નેહડો ( The heart of Gir ) - 45 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 45

શિવરાત્રીના મેળામાંથી પાછા ફરતી વખતે રસ્તામાં બધા થાકને લીધે જોલા ખાઈ રહ્યા હતા. રાધી કનાને ખંભે માથું નાખી સુઈ ગઈ હતી. કનો પોતાને ઊંઘ આવી જશે તો રાધી પર પડી જવાની બીકે અને ઊંઘી રહેલી રાધીને ખલેલ પડવાની બીકે જાગતો બેઠો હતો. પીકપ ગાડી ગીરના ઉબડ ખાબડ રસ્તામાં પ્રવેશી ગઈ હતી. ચારે બાજુથી તમરાના અને રાત્રિ જાગરણ કરતા પક્ષીના અવાજ આવી રહ્યા હતા. ક્યાંક દૂરથી શિયાળવાની લાળીનો અને સાવજના હૂંકવાનો અવાજ પણ આવી રહ્યો હતો. ગાડીની લાઈટ અને અવાજથી ડરીને ચીબરા પણ ચિત્કાર કરી લેતા હતા. રસ્તાની બાજુમાં બેઠેલા પહૂડા ગાડીથી ડરીને સફાળા બેઠા થઈ જંગલની અંદર ભાગ્યા.
બધા ગોવાળિયા જોકા ખાતા હતા. પરંતુ ગેલાને નીંદર નહોતી આવતી. તેને વારેવારે ભીડમાં ચાલતો હતો તે વખતે રસ્તાની બાજુમાં ઓહડિયાની હાટડી માંડીને બેઠેલો આદમી ક્યાંક જોયો હોય તેવું લાગતું હતું.તે આ ચહેરો યાદ કરી રહ્યો હતો.મેળામાં ગેલો ઉભો રહી તે દેશી ઓહડીયાની હાટડીએ જવા માગતો હતો. પરંતુ ભીડનો ધક્કો જ એવો લાગતો હતો કે ત્યાં તે ઉભો ન રહી શક્યો. અત્યારે તેણે દૂરથી જોયેલા ચહેરાને ઓળખવા મગજમાં ફરી ફરીને એ ઓહડિયાની હાટડીનું ચિત્ર લાવી રહ્યો હતો. અચાનક તેને લાગ્યું કે એ જાણીતો લાગતો ચહેરો છ વર્ષ પહેલા સામતના શિકારમાં ઝેર ભેળવવા આવેલી ટુકડીના નરાધમોમાંથી ત્રણ ચાર જણા ભાગ્યા હતા, તેમાંનો એક હોય તેવું આછું આછું યાદ આવતું હતું. તે દિવસે ટોર્ચના પ્રકાશમાં અને અફડાતફડીમાં જરાક જોયેલો ચહેરો સાથે આજે જોયેલ વ્યક્તિ મળતો આવતો હતો. પરંતુ હવે તો પોતે નેહડે પહોંચવા આવ્યા હતા. અને આટલી રાત્રે ફોરેસ્ટર સાહેબને વાત કરવી પણ ગેલાને યોગ્ય ન લાગી. તેણે વિચાર્યું કાલે સવારે સાહેબને મળી આવીશ. આમ વિચારમાં ને વિચારમાં પીકપ વાહન હિરણીયા નેસ આવી પહોંચ્યું. અહીંથી બધાને ઉતારીને હજી ડુંગરીનેસ જવાનું હતું. ગેલાના નેસ પાસે વાહન ઊભું રહ્યું. રાધી હજી ઊંઘમાં જ હતી. તે જેમ તેની માને ચોટીને સુતી હોય તેમ માથું કનાના ખંભે હતું અને એક હાથ કનાની છાતી પર રાખી સુતી હતી. કનો હજુ પણ સજ્જડ બેઠો હતો. મેળા નો થાક અને ઉબડખાબડ રસ્તાના રોદામાં પણ આમ સજડ બેસીને કનાનો ડેબો દુઃખી રહ્યો હતો. બધા ગોવાળિયા ઉતરવા લાગતા કનાએ રાધીનો હાથ પોતાની છાતી પરથી હટાવ્યો. અંધારામાં કનાએ ભૂલથી રાધીને જ્યાં ઉજરડો પડ્યો હતો ત્યાં જ હાથ પકડ્યો. રાધી દર્દની મારી ઉંચી થઈ ગઈ ને બોલી,"જો તો ખરી લ્યા, દુખે હે"જાગી ગયેલી રાધીએ જોયું તો તે અત્યાર સુધી કનાને ખંભે સુતેલી હતી. રાધીને ખુબ શરમ આવી પરંતુ અંધારામાં તેના મોઢા પર શરમની લાલી દેખાણી નહિ. બધા નીચે ઉતરી રહ્યા હતા. કનો હજુ પણ બેઠો હતો. એકધારું સજ્જડ બેસીને તેના પગ અકડાઈ ગયા હતા. બધાને ઉતરતા જોઈ રાધીએ કહ્યું, "અલ્યા કાઠીયાવાડી તારે ઉતરવું નહીં? તારો નેહડો આવી જ્યો. કે પસે અમારી ભેરુ હાલવું હે?"કનાએ ધીમે રહી ઉભો થઈ પીકપ વાહનના પાઇપને પકડીને નીચે ઠેકડો માર્યો. ગોવાળિયા બધા પોતાના નેસ તરફ ચાલી નીકળ્યા. કનો હજુ વાહન જવાની વાટે ઉભો હતો. પીકપ વાહન ડુંગરી નેસના રસ્તે ચાલી નીકળ્યું. ચંદ્રમાના આછા અજવાળામાં રાધી એને જોઈ રહી હતી, તે કનાએ જોયું. ધૂળની ડમરી અને અંધારાએ આગળ જતા વાહનને પોતાનામાં સમાવી લીધું. કનો નેહડે આવી રામુઆપા પાસે ઢાળેલા ખાટલે ચાંદનીના આછા અજવાળે ઠંડા ઠંડા ગોદડામાં લાંબો થઈ સુઈ ગયો.
