આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૯
સુલુબેનનો અવાજ સાંભળીને દિનકરભાઇ એ આશાએ દોડતા આવ્યા કે દિયાન અને હેવાલી આવી ગયા છે. તેમણે આવીને જોયું કે એક દંપતી હતું પણ એ પોતાના ઘરનું ન હતું. એ દિયાનનો મિત્ર જેકેશ અને તેની પત્ની રતીના હતા. બંનેને જોઇને પહેલાં તો દિનકરભાઇને ખુશી ના થઇ પણ એક આશા જાગી અને તેમના ચહેરા પર એનો ચમકારો દેખાયો. તે બોલ્યા:'આ તો જેકેશ અને રતીના છે. એમને બહાર જ ઊભા રાખીશ કે અંદર આવવાનું કહીશ?!'
'હં...હા, આવો...અસલમાં હું એમના વિશે જ વિચારતી હતી. મને એમને મળવાની ઇચ્છા થઇ હતી અને એ બંને જાણે પ્રગટ થઇ ગયા...'
'આંટી, આને ટેલીપથી કહે છે. તમે યાદ કર્યા અને અમે આવી ગયા!' જેકેશ હસીને અંદર પ્રવેશતાં બોલ્યો.
'આંટી, બે દિવસથી વિચારતા હતા પણ મેળ પડતો ન હતો. આજે નક્કી કર્યું કે મળી જ આવીએ...' રતીના એમને પગે લાગતાં બોલી.
'સુખી રહે બેટા! અમારા માટે તો જેવા દિયાન-હેવાલી એવા જ તમે બંને છો.' બોલ્યા પછી સુલુબેનના આંખના ખૂણે એક આંસુ ચમકી ગયું. એને એમણે હસીને સિફતથી લૂછી લીધું.
જેકેશ અને રતીના બંને બેઠા. સુલુબેને પાણી આપ્યું. થોડી ક્ષણો માટે હોલમાં સ્મશાનવત શાંતિ ફેલાઇ રહી. વાતની શરૂઆત ક્યાંથી કરવી એ કોઇને સમજાતું ન હતું.
જેકેશને થયું કે પોતે જે કામે આવ્યો છે એના મુદ્દા પર જ આવી જવું જોઇએ.
'આંટી, આ જે થયું એ બહુ ખોટું થયું છે...' જેકેશ શબ્દો ગોઠવતાં બોલ્યો.
'તું કઇ વાત કરે છે? શું ખોટું થયું છે?' સુલુબેનને અંદાજ આવી ગયો હતો પણ એ પોતે ફોડ પાડવા માગતા ન હતા. દિયાન- હેવાલીની વાતની એમને ખબર નથી એવો ખ્યાલ પાકો કરતા હતા.
'એ જ કે દિયાન અને હેવાલીએ અલગ થવાનો નિર્ણય લીધો છે...' જેકેશ દુ:ખ સાથે બોલ્યો.
'તમને કેવી રીતે ખબર પડી? અમે તો કોઇને કહ્યું નથી...' દિનકરભાઇ એકદમ નવાઇથી બોલી ઊઠ્યા.
'હા પણ દિયાને અમને કહ્યું છે. એ અલગ થતાં પહેલાં અમારી સલાહ લેવા આવ્યો હતો...' જેકેશ રહસ્ય ખોલતો હોય એમ બોલ્યો.
'તો આ તારી સલાહ હતી કે એમને અલગ થવું જોઇએ?' સુલુબેનને અચાનક ગુસ્સો આવી ગયો.
'આંટી, તમે મને વર્ષોથી ઓળખો છો. નાનો હતો ત્યારથી આ ઘરમાં આવું છું. તમે મને હંમેશા દીકરા સમાન ગણ્યો છે....' જેકેશ બે હાથ જોડીને બોલ્યો:'હું એને સમજાવી ના શક્યો એની માફી માંગું છું...'
'મને તારા પર બહુ આશા હતી એટલે જ તને હું યાદ કરી રહી હતી. મને વિચાર આવ્યો હતો કે કાશ આ નિર્ણય લેતાં પહેલાં દિયાન જેકેશ પાસે ગયો હોત તો જરૂર એને સમજાવ્યો હોત. અને પછી થયું કે હજુ મોડું થયું નથી. તને વાત કરું. તું એને સમજાવશે એમ વિચારીને જ તને મળવાનું તારા અંકલને કહેવાની હતી. જેકેશ, બધું હવે તારા હાથમાં છે. તું એને સમજાવ. સારસ જેવી એમની બેલડીને તૂટવા ના દઇશ...' સુલુબેન ગળગળા સ્વરે બોલ્યા.
'આંટી, તમને શું લાગે છે? અમે એમને સમજાવ્યા નહીં હોય..?' જેકેશને બોલતાં અટકાવી રતીના બોલી:'આંટી, મેં પણ હેવાલીને સમજાવી હતી. એ લોકો અમારી કોઇ દલીલ કાને ધરવા માગતા ન હતા. જેકેશે તો દોસ્તીની કસમ આપી દીધી હતી. તો પણ દિયાન પોતાની વાત પર અડગ રહ્યો હતો. તે એમ કહેતો હતો કે અમે તમને ફક્ત જાણ કરવા આવ્યા છે. કોઇને કહેશો નહીં. પણ અમારાથી રહેવાયું નહીં અને તમારી પાસે દોડી આવ્યા...'
બંનેની વાત સાંભળીને સુલુબેન અને દિનકરભાઇ ખામોશ થઇ ગયા. જેકેશ અને રતીના બધી વાત જાણતા હશે એવી કલ્પના ન હતી. એક આશાનો દીપક હતો એ પણ બુઝાઇ ગયો.
જેકેશ બોલ્યો:'આંટી, મેં એને સમજાવ્યું કે હજુ તારા લગ્નને બહુ સમય થયો નથી. આ તો જન્મોજનમનું બંધન છે. એમ કોઇ નાની-મોટી સમસ્યાથી તોડી નાખવાનું ના હોય...ત્યારે મને કહે કે કોઇ સમસ્યા જ નથી. મેં કહ્યું કે તો પછી અલગ થવાનો પણ પ્રશ્ન આવતો નથી. ત્યારે કહે કે આ અમારો અંગત નિર્ણય છે. મેં એને કહ્યું કે તું અમને અંગત મિત્ર ગણતો નથી? ત્યારે કહે કે આ મિત્રતાની વાત નથી. અંગત જીવનની છે. એમાં તારી વાત માની શકું નહીં.'
એની વાતને સમર્થન આપતાં રતીના પણ બોલી:'હા આંટી, હેવાલીને અમે સમજાવી કે તને દિયાનમાં કઇ ખોટ લાગી કે આમ અલગ થવા રાજી થઇ ગઇ. ત્યારે એ કહે કે હું એમના નિર્ણયને સન્માન આપું છું. અમે ચર્ચા કરીને જે નિર્ણય લીધો છે એમાં કંઇ ખોટું નક્કી કર્યું નહીં હોય. કેટલીક વાતો એવી હોય છે જે કહી શકાતી નથી...આંટી, મને લાગે છે કે દિયાન અને હેવાલી અલગ થયા એ પાછળ કોઇક તો કારણ જરૂર હોવું જોઇએ.'
'એ કારણની અમને ખબર છે...' કોઇ પુરુષ સ્વર બહારથી અંદર વહી આવ્યો અને ચારેય જણ ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યા. બધાના મનમાં સરખા જ પ્રશ્નો થયા:'આ વ્યક્તિ કોણ છે જેણે અમારી વાત સાંભળી લીધી? અને એને કારણની કેવી રીતે ખબર છે?'
ક્રમશ: