બકો સલવાયો બાથરૂમમાં ! bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બકો સલવાયો બાથરૂમમાં !

બકો સલવાયો બાથરૂમમાં !

પૃથ્વી પર પ્રભુએ જન્મ આપ્યા પછી સમજતા શીખે એ માણસ પોતે શું કામ જન્મ્યો હશે એ વિચાર કરતો નથી.જનમ મળ્યો એટલે જીવવા મંડવાનું.કેટલાક ખાવા માટે જીવતા હોય છે તો કેટલાક જીવવા માટે ખાતા હોય છે ! આપણો બકો પહેલા પ્રકારમાં જ આવે છે.

બકો એટલે બે જણની બથમાં માંડ આવે એવડી મોટી કાયાનો માલિક ! આકાર અનિયમિત હોવાથી એનું ઘનફળ કાઢવા માટે કોઈ ગણિતશાસ્ત્રીએ નવું સૂત્ર શોધવું પડે !

એનું ધડા વગરનું ધડ એટલે મોટી કોઠી જોઈ લ્યો ! એ કોઠી ઉપર નાનું માટલું મૂક્યું હોય એવું એનું માથું. હાથીના પગથી થોડાક પાતળા પગ અને બંને બાજુ લબડતા હાથ એ હાથીની સૂંઢ જેવા જણાતા !

ગોળ મટોળ મુખારવિંદમાં મળેલી મોટી આંખો સતત ખાવાનું શોધતી રહેતી. જ્યાં ત્યાંથી જેવું મળે એવું એ આખો દિવસ મોમાં ઓરતો રહેતો અને મોઢું પણ જાણે ચાલવા જ સર્જાયું હોય એમ સતત ચાલતું જ રહેતું.બકાના પગ ચાલતા એનાથી વધુ તો એનું મોઢું ચાલતું હશે.જાણકારો એમ કહેતા કે જો બકો મોઢાથી ચાલતો હોત તો રોજના દસ કિલોમીટરના હિસાબે આજે ગામ અને ઘરથી ઘણો આગળ નીકળી ગયો હોત.પણ બકાને ક્યાંય જવું નહોતું.બસ એને તો માત્ર ને માત્ર ખાવામાં જ રસ હતો ! કાયમ બહારથી ખોરાક મળવાનું બંધ થતાં બકાએ પછી ફરસાણની દુકાન શરૂ કરીને ખાણીપીણીનો સવાલ એના મૂળમાંથી જ નષ્ટ કરી નાખેલો.બકાની દુકાનનો સૌથી મોટો ગ્રાહક ખુદ બકો જ હતો એટલે દુકાન ન ચાલવાનો પ્રશ્ન જ નહોતો.

એકદમ પહોળા પાંયસાવાળા અને માની ન શકાય એટલી મોકળાશવાળા લેંઘામાં એના નળાકાર પગો ઘુસાડવા બકાને જમીન પર સુઈ જવું પડતું.કમર નીચે એકાદ તૂટે નહિ એવો પાટલો રાખીને એ લેંઘાના કમર સુધીના પ્રવાસ માટે રસ્તો ક્લિયર કરતો. કમરને આવરણ આપવામાં સમર્થ નીવડેલા લેંઘાનું હુક, નદીના સામે કિનારે ઉભેલી પ્રેમિકા પાસે જવા બેબાકળા થયેલા માણસની જેમ સામેના ભાગે મજબૂત દોરાથી લેંઘાને વળગી રહેલી ક્લિપને તાકી રહેતું. એ નાનકડી કલીપ પર બકાના શરીરના દક્ષિણનું સામ્રાજ્ય અનાવૃત ન થઈ જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હતી. ઘણીવાર આ કલીપને લેંઘા સાથે બાંધી રાખનાર દોરા દગો દેતા ત્યારે બકાનો એકાદો હાથ એની મદદે આવતો.તેથી લોકોની કાતિલ નજરોથી બકાના દેહની અણદીઠ ભોમકા જેમતેમ કરીને અણદીઠ રહી જતી. પણ કયારેક પેટના અતિક્રમણ સામે એ કલીપોને બાંધી રાખતા દોરા નબળા પુરવાર થાય તો એની જાણ બકાના માત્ર ખોરાકના સંદેશા જીલતા મગજને થઈ જતી. એટલે બકાએ એ ક્લિપની મદદે એની સાવ નજીકમાં બીજી કલીપ ટાંકી હતી. ( અહીં કોઈ મોબાઇલની MMS ક્લિપની વાત થઈ રહી નથી એની નોંધ લેશો )

હવે આ કાંઠે રહેલો હુક તો, બબ્બે રૂપસુંદરીઓ પોતાના ઉપર ઓળઘોળ થયેલી જોઈને નાચી ઉઠતા કોઈ કા-પુરુષની જેમ ખુશ થઈને હલું હલું થઈ જતો.પણ બકો એને બહુ અઘોપાછો થવા દીધા સિવાય પેટને અંદર તરફ ખેંચીને પહેલા દૂરની કલીપ સાથે એનો મેળાપ કરાવી દેતો.પછી જ્યારે જઠરની સીમારેખા પરની જગ્યાઓ પર ખોરાકનું ગેરકાયદે બાંધકામ થવા લાગે ત્યારે એ હુકને એ ક્લિપમાંથી નીકળીને બાજુવાળી સાથે પ્રણય ગોષ્ટિ કરવા મળતું !

પણ એ લાભાલાભના બદલામાં હુક અને હુકીઓને પેટના એકધારા દબાણ સામે ઝઝૂમવાની અઘરી જોબ કરવી પડતી.પેટ કોઈવાતે સમાધાન માટે ટેબલ પર આવતું નહિ.

પેટમાં થયેલા આડેધડ પગપેસારાને કારણે બકાનો ચોવીસ કલાક પ્રદીપપ્ત રહેતો જઠરાગ્નિ ભડકો થઈને ખોરાકના ઢગલાનું જ્યુસ બનાવી દેતો. જઠર તરત ખોરાકને નાના આંતરડામાં ધકેલી દેતું. ત્યારપછી એ અગ્નિ ઉપર તરફ અવાજ કરતો કે "આવવા દો...!"

બકાના નાના અને મોટા આંતરડાઓમાં રાતદિવસ ધમધમાટ ચાલતો રહેતો. અવિરત આવી રહેલા ખોરાકમાંથી જરૂરી જણાય એવા ઘટકો શોષાઈ જાય એટલે બાકીનો જથ્થો તાત્કાલિક મોટા આંતરડાને સોંપી દેવામાં આવતો.મોટું આંતરડું તત્કાલિક બકાના મગજને "લાગી" હોવાનો મેસેજ સેન્ડ કરી દેતું.

બકાને આ "લાગી"ના મેસેજ સવાર બપોર ને સાંજ એમ ત્રણ વખત આવતા.મોટેભાગે બકો ડોલથી થોડું નાનું ડોલચુ લઈને ગામના પાદર તરફ ભાગતો.એને એ વખતે રોકવાની કોશિશ કરવા બદલ કેટલાક લોકો બદબુના શિકાર બન્યા હતા. ત્યારપછી બકાના મળવિસર્જનકેન્દ્ર સુધીનો માર્ગ પર બકાગમન સમયે હંમેશા પ્રદુષિત જાહેર કરવામાં આવેલો ! વળી એ માર્ગ પર ધૂળના ગોટેગોટા પણ ઉડતાં. કારણ કે બકાની કમરથી પગની પાની સુધી વિસ્તરેલો પહોળા પાંયસાવાળો મોકળો લેંઘો રસ્તા પરની ધૂળને ગોથે ચડાવતો જતો. એટલે એ માર્ગે બકો પસાર થાય ત્યારે લગભગ કરફ્યુ મુકાઈ જતો.

બકો પાછો બિઝનેસમાં બહુ ધ્યાન આપતો. બસસ્ટેન્ડ પાસે જ બકાની ફરસાણની દુકાન હતી. બકો જેટલું ફરસાણ વેચતો એટલું તો આખા દિવસમાં એ ઓહિયા કરી જતો ! કોઈપણ નવા ઓર્ડરમાં જેટલો નફો થવાનો હોય એટલો માલ પોતાના માટે એ બનાવી જ નાંખતો. મહાકાય બકાની અર્ધાંગિની બને એવી કન્યા હજી અવતરવાની બાકી તો નહોતી પણ બકાને જડી ન હોવાથી બકો બ્રહ્મચારી જ રહી ગયેલો.