સવાર પડતા ગેલાએ આજે માલમાં રામુઆપા અને કનાને જવાનું કહી પોતે સાસણ ગીર ઓફિસે પહોંચી ગયો. ઓફિસે જઈ તેણે ડીએફ.ઓ. સાહેબને મળવા માટેની રજા માગી. સાહેબ નવા નવા જ આવેલા હતા. યુવાન અને ઉત્સાહી હતા. જંગલ અને પ્રાણીઓ વિશે ખૂબ સારું જ્ઞાન ધરાવતા હતા. પ્રાણીઓના સંવર્ધન અને વિકાસમાં નેહડાવાસીની ખૂબ સારી ભાગીદારી વિશે પણ સાહેબ પોઝિટિવ વિચાર ધરાવતાં હતા. ગુનાહિત માનસ ધરાવતા અને અલગ અલગ તરકીબોથી પ્રાણીઓના શિકાર કરતી ગેંગને દબોચવામાં પણ સાહેબ ખૂબ હોશિયાર હતા. સાહેબે ગેલાને ઓફિસમાં બોલાવ્યો. જુના સાહેબો તો ગેલાને સારી રીતે ઓળખતા હતા. પરંતુ નવા સાહેબને ગેલાનો પરિચય ન હતો. ગેલાએ પોતાની ઓળખાણ આપી અને છ વર્ષ પહેલા બનેલા બનાવની વિગત પણ સાહેબને કહી સંભળાવી. સાહેબ ગેલાના મોઢેથી એક એક વિગત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેણે જુના કેસની ફાઈલો ખોલી હતી, તેનો અભ્યાસ પણ કરેલો હતો. તેથી ગેલા પર લાગેલાં સામતના શિકારની કોશિશનો આખો કેસ સાહેબે સ્ટડી કરેલો જ હતો. છતાં પણ આજે ગેલાના મોઢે તે આખો કેસ સાહેબે ધ્યાનથી સાંભળ્યો. સાંભળીને સાહેબે પ્રશ્ન કર્યો, "તમે આજે છ વર્ષ પછી ફરી વખત આ કેસની વાત કરવા કેમ આવ્યા છો?"ગેલાએ ગઈકાલે શિવરાત્રીના મેળામાં બનેલી ઘટનાની વાત કરીને કહ્યું, "શાબ મને કાલ જોયેલો જણ ઈ શિકારી ટોળીમાંથી એક હોય એવું લાગ્યું. એટલે તમને કે'વા આયો સુ"
હવે સાહેબને આ કેસમાં વધારે રસ પડ્યો. હજી એક દીપડો ગુમ થયાની તો આશંકા હતી જ! તેના કોઈ સગડ હજુ સુધી મળ્યા ન હતા. શિકારી ટોળકી ગીરના જંગલની આજુબાજુ રહીને જ્યારે તેને મોકો મળે ત્યારે શિકાર તો કરી જ લે છે,આ વાત પાકી હતી. આજે ગેલા દ્વારા મળેલી કડીનો ઉપયોગ કરી સાહેબ આ શિકારી ટોળકી સુધી પહોંચવા માગતા હતા. તેણે જરા પણ સમય બગાડ્યા વગર આજે જ તાત્કાલિક જુનાગઢ જઈને તે જગ્યાએ છાપો મારવાનું વિચારી લીધું. સાહેબે આ વાત બીજા કોઈને ન કરવા ગેલાને સમજાવ્યું. સાહેબે ગેલાને પોતાની સાથે લીધો અને ડ્રાઇવરને ગાડી કાઢવા કહ્યું.
ગીરના જંગલમાં સવાર સવારમાં માલ ચરવામાં પોળી ગયો હતો. જેમ બપોર ચડવા લાગે તેમ તડકો પોતાનો પ્રભાવ બતાવતો હોવાથી સવારે ઠંડા પહોરમાં માલ ચરી લે, પછી તડકો તપતા ભેંસો પાણીની ખાડયમાં પડે ને ગાયો બધી ઝાડના છાયડે બેસીને વાગોળે. ચરતા માલનું ધ્યાન રાખતા ગોવાળિયા ચરતા માલની ફરતે ઝાડ નીચે બેઠા હતા. કનોને રાધી પીપરના ઝાડના થડને ટેકો દઈ માલનું ધ્યાન રાખી બેઠા હતા. કનાનું ધ્યાન ડેમના પાણીને કાંઠે બેઠેલા સારસ પક્ષીના જોડા પર હતું. કુંજ પક્ષીના કુળનાં આ પક્ષીના માથા લાલ કલરના હોય છે. રાધી ઉપરથી પક્ષીએ ખાઈને નીચે ફેંકેલી પીપરની પેપડી હાથમાં લઈ તેને તોડી રહી હતી.
રાધીએ મૌન તોડતા કનાને કહ્યું, "હાંભળ, કાઠીયાવાડી કાલે મારી માડી મન ધખી(ઠપકો આપ્યો)."
કનાએ પેલા પક્ષી પરથી નજર હટાવી રાધી બાજુ જોઈ કહ્યું, "કીમ? તને લાગ્યું ઈમાં?"
રાધીએ કહ્યું, લાગ્યું ઈ તો માડીએ હવારે ભાળ્યું,પણ રાતે અંજવાળામાં મારી ચૂડી સમકી એટલે મન પૂછ્યું, આ કીને પેરાવી? મેં તારું નામ આલ્યું.મેં કીધું હું આપાથી વિખૂટી પડી જઈ'તી. મન ચૂડી ગોઠી. મારી કને પૈસા નતા. એટલે કનાએ આપી દીધા,ને ચૂડી મારા હાથમાં પેરાતી નો'તી. એટલે કાઠીયાવાડીએ પેરાવી આલી.પસે મારી માડીએ કીધું,તન કાય ભાન બાન બળી સે કે નય? મેં કીધું કીમ? ઈમાં હૂ થય જયું? એટલે મારી માડી ખીજાણી ને મને કીધું, મારી હારી, છોડી પયણા( વર )ના હાથે ચૂડી પેરે. બીજાના હાથે નો પેરાય"
કનો જાણે કશું ના બન્યું હોય તેમ રાધીની સામે તાકી રહ્યો. પછી બોલ્યો, "ઉજડો મટી જયો?"
રાધી ખીજાઈને બોલી, "ઉજડો તો તારો હગલો રૂજાય જ્યો.આ લે, જો. પણ મારી માડી ધખી ઇનો ઘા ઊંડો પડી જ્યો!"
કનો ફરી જાણે કશું બન્યું ન હોય તેમ બોલ્યો, "લે ઈ માં હૂ થઈ જયું! તે કીધું ને તારીથી નો પેરાણી એટલે મેં ચૂડી પેરાવી દીધી!"
રાધી કનાના ભોળપણ પર મનમાં ને મનમાં મલકાણી. કનો ફરી પેલી સારસ જોડીની હરકત જોવા લાગ્યો. રાધીએ કનાને પૂછ્યું, "ઈ ક્યા પંખીડા સે, ખબર હે તને?"
કનો કહે, "કુંજડા સે?"
રાધીએ કહ્યું, "કુંજડા નહીં. ઈ સારસ બેલડી હે. સારસ બેલડીનો પરેમ જાણીતો હે. ઈ આખી જિંદગી જોડીમાં એક હંગાથે રે સે.ને જો કેદિય જોડી ખંડિત થાય ને એકાદ સારસ પંખી મરી જાય તો બીજું એની વાહે માથા ભટકાડીને જીવ આપી દે."કનો રાધીની વાત નવાઈ ભરી દ્રષ્ટિથી સાંભળી રહ્યો હતો.
રાધીએ કહ્યું,"પરેમ કરવો તો આ સારસ પંખી જેવો કરવો.એક વાહે બીજું જીવ આપી દે, ઈને હાસો પરેમ કેવાય."
આમ બોલતા રાધી કના સામે જોઈ રહી. તેની અણીયાળી આંખોમાં ભીનાશ બાજવા લાગી. તે નીચું જોઈ ગઈ. એટલામાં દૂરથી હાંકલો સંભળાયો, "અલ્યા તમી હૂ ધેન રાખો હો?જોવો ઓલી ભેંહુ જંગલ કોર્ય હાલતી થય જય.ધોડય અલ્યા કાઠીયાવાડી ભેંહુ વાળી મેલ."
કનો ઉભો થઈ હાથમાં ડાંગ લઈ દોડ્યો.દોડીને ઊંડા જંગલમાં હાલતી થયેલી ભેંસોને પાછી વાળવા લાગ્યો.
ક્રમશ:
(પ્રેમ તો સારસ બેલડીનો... પ્રેમ, સાહસ, સૌંદર્ય,સમર્પણ જોવા માટે વાંચતાં રહો "નેહડો(The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621