આન્યાના મનમાં આજે વણથંભ્યા વિચારો અને પ્રશ્નોની હારમાળા ચાલી રહી હતી કે, કદાચ મને અશ્વલ સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? ના ના, આપણે પ્રેમ બ્રેમના ચક્કરમાં નથી પડવા માંગતા. અને આન્યા ઉભી થઈને બહાર દિવાનખંડમાં ગઈ ફ્રીઝ ખોલીને તેમાંથી એક ઠંડા પાણીની બોટલ હાથમાં લઈને પાછી પોતાના રૂમમાં ગઈ અને આખી બોટલ મોઢે માંડીને એકજ શ્વાસે ગટગટાવી ગઈ. જાણે તે જજો અશ્વલના દિલમાં મારા માટે કોઈ જ ફીલીન્ગ્સ નથી તો તે મને મળવા માટે શું કામ આવ્યો હતો અને મારા માટે તેના દિલમાં કંઈ ફીલીન્ગ્સ છે તો તે મને કંઈ કહેતો કેમ નથી ? જે હોય તે આપણે આ બધાથી દૂર રહેવા માંગીએ છીએ આ બધું જ અહીં ને અહીં જ આ જ ક્ષણે બસ ભૂલી જ જવું છે. અને તે ઉભી થઈને આજે કોલેજમાં લખાવેલી નોટ્સ હાથમાં લઈ તેને વાંચવાનો પ્રયત્ન કરતી રહી.
એટલામાં તેનો સેલફોન રણક્યો...
આન્યા મનમાં ને મનમાં બબડી
"કોણ હશે અત્યારે ?" કારણ કે અત્યારે કોઈની પણ સાથે વાત કરવાના તે બિલકુલ મુડમાં ન હતી. પાણીની બોટલ નીચે મૂકી તેણે ફોન હાથમાં લીધો અને જોયું તો, સ્મિત, "સ્મિતને વળી પાછું અત્યારે શું કામ છે. હમણાં તો છૂટાં પડ્યાં." અને મનમાં ને મનમાં બબડતાં બબડતાં તેણે ફોન ઉઠાવ્યો, " બોલ સ્મિત, શું કામ છે ? "
સ્મિત: કંઈ કામ નથી, બસ ખાલી એમ જ ફોન કર્યો હતો. તારી સાથે વાત કરવા.
આન્યા: ઑહ, બોલ શું કહેતો હતો.
સ્મિત: કંઈ નહીં. ખાલી બસ એમ જ તું યાદ આવી ગઈ એટલે ફોન કર્યો. ન, કરાય ?
આન્યા: કરાયને યાર મેં ક્યાં ના પાડી ? પણ હું અત્યારે વાત નહીં કરી શકું. જરા તબિયત બરાબર નથી.
સ્મિત: તો હું આવું ત્યાં તને લઈ જવું ડૉક્ટર પાસે ? અરે ના ડૉક્ટર તો ઘરમાં જ છે નહીં ? તારા ડેડ, હું તો ભૂલી જ ગયો. કેમ શું થયું એકદમ ?
આન્યા: કંઈ નહીં યાર, તું અત્યારે ફોન મૂકને આપણે પછી વાત કરીશું.
સ્મિત: ઓકે, કંઈ કામ હોય તો કહેજે. પણ મારે તને એક વાત કહેવી હતી.
આન્યા: હા, પણ અત્યારે નહીં આઈ એમ નોટ સો ગુડ. હું મૂકું ફોન.
અને આન્યાએ ફોન મૂકી દીધો. સ્મિતનું દિલ તૂટી ગયું તેણે આન્યાની સાથે વાત કરવા માટે ફોન કર્યો હતો તે આન્યાને કંઈક કહેવા માંગતો હતો પણ તેને ક્યાં ખબર હતી કે, આન્યાના દિલોદિમાગ ઉપર બીજું કોઈ છવાયેલું છે જેને આન્યા બેહદ ચાહવા લાગી છે અને જેની આન્યા અજાણતાં જ રાહ રાહ જોઈને બેઠી છે. કે તેના દિલનો રાજકુમાર હમણાં આવશે અને તેને પોતાના પ્રેમની પાંખો ઉપર બેસાડીને ગગનની પેલે પાર લઈ જશે જ્યાં ફક્ત પ્રેમ જ પ્રેમ છે બીજું કંઈ નથી.
અને આન્યાએ ફોન સાઈલેન્ટ કરી દીધો કે ફરીથી સ્મિત તેને હેરાન ન કરે અને પોતાની નોટ્સ વાંચવા લાગી. પરંતુ આજે તો તેનું મન આ નોટ્સ વાંચવામાં પણ પરોવાશતુ ન હતું તેથી નોટ્સ બાજુમાં મૂકી આંખો બંધ કરી તે પોતાના બેડમાં આડી પડી ગઈ.
એટલામાં મોમ તેના રૂમમાં તેના કપડા મૂકવા માટે આવી અને તેની નજર આન્યાના મોબાઈલ ઉપર પડી તો તેમાં ફોન આવી રહ્યો હતો તેમણે આન્યાને ફોન ઉઠાવવા કહ્યું આન્યાએ ફોન સામે નજર કરી તો અશ્વલનો ફોન... આન્યા ખુશ થઈ ગઈ અને ફોન ઉપાડે એટલી વારમાં તો ફોન કટ થઈ ગયો.
આન્યાને પસ્તાવો થયો કે, તેણે ખોટો ફોન સાઈલેન્ટ કરી દીધો, ખબર નહીં ક્યારનો અશ્વલનો ફોન આવતો હશે..!
અશ્વલે કેમ ફોન કર્યો હતો અને તે શું કહેવા માંગે છે તે જાણવા માટે આન્યાએ સામેથી અશ્વલને ફોન કર્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો..ઑહ નૉ યાર..આન્યાથી બોલાઈ ગયું. હવે તેણે જ ફરીથી અશ્વલનો ફોન ક્યારે આવે છે તેની રાહ જોવી રહી અને તે પાછો ફોન બેડની નીચે જમીન ઉપર મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી.
હવે અશ્વલનો ફોન ફરીથી આવે પણ છે કે નહિ અને આવે છે તો તે આન્યા સાથે શું વાત કરે છે ? અને સ્મિત આન્યાને શું કહેવા માંગે છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું.