" મારું નામ અંકિત, અંકિત મિશ્રા છે. હું, મારી નાની બહેન, મમ્મી અને પપ્પા ટોટલ ચાર જણાનું નાનકડું એવું અમારું પરિવાર. અમારી પરિસ્થિતિ સામાન્ય હતી પણ દિલથી અમે લોકો હંમેશા ખુશખુશાલ રહેતા. મારા પિતા સામાન્ય કારકુનની નોકરી કરતા અને મા આજુબાજુના લોકોની સાડીઓને ભરતકામ કરી થોડા ઘણા પૈસાનો ટેકો કરતી.
નાનપણથી જ મને અને મારી નાની બહેનને સાદાઈ અને સચ્ચાઈથી જીવવાના સંસ્કાર અમારા માતા પિતાએ આપ્યા હતા. એટલે અમને જે મળતું અમે તેમાં જ સંતોષ માનતા અને સુખેથી રહેતા.
ઓછો પગાર હોવા છતાં મારા પિતા અમને ભાઈ બહેનને ભણવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા અને તેમનાથી બનતું બધું જ કરતા.
હું ભણવામાં ખુબજ હોંશિયાર હોવાથી મારા પિતાએ સારામાં સારી સ્કુલમાં મને ભણાવ્યો. ઘણીવાર ઘરના બે છેડા ભેગા કરવા માટે તેમને ઓવર ટાઈમ પણ કરવો પડતો. આટલી મહેનત અને હાડમારી ભોગવ્યા છતાં તે હંમેશા અમને ભાઈ બહેનને જોઈ અમારામાં જ તેમની ખુશી માનતા. આમ હશી ખુશીથી પરિસ્થિતિને સ્વીકારી અમારો પરિવાર જીવી રહ્યો હતો.
હું સારા માર્ક્સથી સ્કૂલમાં પાસ થયો ત્યારબાદ આગળ કોલેજમાં ભણવા માટે ઘણા પૈસા ખૂટતા હોવાથી મારા પિતાએ શરૂઆતમાં અમારું ગામનું મકાન પણ વેંચી દીધું અને તેમાથી આવેલ પૈસા મારી કોલેજની બે વર્ષની ફી ભરવામાં વાપરી. પણ કોલેજની ફી જ કાફી નથી હોતી તે સાથે બીજા ખર્ચ પણ થાય છે, તે બધા પૈસાતો એમાં જ વપરાઈ ગયા.
હું જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે મારી નાની બહેન પણ કોલેજમાં આવતા અમારા બંનેની ફી ચૂકવવા માટે પૈસા બાકી રહ્યા નહોતા માટે મારા પિતાએ સાહુકાર પાસેથી ઉધારીના પૈસા લઈને અમને બંનેને ભણાવ્યા.
મારી હોંશિયારી ઉપર અમને બધાને પૂરી ખાતરી હતી. મને મારા ઉપર પૂરો વિશ્વાસ હતો કે મારું છેલ્લું વર્ષ ખૂબ જ સરસ જશે અને ખૂબ સારા પરિણામ સાથે હું પાસ થઈશ. એટલે અમને બધાને મારી ઉજ્જવળ કારકિર્દી પ્રત્યે પૂરો ભરોસો હતો. મને આત્મવિશ્વાસ હતો કે ભણવાનું પૂરું થતાં સાથે જ મને સારી એવી નોકરી પણ મળી જશે. એટલે એકવાર મારી નોકરી મળી ગયા બાદ પગાર મળવાની શરૂઆત થતાની સાથે જ થોડીથોડી કરીને બધી ઉધારી ચૂકવી દેવાશે.
ધાર્યા પ્રમાણે મારું છેલ્લું વર્ષ ખુબ જ સરસ ગયું. અને આખી કોલેજમાં મે ટોપ કર્યું અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. અમે બધા ખૂબ જ ખુશ હતા. બસ હવે સુખનો સૂરજ અમારા ઘરના આંગણે પ્રકાશવાનો હતો તેનો આનંદ અમે મનાવવા લાગ્યા હતા.
બસ હવે કોલેજની બહારની દુનિયામાં મેં કદમ મૂકી દીધા. કોલેજની ડિગ્રી સર્ટિફિકેટના મદમાં રાચતો હું જમીન ઉપર આવી પછડાયો જ્યારે ઘણી બધી ઓફિસોના પગથિયાં "અમારે ત્યાં હાલ કોઈ જગ્યા ખાલી નથી" એવું સાંભળીને ઉતર્યો અને મારી પાછળ મારાથી પણ ઉતરતા પરિણામવાળા વ્યક્તિને ઓળખાણ અને લગવગને સહારે તે નોકરી પ્રાપ્ત થતી જોઈ. મારી પાસે કોઈ મોટા માણસની ઓળખાણ કે ભલામણ પત્ર નહોતો, મારી પાસે હતા તો ફક્ત ડિગ્રી સર્ટિફિકેટના કાગળિયા. છતાં પણ હિંમત હાર્યા વિના હું જ્યાં પણ તક મળે ત્યાં નોકરીના ઇન્ટરવ્યુ માટે જવા લાગ્યો. પણ ઘસાતા જતા બૂટની સાથે મારી આશાઓ પણ ઘસાતી ગઈ.
