આ જનમની પેલે પાર - ૩૦ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૩૦

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૦

બધાએ દરવાજા તરફ જોયું. કોઇ પુરુષ બોલતાં બોલતાં અંદર આવી રહ્યા હતા. એ બીજું કોઇ નહીં પણ હેવાલીના પિતા મનોહરભાઇ હતા. અને એમની પાછળ ચંદનબેન જણે કોઇ કૃત્ય માટે પોતે શરમ અનુભવતા હોય એમ ઊભા હતા.

દિનકરભાઇ અને સુલુબેનને જ્યારે ખ્યાલ આવ્યો કે 'એ કારણની અમને ખબર છે...' એમ બોલનાર હેવાલીના પિતા છે ત્યારે નવાઇ લાગવા સાથે આંચકો લાગ્યો. મનોહરભાઇ એમની છેલ્લી વાત સાંભળી ગયા એનો અફસોસ ન હતો. એમને દિયાન અને હેવાલીના અલગ થવાના કારણની ખબર હતી એ વાત ચોંકાવનારી હતી. સુલુબેન અને દિનકરભાઇ એ આંચકાને સહન કરી રહ્યા અને અચાનક ખ્યાલ આવતાં દિનકરભાઇ બોલ્યા:'અરે! મનોહરભાઇ...ચંદનબેન...આવો...'

બંનેના ચહેરા પર કોઇ વાત છુપાવ્યાનો રંજ દેખાતો હતો. બંનેએ અંદર આવી સ્થાન લીધું. દિનકરભાઇએ જેકેશ અને રતીનાનો પરિચય આપ્યા પછી કહ્યું:'આ બંને અમારા પુત્ર- પુત્રવધુ જેવા જ છે...'

મનોહરભાઇને ખ્યાલ આવી ગયો કે દિનકરભાઇનો ઇશારો એવો છે કે એ બંને બધું જાણે છે. એમની હાજરીમાં કોઇપણ વાત થઇ શકે છે. મનોહરભાઇ સમય ગુમાવ્યા વગર મૂળ વાત પર આવી ગયા:'દિનકરભાઇ, તમને થતું હશે કે અમે ચૂપચાપ આવીને તમારી વાત સાંભળી રહ્યા હોઇશું પણ અમે હમણાં જ આવ્યા અને તમારી વાત સાંભળી સત્ય મોંમાંથી બહાર આવી જ ગયું...'

દિનકરભાઇ આશ્ચર્યથી બોલ્યા:'તમને ખબર હતી કે હેવાલી અને દિયાન અલગ કેમ થઇ રહ્યા છે? છતાં તમે અમને જણાવ્યું નહીં?'

મનોહરભાઇને દિનકરભાઇના સવાલમાં નારાજગી કરતાં બંનેને અલગ થતા અટકાવી ન શકવાનો અફસોસ વધારો હતો.

'જે દિવસે અહીં હેવાલી અને દિયાનકુમારને અલગ થતા રોકવા બેઠક થઇ ત્યારે અમને હેવાલી પર શંકા ઊભી થઇ હતી. પણ અમે કોઇ કલ્પના કરી શકીએ એમ ન હતા. અમને એ પછી હેવાલીની જે વાતની ખબર પડી છે એ વાતની એણે અમને ખબર પડવા દીધી નથી. સાચું કહું તો પછીથી અમે હેવાલીને મૂક સંમતિ આપી દીધી હતી....એણે અમને જો કંઇ જાણતા હોય તો એને દિલમાં દફન કરી દેવા કહ્યું હતું. અને અમે એના નિર્ણયનો વિરોધ કર્યો ન હતો.'

'મનોહરભાઇ, મને મારા કાન પર વિશ્વાસ નથી આવતો કે તમે આમ કરી શકો છો. તમે તમારી દીકરીને એના પતિથી અલગ થવા માટે સંમતિ આપી દીધી છે...?' મનોહરભાઇ બોલવાનું પૂરું કરે એ પહેલાં જ સુલુબેન બોલી ઊઠ્યા:'તમે અમને પારકા ગણ્યા લાગે છે ચંદનબેન? અમે બહુ મોટું દિલ ધરાવીએ છીએ. અમને કારણ જણાવ્યું હોત તો એ સમસ્યાનું સમાધાન અમે શોધી કાઢ્યું હોત. અમારા પરિવારનો ઇતિહાસ રહ્યો છે કે જેની પુત્રી અમારા ઘરમાં વહુ બનીને આવે છે એ અમારી પુત્રી જ બની જાય છે. અમે એના મા-બાપ થઇ જઇએ છીએ. હેવાલીનું મન પણ અમારી સાથે મળી ગયું હતું. તે અમને મા-બાપ જ માનતી હતી. છતાં એવી કઇ વાત હતી જે એણે છુપાવવી પડી છે? તમારી એ બાબતે એની સાથે ચર્ચા થઇ ત્યારે એણે શું કહ્યું હતું?'

સુલુબેનની લાગણી જોઇ ચંદનબેનની આંખો ભાવવાહી થઇ ગઇ:'બહેન, અમે તો તમારા પરિવારમાં પુત્રીને પરણાવીને નિશ્ચિંત જ થઇ ગયા હતા. પરંતુ અચાનક હેવાલી અને દિયાનકુમારના અલગ થવાની વાત આવી ત્યારે એને અમારું મન સ્વીકારી શક્યું નહીં. અમે તે દિવસે એમના લગ્ન જીવનને બચાવવાના મરણિયા પ્રયાસ કર્યા હતા. ત્યારે અનેક આશંકાઓ મનમાં થવા લાગી. અમે પ્રાર્થના કરતા હતા કે હેવાલીનો કોઇ વાંક ના હોય તો સારું. અમે જ્યારે ઘરે જઇને હેવાલીને ફરી ફોન કરી અલગ ન થવા સમજાવી ત્યારે એણે કહ્યું કે તમને ભવિષ્યમાં મારી કોઇ વાતની ખબર પડે તો પણ એને છુપાવી રાખજો. મારી સાથે પણ ચર્ચા કરતા નહીં. એ વાત રહસ્ય જ રહેવી જોઇએ. પણ અમારું દિલ હવે માનતું નથી. અમને જે વાતની ખબર પડી હતી એ તમને કહ્યા વગર રહી શકતા નથી. અમારી આ ભૂલ છે અને અમને માફી આપશો એવી યાચના કરું છું...'

ચંદનબેનના જોડાયેલા હાથને પકડી લઇ સુલુબેન બોલ્યા:'આમ તમારે માફી માગવાની ના હોય. તમે કોઇ ભૂલ કરી નથી. આજના સંતાનો મોટા થઇ ગયા પછી એમના નિર્ણયો જાતે લેતા હોય છે. આપણાને એમાં સાંકળતા નથી એની પાછળ એમનો પ્રેમ હોય છે. તે ચાહતા નથી કે આપણે દુ:ખી થઇએ. એમના હૈયે આપણું હિત હોય છે. અમારો દિયાન આવું પગલું ભરી જ ના શકે એનો અમને વિશ્વાસ હતો પણ એણે કંઇક વિચારીને જ નિર્ણય કર્યો હશે એ અમારે માનવું પડે છે. આમ કરવાથી અમારો કે એનો પરસ્પરનો પ્રેમ ઓછો થઇ ગયો નથી...જો તમે હેવાલીની એ વાત જણાવવા ના માગતા હોય તો પણ અમને વાંધો નથી...'

ચંદનબેન અને મનોહરભાઇ વિચારમાં પડી ગયા.

થોડીવાર પછી ચંદનબેને પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને સુલુબેનને ધર્યો.

કાગળમાં શું લખ્યું છે એ જાણવા મનોહરભાઇ સાથે જેકેશ અને રતીના પણ ઊંચાનીચા થવા લાગ્યા.

ક્રમશ: