જીવન સાથી - 10 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 10

દિપેને આન્યાને ભાનમાં લાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે ભાનમાં આવી શકી નહીં. તેનાં માથામાંથી અને આખા શરીર ઉપરથી લોહી વહ્યે જતું હતું એટલે તેને ખભે ઉપાડીને તે પોતાના ઘરે લઈ આવ્યો.


આન્યાને માથામાં ઘા પડ્યો હતો તેની પાટાપીંડી કર્યા બાદ તેને માથામાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું હતું અને શરીર ઉપરથી પણ લોહી નીકળતું બંધ થઈ ગયું હતું પણ તે હજુ ભાનમાં આવી ન હતી.


દિપેન નિર્દોષ, સારા ઘરની દેખાતી ભોળી ભાળી, દેખાવમાં સુંદર આન્યાને પોલીસને સોંપવા કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માંગતો ન હતો.


દિપેન રહેતો હતો તે ખૂબજ નાનકડું ગામડું હતું તેથી ગામના માણસો થોડા સંકુચિત માનસ ધરાવતાં હતાં અને આવી કોઈ છોકરી દિપેનના ઘરમાં રહે છે તે વાત તે ચલાવી લે તેમ ન હતાં.


એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ થયા પરંતુ આન્યાની તબિયતમાં તો કોઈ ફેરફાર દેખાયો નહીં દિપેને ફરીથી ડૉક્ટર સાહેબને પણ બોલાવ્યા પરંતુ આન્યાની પરિસ્થિતિ જે પહેલાં હતી તેમ જ બેભાન અવસ્થામાં જ હતી હવે દિપેનને પણ ચિંતા થવા લાગી.


ચાર પાંચ દિવસમાં આવી કોઈ છોકરી દિપેનના ઘરમાં રહે છે તે વાતની જાણ ગામ આખામાં ફેલાઈ ગઈ અને ગામવાળાએ તેને ચર્ચાનો વિષય બનાવી દીધો.


ગામવાળા ભેગા થઈને હાથમાં લાકડીઓ અને પાઈપો લઈને દિપેનના ઘરે આવ્યા અને દિપેનના ઘરના બારીઓના કાચ બાચ તોડી નાખ્યાં અને ઘરમાં પણ તોડફોડ કરવા લાગ્યા અને આ રીતે આવી કોઈ છોકરીને અહીં આ રીતે ન રાખવા જીદ કરવા લાગ્યા અને માથાકૂટ કરવા લાગ્યા.


હવે દિપેન ધર્મસંકટમાં આવી ગયો હતો તેને શું કરવું તે કંઈજ સમજાતું ન હતું.


તેણે પહેલાં તો બે હાથ જોડીને બધાને શાંત થવા માટે વિનંતી કરી અને પછી આ છોકરી ક્યાંથી કઈરીતે અને કેવી હાલતમાં મળી તે આખી વાત શાંતિથી સૌને સમજાવી અને ત્યારબાદ તેણે કહ્યું કે આવી માસુમ નિર્દોષ છોકરીને પોલીસને હવાલે કરી દેવાનો મારો જીવ ન ચાલ્યો માટે મેં તેને મારા ઘરમાં રાખી છે તેને અહીં મારા ઘરમાં રાખવા પાછળ મારો કોઈ બદઈરાદો નથી.


તેણે કહ્યું કે, "દેખાવે આ છોકરી કોઈ સુખી સંપન્ન પરિવારની દીકરી હોય તેમ લાગે છે તેથી મેં તેને મારી નાની બહેન સમજીને મારી પાસે રાખી લીધી છે."


પોતાની અંગત વાત જણાવતાં દિપેને કહ્યું કે, "આના જેવી જ અને ઉંમરમાં આના જેટલી જ મારે પણ એક નાની બહેન હતી તેનું નામ "પૂર્વી" હતું. દેખાવે ખૂબજ રૂપાળી ચાલાક ચબરાક અને ખૂબજ હોંશિયાર હતી.


ત્રણ વર્ષ પહેલાં હું જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમે બંને બાઈક ઉપર મારા અંકલના ઘરે જતાં હતાં અને સામેથી ટ્રક આવતાં, ટ્રક સાથે મારા બાઈકનો ખતરનાક એક્સિડન્ટ થઈ ગયો હતો.


મારી બહેન પૂર્વી પાછળ બેઠેલી હતી તે ઉછળીને ઘણે દૂર ફેંકાઈ ગઈ અને તેનું માથું જમીન સાથે ટકરાતાં તે ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામી. મને પણ ખૂબજ વાગ્યું હતું અને હું પણ બેભાન હાલતમાં હતો.


મને કોણ કઈરીતે હોસ્પિટલ લઈ ગયું તેની મને કંઈજ ખબર નથી પરંતુ હું બચી ગયો અને મારી એકની એક મને ખૂબજ વ્હાલી મારાથી નાની બહેન પૂર્વીને મેં ગુમાવી દીધી હતી જે વાતને હું હજીપણ ભૂલી શક્યો નથી અને મારે કારણે મારી બહેનનું મૃત્યુ થયું તેથી હું હજીપણ મારી જાતને માફ કરી શક્યો નથી.


આ છોકરીમાં મને મારી બહેન પૂર્વી જ દેખાઈ અને માટે હું તેને ઉંચકીને મારા ઘરે લઈ આવ્યો મેં તેને આ હાલતમાં ત્યાં પણ છોડી દીધી નહીંં અને ડૉક્ટર સાહેબને મારા ઘરે બોલાવીને તેની સારવાર કરાવી.


અને માટે જ મેં તેને પોલીસમાં પણ નથી સોંપી અને સરકારી હોસ્પિટલમાં પણ હું તેને નથી લઈ ગયો.

ગામવાળા

દિપેનને શું કહે છે અને દિપેન તેનો શું જવાબ આપે છે ?


જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


25/6/2021