Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 49 - છેલ્લો ભાગ

(૪૯)

(રાજુલ રહનેમિને સંયમ વ્રત છોડે ના એ માટે સમજાવી રહી છે. હવે આગળ...)

"જે સંયમ વ્રત લે અને આચરે પછી ભાંગે તો તેને નરક મળે. અને જો તે સંયમવ્રત બરાબર પાળે અને મનને સ્થિર કરી શકે તો તેની ઈચ્છા પૂરી થાય છે. એવું ભગવાન નેમનાથે તેમના ઉપદેશમાં કહ્યું છે."

રાજુલે આવું કહેતાં રહનેમિ બોલ્યા કે,

"ઈચ્છાઓ તો પૂરી કયારેય થતી જ નથી, રાજુલકુમારી. કેટલાય ભોગ ભોગવ્યા, સ્વર્ગતણા સુખ અંનતી વાર મેળવ્યા."

"તો આનો અંત કેમ નથી ઈચ્છતા? મોક્ષ માટે તો કોઈ પણ વિદ્રાન કે પંડિત દીક્ષા લઈ અને પછી ભવભય પામ્યા વગર તજે નહીં."

રહનેમિએ જવાબમાં કહ્યું,

"જો એવું હોત તો પછી પૂરવધર કેમ ચૂક્યા, એમને કેમ આ વેશ ત્યજી દીધો. ઘરે પાછા જવા માટે તપ જપ અને વેશ પણ મૂકયા જ હતા. આપણે આવી સુંદર એકાંતે શાસનની વાતો ના કરવી જોઈએ."

રાજુલે એના જવાબમાં કહ્યું,

"જિનવરે એકાંત તો બ્રહ્મચર્યધારી માટે તો નિષેધ કરેલ છે. રહી વાત પૂરવધરની તો એ વ્રત ભાંગી નિગોદમાં પડયા. કેવળ લક્ષ્મી વરવાની જગ્યાએ કીચડમાં પડયા. એટલે તો કહું છું કે આપ સમજો સંસાર જેવું વિષ ખાઈને કોણ સુખી થતા જોયા કે થયા છે એવું સાંભળ્યું?"

"કેમ આગળના જિનેશ્વરો એ સુખ ભોગવ્યા, વિલાસ કર્યો સંસારમાં રહીને. પછી સંયમ લઈ કેવળી બન્યા અને જગતને તાર્યા જ છે. આનાથી મોટું ઉદાહરણ કયું હોય. આપણે પણ એમના જેમ સુખ ભોગવી અને પછી દીક્ષા લેશું."

"તમે તમારી જાતને જિનેશ્વર જોડે સરખાવી ના શકો. તમારું મન ચંચળ છે જયારે જિનેશ્વર ભંગવતને એવું નથી હોતું. એટલે જ એ સુખ, ભોગ વિલાસ અઢળક હોવા છતાં તેમાં ડૂબી નથી જતાં. એવું સામાન્ય માનવી માટે શકય નથી."

"તો તમે મારી વાતને નકારશો? શું તમે મને નહીં સ્વીકારો?"

"હા સાધુ રહનેમિજી, મન ચંચળ કરીને ચરણતણું ફળ મળે. જિન આજ્ઞા માથા પર રાખીએ નહીં તો, સંયમ કે ક્રિયા પાળીએ નહીં તો આપણે એઠું ખાતાં જ કુતરા જેવા ભવ મળે. તમે એવા ભવની કેમ ઈચ્છા કરો છો?"

"તમે તો મને કુતરા સમાન બરાબર ગણાવ્યો કેમ કે મેં નાશવંત જેવા આપના શરીર પર રાગ કર્યો, પણ ખરેખર તે તો કાચો છે. મને તમારી વાતો પરથી કે સમજવાથી હું સમજી ચૂક્યો છું કે મને સાચી સલાહ મળી છે. વળી, તમે તો મારા ગુરુ પણ છો..."

રહનેમિ આવું બોલતાં જ રાજુલે કહ્યું કે,

"તમે મને ખોટું ગૌરવ આપી રહ્યા છો. મેં તો તમને માર્ગ જ ચીંધ્યો છે. બાકી તમે જ તમારા મનને ચંચળ બનતા રોકયું અને સંયમવ્રત માં સ્થિર કર્યું."

"ના માતા, તમે એકવાર નહીં પણ બે બે વાર મને રાહ બતાવ્યો છે. તમારા રૂપ અને શરીરમાં લોભાઈ ગયેલા માર્ગ ભૂલેલાને રાહ બતાવ્યો છે."

"મેં? એ પણ બે વાર?...."

રાજુલે સઆશ્ચર્ય થી પૂછ્યું.

"હા માતા, એકવાર તમારા મહેલમાં હું ઉત્સવની ઉજાણીમાં આવ્યો ત્યારે અને અત્યારે બીજીવાર...."

રાજુલ કંઈ બોલી ના શકી, થોડીવાર રહીને કહ્યું,

"મને મારા દિયર સમાન ભાઈ પર ઘણો રાગ છે. એટલે જ હું નહોતી ઈચ્છતી કે યાદવકુળનો વંશજ આમ નીચે પડે નહીં. ભલે તે અગ્નિમાં જ કેમ ના પડે પણ એઠું ખાય નહીં કે વિષ ચૂસે જ નહીં."

"હા માતા, તિર્યંચ પશુ પણ વિષ નથી પીતો, પણ હું તો ક્ષત્રિય નર હોવા છતાં પણ એના કરતાં ભૂંડો છું. મારો ઉધ્ધાર કયારે થશે? આ પાપમાંથી કયારે છૂટીશ."

"રહનેમિ તમને તમારી ભૂલ સમજાઈ પછી તો જલ્દી જ તમારો ઉધ્ધાર થશે. બસ હવે કોઈ પ્રલોભનમાં ફસાતા નહીં કે માર્ગમાં થી ભટકતા નહીં."

"જરૂર માત, બસ મારી એક વિનંતી સ્વીકારો કે આ ગુફામાં આપણા વચ્ચે થયેલી વાત કોઈને કરશો નહીં. જો કોઈ સાંભળશે તો હું આ વ્રતમાં સ્થિર નહીં થઈ શકું."

રાજુલ તેમની વાત સાંભળીને કહ્યું કે,

"હું કોઈને નહીં કરું, પણ....."

"પણ માતા, શું?"

"પણ જિનવર તો જ્ઞાની છે. અને જ્ઞાની આગળ જગતમાં બનેલી કોઈ ઘટના કે વાત છૂપી નથી રહી શકતી. માટે મારું કહેવું માનો અને જિનવરને બધું જણાવી આલોચના લો. અને તમારા મનને સંયમમાં સ્થિર કરો."

"પણ મને વાત કરતાં સંકોચ થશે, માતા?"

"રહનેમિ સાધુજી, ભગવાન નેમનાથ તો આપના ભાઈ અને સૌથી વધારે તો જિનવર છે, જે આપણને તારનાર તારક છે. તો એમનાથી સંકોચ કેમ? માટે આલોચના લઈને નિર્મળ થઈ જાવ."

"માતા તમે મને કહ્યું તેમ પ્રભુની પાસે નિર્મળ થવા જઈશ. મિચ્છામિ દુક્કડમ દઈને આલોચના ગ્રહણ કરીશું."

"ધન્યવાદ, સાધુ મહારાજ આપને... તમે તો વંદનીય છો. મારા વંદનનો સ્વીકાર કરજો."

"ના માતા, તમે વંદન ના કરો, હું તમારા વંદનને લાયક નથી. પણ તમે મારા વંદનનો સ્વીકાર કરો. જેમ એક માતા પોતાના બાળકને પડતા બચાવે તેમ તમે મારા પર કૃપા કરીને ફરીથી હાથ પકડીને સાચો રસ્તો બતાવ્યો. તમે તો ખરેખર સાચા અર્થમાં સાચા ગુરુ છો. અને મારા વર્તન બદલ મને ક્ષમા આપો અને મિચ્છામિ દુક્કડમ મારું સ્વીકારો."

"ચાલો આપણે ભગવાન નેમનાથ જોડે જઈએ અને આલોચના લઈએ."

રાજુલની વાત સ્વીકારી રહનેમિ પણ ભગવાન નેમનાથ જોડે ગયા. રહનેમિએ ભગવાનને બધી વાત કરી અને પોતાની ભૂલ સ્વીકારી.

"પ્રભુ, મને આ પાપગર્તામાં થી બચાવો. મારો ઉધ્ધાર કરો. મને આલોચના આપી અને તમારા ચરણોમાં સ્થાન આપો."

ભગવાન નેમનાથે કહ્યું કે,

"અભિનંદન સાધ્વી રાજુલશ્રી, તમે પરીક્ષામાં ખરેખર પાર ઉતર્યા."

રાજુલ સાધ્વી નજર નીચી કરીને તેમની વાત સાંભળી રહ્યા.

"સાધુ રહનેમિજી, તમે તમારા મનને વિષય કષાયના કીચડમાં પડે તે પહેલાં સમજયા એ બદલ પણ અભિનંદન.'

"આ આત્માને આવા કીચડમાં રગદોળ્યા કરતાં તેને ઉન્મત્ત આકાશ જોવે એ પ્રયત્ન કરજો.'

"આ નાશવંત શરીર વગર તમે મોક્ષ નહીં મેળવી શકો. બાકી બીજી ગતિમાં મોક્ષ શકય જ નથી. બસ તો આત્મકલ્યાણની સાધનામાં થી ચળાયમાન થયા વગર એમાં રચ્યાપચ્યા રહો. બીજા કોઈ પ્રલોભનો ને તમારી આજુબાજુ ભટકવા પણ ના દેશો."

રહનેમિ ભગવાનના શબ્દો નીચી નજરે બે હાથ જોડીને સાંભળી રહ્યા. ભગવાન નેમનાથે પોતાના આત્માનું કલ્યાણ તો સાધ્યું જ પણ જોડે જોડે રાજુલ અને રહનેમિનું પણ સાધવામાં માર્ગ સૂચવ્યો. બંને જણાએ તે માર્ગ પર ચાલી મોક્ષ મેળવ્યો.

 

આભાર

અહીં જ આ નવલકથા પૂરી થાય છે. રાજુલની મક્કમતાએ ભગવાન નેમનાથ માટે માર્ગ મોકળો તો કર્યો જ. પણ સાથે સાથે પોતાના આત્મકલ્યાણ પણ કર્યું.

તેમને ના કોઈ લાગણી કે પરિતાપ કે પ્રલોભનો ચળાવી શકયા.

એટલે જ હજી પણ જૈન સમાજ પ્રીત માટે તો આદર્શ નેમ રાજુલ જ છે અને રહેશે. આજે પણ કોઈ દંપતિ દીક્ષા લે છે તો તેમને નેમ રાજુલ જેવા જ કહેવાય છે.

આ ભાવનાને જ મારી રીતે સંબોધીશ જરૂર...

"કે સંયમનું પાનેતર પહેરીને જો...

રાજુલને નેમ મળી જાશે તું જો....

પ્રીતને નવી રીત મળી જાશે તું જો....

રાજુલને નેમ મળી જાશે તું જો....

સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરતી પાવન કેડી

રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ જોડી."

જીનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ક્ષમા કરશો.

મારાથી શકય એટલો આ પાત્રને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, છતાં કોઈ ચૂક રહી ગઈ હોય તો ક્ષમા કરશો.

*****