આવો બકો કોઈ દિવસ ગામતરે જતો નહિ. દુકાનનો માલ લેવા શહેરમાં જવું પડે તો સખડો રીક્ષામાં એકલો જ બેસીને જતો. બકો બેસે પછી રીક્ષાની પરિવહન ક્ષમતા ચરમસીમાએ પહોંચી જતી.એટલે બીજા કોઈ મુસાફરો બેસી શકતા નહિ.

બકો આમ એકલવાયી જિંદગીમાં ખાઈ ખાઈને પાંત્રીસે પહોંચ્યો ત્યારે એના માટે એક માગું આવ્યું.સદાય મનપસંદ વાનગી વાંછતા બકાના મગજમાં સંસાર વસાવવાની ઈચ્છા આળસ મરડીને બેઠી થઈ.અને બકો કન્યા જોવા તત્પર થયો.

હવે જે કન્યા બકાને પોતાનો બલમ સ્વીકારવા તૈયાર થયેલી એ પણ એક બુજાઈ ગયેલી ચલમ હતી. કોઠાર જેવા કોઠાને કારણે ત્રણ ઠેકાણે બધું જ સાફ કરી ચુકેલી જમ જેવી જમના છેલ્લા પતિની જમીન પણ જમી ગયેલી.એક આંખે જમનાને પૂરેપૂરી જોઈ કે જાણી નહિ શકેલો જમનાનો આખરી પતિ મોટા ખાડામાં ઉતરી જઈને પતી ગયેલો એટલે જમના પિતાગૃહે પરત ફરેલી.

ખાડા કરતા જાડા સારા એવું માનતી જમનાએ બકાના બેહિસાબ બોજ અને ખોરાકની ખોજ વિશેની વાત સાંભળીને રોજેરોજ મોજ હોવાનું માન્યું એટલે બકાને જમનાએ 'જોવા' બોલાવ્યો.

હજી સુધી બકાના જીવનમાં ક્યાંક જમવા જવાના પ્રસંગ સિવાય બીજો કોઈ ખાસ પ્રસંગ ભાગ્યે જ આવ્યો હતો. કુલ ત્રણ લેંઘામાંથી જે સૌથી સારો હોવાનું બિરુદ પામેલો એને બકાએ જમીન પર સુઈને ફરજ પર હાજર કર્યો. ચેકસના શર્ટને બકો કાયમ સેક્સનો શર્ટ કહેતો.કારણ કે એને 'ચ' સાથે પહેલેથી જ કંઈક વાંધો હતો એટલે એણે 'ચ'ને જીભ પર અવવાની મનાઈ ફરમાવેલી.'ચ'ની ડ્યુટી ડબલ પગારે બકાએ 'સ'ને આપેલી. બકો ચોકડીને સોકડી, ચકલીને સકલી, ચાંદાને સાંદો, ચારને સાર અને ચેકસને સેક્સ કહેતો.એકવાર બુશર્ટનું કાપડ લેવા ગયેલો ત્યારે અડધી દુકાન રોકીને ઉભેલા બકાએ દુકાનદારને સેક્સનું કાપડ બતાવવા કહેલું ! દુકાનદાર ઘડીક મુંજાયો એટલે બાબાએ ચેકસની ડિઝાઇનવાળા કાપડ તરફ આંગળી ચીંધી ત્યારે પેલાને હોશ આવેલો !

બકાએ મોટી 'સેક્સ'વાળો શર્ટ અને લાઇનિંગવાળો લેંઘો પહેરીને સખડો રિક્ષામાં સવારી કરી.એક વચેટીયો સખડો રિક્ષા હાંકવા બેઠો અને બીજો પાળી ઉપર પગ બહાર તરફ રાખીને ટીંગાયો. એ બંનેએ પચાસ હજારમાં બકાને ઠેકાણે પડવાનું બીડું ઝડપેલું.

જમના બાજુના નાના શહેરમાં રહેતી હતી.એનું ઘર આમ તો નાનું હતું જેમાં લાંબી ઓસરીમાં બે ઓરડા અને એક તરફ પાણીયારું હતા.ઓસરી આગળ નાનું ફળિયું અને ફળીયા ફરતે દીવાલ હતી. એ દિવાલમાં નાના ડેલાની સાઈઝ ધરાવતી એક ખડકી એ મકાનનું પ્રવેશદ્વાર હતું.જેને જમના જેમ જેમ મોટી થતી ગયેલી તેમ તેમ મોટી અને પહોળી કરવામાં આવી હતી. એ ખડકીની અડોઅડ ટોયલેટ અને બાથરૂમ પણ જમના જલ્દી જઈ આવી શકે એ મુજબના જ બનાવેલા હતા.

બકાનો સખડો ખડકી આગળ આવીને ઉભો રહ્યોં. ઢાળમાં મોટો ગડબો ગબડીને નીચે પડે એમ બકો સખડામાંથી નીચે ઉતર્યો. એ વખતે ડ્રાઈવર અને પેલા ટીંગયેલા વચેટીયાએ સખડાને આગળથી દબાવી રાખેલો !

ખડકીની બંને બારસાખ સાથે ઘસાઈને બકો ફળિયામાં પ્રવેશ્યો. સાંજનો સમય હોવાથી ફળીયામાં બે ખાટલા ઢાળીને ઉપર ગોદડાં પાથરવામાં આવ્યાં હતાં.

જમનાના પિતા ગાંડાલાલે મહેમાનોને આવકાર્યા. મહાકાય બકાને જોઈ ગાંડાલાલ અંદરથી ધ્રુજી ગયા.જમનાને જ દેશનું સૌથી જાડું માણસ માનતા એ જમનાતાતના ભ્રમનો ભડકો થઈ ગયો ! જમનાને જીવની જેમ આ માણસ જ સાચવી શકશે એવું મનોમન માનીને, જમવામાં જેનો જોટો જડે નહિ એવો જમાઈ મળવાની શક્યતા ગાંડાલાલે જોઈ !

મહેમાનો ખાટલા પાસે આવીને ઊભા રહ્યાં. બેઉ ખાટલા પોતાને બદલે બકો બાજુવાળા ખાટલે બિરાજે એમ મનોમન પ્રાર્થના કરી રહ્યાં. પેલા બે જણ એક જ ખાટલા પર બેસી ગયા.બકો ખાટલા સામે તાકીને ઉભો રહ્યો. ખાટલો પોતાનો ભાર ખમી શકે એમ ન લાગતાં બકાએ એના શરીર ફરતે નજરની મીટરપટ્ટી ફેરવતા ગાંડાલાલ સામે જોયું.

બકાને મુંજાયેલો જોઈ ગાંડાલાલે બકાનું માપ કાઢવું અશક્ય જણાતા એ કામ પડતું મૂકીને ખાટલો મજબૂત હોવાની ખાતરી આપી.

બકો સાચવીને ખાટલામાં બિરાજ્યો.ખાટલાની ઈસોમાંથી ટ.. ર...ર...ટ.. ર...ર...અવાજ આવ્યો. ખાટલો જમનાનું વજન ખમવાનો અનુભવી હતો એટલે બકાને પણ ઝીલી લેવામાં સફળ થયો ખરો !

જમના અને એની માતા ઓસરીમાં આવીને ઊભા રહ્યા. બંનેમાંથી જમના કઈ એ બકો નક્કી કરી શક્યો નહિ.થોડીવારે પાણીના ગ્લાસ લઈને અનાજની ગુણ ઓસરીના પગથિયાં ઉતરી એટલે બકાને પોતાના સંભવિત સંસારનો વિસ્તાર જોવા મળ્યો.

બકા અને જમનાની નજરો મળી. જાડી જમનાએ અતિજાડા બકાને જોઈ ઉપરનો હોઠ નાક તરફ અને નીચેનો હોઠ દાઢી તરફ ખેંચીને અંગુઠાના નખ જેવા દાંત બકાને બતાવ્યા.બકો ઘડીક સમજી ન શક્યો કે જમના સ્માઈલ આપે છે કે ખોરાકની ફાઈલ ખોલે છે !

ચા પાણી પત્યા એટલે જમનાની માતાએ તાતને અંદર બોલાવ્યો. બકો જમનાને પસંદ હોવાથી મહેમાનને રાત રોકવાની વાત કરી.

