આપણે પ્રકરણ-6 માં જોયું કે,
પંદર દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા તેની કોઈને ખબર જ ન પડી..!! અને આન્યાની હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂર પણ પૂરી થઈ ગઈ અને ઘરે પાછા આવવાનો સમય પણ થઈ ગયો.
આન્યાએ તેમજ તેના મિત્રોએ ખૂબજ મજા કરી આખીયે ટ્રીપ ખૂબ એન્જોય કરી, ખૂબ ફોટોગ્રાફ્સ પણ લીધાં. જિંદગીને જાણે આ પંદર દિવસમાં, જીવી લીધી અને માણી પણ લીધી...!!
બસ હવે બધાજ ફ્રેન્ડ્સ ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા હતાં અને ફ્લાઈટ ટેક ઓવર થઈ ગયુ હતું કલાકોની ગણતરીમાં ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ જશે.
પણ અચાનક, અચાનક આ શું થઈ ગયું...?? એક જબરદસ્ત ધડાકા સાથે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું. ઑહ નૉ.... આટલા બધા પેસેન્જર્સનુ શું...?? અને આન્યા, આન્યાનું શું...?? આન્યા સહી સલામત તો હશે ને..??હવે આગળ....
ડૉ.વિરેન મહેતા અને મોનિકા બેન આજે ખૂબજ ખુશ હતાં કારણ કે તેમની વ્હાલસોયી રાજકુંવરી આજે પંદર દિવસ પછી ઘરે પરત ફરી રહી હતી તેથી તેના આગમનની તૈયારી ચાલી રહી હતી. મમ્મીએ તેને માટે તેનો ફેવરીટ દુધીનો હલવો બનાવીને રાખ્યો હતો અને પપ્પાએ તેને માટે દુબઈ ફરવા જવાનો પ્લાન બનાવીને રાખ્યો હતો.
પણ, બધું જ એક સેકન્ડમાં ફ્લોપ થઈ ગયું. મમ્મી-પપ્પાના બંનેના અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ.
ડૉ.વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપર જ હતાં અને તેમને મેસેજ મળ્યા જેવા મેસેજ મળ્યા કે તરત જ તેમણે ઈન્ડિયન એરલાઇન્સમાં ફોન કરીને સમાચાર પૂછ્યા તો તેમણે સાંભળેલી વાત સાચી છે તેવા સમાચાર તેમને મળ્યા તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ, તેમને ચક્કર આવવા લાગ્યા અને આંખે અંધારા આવવા લાગ્યા, શું કરવું કંઈજ ખબર ન પડી.
તેમનાં કેબિનની બહાર પેશન્ટ તેમની રાહ જોઈને બેઠાં હતાં. થોડી વાર સુધી કેબિનનો બેલ ન વાગ્યો એટલે કમ્પાઉન્ડર કેબિનમાં પ્રવેશ્યો તેણે ડૉક્ટર સાહેબને બેભાન હાલતમાં જોયા, તેમનાં મોં ઉપર પાણી છાંટ્યું અને કમ્પાઉન્ડરે તેમને ભાનમાં લાવવાની કોશિશ કરી, થોડી વાર પછી ડૉક્ટર સાહેબ ભાનમાં આવ્યા. કમ્પાઉન્ડરે તેમને પાણી પીવડાવ્યું અને અચાનક આમ બનવાનું કારણ પૂછ્યું.
ડૉક્ટર સાહેબે કમ્પાઉન્ડરને આન્યા જે પ્લેનમાં અમદાવાદ પરત ફરી રહી હતી તે પ્લેન ક્રેશ થઈ ગયું છે તે સમાચાર જણાવ્યા અને પોતાને હવે શું કરવું જોઈએ તે કંઈજ સૂઝતું નથી તે વાત જણાવી.
કમ્પાઉન્ડરે તેમને થોડી ધીરજ અને હિંમત રાખવા કહ્યું અને આન્યા મેડમ સહી સલામત જ હશે તેવી પોઝિટિવ એનર્જી આપી સૌ પ્રથમ એરપોર્ટ ઉપર જઈ સાચી હકીકત જાણવા કહ્યું અને તેમને એકલા ન જવા દેતાં પોતે એરપોર્ટ ઉપર તેમની સાથે જવાનું નક્કી કર્યું.
હાજર બેઠેલા પેશન્ટને સાચી પરિસ્થિતિની જાણ કરીને ડૉ. વિરેન મહેતા પોતાના કમ્પાઉન્ડર રાજુને પોતાની સાથે લઈને એરપોર્ટ તરફ જવા માટે રવાના થયા.
એરપોર્ટ ઉપર પહોંચીને તેમણે પૂછપરછ કરી કે કઈ જગ્યાએ પ્લેન ક્રેશ થઈ ગયું છે ?
એરપોર્ટ ઉપરથી તેમને જાણવા મળ્યું કે, "અમારી એક ટીમ આ બધીજ તપાસ કરવા માટે નીકળી ગઈ છે અને પ્લેન લગભગ 80% પોતાનો રસ્તો કાપી ચૂક્યું હતું એટલે ઈન્ડિયામાં જ આ ઘટના બની છે.
હવે તે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ બન્યું તેની તપાસ તો આ ટીમ સમાચાર આપે પછીજ ખબર પડે એટલે હમણાં તો રાહ જોયા સિવાય કોઈ છૂટકો જ નથી.
ફરીથી ડૉ. વિરેન મહેતા ખૂબજ નિરાશ થઈ ગયા અને ભાંગી પડ્યા. શું કરવું ? કંઈજ તેમને સૂઝતું ન હતું. હવે તો ઈશ્વર કરે તે જ ખરું...!!
એટલામાં તેમના સેલફોનમાં રીંગ વાગી જોયું તો મોનિકા બેનનો ફોન હતો. શું કરવું ? શું જવાબ આપવો મોનિકા બેનને ? કઈરીતે ફોન ઉપાડવો ? ડૉ. વિરેન મહેતાની હિંમત ચાલતી નહોતી.
તેમણે બે વખત તો ફોન ઉઠાવ્યો જ નહીં પરંતુ મોનિકા બેન તો ઉપરાછાપરી ફોન ઉપર ફોન કરી રહ્યા હતાં....
ડૉ. વિરેન મહેતા ફોન ઉઠાવશે ? શું જવાબ આપશે ? અને એ જવાબ સાંભળીને મોનિકા બેનની શું હાલત થશે ? જાણવા માટે વાંચતાં રહો "જીવન સાથી " પ્રકરણ-8
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/6/2021