આજે ગેલો બહાર હોવાથી માલમાં કનો અને રામુઆપા ગયા હતા.ઉપરથી ધાર કરીએ ને જેમ રાઈના દાણા છૂટાછૂટા ફેલાઈ જાય,તેમ માલ બધો દાણો દાણો થઈ ફેલાઈ ગયો છે. કનાની નજર ક્યારની આસપાસ ભમી રહી હતી. તે રાધીને શોધી રહ્યો હતો. તેણે રાધીના આપા નનાભાઈને તો જોયા પણ રાધી ક્યાંય નજર નહોતી પડતી. અત્યારે ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયાં હતાં. જેણે ચોમાસામાં ગીરનું જંગલ જોયું હોય તેને,ઉનાળામાં ગીરનું જંગલ દીઠું ના ગમે એવું થઈ જાય છે. મોટાભાગના ઝાડના પાંદડા ખરી પડે છે. ચારેબાજુ બધું સુકુ ભઠ્ઠ લાગે છે. ફક્ત નદીના બંને કાંઠે આવેલા ઝાડવામાં થોડી ઘણી લીલપ લાગે છે. ખળખળ વહેતી નદી પણ અત્યારે સુકાઈ ગઈ છે. ક્યાંક ક્યાંક ડેમમાં થોડા ઘણા પાણી બચ્યા છે. જંગલી જનાવરોને પાણી પીવા માટે બનાવેલી રકાબી આકારની કુંડીઓ પવનચક્કીથી તો ક્યાંક પાણીના ટેન્કરથી ભરવામાં આવે છે. ગીરના જંગલને અડીને આવેલી વાડીઓમાં લહેરાતા પાકની લીલપ થોડી આંખો ઠારે છે. ગીરના જંગલનું ઘાસ પણ સૂકાઈને ખરી પડ્યું છે. ચોમાસામાં એક જગ્યાએ ઊભા ઊભા ચરતા માલઢોર અત્યારે હડીયું કાઢ્યા કરે છે. ઘાસના અભાવે એ પણ બિચારા શું કરે? ક્યાંક ઝાળાની વચ્ચે ઉગેલા ઘાસને ચરી તેના પેટની ભૂખ મિટાવે છે. ભેંસો ઘડી ઘડી ઝાડના છાયડા ગોતી ઊભી રહી જાય અને તડકાની હાફવા લાગે છે. વળી ગોવાળિયા તેને ત્યાંથી હાંકે તો ઘડીક ચરવાં લાગે. આમને આમ બપોર ચડાવે એટલે થોડા બચેલા પાણીવાળા ડેમમાં ભેંસોને બેસાડી દે.ગોવાળિયા પણ વડલાના છાયડામાં બેસી રોટલા ખાયને ઘડીક આરામ કરે. કનાને એમ લાગ્યું કે રાધી વડલાને છાયડે બેઠી હશે. તે ત્યાં પણ આંટો મારી આવ્યો. પણ રાધી ત્યાં પણ નહોતી. કનો માલ ચારવા આવે અને રાધી ન હોય એવું ક્યારેય બનતું ન હતું. તેથી કનાને રાધી વગર કોની સાથે વાતો કરવી તે સૂઝતું નહોતું. તે આમથી તેમ આંટા મારવા લાગ્યો. તેને આંટા મારતો જોઈ નનાભાઈએ કહ્યું, "કાઠીયાવાડી કેમ હડિયુ દે સો? એક ઠેકાણે ઠાર પડી જાને વાલા."કનાએ સીધું પૂછી જ નાખ્યું, "મામા રાધી કીમ નહીં દેખાતી?" "તારે તુ રાધીની ગોતણે ચડ્યો સો એમ કેને! આજ ઘરે મેમાન આયા સે એટલે રાધી ઘરે રોકાય જઇ સે." એમ કહી નનાભાઈ હસવા લાગ્યાં. કનાએ કહ્યું, " બપોર કેડેય નય આવે?" નનાભાઇએ કહ્યું, " ના આજ તો આખો દાડો નય આવે.ઘરે કામ હોય ને.પણ તારે ઈનું કામ હૂ સે ઈ તો કે મને?" " મને ઈની વગર આયા જંગલમાં ગોઠતું નહિ." કનાએ મનની વાતનો સીધો જ ખુલાસો કરી દિધો. " તારે રાધીનો બવ નેડો. રાધી પણ તારી વાતું કરતાં થાકે નય.ઘરે ભેંહું દોવરાવતી હોય ઈ ટાણે કનો...કનો... જ કર્યા કરે.અલ્યા અમી આટલા બધાં ગોવાળિયા સી તોય તને ગોઠતું નહિ? બાકીમાં પૂરા આ ઝાડવા સે ઈની ભાયબંધિ કરી લે.અમી એકલાં એકલાં હોવી એવે ટાણે આ ઝાડવા ભેળી વાતું કર્યે રાખવી.આ ઝાડવા હંધુ હમજે હો કાઠીયાવાડી! કૈંક ઈની ભેરી હખદખની વાતું કરી જોજયે. ઈ બોલે નય એટલુજ બાકી હમજે હંધ્યું. તમે કાયમ જે ઝાડવા હેઠે બેહતા હોવ ઈ તમારી હંધીય વાતું હાંભળે. આપડે ખુસી થાવી તો ઈ ઝાડવું ય ખુસ થાહે.આપડે ઉદાસ થાવી તો ઝાડવું ય ઉદાસ થાહે.અમને તો આટલા વરહોનો ગીરનાં ઝાડવાનો અનુભવ સે.બીજી મારી વાત અયાદ રાખજે કાઠીયાવાડી, ' કોયનો આટલો બધો નેડો હારો નય હો...!! વધું નેડો આગળ જાતા દુઃખ આપે."
કનાને નનાભાઈની આ જીવનની ફિલોસોફીની વાતો નો સમજાણી પણ તેના મનમાં એટલી સમજ પડી ગઈ કે ઝાડવા વાતો સાંભળે છે,અને ઈ આપડી વાતું હમજે છે. કનો ઊભો થઈ ચાલવા લાગ્યો. નનાભાઈએ હસતા હસતા કહ્યું, "વળી પાસી કાઠીયાવાડીને ઘૂરિ આવી.અલ્યા વળી પાસો ક્યાં હાલ્યો?"કનો કશો જવાબ દીધાં વગર પાણીની ખાડયના કાંઠે ઊભેલી લીલીછમ રાયણના ઝાડ નીચે આવ્યો. કનોને રાધી રોજ બપોરે ભેંસો ખાડે પડે ત્યારે તેનું ધ્યાન રાખવા અહીં રાયણનાં ઝાડના છાંયડે પડેલા મોટા પથ્થર પર બેસી અલકમલકની વાતો કર્યા કરે. કનો ત્યાં આવી પથ્થર પર બેસી ગયો. હજી માલઢોર છૂટા-છવાયા ચરતા હતા. બપોર થવાને હજી થોડી વાર હતી. સુરજદાદો તો આગનો ગોળો થઈ ગયો હતો. એક ભેંસ તડકાથી થાકીને રાયણના છાયડામાં ભરાઈને પેટમાં જે થોડું ઘણું ચરેલું ઘાસ પડ્યું હતું, તે વાગોળી રહી હતી. કનાએ હાકેલો કરી તેને ત્યાંથી ચરવા માટે કાઢી. પછી કનો પથ્થર પર આવી બેસી ગયો. ઘડીક કશું બોલ્યો નહીં, આજુબાજુ જોયા કર્યું. રાયણના ઝાડ પર પાકી ગયેલા રાયણના ફળો લચી રહ્યા હતા. બુલબુલ,કોયલ, કાબર, ટુકટુકિયો જેવા પક્ષીઓ પાકા ફળ આરોગવામાં લાગી ગયા હતા. ઉપરથી ઠળિયા અને અડધા ખાધેલા ફળો નીચે પડી રહ્યા હતા. રોજ મીઠો લાગતો પક્ષીનો કલરવ કનાને આજ રાધી વગર દેકારો લાગતો હતો. તેણે બંને હાથની તાળી વગાડી હા...ટ કરી હાંકલો કરી પક્ષીને ઉડાડ્યા. અચાનક આવેલા અવાજથી બધા પક્ષીઓ ફરર...કરતાં ઉડી ગયા. પક્ષીઓનો કલબલાટ બંધ થતા શાંતિ વ્યાપી ગઈ. રોજ રાધીની વાતો ચાલુ હોય ને કનો સાંભળતો હોય. આજે કોણ વાતો કરે? કનો બોલ્યો, " મેમાન આયા ન્યા ઈ હૂ કામ કરી ઊંધી વળી જાવાની હહે? પણ તડકાનું માલમાં નો આઢવું પડે ઈમાં ઘરે રય સે. બવ આળહુડી થઈ જય સે. ઈ ની ભેહ આડી અવળી થાય તોય મને વાળવા મોકલે,લે તો કાઠીયાવાડી જરાક ઊભો થા ને મારી ભેહ હાંકલતો આવ્યને. ઈ સે જ એવી આળહુડી."એટલામાં પેલી ભેંસ ફરી છાયડો ભાળી એ બાજુ આવી. કનાએ પથ્થર ફેંકી તેને પાછી કાઢી. તે ફરી બબડવા લાગ્યો, "નો આવે તો કાય નય. આપડે ઈનું હૂ કામ સે.અમથીય બકબક કરી માથું દુખવાડી દેતી.ઈની વગર આપડે આખો દાડો સાંતી રે સે. ઈ ને ઈમ થાય કે ઈ જ આખા જંગલને ઓળખે! હાવજ્યુંને ઈ જ પાસા વાળે. હવે તો આપડે ય મોટા થય જ્યા. હવે આપડેય બધું જાણવી." મનમાં આટલું બબડી કનો ફરી શાંત થઈ ગયો.તેને રાધી યાદ આવતાં કનો હીજરાય ગયો. તે કશું બોલ્યા ચાલ્યા વગર બેસી રહ્યો. તેણે ઉડાડેલા પક્ષીઓ ફરી પાછા એક-એક કરી ડાળખીએ ડાળખીએ લાગેલા રાયણનાં ફળ ઠોલવા લાગ્યા. ને ફરી પાછા કલબલાટ કરવા લાગ્યા. કનાએ ઉપર જોયું તો બધા પક્ષી ડરતા ડરતા ફળ ખાતા હતા. હવે કનાએ આ પક્ષી ઊડી ન જાય તેની કાળજી રાખી. એની કાળજીના ઈનામ સ્વરૂપે બુલબુલે એક પાકી ટહા જેવી રાયણ કના પર ફેંકી. કનો એ રાયણ ઉઠાવી ખાવા લાગ્યો. કનાને રાયણનો સ્વાદ ખૂબ મધુર લાગ્યો. રાયણ ખાતા ખાતા તેને ફરીથી રાધી યાદ આવી ગઈ. પોતે ઝાડ પર ઉપર સુધી ચડી ન શકે. એટલે રાધી ઘાઘરીનો કસોટો મારી રાયણના ઝાડ પર ઉપરની ડાળે ચડી જાય. ત્યાંથી પાક્કી અને મીઠી રાયણ કના માટે નીચે નાખે. કનો નીચે ઉભો રહી નીચે પડેલી રાયણ વીણી વીણી દાબતો જાય. રાધી ટીખળ કરવા કાચી રાયણ તોડી કનાના માથે મારે. કનો ચીડાય એટલે રાધીને મજા આવે. તે રાયણની ડાળી પર બેઠી બેઠી હસે.
કનો સ્વભાવે અંતર્મુખી. તેને બહાર કે શાળામાં મિત્રો બહુ ઓછા. પરંતુ ગીરમાં આવ્યો અને પહેલા દિવસથી જ તેને રાધી સાથે ખૂબ જ સારું બનવા લાગ્યું હતું. રાધી પણ કનાને ગીરના જંગલમાંથી કંઈનું કંઈ ગોતીને ખવડાવ્યા જ કરે. અત્યારે ઉનાળામાં કરમદા પણ ખુબ જ પાક્યા હતા. કનાએ વિચાર્યું કે રાધી આવે એટલે તેને ખબર જ હશે કે કઈ જગ્યાએ ખૂબ મીઠા કરમદા પાકે છે. કાલે રાધી આવે એટલે કરમદા ખાવા જવું છે. આમ રાધીને યાદ કરતા કરતા કનો આજે ખૂબ ઉદાસ થઈ ગયો. તેને નનાભાઈની વાત યાદ આવી ગઈ, "ઝાડવા આપડી વાતું હમજે."કનાએ રાયણના ઝાડ તરફ જોયું તો સાચે તેને એવું જ લાગ્યું. રોજે ચળકતા અને તાજા લીલાછમ પાંદડા ફરફરાવતી રાયણ આજે કનાની ઉદાસી જોઈ નિસ્તેજ જણાતી હતી. તેનાં પાંદડાં પણ આજે લંઘાય ગયેલાં લાગતા હતા.કનો એકી ટશે રાયણના ઝાડ તરફ તાકી રહ્યો. ખરેખર પોતાની સાથે આજે રાયણનું ઝાડ પણ ઉદાસ થઈ ગયું હોય તેવું કનાને લાગ્યું. કનાને આમ એકીટસે ઉપર જોઈ રહેલો ભાળી પંખીડા ડરી ગયાને કોલાહલ શાંત થઈ ગયો. એટલામાં રામુઆપાનો કનાને બોલાવતો હાંકલો સંભળાયો.
ક્રમશઃ...
( પવિતર પ્રેમ ઘેલુડી..ગીર માટે વાંચતા રહો." નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621