ગાંડાલાલે સાત આઠ કિલો મિક્સ ભજીયા બકા સમક્ષ નાસ્તા માટે પેશ કર્યા. ભજીયા ભાળીને ભૂરાંટા થયેલા બકાએ એક સાથે બબ્બે ત્રણ ત્રણ ભજીયા ગલોફામાં ચડાવ્યા.
બકાના પહોળા ઝડબમાંથી વછુટેલા લાળરસમાં ભજીયા ચબડચબડ અવાજ સાથે એકરસ થતા જોઈ ગાંડાલાલે ખુશ થઈને બીજા બે કિલો ગોટા તાબડતોબ મંગાવી લીધા.બકાને ભાવિ સસરાની સમજણ ઉપર માન થઈ આવ્યું !

નાસ્તાનો નાશ કરીને બકાએ બે લોટા પાણી ગ્રહણ કર્યું.અને પોતે જમનાનું પાણિગ્રહણ કરવા તૈયાર હોવાનો સંકેત આપીને સંતોષનો મોટો ઓડકાર ખાધો.એ ઓડકારનો અવાજ સાંભળીને મોટી ખડકી ખુલ્લી જોઈને અંદર ઘુસી આવેલા બે કૂતરાં પૂંછડી પગ વચ્ચે દબાવીને તરત,પરત ફરી ગયા ! એ જોઈ જમના હસી એટલે બકાએ હોઠના ખુણા કાન સુધી ખેંચીને ઓસરીમાં ઉભેલી જમના ભણી જોઈ 'ઈસ્માઈલ' આપ્યું.

હવે બધું નક્કી જ હોવાથી બકા સહિત વચેટિયાઓને પણ રાત રોકાઈને વાત આગળ વધારવાનો આગ્રહ કરવામાં આવ્યો.

રાત્રીનું જમણ, રસ પુરી ને ખમણ હતું. બકાએ પેટ ઠાંસોઠાંસ ભરીને જમનાનું ચિત હરી લીધું ! જે માણસ પોતે જમે એ પત્નીને જમાડશે અને પોતે નાના બનીને જલ્દી ભાણીયા રમાડશે એવી ઘણી આગળની કલ્પનાઓ કરીને ગાંડો ટાઢી છાશનો હાંડો લઈ આવ્યો. છાશ પીને બકાને હાશકારો થયો એટલે કબૂતર ઘુસી શકે એવડું મોં ખોલીને બગાસું ખાધું.

બકાના ઘોર શોર બકોર જેવા નસકોરાના ધ્વનિને માણતો ગાંડાલાલ માંડ માંડ વહેલી સવારે ચાર વાગ્યે ઊંઘી શક્યો !

હજી તો દીકરીને યોગ્ય ઘર અને વર મળી જવાની ખુશીઓમાં રાચતો ગાંડો ઊંઘમાં ઊંડો ઉતરે એ પહેલાં બકાના બીક લાગે એવા બરાડા સાંભળીને કરંટ લાગ્યો હોય એમ જાગ્યો.

ભૂલથી ટોઇલેટને બદલે બાથરૂમમાં ઘુસેલો બકો બહાર નીકળવા હવાતિયાં મારતો નજરે ચડ્યો.વચેટિયાઓ પણ જાગીને બાથરૂમના બારણે પહોંચ્યા.

બનેલું એવું કે બકાને વહેલી સવારે કામે વળગેલા ઉત્સર્ગતંત્રનો 'લાગી' હોવાનો મેસેજ આવતા એ જાગ્યો હતો.અને તરત ભાગ્યો હતો.ખડકી પાસે એણે સાંજે આ 'વ્યવસ્થા' જોયેલી એટલે કયો દરવાજો ટોઇલેટનો અને કયો બાથરૂમનો એ જાતે જ નક્કી કરવાનું નક્કી કરેલું.

વહેલી સવારે મગજે ઉતાવળ રાખવા આદેશ આપેલો હોવાથી બકો વધુ માથાકૂટમાં પડ્યા વગર જલ્દી 'છૂટ' મેળવવા બાથરૂમના રૂટ ઉપર ગતિમાન થયો હતો. સાંકડા દ્વારમાં સરળતાથી પ્રવેશવા જરૂરી મુવમેન્ટ કર્યા પછી બાથરૂમમાં ઘુસેલા બકાના ચક્સુઓએ સ્થળમાં ફેરફાર જણાતા ખતરાની ઘંટી બજાવી.એટલે બકાના મગજે તરત શરીરને યુ ટર્ન લેવા આદેશો જારી કર્યા.પણ બાથરૂમની બંને દીવાલોએ બકાના બંને પડખાની પડખે જ રહેવાની જીદ કરી. યુ ટર્ન અશક્ય હોવાના સંદેશા 'જવાની' અત્યંત ઉતાવળ વચ્ચે મગજને મોકલવામાં આવતા મગજે ગાડી રિવર્સ લેવાનો નવો ઓપશન સેન્ડયો. બકાએ બળ કરી જોયું પણ બારણાની બારસાખોએ 'હંકન અમે હવે એમ નહિ કરવા દઈએ' કહીને બકાની પાછળના બાગમાં 'બહાર' આવી હોવા છતાં લાગમાં આવેલા બકાને બહાર નીકળવાની ના પાડી !
બકાએ પીછવાડામાં વધુ જોર ન થઈ જાય એનું ધ્યાન રાખીને પિછવાડું પાછળ ધકાવ્યું. બકાને કાયમ વફાદાર રહેલો એ પ્રદેશ બકાની અજ્ઞાનું પાલન કરીને બારણાં બહાર ધસી ગયો પણ ઉત્તર તરફનો લચીલો પ્રદેશ સંકોચનનો પહેલેથી વિરોધી રહ્યો હોવાથી બકો ઉભો સલવાયો !

આખરે બકાએ બાથરૂમમાંથી આંખો ઝૂમ કરીને બૂમ પાડવી જ પડી.પણ એ બૂમ બરાડો થઈને બહાર પડી એટલે ફળીયામાં માંડ પોઢેલા યજમાન સહિત વચેટિયાઓ સફાળા જાગીને દોડ્યા !

આછા અજવાળામાં બકાની બેહાલ સ્થિતિ જોઈ વચેટિયા સમજ્યા કે બકો અંદર જવા માંગે છે પણ જઈ શકતો ન હોવાથી મદદ માંગી રહ્યો છે ! એટલે તરત એ બંનેએ બકાના પોચા પોટલા જેવા પાશ્ચ્યાત પ્રદેશ પર બબ્બે હાથનું બળ વાપરીને બકાના બહાર નીકળેલા બોજને અંદર તરફ ધકાવ્યો !

બકાએ વિરુદ્ધ દિશામાં આવતી મદદને રદ કરીને બુમને બદલે બુમરાણ મચાવ્યું એટલે સમજદાર ભાવિ સસરો તરત પેલા બંને પર હાવી થયો !

મદદને રિવર્સ ગેરમાં નાંખવા માટે કશુંક પકડવું જરૂરી હતું.જેને પકડીને બકાને બહાર તરફ ખેંચી શકાય.પણ એવું કોઈ અંગ એ સપાટ પ્રદેશમાં ઉપલબ્ધ નહિ હોવાથી બહારથી મદદ કરવી મુશ્કેલ જણાઈ રહી હતી.બુમરાણ મચવતા બકાના મગજને 'લાગી' હોવાનો મેસેજ હવે 'ફૂલ લાગી' માં પરિવર્તન પામ્યો હતો.અને જો નજીકના ભવિષ્યમાં માર્ગ મોકળો નહિ થાય તો તબેલાનું તાળું તોડીને ઘોડા ભાગી નીકળવા હણહણાટી કરતાં માલુમ પડ્યાં !

જમનાતાત ગાંડાલાલ આવી પરિસ્થિતિમાં નવી જ ચાલ ચાલવી પડશે એ તરત સમજી ગયો.એમણે બકાની કમરે ઇલાસ્ટિકની મદદથી ચોંટી રહેલા લેંઘાની મદદ લેવાનું સૂચન કર્યું.આ સિવાય બકાની પૂંઠને પાછળ તરફ ખેંચવામાં મદદ કરે એવું એક અંગ હતું ખરું પણ એ જરા જોખમી હતું !

વચેટિયાઓએ બકાની પીઠમાં પડેલા ધોરી માર્ગ જેવા ધોરીયામાં હાથ નાખીને લેંઘાને આ વિકટ પરિસ્થિતિનો જલ્દી ઉકેલ આણવા પાછળ તરફ ખેંચ્યો.

