મોજીસ્તાન (89)
"લાળીજા ગામના સરપંચ હુકમચંદને તમે ગુમ કર્યા છે પપ્પા ?"
હુકમચંદ ગુમ થયાને આજે પંદર દિવસ થઈ ગયા હતા.રણછોડને હવે ક્યાંય બહાર નિકળાય તેમ નહોતું.પરષોત્તમના ફોનમાંથી એણે ખુમાનસંગને સૂચના આપી હતી એ મુજબ ખુમાનસંગ હુકમચંદને હેરાન કરતો હતો. થાંભલા સાથેથી છોડીને એને એક અંધારી ઓરડીમાં કેદ કરવામાં આવ્યો હતો.એક સવારે રણછોડ એના ઘેર બેઠો બેઠો હવે શું કરવું એ વિચારી રહ્યો હતો.એ વખતે એના મોટા દીકરા રવિએ એની પાસે આવીને હુકમચંદ વિશે પૂછ્યું.
રવિ કેમિકલ એન્જીનીયર હતો અને અમદાવાદની કોઈ કંપનીમાં નોકરી કરતો હતો. રણછોડના બુલેટને ટક્કર મારીને ખાળીયામાં નાંખી દેવામાં આવ્યો હતો પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ એની સારવાર કરવામાં આવી હતી.રવિનો ખાસ મિત્ર સિવિલ હોસ્પિટલમાં ડોકટર હતો એટલે રણછોડનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
રવિ અને વીજળી બારમાં ધોરણ સુધી તાલુકા શાળામાં સાથે ભણતા હતા.એ વખતથી જ બંને વચ્ચે પ્રેમના બીજ રોપાયા હતા.બંને અવારનવાર બોટાદમાં ક્યાંકને ક્યાંક મળી લેતા હતા. હુકમચંદ કે રણછોડને આ વાતની જરા સરખી ગંધ પણ આવી નહોતી.આ રવિ અને સંજય બંને પણ ખાસ મિત્ર હતા.સંજય સવજીનો પુત્ર હતો અને બાબા અને ટેમુનો પણ મિત્ર હતો.
બાબા અને ટેમુને પણ રવિ અને વીજળીના પ્રેમ સબંધ વિશે ખબર નહોતી.જે દિવસે બાબો અને ટેમુ એમના ખાસ દોસ્ત સંજયને મળવા અમદાવાદ જઈ રહ્યા હતા એના બે દિવસ પહેલા જ એક ઘટના બની હતી.
એન્જીનીયર થઈ ગયેલા રવિ માટે રણછોડે કન્યાઓ શોધવાનું શરૂ કર્યું હતું.પણ રવિને વીજળી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી એટલે એણે રણછોડને પોતાના પ્રેમ વિશે જણાવ્યું હતું.પોતે વીજળી સિવાય કોઈની પણ સાથે મેરેજ નહિ કરે એમ સ્પષ્ટ કહી દીધું હતું.
પોતાના જાની દુશ્મન અને કટ્ટર રાજકીય હરિફને પોતાનો વેવાઈ બનાવવા રણછોડ હરગીજ તૈયાર નહોતો.વળી જ્ઞાતિબાદ પણ એને નડતો હતો.રણછોડે પોતે પણ નયના સાથેના પ્રેમનું બલિદાન આપવું પડ્યું હોવા છતાં એણે દીકરાને જ્ઞાતિના બંધનમાં બાંધ્યો હતો.
પણ રવિનો નિર્ણય અફર હતો.
વીજળીને પણ એ જ પ્રોબ્લમ સતાવતો હતો કે હુકમચંદ ક્યારેય આ સબંધ પર સમંતિની મહોર મારશે નહિ.
એકમેકને દિલ આપી ચૂકેલા એ બંને પ્રેમી પંખીડાએ નાસી જવાનું નક્કી કર્યું.પરંતુ રણછોડને ખ્યાલ આવી જતા એણે રવિને ઘરમાં જ કેદ કરી દીધો.જે ટ્રેનમાં વીજળી લાળીજા રેલવે સ્ટેશનથી રાતે આઠ વાગ્યે ચડવાની હતી એ જ ટ્રેનમાં બોટાદથી રવિ આવવાનો હતો.બંને અમદાવાદ જઈને બીજા જ દિવસે કોર્ટ મેરેજ કરવાના હતાં.
પરંતુ રવિ આવ્યો નહોતો.બાબો અને ટેમુ એ જ ટ્રેનમાં અમદાવાદ જતા હતા.એ વખતે એમણે ગામના રેલવે સ્ટેશન પર જ વીજળીને જોઈ હતી પણ વીજળીએ મોં પર કાળુ કપડું વીંટયું હોવાથી એ લોકો ઓળખી શક્યા નહોતા.પણ ચાલાક ટેમુ અને બાબો એટલું તો સમજી જ ગયા હતા કે આ છોકરી જરૂર એના ઘેરથી ભાગી હોવી જોઈએ.
રવિ ન આવ્યો એટલે વીજળી ખૂબ જ અકળાઈ હતી.રવિનો ફોન પણ રણછોડે આંચકી લઈને સ્વીચઓફ કરી દીધો હતો.રાતની ટ્રેનમાં સફર કરતી વીજળીને એકલી જ હોવાનું જાણી ગયેલા પર કેટલાક મવાલીઓ એની પાછળ પડ્યા હતા,પણ બાબાએ એને બચાવી હતી.
ત્યાર પછી વિજળીએ રવિને પોતાના દિલમાંથી રૂખસદ આપી હતી. રવિને બ્લોક કરી દીધા પછી રવિએ બીજા ફોનમાંથી પોતાની મજબૂરી સમજાવવા ઘણા ફોન કર્યા પણ વીજળી રવિનો અવાજ સાંભળીને તરત જ કોલ કટ કરી નાંખતી હતી. એના વિશ્વાસે ઘરબાર છોડીને અંધારી રાતે એકલી ચાલી નીકળેલી વીજળીને રવિ નહોતો આવ્યો એટલે દગાખોર લાગ્યો હતો.રવિ સાથે કાયમ માટે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
પણ સાચો પ્રેમ કયારેય મરતો નથી હોતો.સમય અને પરિસ્થિતિ ભલે ગમે તેવા સંકટો ઉભા કરે છતાં જેને એકવાર દિલ આપ્યું હોય એના પ્રેમની જ્યોત કદાચ જીવનભર સળગતી રહેતી હોય છે.રવિને પારાવાર નફરત કરતી વીજળી ભલે રવિ સાથે વાત કરતી નહોતી પણ એની એકએક ખબર રાખતી હતી.રવિને તે દિવસે રણછોડે કેદ કરી લીધો હતો એ વાત એના માનવામાં જ આવી નહોતી.
દિવસો અને મહિનાઓ વીત્યા.
રવિ સતત વીજળીને યાદ કરતો હતો.એના જીવનમાંથી વીજળીની રોશની જતી રહેતા સાવ અંધકાર વ્યાપી ગયો હતો.
પિતાએ બતાવેલી તમામ રૂપાળી અને સારા ઘરની છોકરીઓ એણે રિજેક્ટ કરી હતી.હવે તો રવિ બાયોડેટામાંથી જ છોકરીના નંબર પર ફોન કરીને કહી દેતો કે એ કોઈ બીજી છોકરીને ચાહે છે. એટલે સગપણની વાત ત્યાં જ અટકી જતી.બાપ દીકરા વચ્ચે આ બાબતે ખુબ જ બોલાચાલી થતા રવિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો.
એવામાં એને ન્યૂઝ પેપરમાં હુકમચંદ ગુમ થવાના સમાચાર મળ્યા.સવિતા અને વીજળીના આંસુ સારતા ચહેરાઓ એણે ટીવી ઇન્ટરવ્યૂમાં જોયા.અને હુકમચંદને ગુમ કરવા પાછળ પિતાનો હાથ હોવાનું કહેતા સમાચારો પણ એણે સાંભળ્યા.
વીજળીને દુઃખમાં પડેલી જોઈ રવિનું હૈયું પણ હાથ રહ્યું નહિ.
એના ખાસ દોસ્ત સંજયને એણે વીજળી વિશે વાત કરી.સંજયે ટેમુ સાથે વાત કરીને વીજળીને સમજાવવા કહ્યું. એ રાતે રવિ, શા માટે આવી શક્યો નહોતો એ બધું
ટેમુએ વીજળીને સમજાવ્યું. રવિએ સાચે જ દગો નહોતો કર્યો એ આખરે વીજળીને સમજાયું હતું. રવિને હડધૂત કરવા બદલ એને પસ્તાવો થવા લાગ્યો હતો.
પિતાની ગેરહાજરી અને પ્રેમીની સચ્ચાઈ સામે આવતા વીજળી ખૂબ જ રડી હતી.સંજય અને રવિ અમદાવાદથી ગામ આવ્યા હતા.સંજયના ઘેર રવિ સાથે વીજળીનું મિલન ગોઠવવામાં આવ્યું હતું.ટેમુ ને હવે સમજાયું હતું કે વીજળીને સંજયમાં આટલો રસ શુકામ હતો ! કારણ કે સંજય જ રવિને મળવાનો સેતુ અને સહારો હતો.
સવજીએ સંજય વાંચી લખી શકે એ માટે એક મકાનમાં ખાસ વ્યવસ્થા કરી હતી.સંજય અમદાવાદ જતો રહ્યો પછી એ મકાન મહેમાનો માટે અલગ જ રાખવમાં આવ્યું હતું.સંજય અને એના દોસ્તો ગામ આવતા ત્યારે આ મકાનમાં જ ઉતરતા.
વીજળી સવારે આઠ વાગ્યે સંજયના એ ઘેર પહોંચી હતી.ડેલાની બારી ખોલીને એણે જેવો અંદર પગ મૂક્યો કે તરત ઓસરીમાં બેઠેલા સંજય અને ટેમુને જોયા હતા.બારી બંધ કરીને આ ફળિયામાં આવી.
એની આંખો રડી રડીને સૂઝી ગઈ હતી.અને શરીર લેવાઈ ગયું હતું.
ટેમુ પણ વીજળીની હાલત જોઈ દુઃખી થઈ ગયો.ક્યાં દુકાને ખારીશિંગ લેવા આવતી અલ્લડ અને એકદમ હૃષ્ટપુષ્ટ વીજળી અને ક્યાં સાવ માયુસ થઈને જાણે જીવન હારી ચૂકી હોય એવી નિસ્તેજ વીજળી !
વીજળીએ સંજય અને ટેમુ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.સંજય એનો સવાલ સમજી ગયો હોઈ ઓસરીમાં જ આવેલા રૂમના બંધ બારણાં તરફ ઈશારો કર્યો.
વીજળી ઓસરીના પગથિયાં ચડીને એ રૂમ તરફ ચાલી.એકવાર એણે ટેમુ સામે જોઈ ફિક્કું સ્મિત વેર્યું અને બંધ બારણાંને ધક્કો માર્યો.
એ રૂમમાં બેડ પર બેઠેલો રવિ વીજળીને જોઈ ઉભો થયો. વીજળી દોડીને રવિને વળગી પડી.બે તરસ્યા હૈયાઓ પરસ્પર ભેટીને પ્રેમથી તરબતર થવા લાગ્યા. ન તો વીજળી એક શબ્દ બોલી કે ન બોલ્યો રવિ.
મિનિટો સુધી પરસ્પરના આલિંગનમાં બંને હૈયાની હૂંફ પામતા રહ્યાં પછી રવિએ વીજળીને અલગ કરીને એની આંખોમાંથી ગાલ પર દડી રહેલા આંસુઓ લૂછયા.એ પોતે પણ રડી રહ્યો હતો.વીજળીને ભયાનક પરિસ્થિતિમાં મુકવા બદલ એને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો.
"વીજુ મને માફ કરી દે.મારા પપ્પાએ મને ઓરડામાં પુરીને તાળું મારી દીધું હતું.હું ખૂબ રડ્યો હતો.
મને બહાર કાઢવા મેં અનેક કાકલુદીઓ કરી હતી.તેઓ જેમ કહે તેમ કરવા પણ હું તૈયાર થઈ ગયો હતો,પણ એ વખતે મને બહાર કાઢવા કરેલી આજીજીની અસર જ એમની ઉપર થઈ નહોતી.વીજળી, હું તને અપાર ચાહું છું.હું પરણીશ તો તને જ.જો તું મને માફ નહિ કરે તો હું ક્યારેય મેરેજ નહિ કરું."
વીજળીએ રવિના હોઠ પર એની આંગળીઓ મૂકી દીધી.
"હવે કંઈ ન કહીશ રવિ.મારે પણ તારી વાત સાંભળવી જોઈતી હતી.પણ એ રાતે તું આવ્યો નહિ એટલે મને અત્યંત આઘાત લાગ્યો હતો. મેં તને ઓળખવામાં આટલી મોટી ભૂલ કરી એ જોઈ મને મારી જાત પર જ નફરત આવી ગઈ હતી.હું દિવસો સુધી માત્ર જીવતી લાશ થઈને ફરી છું.મારા પપ્પાની આબરૂ પર હું પાણી ફેરવીને તારી સાથે ભાગી નીકળવા આવી હતી.
પણ હવે એ બધું વિચારવાનો કોઈ અર્થ નથી.તારી સ્થિતિ મને સમજાઈ ગઈ છે.હું પણ તને ખૂબ ખૂબ અને ખૂબ ચાહું છું." કહી વીજળી ફરી રવિને વળગી પડી.
વીજળીની પીઠ પર હાથ પસવારીને રવીએ એને પોતાની બાજુમાં બેડ પર બેસાડી. વીજળીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, "હું આજે જ મારા પિતાજીને પૂછીશ.જો એમણે જ તારા પિતાજીનું અપહરણ કરાવ્યું હશે તો હું એમને ક્યારેય માફ નહિ કરું.હું તારા પપ્પાને પાતાળમાંથી પણ શોધી કાઢીશ.
એમની દરેક હિલચાલ પર નજર રાખીને હું રાત દિવસ એક કરીને તારા પપ્પાને પાછા લાવીશ."
વીજળી, રવિની વાત સાંભળી ખુશ થઈ.એના હોઠ પર સ્મિત આવ્યું.એ જોઈ રવિએ ને નાજુક પુષ્પની પાંદડી જેવા હોઠ ચૂમી લીધા.
થોડીવારે બંને બહાર આવ્યા. વીજળીને એના ઘેર મોકલીને ત્રણેય મિત્રોએ હુકમચંદને શોધવાનો પ્લાન બનાવ્યો.રવિએ સૌ પ્રથમ એના ઘેરથી જ તલાશ શરૂ કરવાનું નક્કી કર્યું. લોકોની જેમ એને પણ પિતા પર શંકા હતી.ઘણીવાર વાતવાતમાં એમણે હુકમચંદને પોતાનો દુશ્મન નંબર વન જાહેર કર્યો હતો.અને એટલે જ તો વીજળી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી.આ ઉપરાંત હુકમચંદે જ એમની ઉપર જીવલેણ હુમલો કરાવ્યો હોવાનું શોધી કાઢ્યું હતું એ પણ રવિ જાણતો હતો.
રવિ ઘેર ગયો ત્યારે રણછોડ ક્યાંક બહાર ગયો હતો.રાતે પણ એ બહુ મોડો ઘેર આવ્યો હતો.આજકાલ એનું મગજ પણ ઠેકાણે નહોતું.ઘરમાં કોઈને સરખા જવાબ પણ એ આપતો નહોતો.
સવારે એ કંઈક વિચારમાં પડ્યો હતો એ જ વખતે રવિએ એની સામે આવીને હુકમચંદ વિશે પૂછ્યું હતું.
રણછોડ એકદમ કડક સ્વભાવનો પિતા હતો.રવિ સાથે વીજળી બાબતે આમેય એને અંટસ પડી ગઈ હતી.રવિ પોતાના કહ્યામાં ન હોવાથી રવિ પર એને ગુસ્સો આવતો હતો.રવિ પણ આ બધું જાણતો હોવાથી ક્યારેય પિતા સાથે વાત કરતો નહોતો.પણ આજ અચાનક રવિએ દુઃખતી નસ દબાવી હોવાનો રણછોડને અહેસાસ થયો હતો.
"કોણ હુકમચંદ ? હું કોઈ હુકમચંદને નથી ઓળખતો.તું તારા કામથી કામ રાખ.મને કંઈ પૂછવાનો તને અધિકાર નથી."
રણછોડે ખિજાઈને કહ્યું.
"એ હુકમચંદ કે જે તમારા રાજકીય દુશ્મન છે.જેની ઉપર તમને શક છે કે એણે જ તમારા બુલેટને પાછળથી જીપની ટક્કર મરાવી હતી.પણ તમે બચી ગયા.
એ જ હુકમચંદ કે જેમની દીકરી વીજળીને હું ચાહું છું અને કોઈપણ સંજોગોમાં હું એની સાથે લગ્ન કરીશ.આખા જિલ્લાના લોકો કહે છે કે હુકમચંદને તમે જ ઉઠાવી લીધા છે. જો એ વાત સાચી નીકળશે કે હુકમચંદજીનો વાળ પણ વાંકો થયો હશે તો જોઈ લેજો."
રણછોડ પોતાના સગ્ગા દીકરાની આંખમાંથી ખરતા અંગારા જોઈ રહ્યો. પોતાને પડકારતા પુત્રના ગાલ પર બેચાર તમાચા ચોડી દેવાનું એને મન થયું.પણ યુવાન દીકરા ઉપર હાથ ઉપાડવાનું એને ઠીક લાગ્યું નહિ.
"તું જા અહીંથી.મને કશી જ ખબર નથી. તારે આ રીતે વાત કરવી જોઈએ નહીં,હું તારો બાપ છું એ ન ભૂલતો."
"હું પણ તમારો જ દીકરો છું એ ન ભૂલતા. જો હુકમચંદજીને ગુમ કરવા પાછળ તમે પોતે અથવા તમારો હાથ કે પગ કંઈપણ હોય તો મહેરબાની કરીને મને કહી દો.
અને અત્યારે જ એમને છોડી મુકો."
"મેં કહ્યું ને તું જા અહીંથી.હું કોઈ હુકમચંદને જાણતો નથી." કહી રણછોડે નજર ફેરવી લીધી.
"મારા માથે હાથ મૂકો અને મારી આંખોમાં આંખ નાખીને કહો કે હુકમચંદનું અપહરણ તમે નથી કર્યું !" રવિએ હુકમચંદની બાજુમાં બેસી એનો હાથ પકડીને પોતાના માથે મૂકીને કહ્યું.
રણછોડે તરત જ હાથ ખેંચી લીધો.ભલે પુત્ર સાથે મનમેળ ન હોય, પણ પુત્ર કયા બાપને વહાલો હોતો નથી ? ક્યારેય કોઈ બાપ, દીકરાના ખોટા સોંગધ તો ન જ ખાઈ શકે.સોગંધ ખાવાથી કંઈ થતું હોય કે ન થતું હોય એ ઈશ્વર જાણે પણ કોઈ વ્યક્તિ પોતાની વહાલી વ્યક્તિના સોગંધ ખાઈ શકતો નથી આ આપણી સંસ્કૃતિ છે,આપણી ધરોહર છે,ઈશ્વર પ્રત્યે આપણો અતૂટ વિશ્વાસ છે !
રવિને તરત સમજાઈ ગયું.
"શા માટે પપ્પા ? શા માટે તમે આવું કર્યું ? તમે પકડાશો તો તમારી શું ઈજ્જત રહેશે ? અને તમે જેલમાં જશો તો અમે કોના સહારે જીવીશું ?" કહી રવિ રડી પડ્યો.
"બેટા, એણે મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.જો હજી પણ એને તક મળે તો એ મારું ખુન કરી જ નાખશે.હુકમચંદ કોઈ દૂધે ધોયેલો નથી.એક નંબરનો લબાડ અને હરામખોર માણસ છે.તું એને હુકમચંદજી કહે છે ? એણે કેવા કેવા કરતૂતો કર્યા છે એની તને ખબર નથી બેટા, સમાજ માટે આવા માણસો એક શૂળ જેવા હોય છે જે ભાંગી નાખવા જરૂરી છે.જે હણે એને હણવામાં કોઈ પાપ નથી.મેં કંઈ જ ખોટું કર્યું નથી."
"ના પપ્પા, તમે એમને છોડી મુકો.
વીજળી એમને સમજાવશે. એ તમને કંઈ નહીં કરે."
રણછોડ રવિને તાકી રહ્યો. દુશ્મનની દીકરીના પ્રેમમાં અંધ બનેલો પુત્ર દુશ્મની છોડી દેવાનું કહી રહ્યો હતો.પણ એ જાણતો નહોતો કે હુકમચંદ એક ઝેરી નાગ હતો.એનું માથું છૂંદી નાખવું જરૂરી હતું. એને છોડી દેવાથી એ ગમેં ત્યારે દંશ મારવાનો જ હતો.
"છોડી દઉં ? બેટા તું હજી બહુ નાનો છો.એને છોડી દઈશ તો એ મને મારી નાખશે.અથવા મરાવી નાખશે. તારો બાપ જેલમાં ભલે જાય પણ જીવતો તો રહેશે ને ?
તું એવું ઈચ્છે છે કે હું હથિયાર નીચે મૂકીને દુશ્મન આગળ મારી ડોક ધરી દઉં ? જેથી એ ચિભડાની જેમ મને વેતરી નાંખે ?
એ હુકમચંદ એની દીકરીનું કહ્યું કરશે ? મેં તને એ દિવસે અટકાવ્યો ન હોત તો કદાચ તું આજે જીવતો ન હોત દીકરા..!''
"તમે બસ એમને છોડી દો.હું તમને કંઈ થવા નહિ દઉં. તમને એનો ડર લાગે છે ?" રવિએ નાદાન બાળક જેવો સવાલ કર્યો.
"હું એનાથી ડરતો હોત તો એને ઉઠાવ્યો ન હોત.હું એનાથી નથી ડરતો પણ એની ચાલથી ડરું છું.
એ કાળોતરો ક્યારે કરડી જાય એ કંઈ કહેવાય નહીં.એકવાર તો એ કરડી ચુક્યો છે એટલે એનો વિશ્વાસ ન થાય.તું જા દીકરા મારા કામમાં માથું ન માર."
"પણ મેં વીજળીને વચન આપ્યું છે.હું એના પિતાને ગમે ત્યાંથી શોધી કાઢીશ..!"
"તો જા દીકરા તું તારું વચન નિભાવ,અને હું મારું કર્મ કરું.તું હુકમચંદને શોધી કાઢ.મેં જ એને ઉઠાવી લીધો છે." કહી રણછોડ ઉભો થઈને બહાર જતો રહ્યો.
(ક્રમશ :)