પિતાની ઉંમર થઈ ગઈ હોવાથી તે હવે બહુ કામ પણ કરી શકે તેમ નથી. મા ભરતકામ કરીને જે થોડા ઘણા પૈસા મેળવે છે તેમાંથી માંડમાંડ ઘર ચાલે છે. બાકી રહ્યું તેમ હવે લેણદારો ઉઘરાણી કરવા માટે ઘરે ગુંડાઓ મોકલવા લાગ્યા છે. હજુ ત્રણ દિવસ પહેલાની જ વાત છે, તે ગુંડાઓએ આવીને ઘરમાં જે મળે તે તોડફોડ કરી અને જતી વખતે ધમકી આપતા ગયા છે કે આ અઠવાડિયામાં એમની ઉધારી નહિ ચૂકવાય તો મારી નાની બહેનને ઉઠાવી જશે. મારી નજરો સામે જ તે લોકો મારી બહેનની છેડતી કરતા ધમકી આપીને નીકળી ગયા અને હું લાચાર બેબસ કંઈ જ ન કરી શક્યો.
કયો ભાઈ પોતાની બહેન માટે આવું સહન કરી શકે! મારા માતાપિતાની આશાઓ સામે હું ઉણો ઉતર્યો. ના હું સારો દીકરો બની શક્યો ના ભાઈ.
ઘણા પ્રયત્નો કરી જોયા પણ ક્યાંયથી પણ પૈસાની સગવડ ન થતાં આખરે મે ચોરીનાં રસ્તે જવાનો વિચાર કર્યો. મને આ ઘરમાં થોડા દિવસ બાદ લગ્ન છે અને આજે અહી કોઈ નથી તે જાણકારી મળતા, આજે હું અહી ચોરી કરવા જ આવ્યો હતો. પણ હાય રે કિસ્મત, જુઓ કઈ હાથતો ન લાગ્યું પણ તમે મળી ગયા. મારા માતાપિતાને તો એમજ છે કે મને આજે કોઈ નોકરી લાગી છે. કેટલાય અરમાનો સાથે એમણે મને આજે સવારે આશીર્વાદ આપીને ઘરેથી મોકલ્યો હતો. શું વિતશે એમના ઉપર પોતાના આ નાલાયક દીકરાની આવી હરકત વિશે જાણીને? એતો બિચારા ત્યારે જ મરી જશે!
કેવા સપના જોયા હતા મે! ભણી ગણી સરસ નોકરીએ લાગી જઈશ અને મારા પરિવારને તે તમામ ખુશીઓ આપીશ જેના તે હકદાર છે. મારી ઢીંગલી જેવી નાનકડી બહેનને પણ સરસ ભણાવી ગણાવી સારો છોકરો શોધીને પરણાવીશ. આટ આટલી મેહનત કરી તે સપનાઓ પૂરા કરવા માટે પણ મારું નસીબ વાંકું નીકળ્યું. મારા પિતાએ પોતાની આખી જિંદગી ઘસી નાખી છે મારા ભણતર અને કેળવણી પાછળ. આ સપનાઓ ફક્ત મેં જ નહિ મારા પુરા પરિવારે જોયા હતા. પણ બધું જ હોમાઈ ગયું. મારી બહેન મારો પરિવાર, બધું જ ખતમ થઈ જશે હવે.
એક આખેઆખું વાદળું જાણે નીચોવાઈ રહ્યું હોય એમ તેનુ સમગ્ર અસ્તિત્વ ખાલી થઈ રહ્યું હતું. જે છોકરી હજુ થોડીવાર પહેલા જ મળી છે એની સામે તેં આખે આખો ઉલેચાઇ રહ્યો હતો.
"આપણે ક્યારેક પોતાના સ્વજન સામે ખુલીને બોલી નથી શકતા પણ કોઈ અજાણ્યા સામે હૈયું ઠાલવી રડી શકીએ છીએ, કેમકે આપણે આપ્તજનને આપણું પોતાનું દુઃખ જતાવી તેમને આપણા કારણે થોડા પણ દુઃખી જોઈ શકતા નથી."
વાદળોમાં છુપાયેલ સૂરજ જ્યારે ધીરે ધીરે બહાર નીકળે અને આછો ઉજાસ પથરાય તેમ પોતાના દિલમાં ભરેલા દરેક દર્દ બહાર નીકળતા જ એક સુકુન ભર્યો ઉજાશ અંકિતના ચહેરા ઉપર છવાઈ ગયો.
ક્રમશઃ ....*
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)