હવે એ લેંઘો કાયમ કમર પર ઇલાસ્ટિકના સહારે પડ્યો પાથર્યો રહેતો હોવાથી છેક આળસુનો પીર થઈ ગયેલો ! એકાએક અતિ મહત્વની અને અત્યંત કપરી કામગીરી એની ઉપર આવી પડવાથી એણે તરત રાજીનામું આપવાની જાહેરાત 'ચ..ર..ર...અવાજ કરીને કરી.લેંઘો કઈ બાજુએથી ફાટ્યો એની ખબર કોઈને પડી નહિ પણ ફાટેલા લેંઘાના ટુકડાઓ સાથે વચેટિયાઓ ફળિયામાં ગળોટિયા ખાતા નજરે પડ્યાં. ગાંડાલાલે ત્યાંથી નજર હટાવીને બાથરૂમમાંથી બહાર આવવા મરણિયા થયેલા બકાના પહાડો સાવ ઉઘાડા થઈ ગયેલા જોયા !

ગાંડાલાલ એ દ્રશ્ય જોઈને લગભગ ગાંડો જ થઈ જવાનો હતો.બકાએ બૂમોનું વોલ્યુમ ફૂલ કરીને ઘાંટા પાડવાનું ચાલુ કર્યું હતું.એ ઘાંટા બકા ફરતે આંટા મારીને અંદર સુતેલી જમના સુધી ઘંટારવ થઈને પહોંચ્યા.

તળાવમાંથી હિપો બહાર નીકળે એમ એ ઓરડામાંથી ઉભી થઈને ઓસરીમાં આવી. પાછળ એના પડછાયા જેવી માતા પણ લોચન રાતા કરીને ઉભી થઈ હતી.

સવારનો શીતળ પવન બકાના સાવ નધણીયાતા થઈ ગયેલા વાંહ્યલા પડાળ પર પછડાઈ રહ્યોં હતો.એક વચેટિયાએ જમનાને જોઈ, બકાની સેવામાં ગોટો વળી ગયેલું ગોદડું ઉપાડીને જમના જોઈ જાય એ પહેલાં બકાને ઢાંકયો.બળ કરવાને કારણે બકો હવે ઉત્સર્ગતંત્ર પરનો કાબુ પણ ગુમાવી રહ્યોં હતો.

ગાંડાલાલે જમનાને ફળિયામાં ન આવવાની સૂચના આપી પણ બકાનો દેકારો એને આકર્ષી રહ્યો હતો. વજનદાર ભાવિ ભરથાર ભજન ગાઈ રહ્યાં હતા કે ભેંકડો તાણી રહ્યાં હતાં એ જમનાને ન સમજાયું !

આખરે ગાંડાલાલે વચેટિયાઓ સાથે મળીને ગોદડાં નીચે ઢંકાયેલા બકાના પહાડોને અંદર તરફ ધકાવ્યા.મહામહેનતે બકો મૂળ પરિસ્થિતિમાં આવ્યો અને જેમ ઘૂસ્યો હતો એમ ત્રાંસો થઈને બહાર આવ્યો !

બહાર આવેલા બકાએ તાત્કાલિક 'જવું' પડશે એવી ઘોષણા કરી.ગાંડાલાલે ટોયલેટ તરફ હાથ લાંબો કર્યો પણ બીજી જ ક્ષણે પાણીની ડોલ ભરી આપીને બહાર 'જઈ' આવવા વિનંતી કરી.

કમરે ગોદડું વીંટાળીને બકો સખડામાં ગોઠવાયો.ડ્રાઈવર વચેટિયાએ જલ્દી સખડો શહેરની સીમા તરફ ભગાવ્યો અને બીજાએ પેલી ડોલ ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખ્યું.

શહેર બહાર એક સલામત સ્થાને બકો હળવો થયો ત્યારે એના પેટમાં ઉઠેલો બળવો શાંત પડ્યો.પણ બરાબર વચ્ચેથી ફાટીને બે ટુકડા થઈને જમનાના ફળિયામાં પડેલો લેંઘો લેવા એ પરત ફરવાને બદલે શરમનો માર્યો ગોદડું લઈને ગામ જતો રહ્યો !

ફળિયામાં ઓરડા જેવડા ટોયલેટ બાથરૂમ બનાવી લેવાની શરતે બકાએ જમનાનું પાણિગ્રહણ કરવાની હા પાડી.અને પોતાની ફરસાણની દુકાનના પાછળના ભાગે એવા જ મોટા બે ઓરડા ચણીને બકા નામના જાડા જણે જમના નામની જાડી જણી સાથે સંસારની કવિતા ભણી !