અજાણ્યો હમદર્દ - ભાગ ૩ Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અજાણ્યો હમદર્દ - ભાગ ૩

શહેરના ધનાઢ્ય વિસ્તારમાં આવેલ ફક્ત એક જ વિંગ ધરાવતું તે બહુમાળી એપાર્ટમેન્ટ બહારથી ખુબજ વૈભવી દેખાઈ રહ્યું. તેની સામેની સાઇડ રહેલ સ્ટ્રીટ લાઈટ સરકારી ખાતાની માફક ધીરે ધીરે કામ કરી રહી હોય એમ લબુક ઝબુક થઈ રહી હતી. મુખ્ય રસ્તાથી થોડું અંદરની તરફ આવેલ તે એપાર્ટમેન્ટની આજુબાજુનો વિસ્તાર ઓછી વસ્તી ધરાવતો હતો માટે તે તરફ ચહલ પહલ ખૂબ ઓછી હતી. ધીમા પગલે એપાર્ટમેન્ટમાં પ્રવેશતા તે ગગનચુંબી ઇમારતને જોઈ રહ્યો. કઈક વિચારતો તે લીફ્ટમાં જવાની જગ્યાએ સડસડાટ સીડીઓ ચડવા લાગ્યો.

એક માળે ફક્ત એક જ ઘર ધરાવતા તે એપાર્ટમેન્ટના, બે બે પગથિયાં કુદાવતા એના પગ છેક સાતમા માળે જઈને અટક્યા. બધે નજર ફેરવતો તે ધીમે પગલે ખૂણામાં દેખાતા દરવાજા પાસે જઈને ઊભો રહ્યો. તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. કમરેથી બેવડો વળી તે થોડી વાર ત્યાં જ ઊભો રહી ગયો. શ્વાસની ગતિ નિયંત્રણમાં આવતા જ તે આજુબાજુ નજર ફેરવતો બધું ચકાસી રહ્યો, અને તેના હાથ ખિસ્સા ફંફોસી રહ્યા.

બહાર વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો હતો. કાળા ડીબાંગ વાદળોને કારણે અંધારું ઘેરાઈ રહ્યું હતું. હવે કામ જલ્દી પતાવવું પડશે એમ વિચારી તે હાથમાં આવેલ ચાવીઓનો ગુચ્છો નીકાળી રહ્યો હતો ત્યાં જ કાન ફાડી નાખતો વીજળીનો કડાકો થતા ડરના માર્યા તેના હાથ ધ્રુજી ઉઠ્યા, અને તેના હાથમાંથી ચવીઓનું આખું ઝૂમખું જમીન ઉપર પડી ગયું. દૂર રહેલ ઝીરો બલ્બમાંથી આવતાં આછા પીળા અજવાળાના સહારે તે જમીન ઉપર ચાવીઓ શોધી રહ્યો. આખરે ચાવીનો ગુચ્છો તેના હાથમાં આવતા ત્યાં જ દરવાજા પાસે નીચે બેસી ગયો અને તે એક પછી એક ચાવી કી-હોલમાં લગાડવા લાગ્યો.

ડઝન જેટલી ચાવીઓ ભરાવીને પ્રયત્ન કરવા છતાં પણ દરવાજો ખુલ્યો નહિ. પરસેવાથી રેબઝેબ તેના ચહેરા ઉપર વધારે ભય વ્યાપી રહ્યો હતો. એક ઊંડો શ્વાસ ભરીને તેણે હળવેકથી કી-લેચમાં કાન માંડ્યા અને બીજી ચાવીઓ લગાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આખરે થોડી જહેમત બાદ ત્રણ કડાકા સંભળાતા ખુશીની એક લહેર એના ચહેરા ઉપર છવાઈ ગઇ. પણ બીજી જ ક્ષણે વીજળીના ઝબકારે ક્ષણભર માટે દેખાતા તેના ચહેરા ઉપર ખુશીની જગ્યાએ વ્યાકુળતા એ સ્થાન ગ્રહી લીધું હતું.

ઊભા થઈને તેણે દરવાજાને હળવેકથી ધક્કો મારતા તે ખુલી ગયો. તે સાથે જ અંદર ઘૂસીને તેણે પવનવેગે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને થોડીવાર એમ જ ત્યાં ઊભા રહીને પરિસ્થિતિ માપી રહ્યો. ઘરમા પ્રસરેલ શાંતિના અહેસાસે ત્યાં કોઈ હાજર નથી એની સાબિતી તેને મળી ગઈ હતી. લાઈટ ચાલુ કરવામાં જોખમ લાગતા પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી ધીરે પગલે તે આગળ વધી રહ્યો અને ધ્યાનથી આખા ઘરનું અવલોકન કરવા લાગ્યો.

ઘરમા પ્રવેશતાં જ મોટો વિશાળ ડ્રોઈંગ રૂમ હતો, દીવાલની વચ્ચે મોટું ટીવી સ્ક્રીન લગાવેલ હતું, તેની બરોબર સામે અર્ધ વર્તુળાકાર આકારના સુંદર સોફા રાખેલ હતા. છત ઉપર એકદમ વચ્ચે ઝૂલતું બેનમૂન ઝુમ્મર રૂમને ખુબજ સુંદર બનાવી રહ્યું હતું. ડ્રોઈંગ રૂમની બીજી તરફની દીવાલ ઉપર એક વિશાળ કદનો ફોટો લગાડેલ હતો. અંધારાના કારણે તેમાં રહેલા ચહેરા એકદમ બરોબર દેખાઈ રહ્યા નહોતા પણ તે જરૂર અહી રહેતા પરિવારનો ફેમિલી ફોટો હોય એવો અણસાર કોઈને પણ આવી જાય એમ હતો. ત્યાંથી આગળની તરફ પાંચેક ફૂટ જેટલી લાંબી ગેલેરી જેમાં સુંદર નાનકડું ગાર્ડન ઉભુ કરેલું દેખાઈ રહ્યું હતું. ડ્રોઈંગ રૂમથી આગળ વધતા ડાબી બાજુ સુંદર સુઘડ રસોડું અને ત્યાંથી સીધે હાથ સામસામે આવેલા બે રૂમ દેખાઈ રહ્યા હતા.

પહેલા તે ડાબી તરફ આવેલ બેડરૂમ તરફ વળ્યો. તે રૂમ લોક કરેલ ન હોવાથી આસનીથી ખુલી ગયો અને તે રૂમમાં ઘૂસ્યો. અંધારામાં પણ ફક્ત મોબાઈલની ફ્લેશ લાઇટમાં રૂમનો વૈભવ તે જોઈ રહ્યો. ગમે તેવા લોક મારેલા વોર્ડરોબને ખોલવા એના માટે રમત વાત હતી. ત્યાં રહેલ એક એક ખૂણો, કબાટ, તિજોરી, ડ્રેસિંગ ટેબલ બધું જ તે ફેંદી વળ્યો પણ તેના હાથમાં કંઈ જ ન લાગ્યું. ત્યાંથી બહાર નીકળી તે સામેના રૂમમાં ઘૂસ્યો ત્યાં પણ તેના હાથમાં એજ નિરાશા લાગી.

ત્યાંથી બહાર નીકળી તે ડ્રોઈંગ રૂમમાં પાછો આવ્યો. ત્યાં રહેલ સોફા, ટીવી, દીવાલ પર લગાડેલ તસ્વીર બધું ફેંદી વળ્યો પણ કંઈ મળ્યું નહિ. રસોડામાં પણ નજર મારી લીધી ત્યાં પણ કઈ ખાસ નજરે ન ચડ્યું.

આટલી મહેનત કર્યા બાદ આમ નિષ્ફળતા હાથ આવતા તે હવે ગુસ્સે ભરાયો. અને ઘરમાં આમતેમ ફરતો હાથમાં જે સમાન આવ્યો તે તોડફોડ કરવા લાગ્યો. તેની તોડફોડ રોકનાર કોઈ ઘરમાં નહોતું એમ જ બહાર સાંબેલાધાર વરસતા વરસાદને રોકનાર પણ કોઈ નહોતું. થોડી ઉશ્કેરાહટ ઓછી થતાં હતાશ થઈને તે ત્યાં જ ઢગલો થઈને ઢળી પડ્યો. થોડીવાર પહેલાં તેના ચહેરા ઉપર છવાયેલ ગુસ્સાનું સ્થાન હવે આંસુઓએ લીધું હતું.

અચાનક ઘરમાં કઈક ખખડાટ થતો સંભળાયો અને તે સાવધાન થતો ઊભો થયો, અને અવાજ કઈ તરફથી આવી રહ્યો છે તેની દિશા શોધવા પોતાના કાન સજ્જ કર્યા. ધીમા પગલે તે અવાજની દિશામાં ચાલવા લાગ્યો અને આખરે ઘરના છેવાડે આવેલ બહારથી લોક કરેલ એક રૂમ આગળ આવીને અટક્યો. હવે અંદરથી આવતો અવાજ બંધ થઈ ગયો હતો પણ ધોધમાર વર્ષી રહ્યા વરસાદના લયબદ્ધ અવાજની સાથે સ્પર્ધા કરી રહેલ એની ધડકનો તેજ દોડી રહી હતી. ધડકતા હૃદયે તેણે પોતાની આવડતથી દરવાજાનું લોક ખોલી સાવધાની સાથે અંદર પ્રવેશ્યો.

રૂમમાં પ્રવેશતાં જ ધડામ્... કરતી કઈક હળવી વસ્તુ તેના માથે અથડાઈ અને તેનું માથું ચકરાવા લાગ્યું. પાછળથી કરવામાં આવેલ તે વસ્તુનો પ્રહાર હળવો હોવાથી તે સાવધાન થઈ ગયો અને તરત પાછળ તરફ વળ્યો, તે સાથેજ એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.



* ક્રમશ *


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)