Ajanyo Humdard - 8 - Last Part books and stories free download online pdf in Gujarati

અજાણ્યો હમદર્દ - ભાગ ૮ - છેલ્લો ભાગ

એક દિવસ મારા પપ્પાના સૌતેલા ભાઈ ગામડેથી એમના પરિવાર સાથે અમારા ઘરે આવ્યા અને પોતાના માતપિતાના મૃત્યુ અને દુઃખી જીવન વિશેની કહાનીઓ સંભળાવી. ગામડે તેમના ધંધામાં ખુબજ મોટું નુકશાન થયું હોવાથી તે બઘું વેચી કરીને અમારી પાસે મદદની આશાએ આવ્યા હતા. ભલે સૌતેલી માનો દીકરો હતો પણ પિતા તો એકજ હતા માટે મારા પપ્પાને તેમના ભાઈ ઉપર દયા આવી. આવનાર તોફાનથી બેખબર મારા પપ્પા તેમના ભાઈની લાગણીમાં વહી ગયા અને પરિવાર સહિત તેમને અમારા ઘરે આશરો આપ્યો. થોડા દિવસો બઘું સારું ચાલ્યું. અમે લોકો ખૂબ ખુશ હતા એમ માનીને કે અમારો પરિવાર હવે મોટો થઈ ગયો હતો. પણ તે ખુશીઓ થોડા દિવસો સુધી જ ટકી.

મારા પપ્પાના પોતાનાં ભાઈ ઉપર ખૂબ જ વિશ્વાસ આવી ગયો હતો માટે તેમણે નાનાં મોટા કામ એમને સોંપવાનું શરૂ કર્યું. મારા કાકાએ બધા કામ ખૂબ જ મહેનતથી સફળતાપૂર્વક પૂરા પણ કર્યા. પણ તેમની એ મહેનત પાછળનું મુખ્ય કારણ તો બીજું જ કંઈ હતું.

એક દિવસ મારા પપ્પાને ખબર પડી કે મારા કાકાએ પાવર ઓફ એટર્નીનો ખોટો યુઝ કરીને દગાથી બધીજ પ્રોપર્ટી પોતાના નામે કરી લેવા માંગતા હતા. આ ઘર, બીઝનેસ બધું જ તે અમારી પાસેથી ઝુંટવી લેવાની પેરવીમાં હતા. પણ મારા પિતાએ પહેલેથી જ વસિયત બનાવી રાખી હતી કે મારા માતા પિતાને કઈ પણ થાય તો બધી જ પ્રોપર્ટી આપોઆપ એમની દીકરી અસ્મિતા એટલે કે મારા નામ ઉપર થઈ જાય.

મારા કાકાને તે વાતની જાણ થઈ ત્યારે કેટલાક ગુંડાઓ બોલાવી મારા મમ્મી પપ્પાને બંદી બનાવ્યા. હું તેમાંથી બચી ગઈ કેમકે તે સમય દરમ્યાન હું મારી કોલેજમાંથી પિકનિક માટે ગઈ હતી માટે ઘરે હાજર નહોતી. મારા કાકાએ અને તેમના ગુંડાઓ મારા પપ્પા ઉપર બધી પ્રોપર્ટી તેમના નામે કરવા માટે દબાણ કરવા લાગ્યા. પણ મારા પિતા એમના તાબે ન થતાં તે ગુંડાઓએ મારા મમ્મી પપ્પાની હત્યા કરી દીધી.

આ બધી વાતોથી અજાણ હું પિકનિક પરથી જ્યારે ઘરે પાછી આવી ત્યારે મારા પપ્પા છેલ્લો શ્વાસ ભરી રહ્યા હતા. મારી આંખો સામે જ મારા પપ્પાને આમ આખરી ઘડીઓ ગણતા જોયા હતા મે છતાં હું કંઇ જ કરી શકી નહિ. ત્યાંની પરિસ્થિતિ જોઈને મને ત્યાં બનેલ ઘટનાનો ખ્યાલ આવી ગયો હતો. હું કેટલી નિસહાય બની ગઈ હતી ત્યારે, મમ્મી પપ્પાનું મૃત્યુ અને કાકાએ કરેલ વિશ્વાસઘાત આં બધાના આઘાતથી મારા મોંમાથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ.

ત્યારબાદ મારા કાકાએ ઘરમાં ચોરી કરવા ચોર ઘૂસ્યા અને મારા મમ્મી પપ્પાને મારી નાખ્યાં એવી મનઘડત કહાની બનાવી પૂરો મામલો રફેદફે કરી નાખ્યો, અને મને ધમકી આપીને અહી બંદી બનાવી દીધી.

જેના લગ્નના કારણે તમે અહી ચોરી કરવા આવ્યા તે મારા જ લગ્ન છે. બધા લગ્નની તૈયારી માટે બે દિવસ માટે ગામડે ગયા છે જેથી અહી શહેરમાં કોઈને જાણ ન થાય.

મને તે કોઈ મોટી ઉંમરના માણસ સાથે પરણાવી દેવા માંગે છે જેથી મારી પ્રોપર્ટી ઉપર મારા પતિનો કાયદેસરનો અધિકાર બને અને ત્યારબાદ મારા કાકા બધી પ્રોપર્ટી પોતાના હસ્તક કરી શકે.

બે દિવસમાં મારા લગ્ન તે બુઢ્ઢા માણસ સાથે કરી દેવામાં આવશે અને ત્યારબાદ મારી સાથે શું થશે તેની મને પણ જાણ નથી. કદાચ મારી જિંદગીમાં અંધકારના વાદળો સદાય માટે છવાઈ જશે.

કેટલાય દિવસોથી હાથમાં બાંધેલ આ દોરડાને ટેબલની આ ઘાર સાથે ઘસીને તોડવાની કોશિશ કરી રહી હતી. આજે બધા જ્યારે બહાર ગયા હતા અને ઘરમાંથી તોડફોડના અવાજ આવવા લાગ્યા એટલે હું ખૂબ ડરી ગઈ હતી. કોઈ કદમોની આહટ મારા દરવાજા આગળ સંભળાતા હું સાવધાન થઈ ગઈ અને આં નાનકડો દંડો હાથમાં આવતા જેવો તમે દરવાજો ખોલ્યો મારી જાતને બચાવવા માટે મેં તમને એ દંડો મારી દીધો અને આપણી વચ્ચે પછી ઝપાઝપી થઈ ગઈ." અસ્મિતા આટલું બોલીને અટકી.

"તમે મને બહુ જોરથી માર્યું હતું", ઇશારાથી પોતાનું માથું બતાવી દુખતું હોય એવું ખોટું નાટક કરતો તે બોલ્યો.

તે સાથે જ બંનેની આંખો મળી અને બેઉ ખડખડાટ હસી પડ્યા. જાણે કેટલાય દિવસો બાદ બંને આમ નિખાલસપણે હસી રહ્યા હતા, હસતા હસતા બંને અટક્યા અને સુની આંખોમાં છૂપાઈને વસેલા આંસુ ટપકી પડ્યા.

"વરસાદ હવે બંધ થઈ ગયો લાગે છે, નહિ?", આંસુ લૂછતાં અસ્મિતા બોલી.

"હા હવે આ આભ પાસે વરસવા માટે કઈ બાકી બચ્યું નથી", બારીમાંથી વાદળો હટતાંની સાથે સ્વચ્છ થતા આકાશ સામે આંગળી કરતો અંકિત બોલ્યો.

"હા અને આ ધરતી પણ હવે વરસતા વરસાદની બુંદોને વધારે ઝીલી શકે તેમ નથી", નીચી નજરો રાખીને અસ્મિતા બોલી.

બારી પાસે જઈને બંને ઉભા રહ્યા. અને પોતાના મનના પડઘા પાડતા નભને શાંત થતું જોઈ રહ્યા. વરસાદ વરસી ગયા પછીની નીરવ શાંતિ અને અનેરી મહેક જાણે બંનેને કોઈ સંકેત આપતી હોય એમ તે અનુભવી રહ્યા.

"તો હવે..." , એકી સાથે બોલતા બંનેની આંખો ચમકી ઉઠી. હાલજ અંધકાર પછીના ઉજાશને રોશન કરતી સૂરજની કિરણો, બારીમાંથી પ્રવેશીને બંનેના મુખ ઉપર પથરાઈ તેમને ઉજવલિત કરી રહી. નવી સવારના નવા ઉજાશથી હોઠો ઉપર છલકાતા હાસ્યને જાણે કોઈ હમદર્દ મળી ગયાનો અહેસાસ બંનેના દિલને મળી ગયો હતો.

એજ દિવસે જ્યારે તે ઘર ફરીથી ખૂલ્યું ત્યારે ઘરમાં પ્રવેશેલા લોકોની આંખો પહોળી થઈને રહી ગઈ અને તે લોકો પોતાની કિસ્મત ઉપર રડતા લમણે હાથ દઈને બેસી ગયા. ઘરમાંથી તમામ કિંમતી દાગીના, રોકડ રકમ અને જરૂરી કાગળિયા ગાયબ હતા. અને સાથે રૂમમાં પૂરી રાખેલી પેલી યુવતી પણ!

બધી ચિંતાઓ અને દુઃખોથી મુક્ત થઈને અને પોતાના સોનેરી ભવિષ્યની ખેવના કરતા દૂર ક્યાંક બે પડછાયા છુટ્ટા પડી પોતપોતાના રસ્તે જઈ રહ્યા હતા. આમ બે અજાણ્યા હમદર્દની સફરનો સાક્ષી એવો વરસાદ ફરી ઝરમર વર્ષી પડ્યો.

🌺હૃદયની વેદનાને શબ્દો મળ્યા,
આંસુઓના દર્દને હમદર્દ મળ્યા...

જાણીતા સપનાઓને પંખ મળ્યા,
અજાણ્યા સાથને હમદર્દ મળ્યા...🌺

* સમાપ્ત *

*મિત્રો, મારી આ સ્ટોરી તમને બધાને કેવી લાગી? જરૂરથી થોડોક સમય નીકાળીને તમારો કિંમતી એવો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો..😇😇💐💐💐*

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED