મી- પપ્પાને કહી દઇશ કે એક વખતના લગ્ન સફળ રહ્યા નથી એટલે મારે ફરી લગ્ન કરવા નથી...' હેવાલીએ કારણ વિચારીને કહ્યું.

'તું બહુ સમજદાર છે. આવતીકાલે તું તારા ઘરે પહોંચી જજે. હું રાત્રે મળવા આવીશ...' મેવાને લાગણીથી કહ્યું.

અડધી રાત સુધી મેવાન તેના હેવાલી સાથેના પૂર્વ જન્મની વાતો કરતો રહ્યો. હેવાલીની આંખો ઘેરાઇ ગઇ અને તે ક્યારે સૂઇ ગઇ એનો એને ખ્યાલ જ ના રહ્યો.

હેવાલીની ઊંઘ ઊડી ત્યારે સૂરજ ઉપર ચઢી ગયો હતો. તેણે આંખો ચોળીને જોયું અને ચમકી ગઇ!

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED