અજાણ્યો હમદર્દ - ભાગ ૧ Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અજાણ્યો હમદર્દ - ભાગ ૧

અજાણ્યો હમદર્દ....

વરસતા વરસાદની એક સાંજે બે સાવ અજાણ્યા લોકો એવી પરિસ્થિતિમાં મુકાય છે જેનાથી બંનેને એક રાત એક સાથે એકજ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને શરૂ થાય છે બે અજાણ્યા હમદર્દની કહાનીની સફર....

***

પવનની એક મોટી લહેર આવી અને અડધી અટકાવેલ આંકડી ઉપર ટકી રહેલ એવી ક્યારની ખુલવા માટે મથતી બંધ બારી, આખરે ફરફર કરતી ખુલી ગઈ, અને તે સાથે જ સમગ્ર રૂમમાં વરસાદના એંધાણ સાથેની ભીની માટીની ખુશ્બૂ પ્રસરી ગઇ. વરસાદની તે મહેક એના સમગ્ર આંતરમન પર છવાઈ ગઈ અને કેટલાય ભાર તળે લદાયેલા એના પોપચાં માંડ માંડ ઊંચા થયા. બારીમાંથી આવતું ઝીણું અજવાળું તેની આંખોને આંજી રહ્યું હતું. તે અજવાળાનું તેજ સહન ન થતા તેની આંખો પાછી ઢળી પડી.

કેટલાય દિવસો બાદ આ અજવાળું નસીબ પામ્યું હતું, બાકી પોતાના અંધકારભર્યા જીવનમાં કંઈ બાકી રહ્યું નહોતું. જીવનમાં આનાથી પણ વધારે અંધકારભર્યા વાદળો છવાઈ જવાના હતા એમ વિચારતી તે પોતાના નસીબને કોસી રહી. બહાર વાદળો ઘેરાઈ રહ્યા હતા તે સમયે અહી અંદર રૂમમાં તેની સામે જાણીતા પડછાયા રૂપી વાદળો ઘેરાઈ રહ્યા.

"મમ્મી, મમ્મી..." ,પોકારતા અવાજો તેના કાનોમાં ગુંજી રહ્યા. તેની નજરો સામે એક છોકરી આવીને ઊભી રહી. તે પોતાના હાથ પહોળા કરીને ઉછળતી કૂદતી દોડી અને સામે ઉભી રહેલી તેની માતાને જઈને વહાલથી વળગી પડી.

"જો મમ્મી આજે હું સ્કૂલમાં પ્રાયોજિત રેસ સ્પર્ધામાં ફર્સ્ટ આવી. તેના માટે મને આ ગોલ્ડ મેડલ પણ મળ્યો. સ્કૂલના પ્રિન્સિપાલે જ્યારે ગોલ્ડ મેડલ પહેરાવ્યો ત્યારે મને જે ખુશી થઈ રહી હતી તેનું વર્ણન કરવું મુશ્કેલ છે", હરખાતી પોતાની મમ્મીને હાથમાં રહેલ મેડલ બતાવતી તે બોલી.

"અરે વાહ, મારી દીકરી બહુ હોંશિયાર છે ને! પણ તું ગમે એટલું ભાગીશ તારા આ બાપને નહિ હરાવી શકે", એક પૌરુષી ઓછાયો અચાનક ક્યાંકથી ત્યાં પ્રગટ્યો.

"તમને તો હું હરાવીને જ રહીશ, કાલે સવારે બગીચામાં રેસ લગાવતી વખતે જુઓ હું તમને કેવા હરાવું છું!" સામે હસતા મુખે ઉભેલા પોતાના પપ્પાને જોઈને છોકરી મમ્મીથી અળગી થઈ અને પપ્પા પાછળ દોડી.

એકબીજાની પાછળ પકડાપકડી કરતા આખા રૂમમાં ભાગી રહેલ બાપ દીકરીની આ પ્રેમભરી મસ્તી માની આંખો હરખાતા હૃદયે નિહાળી રહી. હસતા ખેલતા પરિવારની હાસ્યની કિલકારીઓથી આખો રૂમ ભરાઈ ગયો.

"સારું હું હારી ગયો બસ", એમ બોલતાં દોડીને થાકયા હોય એવું નાટક કરતા પપ્પા આખરે બેડ ઉપર જઈને બેસી ગયા. હસીને બંને પતિ પત્ની તેમની દીકરીને પાસે બોલાવવા લાગ્યા. વ્હાલી દીકરીને પોતાની પાસે બોલાવતા મમ્મી પપ્પાને જોઈ તે છોકરી તેમને વહાલથી ભેટવા હાથ ફેલાવતી દોડી, પણ ત્યાં જ સામે રહેલ તે બંને હસતા ચહેરા ધુમાડામાં પરિવર્તિત થતાં હવામાં ઓગળી ગયા. આ જોઈ ભયભીત થતી તે છોકરી આમ તેમ પોતાના મમ્મી પપ્પાને શોધી રહી, તેમને શોધતી તે પણ હવામાં ઓગળી રહી.

અચાનક થતાં વીજળીના કડાકાથી તેની તંદ્રા તૂટી અને બંધ આંખે જોયેલું પેલું આખું દૃશ્ય તેને વિચલિત કરતું ગયું. જીવનની રેસમાં ખુદ આજે ક્યાં આવીને ઊભી રહી ગઈ હતી વિચારતાં તેણે ફરીથી આંખો મીંચી દીધી.

🌺 હવામાં ઓગળતા પડછાયા જોયા છે,
ધૂંધળી યાદોના પડઘા વેરાતા જોયા છે... 🌺

ભૂખને કારણે તેના પેટમાં આગ લાગી હતી પણ અન્નનો એક દાણો પણ તેના નસીબમાં નહોતો. તેનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું અને સાથે પેટની આગ. આ બઘું સહન ન થતાં તે પેટ પકડીને જમીન ઉપર કોકડાની જેમ પડી રહી. થોડીવાર બાદ અશક્ત એવી તે જેમતેમ કરીને ધીમેથી ઊભી થઈ અને હાથોમાં બંધાયેલ દોરડું ત્યાં પડેલ ટેબલની ધારી એ ઘસવા લાગી. બસ થોડી હિંમત દાખવી આં દોરડાના બંધનમાંથી છુટકારો મેળવવાનો હતો.

ખડિંગ... કરતો કોઈ મોટો અવાજ થયો અને તેના કાન સતેજ થઈ ગયા.

* ક્રમશ *

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)